પ્રિન્સ ઘરે જઈને આજે ક્લાસમાં પ્રિયાએ તેની જે મદદ કરી હોય છે તે યાદ કરે છે અને મનમાં વિચારે છે કે પ્રિયા સુંદર તો છે જ પરંતુ તેનો સ્વભાવ પણ કેટલો સરળ છે. બીજી તરફ પ્રિયા પણ આજે ક્લાસ પૂરા થયા પછી પાર્કિંગમાં તેણે જે જોયું તે યાદ કરે છે. પ્રિયાની સેફ્ટી માટે પ્રિન્સ જાતે કરીને પાર્કિંગમાંથી પોતાનું બાઇક નીકાળવામાં થોડી વધારે વાર લગાડે છે. પ્રિયા વિચારે છે કે પ્રિન્સ શરમાળ અને સીધો છોકરો તો છે જ પરંતુ સંસ્કારી પણ છે. આમ પ્રિન્સ અને પ્રિયા એકબીજા વિશે વિચારતા વિચારતા પોતપોતાના ઘરે સુઈ જાય છે.
સવારે ઊઠીને પછી પ્રિન્સ અને પ્રિયા બન્ને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. અને પછી સાંજે કલાસનો સમય થાય છે એટલે પ્રિયા પોતાના સમયે ક્લાસમાં પહોંચી જાય છે. આજે ફરીથી ટીચર ચીઠ્ઠીમાં બધાના નામ લખાવીને નવા પાર્ટનર્સ બનાવવાના હતા જેથી કરીને બધા સ્ટુડન્ટ્સ એકબીજા સાથે સરખી રીતે હળી મળી જાય. આજે પ્રિન્સનું નામ ક્લાસના બીજા કોઈ છોકરા સાથે આવે છે અને પ્રિયાનું નામ પ્રિન્સ ના જ મિત્ર નીરવ સાથે આવે છે. નીરવ તો પહેલા જ દિવસથી પ્રિયા ની સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો હોય છે. તેથી નીરવ પોતાને અને પ્રિયાને આજે ક્લાસમાં સાથે બેસવા મળશે એ વિચારીને બહુજ ખુશ થાય છે. પરંતુ પ્રિન્સને નિરવ નો આ અતિ ઉત્સાહ કંઇ ખાસ ગમતો નથી.
ક્લાસમાં બધાના પાર્ટનર્સ નક્કી થયા બાદ સૌ પોત પોતાના પાર્ટનર સાથે બેસી જાય છે અને પછી ક્લાસમાં ભણવાનું શરૂ થાય છે. નીરવ નું ધ્યાન વારે ઘડીએ પ્રિયા તરફ ગયા કરે છે અને પ્રિન્સ વારે ઘડીએ નીરવ તરફ જોયા કરે છે. પ્રિયા નું ધ્યાન તો ભણવામાં જ હોય છે તેથી તેને નિરવ શું કરી રહ્યો છે તેની કંઈ ખબર નથી હોતી. નિરવ સ્વભાવે ખૂબ જ બોલકો અને મજાકિયો હોવાને કારણે તે પ્રિયા સાથે કોઈ ને કોઈ વાતચીત કર્યા કરે છે અને વચ્ચે વચ્ચે કંઇક મજાક પણ કરી લે છે. પ્રિય તેની મજાક પર હસે છે અને તેની સાથે વાતચીત પણ કરે છે. આ બધું જોઇને પ્રિન્સ તેના મનમાં કંઈક અનુભવે છે પણ તે સમજી નથી શકતો નથી કે આ કેવો અનુભવ છે. એ દિવસે ક્લાસ જ્યાં સુધી ચાલ્યા ત્યાં સુધી નીરવ પ્રિયા તરફ અને પ્રિન્સ નીરવ તરફ જોયા કરે છે. પછી ક્લાસ પૂરા થયા બાદ નીચે પાર્કિંગમાં પ્રિન્સ નીરવ ને પૂછે છે કે તું ક્લાસમાં શું કરી રહ્યો હતો? નિરવે સહજતાથી જવાબ આપ્યો કે પ્રિયા ને જોતો હતો, અને થોડી ઘણી વાતચીત કરતો હતો, બીજું શું કરતો હતો? પ્રિન્સ તેને કહે છે કે પ્રિયા તેવી છોકરી નથી, તે બહુ સીધી અને સંસ્કારી છે. નીરવ તેની આ વાત ઉપર પ્રિન્સ ની મજાક ઉડાવે છે અને કહે છે કે તે એક દિવસ માં ઘણું જાણી લીધું લાગે છે પ્રિયા વિશે.
પ્રિન્સ મનમાં કંઈક અનુભવી રહ્યો હોય છે કદાચ તે ગુસ્સો હોય કે પછી જલન હોય પણ તે કંઈ સમજી શકતો ના હોવાથી પોતાના ભાભીને બાઈક પાછળ બેસાડીને ઘરે જતો રહે છે. ઘરે પહોંચ્યા બાદ પણ તે દિવસે પ્રિન્સનો મૂડ કંઈ ખાસ હોતો નથી. પ્રિન્સ અને નિરવ બીજા દિવસે સાથે રોજની જેમ જ પોતાની ઓફિસે જાય છે. બંને એક જ કંપનીમાં નોકરી કરતા હોય છે અને સાથે જ પોત પોતાના બાઈક ઉપર અપડાઉન કરતા હોય છે. બીજા દિવસે પણ પ્રિન્સનો મૂડ કંઈ ખાસ હોતો નથી અને તેનું મન પણ કામમાં લાગતું નથી. તેથી દિવસના અંતમાં નીરવ નું કામ તો પતી જાય છે પરંતુ પ્રિન્સ નું કામ થોડું બાકી રહી જાય છે. પહેલા તો પ્રિન્સ નીરવ ને કહી દે છે કે તું જા હું મારું કામ પતાવીને આવી જઈશ પણ પાછળથી એને ગઇકાલની વાત યાદ આવે છે અને વિચારે છે કે આજે પણ નીરવ પ્રિયાની જોડે બેસી જશે તો. તેથી પ્રિન્સ મેનેજરને આજનું બાકી રહેલું કામ આવતી કાલે વહેલા આવીને કરી લેશે એવું કહીને પોતાનું બાઈક રોજ કરતાં વધારે સ્પીડ માં ચલાવીને નીરવની સાથે પહોંચી જાય છે.
તે દિવસે રોજ કરતાં થોડું વધારે મોડું થઈ જવાના કારણે નિરવ અને પ્રિન્સ બંને રોજ કરતાં વધારે સ્પીડ માં બાઈક ચલાવતા હોય છે અને પ્રિન્સનો મૂડ પણ થોડો ખરાબ હોવાના કારણે તે બાઈક ચલાવવા માં પણ સરખુ ધ્યાન નથી આપી શકતો અને ઘરથી થોડા અંતરે દૂર જ તેનો એક્સિડન્ટ થઈ જાય છે.પરંતુ તેની કિસ્મત માં તો હજુ આગળ ઘણું બધું થવાનું લખ્યું હોય છે એટલે એને હાથ માં ખાલી થોડું વાગે છે અને પગમાં પણ થોડુંક જ વાગ્યું હોય છે તેને કોઈ મોટી ઈજા થતી નથી. નીરવ તેની સાથે જ હોવાના કારણે તે ફટાફટ પ્રિન્સને હોસ્પિટલ લઈ જાય છે અને જરૂરી પ્રાથમિક સારવાર પણ અપાવી દે છે. પછી તે પ્રિન્સને પોતાના બાઈક પાછળ બેસાડીને તેના ઘરે મૂકવા જાય છે. આમ આ દિવસે પ્રિન્સ, તેના ભાભી, કે નીરવ કોઈ જ ક્લાસમાં જઈ શકતા નથી.
ત્યાં ક્લાસમાં પ્રિયા વિચારતી હોય છે કે એવું તો શું થયું હશે કે આજે આ ત્રણમાંથી કોઈ જ ક્લાસમાં ન આવ્યા?