Suryoday - ek navi sharuaat - 11 in Gujarati Fiction Stories by ધબકાર... books and stories PDF | સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૧ 

Featured Books
Categories
Share

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૧ 

ભાગ :- ૧૧

આપણે દસમા ભાગમાં જોયું કે સાર્થક કઈ રીતે પોલીસ વાળી પરિસ્થિતિને પહોંચી વળીને સૃષ્ટિના મનમા વ્યાપેલ ડર દૂર કરે છે. અને એ સૃષ્ટિને પોતાના જીવનમાં શું સ્થાન આપવા માંગે છે એ કહે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

ફોન ઉપાડતા જ એના કાને ડરેલી, ગભરાયેલી સૃષ્ટિના શબ્દો પડે છે. સાર્થક... એ આગળ કાંઈ બોલી નથી શકતી. આ શબ્દો સાર્થકના મનને હચમચાવી નાખે છે. અને સ્વસ્થ થતાં એ ફરી પૂછે છે. "શું થયું સૃષ્ટિ..!?"

સાર્થક... "જોને મનસ્વીને શું થયું છે.? એ સવારથી કાંઈજ બોલતી નથી, સખત તાવ છે, આજે નિરવ પણ ઘરે નથી."

સાર્થક સૃષ્ટિને ત્યાં પહોંચવાની હૈયાધારણ આપે છે. એ તરત જ પોતાની ગાડી લઈને સૃષ્ટિના ઘરે પહોંચી જાય છે અને ત્યાંથી મનસ્વી અને સૃષ્ટિને લઈ હોસ્પિટલમાં જાય છે.

હોસ્પિટલ પહોંચતા જ મનસ્વીની સારવાર શરૂ કરવામાં આવે છે. અડધા દિવસની સારવારના અંતે મનસ્વીને દવાખાનામાંથી રજા આપવામાં આવે છે. રિપોર્ટમાં નોર્મલ વાયરલ ફીવર આવે છે પણ એની અસર મગજ ઉપર થઈ હતી એટલે મનસ્વીની આવી હાલત થઈ હતી. નોર્મલ વાયરલ ફિવર આવતા સૃષ્ટિ અને સાર્થકને પણ રાહત થાય છે. મનસ્વી અને સૃષ્ટિને પાછા ઘરે ઉતારીને સાર્થક સારી હોટલમાંથી ખાવાનું પેક કરાવે છે અને સૃષ્ટિના ઘરે આપી આવે છે જેથી થાકેલી સૃષ્ટિને આધાર રહે અને એ મનસ્વી જોડે બેસી શકે. મનસ્વીને ડોકટરે હળવું ખાવાની જ રજા આપી હોય છે એટલે સૃષ્ટિ ફટાફટ ખીચડી બનાવી દે છે અને મનસ્વી જોડે જઈને બેસે છે.

ચિંતા કરવા જેવું કોઈ કારણ ન હોવા છતાં ગભરાઈ ગયેલી સૃષ્ટિ મનસ્વીનો હાથ પકડીને બેસે છે અને એના મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટે છે. એને યાદ આવી જાય છે સવારની એ ઘટના..

રવિવારની રજાના દિવસે મોડી ઉઠતી મનસ્વી લગભગ 9 વાગે તો ડાયનિંગ ટેબલ પર હાજર થઈ જ જતી પણ આજે 10 વાગ્યા હોવ છતાં એ રૂમમાંથી બહાર નહતી આવી. સૃષ્ટિ એને ઉઠાડવા રૂમમાં જાય છે તો એ હજી ઊંઘતી હોય છે. સૃષ્ટિ એના કપાળને ચૂમવા જેવી એને અડે છે એનું ધખતું શરીર જોઈને થોડી ગભરાય છે. એના બહુ ઉઠાડવાથી મનસ્વી માંડ આંખો ખોલીને મમ્મી એટલું જ બોલી શકે છે, એ જોઈને સૃષ્ટિ સખત ગભરાઈ જાય છે અને નિરવને ફોન જોડે છે. ત્યાં નજીકમાં જ કોઈ કામમાં વ્યસ્ત નિરવ સરખું સાંભળ્યું ના સાંભળ્યું કરીને પોતાને આવવાની અસમર્થતા દર્શાવે છે અને ડોક્ટરનો નંબર આપીને ત્યાં લઈ જવાની સૂચના આપે છે.

સૃષ્ટિ પોતાની જાતને એકદમ અસહાય મહેસૂસ કરતી હોય છે અને એવામાં એને સાર્થક યાદ આવે છે. એ તરત સાર્થકને ફોન જોડે છે અને પંદર મિનિટમાં સાર્થક એના ઘરે હોય છે. જો સાર્થક તરત મદદે ના આવ્યો હોત અને એના ઓળખીતા ડોક્ટરના ત્યાં ના લઈ ગયો હોત તો એનું શું થાત એવા વિચારો સૃષ્ટિને અસ્વસ્થ કરી રહ્યા હતા. એનાથી મનોમન નિરવ અને સાર્થકની સરખામણી થઈ જાય છે.

"શું કરું આ આવેગોનું.!?
સવાલો તો કરશે જ ને.!?
જીવનભર જેની અર્ધાગીની રહી,
અપેક્ષાઓ એનાથી રહેશ જ ને.!?"

નિરવે ક્યારેય સૃષ્ટિને કોઈ મહત્વતા આપી જ નહતી પણ આજે એકની એક દીકરીની વાત પણ એણે સરખી કાને ના ધરી એ વાત એને વ્યગ્ર કરી મૂકે છે. જ્યારે બીજી તરફ સાર્થક, જે બધુંજ છોડીને તરત દોડી આવ્યો. એના મનમાં સાર્થક માટે માન વધી જાય છે અને કદાચ આવીજ વાતો સાર્થકની સૃષ્ટિને ગમી રહી હતી.! કોઈપણ સ્ત્રીને એની જિંદગીમાં મહત્વના સ્થાને રહેલો પુરુષ સ્પેશિયલ અટેન્શન આપે એ ગમે જ.! અને આતો સાર્થક હતો, એનો ગમતીલો પુરુષ. આ ઘટના પછી સૃષ્ટિ સાર્થકની વધુ નજીક આવી અને મનસ્વી માટે પણ સાર્થક મમ્મીનો સારો મિત્ર છે એ મનમાં ઘર કરી ગયું.

મનસ્વીની ખબર કાઢવાના બહાને સાર્થકની અવરજવર ઘરમાં વધી રહી હતી અને મનસ્વી પણ આ વાતની નોંધ લઇ રહી હતી કે સાર્થક મમ્મી સૃષ્ટિને એક ખાસ ધ્યાન આપી રહ્યા હતા. હવે મનસ્વી પણ સાર્થક સાથે કોઈ વાર વાત કરી લેતી હતી. મનસ્વીએ સૃષ્ટિના ચહેરા પર ક્યારેય ના જોયેલ સુખ, સંતોષ જ્યારે પણ સાર્થક આસપાસ રહેતો ત્યારે જોયા હતા. આટલી ખુશખુશાલ તો એના પપ્પા નિરવ સાથે ક્યારેય એણે સૃષ્ટિને જોઈ નહોતી. આ ત્રણ દિવસના સમય દરમિયાન સાર્થક દરરોજ આવીને સૃષ્ટિ સાથે બેસતો અને ક્યારેક સૃષ્ટિ અને સાર્થક હાથમાં હાથ રાખી બેસી રહેતા એ મનસ્વી ના ધ્યાનમાં આવ્યું હતું. કદાચ આ વાત મનસ્વી એની માને એક મિત્રના સહજ ભાવથી જોઈ રહી હતી એટલે સ્વીકારી શકી હતી અને એટલેજ એ એની મા સૃષ્ટિ સાથે ક્યારેય આ બાબતે કાંઈજ વાત નહોતી કરતી.

એક દિવસ વાતવાતમાં સૃષ્ટિ પણ સાર્થકને પોતાના મનની વાત કરે છે કે, એ પણ એને ચાહે છે પણ જોડે જોડે આ વાત હમણાં કોઈને પણ ના કહેવા માટે વચન માંગી બાંધી લે છે. અને સાથેજ એના મનમાં સતત ઘૂમરાતો સવાલ પૂછી લે છે કે, "સાર્થક તમે હજુ ઉંમરમાં નાના છો અને શક્ય છે કે, થોડાજ સમયમાં ક્યાંક કોઈની સાથે લગ્ન કરશો. શું તમે એ પછી પણ મને એટલુંજ ચાહશો.!? તમે જે વિચાર્યું છે મને પત્નીનું સ્થાન આપવું છે એ આપી રાખશો.!? શું તમે મને આવોજ સમય આપી સાથ આપી શકશો.!?"

આ બધા જ સવાલોના જવાબમાં સાર્થક ચૂપ થઈ જાય છે, અને એને સુજતું નથી કે આ સવાલોના શું યોગ્ય જવાબો હોઈ શકે. એણે તો માત્ર પોતાની લાગણીની દ્રષ્ટિએ આ પ્રેમનું અવમૂલ્યન કર્યું હતું. આ પ્રેમનું શું ભવિષ્ય હોઈ શકે એ દિશામાં તો એ જોઈ જ નહોતો શક્યો. સાર્થકના માતાપિતા વારંવાર સાર્થક માટે છોકરી જોઈ એના લગ્નની ઉતાવળ કરી રહ્યા હતા અને એમાં પણ સૃષ્ટિના આ બધા સવાલો એને હચમચાવી ગયા. આ બધું જ મનોમંથન સૃષ્ટિ સમજી ગઈ હતી અને સાર્થક શું જવાબ આપશે એની રાહ જોવામાં લાગી ગઈ હતી.

બે દિવસ સુધી સૃષ્ટિ અને સાર્થક વચ્ચે નોર્મલ વાતો ચાલતી રહી પરંતુ આ સવાલો બાબતે સાર્થક હજુ સુધી ચૂપ રહ્યો હતો અને સૃષ્ટિ એનુ મનોમંથન સમજી રહી હતી. આખરે સાર્થકે આજે સૃષ્ટિને જવાબ આપવાનું વિચાર્યું અને એણે બોલવાનું ચાલુ કર્યું.

સૃષ્ટિ તું પૂછતી હતી ને તો સાંભળ... "જીવનમાં તું એક એવી વ્યક્તિ છે જેને મેં પત્નીનું સ્થાન દિલથી આપવાનો વિચાર કર્યો છે અને જો મારા લગ્ન થશે તો એ પત્ની હશે પણ, તને જે સ્થાન આપ્યું એ સ્થાન હું કોઈને નહીં આપી શકું. હું હમેશાં આવો જ અવિરત, લાગણીસભર પ્રેમ કરતો રહીશ. તું મારા માટે કોઈ જવાબદારી નથી, પણ તું મારા જીવનનો એવો ભાગ છે જે ભાગ્ય વિધાતાએ મારા માટે અલગ રાખ્યો છે. જો ભાગ્યવિધાતાએ આ વિચાર્યું છે તો હું વળી કોણ તને દુખી કરવા વાળો. અત્યારે કર્યો છે એવો જ પ્રેમ આપતો રહીશ અને આવો જ સાથ પણ હું આપતો રહીશ, તારા કે મારા જીવનના અંત સુધી... મારા ઉપર વિશ્વાસ કરીને તો જો."

સૃષ્ટિને આજ વાત સાંભળવી હતી. સૃષ્ટિ જાણતી હતી કે સાર્થક લગ્ન કરશે એની સાથે એની જિંદગીમાં નવી જવાબદારીઓ આવશે અને એના લીધે પોતાના મળતા સમયમાં કાપ આવ્યા વગર રહેવાનો નથી. છતાં પણ સાર્થક પોતાને આટલું મહત્વ આપી રહ્યો છે એ જાણી એને ખુશી થઈ. સૃષ્ટિને થઈ આવ્યું કે આ સૂકા રણમાં ભલે આ આવી આમ ધોધમાર ના વરસે પણ ઝરમર ઝરમર વરસતો રહે તોય મારી જિંદગી સફળ થઈ જાય. અને મારે આટલું જ તો જોઈતું હતું, ક્યાં મેં સ્વર્ગ સુખ માગ્યું છે.! આટલું મનમાં વિચારી એણે આજે પહેલી વાર સાર્થકને કહ્યું, "I love you સાર્થક..."

"મહત્વ કેટલું ને કેવું મળશે એ જાણવું હતું.!
લાગણીઓ ભૂખી હું એટલે એ માનવું હતું.!
જૂના સંબંધને સવાલ પૂછી નથી શકતી હું...
એટલે આ સંબંધમાં હું શું છું એ જાણવું હતું.!"

સાર્થક આ સાંભળી અભિભૂત થઈ ગયો. ઘણીવાર સુધી એક્દમ મૌન થઈ ગયો જાણે એને પોતાના નસીબ ઉપર વિશ્વાસ જ ના બેસતો હોય. એને આગળ સુજ્યું જ નહીં કે હવે શું કહેવું, કે શું રિએક્ટ કરવું.! કેટલીએ ક્ષણો, કેટલાએ દિવસો, કેટલાએ મહિનાઓથી જે પળની રાહ જોઈ રહ્યો હતો એ પળ સામે આવી ઉભી રહી હતી. જિંદગી જાણે એક નવુંજ રૂપ એને બતાવી રહી હતી. સાર્થકનું કોઈ રીએકશન ના આવતા અસમંજસમાં ઉભેલી સૃષ્ટિએ સાર્થકનો હાથ પકડ્યો અને એકદમ જાણે સાર્થકને ભાન આવ્યું હોય એમ એણે સૃષ્ટિને, " I love You Too... વસુ..." કહ્યું. આ સાંભળી સૃષ્ટિ એક્દમ ચોંકી ઉઠી આ શું વસુ..!!??

સાર્થકે કહ્યું, "હા, સૃષ્ટિ તને જ કહ્યું વસુ... કેટલાએ દિવસોથી વિચાર્યું હતું કે હું મારી પત્ની એટલે કે તારા માટે પ્રેમથી આ નામ રાખીશ વસુ... તું વસી ગઈ છે મારા સર્વસ્વ ઉપર, મારા નશ્વર આત્મામાં, મારા સાત્વિક ભાવમાં, મારા રોમે રોમમાં એટલેજ તું મારા માટે વસુ છે... મારી વસુ..!!

સૃષ્ટિ પણ ખુબજ ખુશ થઈ. જાણે જીવનમાં પહેલીવાર એને મન થઈ આવ્યું કે આજે નાચી લઉં. આજે મા અંબાએ મારી મનોકામના પૂર્ણ કરી છે. આટલા વર્ષોથી ચૈત્રી નવરાત્રીના નકોડા ઉપવાસ કરતી એનુ આજે ફળ મળ્યું છે. જાણે મારી મા અંબાએ મારા માટે મોડો તો મોડો જીવનસાથી મોકલ્યો છે. આ પળ સૃષ્ટિ બધુંજ ભૂલી જાય છે. એ નિરવ દેસાઈની પત્ની છે એ વીસરી આ નવા સંબંધના રંગમાં રંગાઈ જાય છે, આ સંબંધની આગોશમાં સમાઈ જાય છે. બસ હવે સૃષ્ટિ માટે આ જ જિંદગી, એના સાર્થકની વસુ...

સૃષ્ટિ અને સાર્થક માટે હવે આ સંબંધ સ્થપાઇ ગયો હતો. દુનિયાના રીત, રિવાજ, આમન્યા બધુંજ ભૂલી આ સંબંધ આગળ વધી રહ્યો હતો. હવે ચૈત્રી નવરાત્રિ નજીક આવી રહી હતી આથી સૃષ્ટિએ સાર્થકને કહ્યું કે મારી ઈચ્છા છે કે, "આપણે આ નવરાત્રિમાં અંબાજી જઈએ અને મા અંબાની સાક્ષીમાં તું મારા સેંથામાં સિંદૂર પૂરે અને એમના આશીર્વાદ લઈને આપણે લગ્ન કરીએ. ભલે સમાજ આ નહીં સમજી શકે અને મારે સમજાવવું પણ નથી. પણ મારે તારી સાથે આ ભવમાં લગ્ન કરવા છે. આવતો ભવ કોણે જોયો.! હું તો આ ભવમાં જ માનું છું." સાર્થકે પણ સૃષ્ટિના આ સપનાને સાકાર કરવા માટે હા કહી અને આ કઈ રીતે શક્ય થશે એ વિચારવાનું સૃષ્ટિ ઉપર છોડ્યું...

"પગલું ભરવું છે હવે તો એક સજ્જડ,
ભલેને લાગે પછી દુનિયા માટે એ નડતર.
માનું છું હું પણ માન ને મર્યાદાની રેખાને,
તો નહીં કરું કોઈની જિંદગી ઉજ્જડ.!"


*****

શું સમાજની દ્રષ્ટિએ અયોગ્ય એવા આ લગ્ન થશે?
સૃષ્ટિ કઈ રીતે અંબાજી જવાનું શક્ય કરશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ