વિદ્યાર્થીઓનું વેકેશન તો યાદગાર બની જ ગયું હતું, આવો સરસ મજાનો ક્રિકેટ મેચ બધા લોકોને યાદ રહી ગયો હતો. આ મેચની અસર મેચ પછીના ત્રણ-ચાર દિવસ સુધી રહી. વેકેશન ખૂલવાને હવે ચારેક દિવસોની વાર હતી. આ તહેવાર પૂર્ણ થવાનો હતો. બધા વિદ્યાર્થીઓ નવા ધોરણ માટે ઉત્સાહિત હતા, મામાના ગામથી પણ હવે બધા પાછા ફરી રહ્યા હતા. નવા ધોરણ માટે જરૂરી વસ્તુઓની ખરીદી માટે સ્ટેશનરીઓમાં લાંબી કતારો જોવા મળી રહી હતી. બજારમાં પણ વધારે હલ-ચલ જોવા મળી રહી હતી. કોઈ નવા સ્કૂલ બેગ માટે જીદ કરી રહ્યું હતું તો કોઈ નવા લંચ બોક્સ કે પાણીની બોટલો માટે, કોઈ તો વળી નવા કંપાસ બોક્સની જીદ પર ચડ્યું હતું. વિદ્યાર્થીઓનું વેકેશન હવે પૂરું થયું હતું.
નવી સવાર અને નવો દિવસ, એ જ પ્રાર્થના સભામાં તન્વી મેડમનું નવા વિદ્યાર્થીઓ માટે ભાષણ આ વખતે બોરિંગ લાગી રહ્યું હતું. નવા વિદ્યાર્થીઓમાં થોડો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બધાને .નવા વર્ગો ફાળવી દેવામાં આવ્યા હતા. નવમાં ધોરણમાં પણ સાત જેટલા નવા એડમિશન થયા હતા. પ્રાર્થના પૂર્ણ થયા બાદ બધા પોતના ક્લાસમાં ગયા. ધોરણ 9માં આવેલ નવા એડમિશનમાં એક નામ હતું ‘દેવાંશી દવે’. આ નામ જેટલું સરસ હતું, એથી પણ વધુ સુંદર આ છોકરી.
બ્લુ ડેનિમ જિન્સની ઉપર વ્હાઇટ લોંગ ટોપ પવન સાથે લહેરાતું હતું, કમર સુધીના લોંગ હેરમાં એક હેર ક્લિપ લગાવી હતી અને થોડી ઝુલ્ફો પવન સાથે ચહેરા પર લહેરાતી હતી, ચહેરા પરની માસૂમિયત અને આછી પિંક લિપસ્ટિક ચહેરાની સુંદરતાને વધારી રહી હતી, ભૂરી આંખો અને કાજળ તેની સુંદરતાને નિખારી રહ્યા હતા, મનમાં અનેક પ્રકારના સવાલો તેમજ મુંઝવણ લઈને ક્લાસમાં અંદર પ્રવેશી રહી હતી.
દેવાંશીના ક્લાસમાં પ્રવેશતા જ બધા લોકો તેણીને જોઈ રહ્યા, બધાની આંખો ખુલી જ રહી ગઈ, કાજલ પણ થોડી વાર માટે તો સ્તબ્ધ થઇ ગઈ, કાજલ એટલે બીજું કોઈ નહિ પરંતુ અત્યાર સુધીની સ્કૂલની સૌથી સુંદર છોકરી, હવે એવું લાગી રહ્યું હતું જાણે દેવાંશી કાજલને સુંદરતા બાબતે ટક્કર આપવાની હોય.
લેકચરનો સમય થયો, પહેલો લેકચર પાર્થ સરનો હતો, પાર્થ સરે બધા વિષય અને સિલેબસની પ્રસ્તાવના આપી, થોડી વાતો કરી અને નવા આવેલ વિદ્યાર્થીઓને પરિચય આપવા કહ્યું, બધા જ પોતાનો પરિચય આપી રહ્યા હતા, દેવાંશીનો વારો આવ્યો, તેણી પોતાનો પરિચય આપવા માટે ઉભી થઇ કે તરત જ બધા વિદ્યાર્થીઓ તેને જોવા લાગ્યા.
“આઈ એમ દેવાંશી દવે ફ્રોમ વડોદરા.” આટલું કહીને તે બેસી ગઈ. કદાચ એને બોલવાનું ફાવ્યું નહિ. આવી ફેન્સી છોકરી આટલી શાંત હોઈ શકે? આવો પ્રશ્ન બધાને થયો. બાહ્ય દેખાવે ખુબ જ સુંદર આ છોકરીને પોતાની સુંદરતા પર કીડીના પગ જેટલું પણ અભિમાન નહતું. ક્લાસમાં પણ આશ્ચર્યજનક વાતાવરણ છવાઈ ગયું હતું. તન્વી મેડમના લેક્ચરમાં પણ આ છોકરીએ મોઢામાંથી એક શબ્દ ના કાઢ્યો. શાળાનો આજ પ્રથમ દિવસ હોવાથી બે લેક્ચર પછી જ બ્રેક હતી. બ્રેક પડતા જ બધા વિદ્યાર્થીઓ દેવાંશી પાસે પહોંચી ગયા, બધા છોકરાઓ દેવાંશીના મિત્ર બનવા ઈચ્છતા હતા. પણ દેવાંશી એકદમ ચુપ હતી, પોતાની સાથે લાવેલા ક્યુબથી રમી રહી હતી. એના ચહેરા પરનો ગુસ્સો એની સુંદરતાને ક્યાંકને ક્યાંક દબાવી રહ્યો હતો.
“પ્લીઝ મને એકલી છોડી દો, મારે તમારી કોઈ સાથે વાત નથી કરવી.” બેન્ચ પર જોરથી હાથની વાળેલ મુઠ્ઠી પછાડતા બોલી.
કાજલના મિત્રો પણ દેવાંશી સાથે ફ્રેન્ડશીપ કરવા ઈચ્છતા હતા. આ જોઇને કાજલ પણ લાલ પીળી થઈને ક્લાસની બહાર નીકળી ગઈ. કદાચ કાજલને આ ખટક્યું હશે. પોતાની સુંદરતા બાબતે થોડો ઘમંડ કાજલને અવશ્ય હતો. નયન અને અમિત કાજલને મનાવવા પહોંચી ગયા હતા. આ તરફ કિશન અને અક્ષર પણ કાજલ પાસે ગયા, પણ ધારાને કોઈ ફેર પડ્યો નહિ કારણકે કિશન અને અક્ષર દેવાંશીના મિત્રો બનવામાં કોઈ જ રસ ધરાવતા નહતા. કાજલ આજ બધાથી રિસાયેલી જ રહી. બ્રેક પૂરો થયો. હવેનો લેક્ચર ભૂમી મેડમનો હતો.
ભૂમી મેડમનો લેકચર આવતાં જ જાણે તેણીને કોઈ અસહ્ય પીડા થતી હોય એમ તરત જ પોતાનું રુદન છુપાવતી ક્લાસની બહાર નીકળી ગઈ. ભૂમી મેડમ પણ કશું બોલ્યા વિના થોડી વાર માટે શાંત રહ્યા અને પછી ફરીથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા લાગ્યા. આ ઘટના જોયા પછી ભૂમી મેડમના ચહેરા પરના હાવ ભાવ એકાએક બદલાઈ જ ગયા, ચહેરા પર થોડો આનંદ, તો બીજી જ ક્ષણે અફસોસની લાગણી હોય એવું વર્તાઈ રહ્યું હતું. એ થોડી વાર માટે ક્લાસની બહાર જતા રહ્યા, એ પણ પોતાનું રુદન રોકી ના શક્યા. ભૂમી મેડમે તબિયત બરોબર ના હોવાને કારણે સ્કૂલેથી એ દિવસ માટે રજા લીધી.
સ્કૂલના પ્રથમ દિવસે જ દેવાંશીનું આ વર્તન થોડું વધારે જ વિચિત્ર લાગી રહ્યું હતું. વીરેન સરના છેલ્લા લેકચર સાથે શાળાનો પ્રથમ દિવસ પૂર્ણ થયો હતો.
આગળ જાણવા માટે વાંચતા રહો....
ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com