ekta in Gujarati Children Stories by Sujal Patel books and stories PDF | એકતા

Featured Books
Categories
Share

એકતા

ઘનઘોર જંગલની બહાર એક દિવસ ભયાનક આગ લાગી.ધીમે-ધીમે આગ જંગલ તરફ આગળ વધી રહી હતી.આગ એટલી વિકરાળ હતી કે જંગલમાં વસતા સૌ પશુ, પંખી અને પ્રાણીઓ તહસ મહસ થઈ પોતાના કુટુંબ કબીલા સાથે પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા હતા.

જંગલના રાજા સિંહ પણ આકુળ વ્યાકુળ હતા અને આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય તેના વિચારમાં હતા માટે તેમણે જંગલના પ્રધાન શિયાળને બોલાવીને તાત્કાલિક આગને બુજવવા માટે પગલાં લેવા કહ્યું. પણ આ શું પહેલેથી જ ફુસ્કી અને બીકણ એવા પ્રધાન શિયાળે તો હાથ ઊંચા કરતા કહ્યું કે મહારાજા જંગલમાં લાગેલી આગે ખુબજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મેં તપાસ કરાવતા જાણવા મળ્યું કે આગ ઉપર કાબુ મેળવી શકાય તેમ નથી અને આપણા અડધા ઉપરાંત સૈનિકો પણ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રાહયા છે અને જંગલના સૌ પશુ,પંખી અને પ્રાણીઓ પણ જંગલ છોડી ભાગવાની તૈયારી કરી રહ્યા છે તેવા બહાના કાઢવા લાગ્યું અને કહેવા લાગ્યુ કે મહારાજા મને તો તમારા અને તમારા પરિવારની ચિંતા થાય છે એમ કહી ખરેખર પ્રધાન શિયાળ પોતાનો જીવ બચાવવા માટે જંગલની પ્રજાનો વિચાર કર્યા વગર રાજાને ખોટી સલાહ આપવા લાગ્યું અને કહ્યું કે ચાલો જંગલ આખું ખાખ થાય તે પહેલાં જ અમે તમને અને તમારા પરિવારને નદીના તટ પરથી સામે કાંઠાના જંગલમાં છોડી આવીએ.આમ પ્રધાન શિયાળ રાજા સિંહનો જીવ બચાવવાના બહાને ખુદ પોતાનો જીવ બચાવવા માંગતું હતું.

જંગલના રાજા સિંહ પણ થોડી વાર પ્રધાન શિયાળની વાતમાં આવી ગયા અને જંગલ છોડી સામે કાંઠાના જંગલમાં જવા તૈયાર થઈ ગયા.આ વાતની જાણ જંગલમાં રહેતા એક ચાલાક સસલાને થઈ ને તે શિયાળની ચાલને બરાબર સમજી ગયું.અને તેને થયું કે જો આવું થશે તો જંગલ આખું ખાખ થઈ જશે માટે તેને જંગલ છોડવા માટે જઇ રહેલા રાજા સિંહ અને પ્રધાન શિયાળને રસ્તામાં આવી ને પૂછ્યું કે 'જંગલમાં આગ લાગી છે, જંગલ આખું મુશ્કેલીમાં છે ને આપ રાજા અને પ્રધાન જંગલ છોડી જઈ રહ્યા છો તે કેટલું ઉચિત છે?જો આપ જંગલના રાજા થઈને ભાગશો તો અહીં વસતા પશુ, પંખી અને અમારા જેવા પ્રાણીઓનું શુ?' પ્રધાન શિયાળે જવાબ આપતા કહ્યું કે 'આગ ધીમે ધીમે આગળ વધી રહી છે અને કાબુમાં આવી શકે તેમ નથી અને તમારા કરતા મહારાજાનો જીવ મહત્વનો છે માટે હવે જંગલ છોડ્યા સિવાય બીજો કોઈજ રસ્તો નથી'.

સસલાએ જંગલના રાજા સિંહને સમજાવતા કહ્યું કે  'કોઈ પણ જાતના પ્રયત્નો કર્યા સિવાય કેવી રીતે પ્રધાને નક્કી કર્યું કે આગ કાબુમાં આવી શકે તેમ નથી અને આમ પણ નદી અહીંથી થોડી દૂર છે અને જો આપણે આગને બુજવવા કોઈ પ્રયત્ન જ નઈ કરીયે તો તમને ત્યાં પહોંચતા પહેલા જ જંગલ આખું ખાખ થઇ જશે અને તમે પણ બચશો નહીં માટે ભાગ્યા કે આગથી ડર્યા સિવાય તેને બુજવવાના પ્રયત્નો કરવા જોઈએ.કોઈ પણ મુશ્કેલીઓથી ગભરાયા વગર તેનો એક થઇને બુદ્ધિમતાથી સામનો કરવામાં આવે તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય જ અને આ જ સત્ય છે.'

સસલાની વાતમાં રાજા સિંહને ખરેખર તથ્ય લાગ્યું અને શિયાળની વાતમાં આવેલા રાજાને પણ થયું કે એક રાજા તરીકે પ્રજાનું રક્ષણ કરવાની મારી નૈતિક જવાબદારી છે અને ખરેખર આગ બુજવવા માટે આપણે પ્રયત્નો તો ચોક્કસ કરવા જ રહ્યા માટે જંગલના રાજાએ સસલાને પૂછ્યું કે 'તારી પાસે આ ભીષણ આગને આગળ વધતી રોકવા તથા બુજવવા માટે કોઈ ઉપાય હોય તો અમને ઝડપથી જણાવ.સસલાએ કહ્યું કે હા ઉપાય તો છે.'રાજાએ પૂછ્યું 'કયો ઉપાય' સસલાએ જવાબ આપ્યો "એકતા".રાજાને સમજાયું નહીં માટે રાજાએ પૂછ્યું 'એકતા' ?' સસલાએ કહ્યું 'હા એકતા અને સંપ ભલભલી મુસીબતોને ઝુકાવવાની તથા રોકવાની તાકાત ધરાવે છે'.રાજાએ કહ્યું તો એના માટે શું કરવું પડશે? સસલાએ કહ્યું કે 'તમે મારા પર વિશ્વાસ રાખી ઝડપથી જંગલની મહાસભા બોલાવો હું બધી જ વાત મહાસભામાં કરીશ.'

આમ જંગલમાં આગને આગળ વધતી રોકવા અને બુજવવા માટે  મહાસભા બોલાવવાનો સાદ પડાવવામાં આવ્યો. થોડી વારમાં નાસતા ભાગતા સૌ કોઈ પશુ, પંખી અને પ્રાણીઓ બચવાની આશા સાથે ભેગા થયા.પછી રાજા એ સસલાને આગથી બચવાનો ઉપાય સૌને જણાવવા આદેશ કર્યો. સસલાએ સૌને કહ્યું કે 'જો જંગલમાં લાગેલી આગ આપણે સૌ ધારીએ તો ભેગા મળીને એક - મેક થઈને બુજાવી શકીએ તેમ છે પણ તે માટે સૌએ એકતા અને સંપ રાખી સાથ આપવો પડશે.આવી રીતે એકલ દોકલ ભાગવાથી આગ સમી કે બુજાય નહીં જાય અને ઉડતાના આપણે સૌ કોઇ આગમાં ખાખ થઈ જઈશું. માટે આપણે સૌ એક-મેક થઈને આગને બુજવવા કટીબદ્ધ થવું પડશે.એકતા એ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવા માટે સૌથી મોટી તાકાત છે'.

સસલાની વાતમાં સૌને વિશ્વાસ આવ્યો ને સૌ તેની વાત માનવા રાજી થયા ને સૌએ એક થઈને આગ સામે લડી તેને ભુજાવવાનું નક્કી કર્યું.સૌ પ્રથમ સસલાએ પક્ષીઓના મહામંત્રી ગરુડને બોલાવીને કહ્યું કે 'તમે બધાજ પંખીઓને આદેશ કરો કે જંગલની પાસે જે નદી આવેલી છે તેમાંથી સૌ પંખી પોતાની ચાંચમાં પાણીનું એક એક ટીપું લઈને જ્યાં આગ લાગી રહી છે તેની ઉપર ભેગા થઇ જ્યારે તમે આદેશ કરો ત્યારે એક સાથે પાણીના ટીપાં પોતાના મુખમાંથી છોડે આવું આગ બુજાય નહીં ત્યાં સુધી કરવું.પણ હા યાદ રાખજો ટીપાં એક સાથે જ છોડવાના છે કારણ આગ એક ટીપાંથી નઈ પણ સૌએ એકસાથે પોતાના મુખમાંથી છોડલા હજારો ટીપાંથી બુજાશે'.આમ સૌ પંખીઓ પોતાનું કામ કરવા ઝડપ ભેર નીકળી ગયા.

ત્યાર બાદ સસલા દ્વારા હાથીઓને આગ જ્યાંથી ધીમે ધીમે આગળ વધી રહી હતી તેનાથી થોડે દૂર આગળના રસ્તામાં જમીન, ઝાડ અને પાંદને ભીંજાવનનું કામ સોંપવામાં આવ્યું જેથી કરીને ભીનાશ વાળી જમીન અને ઝાડ પાંદને સ્પર્શીને આગળ વધતી જતી આગ ત્યાંજ અટકી જાય.આમ જમીન પરથી આગને આગળ જતી અટકાવવાનું કામ હાથીઓને સોંપવામાં આવ્યું.અને બીજા તમામ પશુઓ અને પ્રાણીઓને હાથીઓને ઝડપથી પાણી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું .આમ પશુ-પંખી અને પ્રાણીઓ બધા એક જુટ થઈને આગને બુજવવામાં મંડી પડ્યા અને જોત જોતામાં આગ પળવારમાં જ સમી ગઈ.

સૌમાં આનંદનો પાર ન રહ્યો સૌને સસલાની ચતુરાઈ પર ગર્વ થયો.સાથે સાથે સૌને એકતા અને સંપમાં રહેલી તાકાતનું મૂલ્ય પણ સમજાવા લાગ્યું.જંગલના રાજાને પણ સસલા પર અને તેના દ્વારા જંગલમાં લાવવામાં આવેલી એકતા પર ખૂબજ ગર્વ થયો.

  • જંગલના રાજા સિંહે  સાંજે મહાસભાનું આયોજન કરી સસલાનું યોગ્ય સન્માન કર્યું અને જંગલના નવા પ્રધાન તરીકે સસલાની નિમણુંક કરી.આમ જો સૌમાં આવે "એકતા અને સંપ" તો લાવે ભલભલી મુસીબતમાં જંપ.