સાંજે સારથીમાં રહેતા દરેક વડીલ વ્યક્તિએ જાણે પોતાનો જ દીકરો હોય એવા ઉમળકાથી માનવને બર્થડે વિશ કરેલું ત્યારે માનવને એક પળ માટે લાગેલું જાણે એ કેટલાય વરસોથી આ બધાથી પરિચિત છે! બધા જ ચહેરા એક બીજાથી તદ્દન જુદા હતા છતાં એ બધામાં કશુંક કોમન હતું! શું?
નવાઈની વાત છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિ/વ્યક્તિઓને પહેલી જ વખત મળતા હોઈએ ને છતાં દિલ કહે, હું આ લોકોને પહેલા પણ મળી ચૂક્યો છું! કોઈ જ ઓળખાણ ના હોય છતાં એવું લાગે આપણે એ અપરિચિત જણાને જાણીએ છીએ... હાલ માનવની હાલત પણ એવી જ હતી. એના જ જન્મદિવસની પાર્ટીમાં બધા મોજ કરી રહ્યા હતા અને એ અહીં હાજર હોવા છતાં, અહીં ન હતો. એ વિચારી રહેલો, આ બધાને હું આ પહેલા પણ મળ્યો છું!
“અરે અરે નિર્મલાજી જરા સાચવીને પિઝ્ઝા પરનો સોસ તમારી સાડી ઉપર રેલાઈ રહ્યો છે!"
ડબલ ચીઝ માર્ગરિટા પિઝ્ઝાની મોજ લઈ રહેલા નિર્મલાજીને ક્યારનાય નીરખી રહેલા આનંદબાબુએ કહ્યું. નિર્મલાજીના ભરાવદાર હોઠ પર લાલ સોસ ફરી વળેલો અને થોડોક સોસ એમની પિઝ્ઝાની સ્લાઈસ પરથી રગડીને નીચે એમની છાતીના ઉભાર પર ચોંટી રહેલો. આછા બદામી રંગની સાડી ઉપર લાલ ડાઘ ઉપસી આવેલો.
“ઓહ્... ડાઘ પડી ગયો." પોતાના હોઠ પર જીભ ફેરવતા ફેરવતા નિર્મલાજીએ કહ્યું અને એમની તરફ લંબાયેલા એક ટિસ્યુ પેપરને લઈને એમણે સાડી ઉપર લાગેલો કેચઅપ લૂછવાનો નીર્થક પ્રયાસ કર્યો.
“આમ એ ડાઘ નહીં જાય, એને પાણીથી ધોવો પડશે." જેણે ટિસ્યુ પેપર આપેલું એ મી. સખિયાએ કહ્યું.
“અત્યારે હાલ ક્યાં ધોવા જશો પછીથી સાફ કરી લેજો." મી. સખિયા સામે કતરાતી નજરે જોઈ આનંદ બાબુએ કહ્યું.
“મારી સાડી તો ખરાબ નહીં થઈ જાય ને? હજી બે મહિના પહેલા જ મારી દીકરીએ લંડનથી મોકલાવેલી. આવું કપડું તો અહીંયા મળતું પણ નથી." નિર્મલાજીએ ચિંતિત થઈને કહ્યું.
“એટલે જ કહું છું હાલ થોડું પાણી અડાડીને ધોઈ લો!" સખિયાએ ફરી સલાહ આપી.
“અરે ઓય હિરોઈન ટોમેટો કેચઅપ જ અડ્યો છેને એ પાણીમાં ઓગળે એટલે ડાઘ નહિ રહે. હમણાં તારી રૂમમાં જાય ત્યારે સહેજ સાબુ ઘસીને ધોઈ લેજે અને તમને બંનેને નિર્મલાની સાડીનો ખયાલ કરવા સિવાય બીજું કંઈ કામ નથી? થોડીવાર મૂંગા મરશો? મને પેલો છોકરો ક્યારનોય શું કહે છે એ સંભળાતું નથી." શારદાબેન એમના સ્વભાવ અને આદત મુજબ જ બધા સાંભળે એમ મોટો ઘાંટો પાડીને બોલ્યા.
શારદાબહેનની વાતનો જવાબ આપતા રેવાબેન ખૂબ ધીરેથી એમના તીણા અવાજમાં ટહુક્યા, “એ છોકરો અડધા શબ્દો અંગ્રેજીમાં બોલે છે સંભળાય તોય સમજાશે નહીં!"
“વાહ બેટા વાહ! ખૂબ સુંદર વાત કહી. રામાયણની આ બધી વાતો મેં ક્યારેય નથી સાંભળી. આ પ્રસંગ વાલ્મીકિ રામાયણમાં છે?" ગંગાબેન દેવલની પ્રશંસા કરતાં તાળી પાડીને બોલ્યાં હતા અને એમને જોઈને ત્યાં હાજર બધા લોકોએ તાળી પાડેલી.
દેવલને સમજમાં નહતું આવતું આવી રહ્યું કે આ બધા બુઢ્ઢા લોકોને શું કહી રાજી કરી શકાય. આ જો એના બેસ્ટ ફ્રેન્ડ માનવની પાર્ટી ના હોત તો એ ક્યારેય ઊભો થઈને કંઈ કહેત નહીં. છેવટે એને થોડા દિવસ પહેલા જ વોટ્સેપ પર વાંચેલો એક રામાયણનો પ્રસંગ યાદ આવી ગયેલો અને એણે એ કહી સંભળાવ્યો હતો.
“વાલ્મીકિ રામાયણમાં તો આન્ટી ઘણું બધું નથી જો આ વોટ્સેપ ના હોત તો આપણને જાણ પણ ના થાત કે આવું પણ બનેલું! બોલો જય શ્રી રામ!" આટલું કહીને દેવલ માનવ પાસે જઈને બેસી ગયો, જે ક્યારનોય એક ખૂણાની ખુરશીમાં બેઠો બેઠો દેવલની રામાયણ સાંભળી હસી રહ્યો હતો.
“સાલા ગધેડા એક તો તારી બોરિંગ પાર્ટીને થોડી મજેદાર બનાવવા હું પ્રયત્ન કરી રહ્યો છું અને તું અહીંયા બેઠો બેઠો મારા ઉપર હસે છે!" દેવલે માનવના પેટ પર ચુંટલો ભરીને કહ્યું.
“મને ખબર છે યાર અને તારી ભાવના હું સમજુ છું પણ બીજું કંઈ ના મળ્યું તને? લાઈક સિરિયસલી તું રામાયણ ઉપર પ્રવચન આપી રહેલો! એના કરતાં એક બે જોકસ સંભળાવી કાઢવા હતા." માનવ ફરીથી હસી પડ્યો.
“જોકસ જ કહેવાનો હતો પણ એકેય એવો યાદ આવવો જોઈએ ને. રોજ રોજ તું મને જે નોનવેજ જોકસ ફોરવર્ડ કરે છે એ સંભળાવું?"
માનવની પાર્ટીમાં સારથીમાં રહેતા બાર વૃધ્ધ ઉપરાંત જીવણલાલ અને મહારાજ હાજર હતા. કેક કપાઈ ચૂકી હતી અને બધા પિઝા, બટેટા પૌઆ અને ચા/કોકની મજા માણી રહ્યા હતા. જીવણલાલ અને બીજા બે વડીલ ભાઈઓએ બધાને રસ પડે એવી કેટલીક ચર્ચા કરેલી એ સિવાય બધા એમની વાતોમાં વ્યસ્ત હતા. માનવ એના સ્વભાવ મુજબ ચૂપ હતો. મેળાવડામાં એ આમેય ભાગ્યે જ વાતો કરતો. બને ત્યાં સુધી એ બીજા લોકોની વાતો સાંભળતો અને સારી લાગે તો હસ્યા કરતો.
મનમાં જે ઈચ્છા રાખીને માનવે અહીં આવીને આજની સાંજ વિતાવેલી એવું કંઈ જ બન્યું ન હતું! જીવણલાલે મહેંકબેનને જાણ કરી હશે કે ભૂલી ગયા? આ વિચાર એને દર બીજી મિનિટે આવી જતો હતો પણ પૂછવાની હિંમત નહતી થતી! શરૂઆતમાં એ થોડો ઉદાસ હતો પણ પછી દેવલ જે રીતે પાર્ટીને મનોરંજક બનાવવા પ્રયત્ન કરી રહ્યો હતો એ જોઈ એણે મૂડ સુધારવા પ્રયાસ કર્યો હતો.
બધાનું જમવાનું લગભગ પતી ગયું હતું. ગંગાબેન એક થાળીમાં છેલ્લા બચેલા કેકેના થોડા ટુકડા લઈ બધા આગળ ધરી રહ્યા હતા અને એમાંથી લેવા આગ્રહ કરી રહ્યા હતા. જેવા એ થાળી સાથે માનવ અને દેવલની પાસે આવ્યા કે દેવલને મસ્તી સૂઝી અને એણે કેકનો એક ટુકડો લઈ માનવના ચહેરા પર લગાડ્યો,
“હેપ્પી બર્થ ડે દાર્લિંગ! થોડી મસ્તી દોસ્ત કી પાર્ટી મેં તો બનતી હૈ ના?"
“રહેવા દે વાંદરા... સીધો રે દેવલ.." માનવ બોલતો રહ્યો અને એનો આખો ચહેરો ચોકલેટ કેકથી રંગાઈ ગયો.
“ઊભો રે તારી તો..." માનવે થોડે દૂર ચાલી ગયેલા ગંગાબેન પાસે જઈને થાળીમાંથી એક કેકનો ટુકડો ઉઠાવ્યો અને એની આંખો સાફ કરતા, એની ઉપર લાગેલી કેક દૂર કરતા કરતા દેવલને શોધ્યો. દેવલ દોડીને દૂર ભાગી ગયેલો અને બધા માનવને જોઇને હસી રહ્યા હતા. માનવે દોટ મૂકી અને થોડી દોડાદોડી બાદ દેવલને
પકડી, એને નીચે પાડીને એની છાતી પર બેસી જઈ દેવલના ચહેરા પર કેક ઘસી રહ્યો હતો.
“અરે આ શું કરી રહ્યો છે? તમે છોકરાઓ મોટા ક્યારે થશો હે?" મીઠો પણ સત્તાવાહી અવાજ અચાનક માનવના કાનમાં ગુંજી ઉઠ્યો અને એણે માથું ઉપર ઉઠાવ્યું...
“ઓહ્ માય ગોડ માનવ તું? મને તો એમ કે તું એક શાંત અને વ્યવસ્થિત છોકરો છે!" મહેંકબેન માનવની સામે ઊભા હતા અને એને જ કહી રહ્યા હતા!
ક્રમશ...