‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી
નમસ્તે!
માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત થયા કે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું.
શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ નવલકથાઓ લખવી શરુ પણ કરી પરંતુ કોઈને કોઈ કારણસર આગળ લખવાનું મન જ ન થયું.
એ ત્રણ નવલકથામાંથી બે ને હાલપૂરતી આરામમાં મૂકી છે અને એક કાલ્પનિક પાત્ર ‘સુંદરી’ પર મન ઠરતાં તેને અક્ષરદેહ આપવાનું નક્કી કર્યું. બાકી જે બે નવલકથાઓ જેને આરામ આપ્યો છે તે પણ આપ ભવિષ્યમાં માતૃભારતી પર જરૂર વાંચી શકશો. આજે આપ સુંદરીનું પ્રથમ પ્રકરણ વાંચવા જઈ રહ્યા છો. તમારી જેમ સુંદરી સાથે મારી સફર પણ શરુ થવા જઈ રહી છે, જે માતૃભારતીમાં મારી ઘરવાપસી છે કારણકે લગભગ ત્રણ વર્ષના લાંબા કહી શકાય બ્રેક બાદ મારી નવલકથા માતૃભારતી પર શરુ થઇ રહી છે.
સુંદરીની આ સફર કેટલી લાંબી ચાલશે એની મને પણ ખબર નથી પરંતુ જ્યાંસુધી સુંદરી આગળ લખવાની ખુદ ના નહીં પાડે ત્યાં સુધી આ સફર ચાલુ જ રહેશે. આશા છે આપ મારી અગાઉની ત્રણ નવલકથાઓની જેમ સુંદરીને પણ આવકારશો અને તેને પ્રેમ કરશો.
આપની કમેન્ટ્સ અને રેટિંગ્સ મને સતત ઉત્સાહ આપતા રહેશે, આથી તેની કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખજો.
તો મળીએ સુંદરીને... દર બુધવાર અને શનિવારે, માત્ર માતૃભારતી પર...
આપનો,
સિદ્ધાર્થ છાયા
સુંદરી - સિદ્ધાર્થ છાયા દ્વારા
એક
“વરુણ બેટા, ચલ ઉઠી જા તો! આજે કોલેજનો પહેલો દિવસ છેને?” રાગીણીબેને વરુણને ઉઠાડતા કહ્યું.
“મમ્મી, બે મિનીટ!” વરુણે ચાદર પોતાના માથે ચડાવતા કહ્યું.
“જો સાડાપાંચ વાગી ગયા છે ને પોણાસાતની તારી બસ છે દીકરા...” હવે રાગીણીબેન વરુણની બાજુમાં જ બેઠા અને તેના માથે પોતાનો હાથ પસવારવા લાગ્યા.
વરુણ કમને બેઠો થયો અને વિખરાયેલા વાળે તેણે રાગીણીબેન સામે એ સ્મિત કર્યું જેના પર તેઓ હજાર જીવન કુરબાન કરવા તૈયાર હતા.
“પેલી કાગડી જાગી કે નહીં?” વરુણે પથારીમાંથી ઉભા થતાં જ રાગીણીબેનને પૂછ્યું.
“એની તો બપોરની સ્કૂલ છે ને બેટા?” રાગીણીબેને વરુણે ઓઢેલી ચાદર હાથમાં લીધી અને તેની ઘડી કરવાની શરૂઆત કરવા લાગ્યા.
“પણ આજથી સવારે આઠ વાગ્યે એના પણ ક્લાસ છે, એ કોણ પપ્પા ભરવા જશે? મોટે ઉપાડે સાયન્સ લીધું છે તે અગિયારમામાં!” વરુણ છાશીયું કરીને બાથરૂમમાં બ્રશ કરવા જતો રહ્યો.
“બંને ભાઈ-બે’નને એકબીજા વગર ચાલે પણ નહીં અને એકબીજા વિરુદ્ધ કાવતરા કરતા, એકબીજાની ટાંગ ખેંચ્યા વગર પણ ન ચાલે.” હસતાંહસતાં રાગીણીબેન ચાદરની ઘડી કરીને વરુણના બેડ પરનો ઓછાડ બદલવા તરફ વળ્યા.
વરુણ રજા હોય કે આડો દિવસ હોય, સવારે ઉઠ્યા પછી એકવાર બાથરૂમમાં ઘૂસે એટલે બ્રશ સહીત તમામ પ્રાત: કર્મો પતાવીને જ બહાર નીકળે એવી એની આદત રાગીણીબેને તેને નાનપણથી જ પાડી દીધી હતી. પિતા હર્ષદભાઈ અમદાવાદમાં ઇન્કમટેક્સ કમિશનર હતા અને પૈસેટકે સુખી પરંતુ માતાપિતાએ તેમના બંને બાળકોને સાદાઈથી જીવવાનું પણ શીખવાડ્યું હતું. આમ જુઓ તો હર્ષદભાઈ અને રાગીણીબેન સ્વભાવે સિક્કાની બે બાજુ જેવા જ હતા.
બંને એકબીજા જેવા જ સરળ, માયાળુ અને પ્રેમાળ. હા, રાગીણીબેનનો એક હકારાત્મક સ્વભાવ હર્ષદભાઈ કરતા ચડે એવો હતો અને તે હતો કટોકટીના સમયે તેઓ આકરામાં આકરો નિર્ણય લઇ શકતા હતા, જે હર્ષદભાઈ તેમની ઓફિસની બહારના પરિઘમાં લેવામાં અક્ષમ હતા.
આજે વરુણની કોલેજના પહેલા વર્ષનો પહેલો દિવસ હતો. તેની કોલેજ આર્ટ્સ અને કોમર્સ બંને હોવાથી આર્ટ્સનો સમય સવારનો હતો. બારમા ધોરણમાં ઠીકઠાક કહી શકાય એવા ૬૨% સાથે વરુણ પાસ થયો હતો અને ઈતિહાસ સાથે આર્ટ્સ કરીને આગળ એમ.એ કરી પ્રોફેસર થવાનો નિર્ણય વરુણનો જ હતો, જેને તેના સમજુ માતાપિતાએ વધાવી લીધો હતો.
તો તેની ચકોર, તોફાની પરંતુ ભણવામાં અત્યંત હોંશિયાર બહેન ઇશાનીએ દસમા ધોરણમાં ગુજરાત બોર્ડમાં નવમો નંબર મેળવ્યો હતો અને તેણે ઇન્ફોટેકમાં આગળ વધવાનું નક્કી કર્યું હોવાથી તેણે અગિયારમાં ધોરણમાં સાયન્સ પસંદ કર્યું હતું અને આ નિર્ણય પણ રાગીણીબેન અને હર્ષદભાઈએ હસતા મોઢે અને મનથી સ્વીકાર્યો હતો.
“મને એમ કે આજે પણ સાહેબ નવ વાગ્યે જ ઉઠશે.” ડાઈનીંગ ટેબલ પર છાપું વાંચી રહેલા હર્ષદભાઈને વરુણના તૈયાર થઈને નાસ્તા માટે ટેબલ આવવાની તેના પગલાંના અવાજથી ખબર પડતા જ પોતાની આદત અનુસાર તેની મશ્કરી કરી.
“પુત્ર પ્રત્યે આપના વિચારો અદભુત છે કમિશનર સાહેબ!” ડાઈનીંગ ટેબલની ખુરશી ખેંચીને તેના પર બેસતા વરુણે જવાબ આપ્યો.
વરુણ અને હર્ષદભાઈ વચ્ચે પિતા-પુત્ર કરતા મિત્રોના સંબંધો વધુ હતા પરંતુ બંને પોતપોતાની મર્યાદા જાણતા હતા અને ક્યારેય તેને ચૂકતા ન હતા. તેમ છતાં એકબીજાની મસ્તી તો સતત ચાલુ જ રહેતી હતી.
“મને તો બીજો પણ એક અદભુત વિચાર આવે છે, પુત્ર!” મહાભારત સિરિયલમાં ભીષ્મ બનેલા મુકેશ ખન્નાની સ્ટાઈલમાં બોલતા હર્ષદભાઈ બોલ્યા.
“કયો વિચાર તાતશ્રી!” વરુણે હર્ષદભાઈએ જ ટોસ્ટરમાં પોતાના બન્ને માટે બનાવી રાખેલી બ્રેડ પર બટર લગાડતા પૂછ્યું.
“એમ જ કે આજે મારો પુત્ર કેટલા રન બનાવશે?” હર્ષદભાઈએ વરુણને જવાબ આપતા કહ્યું.
“પિતાશ્રી, છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ભારે વરસાદ હોવાથી તેમજ ઠેરઠેર તંત્રની પોલ ખુલ્લી પડી જતા ક્રિકેટ પ્રેક્ટીસ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે.” વરુણે બ્રેડનું પહેલું બટકું ભરતા કહ્યું.
“અરે એ તો રોજની વાત થઇ, એમાં તો મારો દીકરો સેન્ચુરી જ મારે છે, મને તો કોલેજનો સ્કોર જાણવાનો અદમ્ય ઉત્સાહ છે.”
“અર્થાત? મારા માનસપટલ પર આપના કથિત ઉત્સાહની તાર્કિક અનુભૂતિ નથી થઇ રહી પિતાશ્રી.”
“અર્થાત, પુત્ર આજે કોલેજસ્ય પ્રથમ દિવસે, મારા ઊંચા, ગૌરવર્ણ તેમજ જીમમાં મહિનાઓ સુધી અહર્નિશભાવે કરેલી મહેનત દ્વારા બનાવવામાં આવેલા શરીર સૌષ્ઠવ ધરાવતા નખશીખ હેન્ડસમ અને યુવાન પુત્રને જોઇને કેટલી કન્યાઓના હ્રદય પર આઘાત થશે તેના સ્કોરની વાત કરી રહ્યો હતો.”
“પિતાશ્રી, આપની અધીરાઈ તેના સ્થાને યોગ્ય નથી, એ દિવસ પણ આવશે અને જરૂર આવશે અને તે દિવસના સંધ્યાકાળે જ આપના કાર્યાલયથી ગૃહ આગમન સમયે આપને તેનો વિસ્તૃત અહેવાલ આપવામાં પણ આવશે તેની આપ ખાતરી રાખજો.” વરુણે પહેલી બ્રેડ લગભગ ખાઈ લીધી હતી.
“તમે બંને છોકરીઓને લાઈન મારવામાંથી નવરા પડો ત્યારે જરા ઘડિયાળ જોઈ લેજો. સવા છ થઇ ગયા છે અને વરુણની બસ પોણા સાતની છે અને બસ સ્ટેન્ડ સુધી પહોંચવામાં પંદર મિનીટ ઓછામાં ઓછી લાગશે.” વરુણનો રૂમ સ્વચ્છ કરીને રસોડામાં પહોંચેલા રાગીણીબેને બંને બાપ-દિકરાને સમયનું ભાન કરાવ્યું.
“છોકરીઓની વાત આવે એટલે પપ્પા અને ભાઈ બંનેને ટાઈમ ક્યાં દેખાય જ છે?” પોતાના રૂમમાંથી અચાનક જ ટપકેલી ઈશાનીએ આવતાની સાથે જ ટહુકો કર્યો!
“બ્રશ કર બ્રશ, કાગડી વાસ આવે છે.” બીજી બ્રેડ હાથમાં જ લઈને ઉભા થઇ ગયેલા વરુણે પોતાના રૂમમાં જતા જતા ઇશાનીના માથે ટપલી મારતા કહ્યું.
“તે તો બ્રશ કર્યું છે તોય બ્રેડ અને બટરની વાસ આવે છે જાને...” ઈશાનીએ વરુણને ધક્કો માર્યો.
“ઈશાની બેટા, બ્રશ કરીને નાહી લે તો? તારે પણ આઠ વાગ્યે ક્લાસમાં પહોંચવાનું છે ને?” રાગીણીબેને રસોડામાંથી બુમ મારી.
રાગીણીબેનની બુમ સાંભળીને હર્ષદભાઈએ ઇશાની સામે તોફાની સ્મિત કરતા પોતાની ચારેય આંગળીઓ વાળી અને અંગુઠો નીચો કર્યો અને જવાબમાં ઈશાનીએ તેની જીભ બહાર કાઢી અને હસતાંહસતાં પોતાના રૂમમાં પરત થઇ ગઈ.
“મમ્મી, પપ્પા, હું જાઉં છું ટાટા...કાગડી કા કા..” વરુણ બોલતા બોલતા મેઈન ડોર તરફ જવા લાગ્યો.
“વરુણ, દહીં – ખાંડ તો ખાતો જા, આજે કોલેજનો પહેલો દિવસ છે બેટા!” રાગીણીબેન વરુણનો અવાજ સાંભળીને રીતસર તેની પાછળ દોડ્યા.
વરુણ આ સાંભળીને ઉભો રહ્યો અને ઉંધો ફર્યો. રાગીણીબેન તેની પાસે પહોંચ્યા અને વાટકીમાં રહેલા દહીં-મીસરીના મિશ્રણને એક ચમચીમાં લઈને વરુણ સામે ધર્યું જેને વરુણે ખાધું અને તેમને પગે લાગ્યો, પછી હર્ષદભાઈ તરફ દોડ્યો અને તેમને પણ પગે લાગ્યો અને વળતા પગે ફરીથી દોડીને ઘરની બહાર નીકળી ગયો.
રાગીણીબેન ડાઈનીંગ ટેબલ પર દહીં-ખાંડની વાટકી મૂકી અને મેઈન ડોર બંધ કરવા ગયા. હર્ષદભાઈએ તરતજ એ વાટકી હાથમાં લીધી અને ચમચીથી દહીં-મીસરી ખાવા લાગ્યા.
“તમને મેં ના પાડી છે ને? ડાયાબિટીસ બોર્ડર પર છે, પણ સમજે એ બીજા!” રાગીણીબેનને હર્ષદભાઈની આ હરકત ન ગમી.
“જ્યારે દુશ્મન હદ પાસે રહીને અટકચાળા કરતો હોય ત્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઈક કરી તેનો ખાત્મો બોલાવી દઈએ તેમાંજ વીરતા છે પ્રિયે!” હર્ષદભાઈએ રાગીણીબેનને આંખ મારી.
“પપ્પા હું હજી ક્લાસમાં નથી ગઈ હોં, રોમાન્સ પછી કરજો મમ્મી જોડે.” ઈશાનીએ પોતાના રૂમમાંથી ડોકું કાઢીને કહ્યું.
==::==
“ઓહો! તો સાહેબ તૈયાર છે? મને એમ કે મારે તને ઘેરે લેવા આવવો પડશે!” કૃણાલને દરવાજે ઉભેલો જોતા જ વરુણ બોલ્યો.
કૃણાલ વરુણનો બાળપણનો મિત્ર. એ બંનેના બંગલા પણ આજુબાજુમાં જ. કૃણાલના પિતાની નજીકમાં સ્ટેશનરીની વિશાળ દુકાન હતી. કૃણાલ અને વરુણના સ્વભાવ આમ મળતા આવે પરંતુ કૃણાલ કાયમ પોતાની ઉંમરથી મેચ્યોર અને ગંભીર રહેતો, વરુણની મિત્રતા દિલોજાનથી નિભાવતો અને સામે વરુણ પણ કૃણાલનો પડ્યો બોલ નિભાવતો.
“હું તો, પોણા છ નો તૈયાર હતો, પણ મને ખબર જ હતી કે તું મોડો પડીશ!” કૃણાલે જવાબ આપ્યો.
“મોડો શેનો?” હજી છ પચ્ચીસ થઇ છે અને દસ મિનીટમાં તો આપણે બસ સ્ટેન્ડે પહોંચી જઈશું.” વરુણ હસીને બોલ્યો.
“તેના માટે બસ સ્ટેશન તરફ ચાલવાનું તો શરુ કરવું પડશેને?” કૃણાલે પોતાનો હાથ લાંબો કરીને વરુણને આગળ વધવાનો ઈશારો કર્યો.
“અલ્યા એ તો હું ભૂલી જ ગયો, ચલ ચાલીએ!” વરુણ ફરીથી હસ્યો. આમ લગભગ દસેક મિનીટ ચાલીને બંને તેમના ઘર પાસે આવેલા AMTSના બસ સ્ટેન્ડે આવ્યા અને બસ, જે એમને એમની નવી કોલેજથી થોડે જ દૂર ઉતારવાની હતી તેના આવવાની રાહ જોવા લાગ્યા.
“એ... કૃણાલીયા...પેલી જો આપણી તરફ જ આવે છે.” દૂરથી એક છોકરી આવતા જોઇને વરુણે કૃણાલના કાનમાં ગણગણાટ કર્યો.
“અલ્યા, હજી આજે પહેલો જ દિવસ છે અને તું...” કૃણાલ હજી બોલીજ રહ્યો હતો ત્યાં...
“અરે, મારા બાપા તો આજથી જ મારો સ્કોર માંગવાના છે, તું બી શું યાર!” ... વરુણે તેને રોકી લીધો.
“એક તારા બાપા છે, અને બીજા મારા... મને તો હજી પણ એમનાથી બીક લાગે છે. પણ આ બધું સારું નહીં વરુણ.” કૃણાલે પોતાની મેચ્યોરીટી દેખાડી.
“તારા બાપાને ચૂલામાં મુક... લાગે છે બી મસ્ત!” વરુણે ફરીથી ગણગણાટ કર્યો.
“તું યાર...લાઈન મારવી હોય તો આગળ આવીને ઉભો રે’!” કૃણાલ આટલું કહીને પોતે જ વરુણના ઊંચા પહોળા શરીરની પાછળ લગભગ સંતાઈ ગયો.
“આપણી જ કોલેજમાં હોય તો મજા આવશે.” વરુણે હવે બંનેની નજીક આવીને ઉભેલી એ છોકરી તરફ ન જોતા કૃણાલ તરફ ફરીને કહ્યું.
“સાતસો નંબર કેટલા વાગ્યે આવશે?” પેલી છોકરીએ આવતાં જ વરુણને પૂછ્યું.
“પોણા સાતે.” વરુણે બેફિકરાઈથી જવાબ આપ્યો.
“ઓહ, તો તો હજી પાંચ મિનીટ છે.” પેલી છોકરીએ સ્મિત આપ્યું.
“હાજી... ડી એલ કોલેજ ઓફ આર્ટ્સ?” વરુણે સીધ્ધું પૂછી જ લીધું અને કૃણાલે આ ઉતાવળ બદલ એનો ખભો દબાવ્યો.
“નો નો... જી જી સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી!” પેલીએ સ્મિત કર્યું.
વરુણને ખ્યાલ આવી ગયો કે આ છોકરી તેની કોલેજમાં તો નથી જ પરંતુ એના બસ સ્ટોપ કરતા પણ ત્રણ સ્ટોપ પહેલા આવતી જી જી સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીની સ્ટુડન્ટ છે. એ થોડો નિરાશ થયો, પણ પછી વિચાર આવ્યો, કે કશું નહીં તો દરરોજ તેને નીહારવા તો મળશે!
“શું છે કે આજે કોલેજનો પહેલો દિવસ છે એટલે મને થયું કે તમે પણ મારી જ કોલેજમાં હશો.” વરુણે વાત આગળ વધારવાના ઈરાદે કહ્યું.
“મારો પણ આજે પહેલો દિવસ જ છે, પણ મારી કોલેજ બપોરની છે, આજે બધીજ ફેકલ્ટીઝ સાથે બધા જ સ્ટુડન્ટ્સના ઇન્ટ્રો સેશન્સ છે એટલે સવારે જવાનું છે, બાકી ટુમોરોથી તો આફટર નૂન જવાનું.” છોકરીનો જવાબ સાંભળીને વરુણ નિરાશ થઇ ગયો. એણે કેટકેટલા સપનાઓ જોઈ લીધા હતા આ ચાર-પાંચ મિનિટમાં. કોઈક દિવસ કોઈ બહાનું બનાવીને એ પણ એ છોકરી સાથે જ તેના બસ સ્ટેન્ડ પર ઉતરવાનો પ્લાન પણ બનાવી ચૂક્યો હતો જેથી તેની સાથે વાતચીત વધે અને ઓળખાણ પણ. પરંતુ....
==:: પ્રકરણ ૧ સમાપ્ત ::==