પ્રકરણ - 12
જ્યારે અમુક રહસ્યો ઉજાગર થવાના હોય ત્યારે,
ન તો એને રોકી શકાય છે કે
ન તો કાબૂમાં રાખી શકાય છે.
કારણ કે કુદરતે તેને નિશ્ચિત સમયે જ ઉજાગર કરવાનો કારસો રચ્યો હોય છે.
આખી રાત દરમ્યાન, નુપૂરે અનંતની અંગત ડાયરી વાંચી નાખવા માટે એક પણ ક્ષણ જવા દીધી ન હતી. લગભગ તેણે બધા જ પન્ના, કારણો, બનાવો, સંજોગો, જેમાંથી પસાર થયા પછી અનંત આવો કડક, ખડ્ડૂસ અને નિષ્ઠુર બની ગયો હતો. ઘણી વખત નુપૂરના મનમાં અનંતના આ વિચિત્ર વર્તાવને લગતા પ્રશ્નો ઉદભવતા હતા, પરંતુ આજે તેણે એક જ રાતમાં એ તમામ સવાલોના જવાબોને મેળવી લીધા હતા. નુપૂર હવે તે બધા જ રહસ્યો જાણતી હતી, જે વર્ષોથી અનંતના હ્રદય અને એના લોકર બંનેમાં ગૂંગળાઈને પડ્યા હતા.
કહેવાય છે કે જ્યારે અમુક રહસ્યો ઉજાગર થવાના હોય ત્યારે, ન તો એને રોકી શકાય છે કે ન તો કાબૂમાં રાખી શકાય છે. કારણ કે કુદરતે તેને નિશ્ચિત સમયે જ ઉજાગર કરવાનો કારસો રચ્યો હોય છે. આવા રહસ્યો જે ઘડીએ ઉજાગર થાય એ સમય આપણા માટે કટોકટી જેવો હોય છે. ઘણી વાર આવા રહસ્યોનું ખૂલવું આપણને કાંટાની જેમ વાગતું અને તકલીફ આપતું જણાતુ હોય છે પરંતુ વ્યક્તિમાત્ર એ એ સમજવું જરૂરી છે કે આ એ જ તકલીફ છે જે પગમાંથી કાંટો કાઢતી વખતે પળભર માટે અનુભવાય છે અને એના પછી જ લાંબા ગાળાનો આનંદ માણી શકાય છે.
અને અનંતના જીવનના બધા જ રહસ્યો ખુલ્લા થઈને આ જ વચનને સાબિત કરવા જઈ રહ્યાં હતા. વાસ્તવમાં તો એ તમામ એ જ ક્ષણે પ્રગટ થઈ ચૂક્યા હતા, જ્યારે નુપૂરએ તેના પર્સમાં અનંતની એ ડાયરી છુપાવી હતી. જેમ જેમ નુપૂર પાનાને ફેરવી રહી હતી, તેમ તેમ તે અનંતની વધુ નજીક આવી રહી હતી. તેનો અનંત પ્રત્યેનો લગાવ ડાયરીના પ્રત્યેક પાને વધી રહ્યો હતો. કદાચ, તેણીએ અનંત પ્રેમ કરવાનું શરૂ કરી દીધું હતું.
નુપૂર કંઇક અલગ જ અનુભવી રહી હતી, જેમ કે તેના હૃદયના ધબકારા સામાન્ય કરતાં વધુ ઝડપી ધબકી રહ્યા હતા. તે પોતાની કલ્પનાની દુનિયાને હકીકતમાં પરિવર્તિત થતાં જોઈ રહી હતી. અચાનક જ જીવન જીવવાની તેની ઇચ્છા ફરીથી જાગૃત થઈ રહી હતી. તેણીએ ફરીથી જીવનમાં કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમસંબંધમાં ક્યારેય નહીં જોડાવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અનંતનો ભૂતકાળ વાંચ્યા પછી, તેનો જૂનો સ્વભાવ, તેનો સંઘર્ષ, તેણે જે અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, જેનો સામનો કર્યા પછી તે આજે આ જગ્યા પર હતો એ વાંચ્યા પછી, એ સમજ્યા પછી તેના મનમાં સ્વર પ્રત્યેની ઈજ્જત અને લાગણી બંને એ હદ સુધી વધી ગઈ હતી કે તે પોતાને અનંતથી પ્રેમ કરવા માટે રોકી શકતી ન હતી.
બીજી તરફ, અનંતના ઘરનો નજારો તદ્દન અલગ હતો. તે હજી પણ મૂંઝવણમાં હતો કે તેની અંગત ડાયરી ક્યાં રહી શકે? શું તેણે નુપૂર સાથે ઉદ્ધતાઈથી વાત કરીને કોઈ ભૂલ તો નહોતી કરી ને ? તે 16 બાય 14ના ડ્રોઈંગ હોલમાં હાથમાં કોફીનો મગ લઈને એક બાજુથી બીજી બાજુ આંટા મારી રહ્યો હતો. વોલક્લોકમાં સવારના ચાર વાગ્યા હતા, પરંતુ અનંતની આંખોમાં ઊંઘનું કોઈ નામ દેખાતું ન હતું. તેની આંખો હજી ડાયરીની જ તલાશમાં જ હતી. દરેક પળે તે માત્ર ડાયરીના જ વિચારોમાં ખોવાયેલો હતો. તેમની આંખો જો તેના રહસ્યો અને છુપાયેલી લાગણીઓ ઉજાગર થઈ ગઈ તો શુ થશે એ વાતની ચિંતાથી ભયભીત હતી.
લોકોને તો એમ જ જણાતું હતું કે તેણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી છે પણ ખરેખર તો એ ડાયરીમાં તેણે છેલ્લાં કેટલાક વર્ષોથી પોતાની બધી લાગણીઓને દફનાવી રાખી હતી. તેણે પોતાની માણસાઈ, નિષ્કપટતા, ભોળપણ અને વિનમ્રતા – બધું જ દફનાવી દીધું હતું. – એ ક્ષણ સાથેની તમામ પળો જ્યારે વૈભવી સાથે તેનું બ્રેકઅપ થયું અને તે એકલો પડી ગયેલો હતો. ધ્રુવલ અને નિયતિની વાતોએ તેને એટલું તો સમજાવી જ દીધું હતું કે કોઈને પણ તમારી લાગણીઓની પડી નથી - બધું જ પોતપોતાની જરૂરિયાતો પર આધારિત છે. જેવી જેની જરૂર, એવી એની અગ્રિમતા. વધુ એક કલાક પસાર થયો. થકવી દેનાર વર્કલોડ અને ડાયરી માટેની ચિંતાએ અનંતની આંખોમાં ઊંઘ લાવી દીધી અને તેનાથી હારેલા અનંતે એક ઝોકું લેવાનું નક્કી કર્યું. કંટાળીને તેણે તેના કાઉચ પર લંબાવ્યું અને તેની આંખો ઊંડી નિંદ્રા તરફ ચાલી ગઈ.
# # #
લગભગ 11.30 વાગ્યા હતા.
અન્ય લોકો માટે ઓફિસનું વાતાવરણ સામાન્ય હતું, પરંતુ નુપૂર માટે તે સમય ખૂબ જ તંગ અને ઉન્માદભર્યો હતો. સવારથી જ તે ચિંતિત હતી. તેના બે-ત્રણ કલિગ્સે પણ તેના ઉદાસ ચહેરાનું કારણ જાણવાની કોશિશ કરી, પરંતુ જવાબમાં તેણે ફક્ત માથું હલાવ્યું.
આજે નુપૂરનું મન કોઈ પણ કામ કરવાના મૂડમાં ન હતું. કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ લેતી વખતે પણ તે પોતાની કેબિનમાંથી ઘણી વાર બહાર નીકળી ચૂકી હતી. એકવાર તો, ઉતાવળમાં, તેણે ગરમ ગરમ કોફી પી લીધી અને પછી લાલજી પર પોતાનો ગુસ્સો ઊતાર્યો. જો કે લાલજી આવી બાબતો માટે ટેવાયેલો હતો અને તે જાણતો હતો કે તેના સિનિયરો ફક્ત કારણ વિનાનો ગુસ્સો તેના પર કરતા હતા. જેમ જેમ ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા તેમ તેમ નુપૂરનું હ્રદય ઝડપથી ધબકી રહ્યું હતું.
ને અચાનક જ એક મોટા ધડાકો સંભળાયો. બારણું અથડાવાના મોટા અવાજ સાથે અનંત ગુસ્સામાં ઓફિસમાં પ્રવેશ્યો – પહેલા તો, તેણે દરેક કર્મચારી પર ઉડતી નજર નાખી અને તેના આ વર્તને ઓફિસમાં થઈ રહેલો રહ્યોસહ્યો ગણગણાટ પણ શાંત કરી દીધો હતો. તેની આંખો કંઈક શોધી રહી હોય એવું લાગતું હતું. કાં તો તે ડાયરી હતી કાં તો તે નુપૂર હતી પરંતુ એ બંને તેને ન મળતા અનંત પોતાની કેબિનમાં આવ્યો, દરવાજો બંધ થયો અને થોડી વાર પછી, દરેકના કાન પર ફ્લોર પર કંઈક ફેંકવાનો ક્યાંક મોટો અવાજ આવે છે.
બધા કર્મચારીઓ તેમની જગ્યા પર ઊભા થઈ ગયા અને અનંતની કેબિન તરફ જોઈ રહ્યા હતા, પરંતુ કેબિનના ઓપેક ગ્લાસને કારણે, કોઈ કંઈ પણ જોઈ શકતું ન હતું. કોઈની કેબિનમાં પ્રવેશવાની હિંમત ન હતી પરંતુ અચાનક જ આવેલો મોટો અવાજ સાંભળીને, નુપૂર તેની કેબિનમાંથી નીકળી અને ઓફિસનું દૃશ્ય જોતાવેંત જ સ્તબ્ધ થઈ ગઈ. કેટલીક હિંમત ભેગી કરીને, તેણે અનંતની કેબિનમાં પ્રવેશવાની હિંમત કરી અને તે પછી તેણે અનંતનો એ અવતાર જોયો, જે તે પહેલાં કોઈએ ક્યારેય જોયું નહોતું. અનંત એવો જંગલી અને બેકાબૂ બની ગયો હતો, જાણે કે તે બીજા કોઈ પ્રાણી દ્વારા ચોરી કરાયેલો પોતાનો મૃત શિકાર શોધી રહ્યો હોય.
"આ શું છે? તુ શું કરી રહ્યો છે? ", તેણીએ આશ્ચર્યસભર આંખોથી પૂછ્યું.
"ગેટ આઉટ...ગેટ લોસ્ટ", અનંત ઉકળ્યો.
"શું?"
"ગેટ લોસ્ટ રાઈટ નાઉ ફ્રોમ હિયર...બધો વાંક મારો જ છે. જો મેં તને લોકર ખોલવાની મંજૂરી આપી જ ન હોત તો મેં ક્યારેય મારી ડાયરી ગુમાવી ન હોત", અનંત ગુસ્સામાં નુપૂર પર વારંવાર બૂમો પાડી રહ્યો હતો.
"પણ, મારી ભૂલ શું છે? તું મારા પર શા માટે ખિજાઈ રહ્યો છે?", નુપૂરે પૂછ્યું "શું તને એમ લાગે છે કે મેં તારી પર્સનલ ડાયરી ચોરી કરી છે?" - નુપૂર જાણતી હતી કે તેણે શું કર્યું છે તેમ છતાં તે અનંતને આ પ્રશ્ન કરી રહી હતી.
"હા, મને ખરેખર ખાતરી છે કે એ ડાયરી તારી પાસે જ છે કારણ કે મારી ગેરહાજરીમાં મારી કેબિન દાખલ થવાની માત્ર તમારી પાસે જ પરવાનગી છે. તો, બીજું તો કોણ તે કરી શકે? ", અનંત હજુ ગુસ્સામાં હતો. હવે તેનો ગુસ્સો અને તેના શબ્દો – બંને પોતાની માઝા મૂકી રહ્યાં હતા.
"તમે બધી છોકરીઓ એક જ જેવી હોવ છો, હલકટ અને નાલાયક. કોઈ માણસ તમને જેટલો આંગળી આપવાનો પ્રયત્ન કરે છે, તેટલો જ તમે તેના કોલર સુધી પહોંચવાનો પ્રયાસ કરો છો. એટલે જ મેં મારી જાતને બદલી નાખી છે ', અનંતે અંતે એ વાક્ય ઉમેર્યું જે ક્યારનું એના ગળે ડૂમો બનીને બેઠેલું હતું.
"કોઈ પણ છોકરી કોઈ પણ પુરુષના અંગત પ્રશ્નોને ક્યારેય સમજી શકતો નથી. મે તારો વિશ્વાસ કર્યો, તને પ્રોત્સાહન આપ્યું, મને લાગ્યું કે તું વ્યવસ્થિત, નિર્દોષ અને ભોળી છે પરંતુ તું તો એમાંની એક ટકા પણ નથી. તું પણ બીજા જેવી જ છે - સ્વાર્થી, ઓવરસ્માર્ટ અને નાલાયક. બધા હરામી જ છો. મને લાગે છે કે હવે મારે તને તારી હદમાં રહેતા શીખવવું પડશે ", હવે અનંત પોતાની ઉપર પોતાનો પૂરેપૂરો કંટ્રોલ ગુમાવી ચૂક્યો હતો અને તેને પોતાને પણ ખબર ન હતી કે તે ગુસ્સામાં શું બોલી રહ્યો હતો. તેના શબ્દો કંપાયમાન હતા, તેનું શરીર ખૂબ જ ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. એ જ રીતે, બીજી તરફ, નુપૂરને પોતાને વિશે આ બધા શબ્દો સાંભળવા બદલ આશ્ચર્ય થઈ રહ્યું હતું. તેણે ક્યારેય વિચાર્યુ ન હતું કે તેને અનંતનો આ ચહેરો પણ જોવા મળશે. તેણે ક્યારેય કલ્પના પણ નહતી કરી કે આવા શબ્દો અનંતના મોઢેથી નીકળી શકે છે. તે ખૂબ જ ડરેલી હતી, તેણે પોતાની જાતને ડગમગતી અનુભવી અને તરત જ નજીક પડેલી એક ખુરશીને તેણે ટેકા માટે પકડી. ખુરશીને પકડતાવેંત જ તે જમીન પર ફસડાઈ પડી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેની બધી જ લાગણીઓ, વિશ્વાસ, આદર અને ભરોસો - અનંતના કડવી વાણી અને અનપેક્ષિત શબ્દો દ્વારા ભાંગી પડ્યો હતો. ઓફિસની બહાર ધીમે ધીમે બધા જ સ્ટાફ મેમ્બરો અનંતની કેબિનની બહાર ભેગા થઈ ગયા હતા અને અંદર ચાલી રહેલી બબાલની વાતો સાંભળવા મથતા હતા.
નુપૂર માટે આ બધું હવે અસહ્ય થઈ રહ્યું હતું; તેણીએ પોતાની જાતને સંભાળી, ઠંડા પાણી ભરેલો એક ગ્લાસ ઉપાડ્યો અને અનંતના ચહેરા પર ફેંક્યો. તેની આંખો મુશળધાર વરસાદની જેમ વરસી રહી હતી. તેણી સતત ડૂસકાં ભરી રહી હતી. હવે, અન્ય બે મહિલા કલિગ્સે પણ કેબિનમાં પ્રવેશવાની પણ અને નુપૂરને ટેકો આપવાની પણ હિંમત કરી હતી. આ વખતે અનંત એકલો પડી ગયો હતો. દરેક ખરાબ અને કપરી પળોમાં હંમેશા તેમની સાથે રહેવાવાળો સ્ટાફ આજે નુપૂરના પક્ષે જોડાયો હતો. જે રીતે અનંતના શબ્દોએ - કપરા શબ્દોએ તેના હૃદય પર માઠી અસર કરી હતી, નુપૂર હજી પણ રડી રહી હતી. તે ખરાબ રીતે હર્ટ થયેલી હતી. તે કઠોર શબ્દો વારંવાર તેના કાનમાં પડઘાંની જેમ પુનરાવર્તિત થઈ રહ્યાં હતા. એવું લાગતું હતું કે, આજની આ પરિસ્થિતિ તેને ક્યાંક પાગલ અને સનકી બનાવી દેશે. તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. "તું બદલાયો નથી અનંત, તું ડરેલો છે, તું તારા ભૂતકાળથી ભયભીત છે. ડરપોક છે તું. તારામાં એ યાદોનો સામનો કરવાની ન તો હિંમત છે કે ન તો ડેરિંગ. એ વાતમાં કોઈ જ શંકા નથી કે તું એક હોંશિયાર અને કાબેલ એન્ટરપ્રિન્યોર છે પરંતુ અસલ જિંદગીમાં, પ્રેક્ટિકલી તુ ઝીરો છે ઝીરો. નુપૂર ડૂસકાં ભરતા ભરતા પોતાની વાત રજૂ કરી રહી હતી. તને એ વાતનો ભય છે જો કોઈ તારા રહસ્યો અને તારો ભૂતકાળ જાણી જશે તો શુ થશે. ગઈ કાલ રાત સુધી આ કોઈ એટલી મોટી બાબત ન હતી જેટલું તે એને સ્વરૂપ આપીને બનાવી છે. તારી ડાયરી મારી પાસે હતી તેમ છતાં પણ મેં તને કૉલ પર રાત્રે જાણ કરી નહોતી અને તેનું એકમાત્ર કારણ હતું ફક્ત આપણી દોસ્તી. તે કોઈ જ નાલાયકી કે હેતુસર ન હતું. મને તારો ભૂતકાળ વાંચવાનો કોઈ જ શોખ નહોતો પરંતુ ગઇકાલે જ્યારે હું ફાઇલો ગોઠવી રહી હતી, ત્યારે રેક અચાનક જ નીચે પડ્યો અને મને એમાંથી તારી ડાયરી મળી. પહેલાં તો મેં તેને રેકમાં જ મૂકી દીધી પણ અચાનક એમાંથી એક ફાટેલું પાનું બહાર સરકીને પડ્યું, જ્યારે મેં એમાં લખેલા શબ્દો વાંચ્યા ત્યારે મને આશ્ચર્ય થયું. એક પછી એક પાનાં ફેરવતી ગઈ અને એમાં લખાયેલા શબ્દોમાં મને તારી જિંદગીની વાસ્તવિકતા અનુભવવા મળી. ધીમે ધીમે મને તેમાં રસ જાગ્યો. તે શબ્દો ગહન અર્થસભર, પ્રેમ, આશા અને દુ:ખથી ભરેલા હતા. મને જરા પણ અંદાજ ન હતો કે તે તારી અંગત ડાયરી હતી. ઘરે, જ્યારે હું એક પછી એક પેજ ફેરવતી હતી, ત્યારે ધીમે ધીમે બધી જ બાબતો મને સમજાઈ ગઈ હતી. આજ સુધી તું મારા વિશે બધું જ જાણે છે, પણ હું તારા નામ અને તારા હોદ્દા સિવાય કઈં પણ જાણતી નથી કે ન તો જાણવાની કોશિશ કરી છે કારણ કે મને ખબર છે કે અડધાં રૂઝાયેલા ઘા કેવો દર્દ, કેવી તકલીફ આપતા હોય છે જ્યારે તેને ખોતરવામાં આવે છે. મારી ભૂલ છે કે મેં મારી જાતને તારી સાથે પ્રેમમાં હોવાનું વિચાર્યું. તારી વાતોથી મને લાગ્યું કે તારામાં બદલાવ આવી રહ્યો છે પણ હું ગલત હતી. મને લાગ્યું કે તું બદલાઈ ગયો છે, હું તારો ચહેરો જોઈ શકતી હતી, હું તેને વાંચી શકતી હતી. જેમ જેમ હું તારી કવિતાઓ વાંચતી ગઈ, તેમ તેમ હું તારા હૃદયથી વધુ પરિચિત બની અને તારા પ્રેમમાં પડી ગઈ, પણ હું ભૂલી ગઈ હતી કે તું તો હ્રદયહીન બની ચૂક્યો છે. તે તારી જાતને બદલી નાખી છે", હજુ પણ નુપૂરના શબ્દો સમાપ્ત થઈ રહ્યા ન હતા."તું ક્યારેય મારી લાગણીઓને સમજી નહીં શકે કારણ કે તારી પાસે ત્યાં સુધી પહોંચવા માટેની આવડત જ નથી. સફળતાના શિખરો સર કરનાર માણસમાં એટલી પણ આવડત નથી કે તે કોઈના મનમાં ચાલતી વાતોને સમજી શકે. અનંત, તું તારા બિઝનેસ કોમ્પિટિટરના મગજ તો વાંચી શકે છે પરંતુ તારા અંગત વ્યક્તિઓના મન નહિ, કારણ કે પૈસાને પ્રાપ્ત કરવાના યુદ્ધમાં તુ એટલે બધો રચ્યોપચ્યો છે કે તારા જ અંતરમનમાં ચાલી રહેલા લાગણીઓના શીતયુદ્ધની તને જ ભનક નથી. તું તારો ભૂતકાળ છતો થાય એ વાતથી ડરતો હતો પરંતુ તે વાત તો આ ધમાલ કરીને તે પોતે જ જાહેર કરી દીધી છે ", નુપૂર તૂટક શબ્દોમાં વાત કરી હતી.
પહેલી વાર, એવું કડવું સત્ય, જેની તેને અપેક્ષા પણ ન હતી તે સાંભળ્યા પછી સ્વર સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે નુપૂરની વાતને રોકવાનો વ્યર્થ પ્રયાસ કર્યો, "નુપૂર, મારો કહેવાનો અર્થ એવો નથી". "વેઈટ અ મોમેન્ટ, અનંત. મને મારી વાત પૂરી કરી લેવા દે. હું ઘણી સારી રીતે સમજી ચૂકી છું કે તારા શબ્દોનો મારા માટે શું અર્થ થાય છે", નુપૂરએ તેને બોલતો અધવચ્ચેથી જ રોકી લીધો.
"પહેલી વાત એ કે જો તું વિચારી રહ્યો હોય કે તે મને મિત્ર બનાવીને ભૂલ કરી છે, તો મારી અંગત બાબતોને તારી સાથે શેર કરવી એ મારી એનાથી પણ લાખો ગણી મોટી ભૂલ છે કારણ કે મારે એ વાતનો ખ્યાલ રાખવો જોઈતો હતો કે આપણા સભ્ય સમાજમાં પુરુષોને કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે અને કોઈની પણ સામે વગર વિચાર્યે બોલવાની વણમાગી છૂટ છે."
"બીજી વાત, આજની આ ટ્રેનિંગમાં તે મને જે સર્વશ્રેષ્ઠ વાત શીખવાડી તે છે પોતાની ઓકાતમાં રહેવું. આખરે હું છું તો એક સ્ત્રી જ ને... હું તો ફક્ત તારી પર્સનલ સેક્રેટરી છું. માફ કરજો બોસ કે હું મારી હસ્તી અને પદવી – બંને ભૂલી ચૂકી હતી."
"ને ત્રીજું, તમે કરેલી ભૂલ, હવે હું સુધારીશ" - આ વાતચીત સાંભળીને દરેકને આશ્ચર્ય થયું હતું. "હું તમારી પ્રતિષ્ઠિત કંપનીમાંથી રાજીનામું આપી રહી છું. તમારા બધા સાથે કામ કરવાની મને બેહદ ખુશી છે."
નુપૂર અનંતની કેબિનમાંથી બહાર નીકળીને પોતાની કેબિનમાં પ્રવેશી અને પોતાનું પર્સ લઈને પરત ફરી. તેણીએ લોકર ખોલ્યું અને તેના યોગ્ય સ્થળે તેની અંદર અનંતની અંગત ડાયરી મૂકી દીધી.
"અનંત, હવે તમારી ડાયરી સલામત છે" નુપૂરએ એ દિવસનું છેલ્લું વાક્ય એકદમ ભારવાચક શબ્દોમાં ઉચ્ચાર્યું અને પોતાના ડેસ્ક પર જઈ એક રિઝાઈનિંગ મેઇલ લખીને સેન્ડ કરી દીધો.
# # #