Viprani Videshyatra - Nepal Pravas - 2 in Gujarati Travel stories by દીપક ભટ્ટ books and stories PDF | વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૨

Featured Books
Categories
Share

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૨

એપ્રિલફુલની અનુભૂતિ અને ભૂખનું દુઃખ

~~~~~~~~

મને એમ હતું કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ જોતા જ મારી પત્ની આશ્ચર્યચક્તિ થઈ જશે

એ પૂર્વધારણાએ મેં હિમ્મત કરી એને પૂછ્યું તને કેવું લાગે છે ?

એ કહે આવા કંઈક એરપોર્ટ મેં ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોઈ નાખ્યા છે જે તમેય ક્યારેય જોયા નહિ હોય !

વાત તો એની સાવ સાચી હતી ના તો હું સિરિયલ જોઉં કે ના ફિલ્મો !

છૂકછૂક ગાડીમાં ગોરખપુર કે બસમાં ગોરખપુર જવું નહોતું

એનું એકમાત્ર અને અગત્યનું કારણ એ હતું કે હું મારા ઓફિસના કામસર વિમાનમાં ઘણી વખત ઉડી આવ્યો તો

મારા પુત્રો પણ ક્યારેક ઓફિસ કામે અને ક્યારેક ઇન્ટરવ્યૂ જેવા કામે પણ વિમાનમાં ઉડી આવ્યા હતા

મારા ઘરમાં હમણાં થોડા સમય આવેલા મારા બંને પુત્રવધૂઓએ પણ અમારા ઘરમાં પ્રવેશ સાથે વિમાની મુસાફરીનો લ્હાવો મેળવી લીધેલો

બસ મારા ધર્મપત્ની એક જ એવા હતા કે જેણે વિમાન દ્વારા આકાશીપ્રવાસ કરી વિશ્વનું વિહંગલોકન ક્યારેય કરેલું નહિ

નોકરી દરમ્યાન સામાન્યરીતે કંપનીના કામે કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે સ્થળોએ જયારે જવાનું થતું ત્યારે ટ્રેન કે પ્લેનની ટિકિટ કે હોટલમાં ઉતારાની વ્યવસ્થાની જવાબદારી કંપનીની રહેતી

એટલે એ બાબતની કોઈ ચિંતા રહેતી નહિ

પણ આતો અંગતપ્રવાસ અને એય આટલો લાંબો પ્રવાસ

પ્લેનની ટિકિટની વ્યવસ્થા મારા સંતાનોએ કરી લીધી

અમદાવાદ - દિલ્હી અને દિલ્હી - કાઠમંડુ અને પરત

પણ સવાલ હોટલ બુકીંગનો હતો

અરે મિત્રો શું કામના? અંગત મિત્રોને ટહેલ નાખી કે તમારે નેપાળમાં કોઈ ઓળખાણ હોય અને સારી અને મારા સામાન્ય બજેટમાં ખાસ તો મને પરવડે તેવી અમદાવાદી કસરકસરભરી અને સારી નિવડે તેવી કોઈ હોટલમાં બુકીંગ કરાવવાનું છે અને મિત્રોની મદદથી હોટલ બુકીંગ થઈ પણ ગયું

પહેલી એપ્રિલ એટલે યેનકેનપ્રકારેણ મિત્ર, દુશ્મન, સંબંધી, સગા અને અથવા વ્હાલાને "ઉલ્લુ" બનાવવાનો અવસર..... અને અમારે નેપાળ જવાનો દિવસ પણ યોગાનુયોગ એ જ દિવસે ગોઠવાયો

રસ્તામાં નાસ્તાની અને જમવાની ચિંતા કરવાની નહતી. જે મિત્રએ હોટલનું બુકીંગ કરાવેલું એણે જયપુરમાં બેઠાબેઠા આ જવાબદારી લઈ લીધી હતી અને બહુ પહેલા જણાવ્યું હતું કે ઘેરથી નાસ્તો લઈ વજન વધારશો નહિ. દિલ્હી ડોમેસ્ટિક એરપોર્ટ પર ઉતરતા જ મને એક ફોન કરી દેજો. એટલે દિલ્હીમાં રહેતા મારા ઓળખીતા તમારી સેવામાં હાજર થઈ જશે

લગભગ ૧૧ વાગે અમે ત્યાં ઉતર્યા. બંદાએ બે ત્રણ વખત ફોન કર્યો એ મિત્ર આમ તો મારી જેમ સાવ નવરાધૂપ જ છે પણ ફોન ઉપાડયો નહિ. બાર વાગ્યા સુધી ડોમેસ્ટિક એરપોર્ટના ફૂડ કાઉન્ટરો ફરતા રહ્યા અને જબરજસ્તી લાળ ગળામાં ઉતરતા રહ્યા.

બાર વાગે ફરી ફોન ઘુમાવ્યો એ મિત્રએ ફોન ઉપાડયો અને ..."અરે તમે પહોંચી ગયા ...પેલા ભાઈને મેં ફોન કર્યો પણ ઉપાડતા નથી .... તમારી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ કેટલા વાગે છે ? .... તમારે ચેકઈન કેટલા વાગે થવાનું છે ? "

બધાયે સવાલોના યથાયોગ્ય જવાબો મેં આપ્યા.

એટલે એમણે કહ્યું તમે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચો અને મને ફોન કરો ત્યાં સુધી હું બીજા માણસ સાથે વાત કરી લઉં છું અને તમારો ફોન નંબર પણ એને આપી દઉં છું.

દિલ્હી ડોમેસ્ટિક એરપોર્ટથી કનેક્ટિંગ ફ્લાઈટ પકડવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ જતી બસમાં બેસવા માટે મફતમાં મળતા બસના પાસ મેળવી આપણી BRTS જેવી બસમાં સવાર થઈ ગયા. લગભગ એકાદ કલાકે અમે ત્યાં ઉતર્યા.

દૂરથી અમે નજરે ચડીયે કે નજરે પડીયે એવી સરસ જગ્યા જોઈને અમે બેઠા. એકાદ કલાક વીતી ગયો ....ભૂખનું દર્દ વધતું જતું હતું. પેલા મિત્રએ કહ્યું તું એટલે સ્ટોલ પરથી ખરીદીને ખાવાનો આ કરકસરીયા કમ કંજૂસ અમદાવાદીનો જીવ ચાલતો નહતો.

.

ત્યાં જ એ મિત્રનો ફોન આવ્યો, "તમે ક્યાં છો ?" એ સાંભળતા આખાયે શરીરમાં ફરતા લોહીમાં આનંદની હેલી ઉઠી.

અમે ઈન્ટરનેશનલ એરપોર્ટના ગેટ નંબર ૩ની બરાબર સામે થાંભલાને અઢીને બેઠા છીએ.

"તો તમે એક કામ કરો તમે એરપોર્ટની અંદર જઈને બેસો એ ભાઈ હવે આવતા જ હશે"

જે તે એરલાઇન્સના કાઉન્ટર પાસે અમારી ફ્લાઈટની બારી ઉઘડે એની રાહ જોતા ઉભા રહ્યા. અંદર બેસવાની તો તસુભાર જગ્યા ખાલી ના હતી.

ભૂખના દુખે દુઃખી મારી પત્ની તો બેગને અઢેલીને નીચે બેસી ગઈ અને ઝોકા ખાવા લાગી.

ક્યારેક ઝબકે ત્યારે, "તમેય નીચે બેસી જાવ, થાકી જશો" પણ એમ નીચે થોડું બેસાય......વખત છે ને કોઈ ઓળખીતું નીકળે તો રહીસહી આબરૂનું શું?

બંદા બારી ખુલે ત્યાં સુધી એમ જ ઉભા રહ્યા

ટૂંકા ડિઝાઈનર કપડાંમાં સજ્જ માથે મસ્ત મઝાની પોશાકના રંગની જ ટોપીઓ ચઢાવેલી અને ઊંચા સેન્ડલ પહેરેલી..... ટપટપ અવાજ કરતી પરાણે શરીરને કડક રાખતી..... મોં અને ગાલ પર હજુ યુવાની એમ જ ટકી હોવાના લપેડાવાળી અને પોતાની ફરજને અનુરૂપ બનાવટી હાસ્ય રેલાવતી બે ઢબુડીઓ આવતી દેખાઈ .....

બસ ત્યારે જ મને થયું કે આ આપણાવાળી જ લાગે છે....એટલે આપણી ફ્લાઈટની બારીએ બેસવાવાળી જ તો .......

આ એરલાઈન્સવાળા પણ ખરા છે બારીની બહાર પ્રવાસીઓને લાઈનમાં ઉભા રખાવવા લડધા રાખે અને પેલીઓને પાંજરે પુરે !

આ તો સારું છે કે કાચવાળી બારીમાં પહેરેલે ચશ્મે હજુ સ્પષ્ટ દેખાય છે બાકી મઠારેલી કે ઠઠારેલી સુંદરતા માણવાથીયે વંચિત જ રહીએને !

સાલુ સામાનનું તો વજન કરે પણ આપણનેય વજન કાંટે ઉભા કરી દે.

કદાચ એમનો આશય એવો પણ હોય કે જો પ્રવાસીનું વજન એમના ધારાધોરણથી ઓછું હોય તો વિમાનીપ્રવાસ દરમ્યાન પોષણક્ષમ આહાર આપીને પ્રવાસીને હટ્ટોકટ્ટો બનાવવો !

પાસપોર્ટ અને અધિકૃત ટિકિટોની પ્રિન્ટઆઉટ બતાવીને વિમાનમાં મનગમતી સીટો બુક કરાવી લીધી અને લગેજ ઉર્ફે સામાન નામની એકમાત્ર કપડા ભરેલી બેગ એ માનુનીઓને એમની જ જેમ નકલી હાસ્ય સાથે સોંપી દીધી.

હવે કપડા ભરેલી બેગનો ભાર અને ચિંતા એરલાઈન્સને આપીને અમે મુક્ત હતા. હવે માત્ર મારી બીજી ઘરવાળી ઉર્ફે મારુ લેપટોપ વ્યવસ્થિત બેગમાં મારી પાસે હતું અને સાજ શણગાર અને એની જરૂરી વસ્તુઓવાળુ પાકીટ ઉર્ફે ચામડાનો થેલો મારી ઘરવાળીના ખભે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ તો જિંદગીમાં હુંયે પહેલી વખત જોતો તો. જાતજાતની એરલાઈન્સો, ભાતભાતના એમના ડ્રેસ અને ટાપટીપ કરેલા મોં સાથે ઊંચી એડીના સેન્ડલ પહેરી ટપટપ અવાજ કરતી ઊંચી - નીચી પણ પ્રમાણમાં પાતળી ઢબુડીઓ.

અને એનેય ટક્કર મારે એવી ઊંચી નીચી, જાડી પાતળી, પુરા કપડા કે અડધા કપડે ફરતી દેશવિદેશની પ્રવાસી માનુનીઓ ..... આ ...હા ....હા

આભાસી સ્વર્ગમાં હું તો ભૂખનું દુઃખ પણ ભૂલવા માંડયો હતો

આંખો ક્યાં ફેરવવી અને ક્યાંથી પરાણે પકડીને પાછી લાવવી એ સવાલ થઈ ગયો !

હજુ તો એ આભાસી સ્વર્ગમાં વિહરવાનું ચાલુ જ કર્યું તુ ત્યાં અમે જે એરલાઈન્સમાં જવાના હતા એનો એક લડધો દોડતો આવ્યો અને કહે , "તમારે આ બારી નહિ પેલી બારીએ ફરીથી જે તે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે."

અરે ચમના જિંદગીમાં પહેલી વખત સ્વર્ગની અનુભૂતિ થતી હતીને તું વચ્ચે ક્યાં ટપક્યો.

ફરી બીજી બારીએ ગયા

નઠારા શબ્દ "સોરી" અને "વેરી સોરી"થી અમને સતકાર્યા

ફરી બેગનું વજન ફરી અમારું વજન ફરી બેઠકની પસંદગી

એ રઘવાટના આઘાત અને ઉચાટમાં લગેજ ટેગનું અડધિયું પેલી આપવાનું ભૂલી ગઈ અને હું એ માનુનીઓની જોવામાં અને એમની હાજરીમાં "મુગ્ધાવસ્થા"માં લગેજ ટેગનું અડધીયું માંગવાનું ભૂલી ગયો.

કપડા ભરેલી હલકી લાગતી પણ ભારેખમ બેગથી તો છુટકારો મળ્યો. ભલે પૈડાવાળી હતી પણ લગભગ છેલ્લા ૪ - ૫ કલાકથી ખેંચવી તો મારે પડતી તી.

ફરી પાછુ ભૂખનું દુઃખ યાદ આવી ગયું.

પેલા મિત્રને ફરી ફોન કર્યો ફરી એ જ સધિયારો.

ઈમિગ્રેશન કાઉન્ટર પર ઘણી વખત લાંબી લાઈનો વિષે સાંભળ્યું હતું એટલે ઝડપથી એ તરફ વળ્યા.

અરે આજે તો લગભગ બધાયે કાઉન્ટર ખાલી હતા. ખાલી બસમાં બેઠકની પસંદગી ઘણી મુશ્કેલ હોય છે આ ન્યાયે પહેલા જમણી બાજુ પછી ડાબી બાજુના થોડા દૂરના કાઉન્ટરે ગોઠવાયા.

અમારા બંનેની ઉંમર અને નેપાળની ટિકિટો જોતા ઈમિગ્રેશન અધિકારી સમજી ગયા કે આતો દેવદર્શનવાળા જ છે.

પાસપોર્ટ પર હસતા હસતા મહોર જડી દીધી.

વાહ આજે અમે ધન્ય થઈ ગયા અમારા ૧૨ વર્ષ જુના પાસપોર્ટ પર આજે પહેલો સિક્કો વાગ્યો !

પાસપોર્ટ અને ટિકિટો અમને પરત આપતા પહેલા પેલા જિજ્ઞાસુવૃત્તિવાળા અધિકારી અમને ગુજરાતથી આવેલા અને એય પાછા અમદાવાદના જાણી પોતાની જિજ્ઞાસાને રોકી ના શક્યા અને નજીકના ભવિષ્યમાં આવનારી લોકસભાની ચૂંટણી પર સવાલ કરી બેઠા.

બંદા આવા સવાલની જ રાહ જોતા તા અને મોકો મળી ગયો. પેલા અધિકારીને સ્પષ્ટપણે જણાવી દીધું કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી વગેરે જગ્યાઓએ બધી જ બેઠકો ભાજપ જીતશે, મહારાષ્ટ્ર, બિહાર અને યુપીમાં મોટાભાગની બેઠકો ભાજપ જીતશે અને સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્ર મોદીની સરકાર બનશે !

જે તે સમયે "આપ સરકાર"ની કામગીરીથી નારાજ એ યુવાન અધિકારી મિત્ર મારી વાતથી ખુશ થઈ ગયા. અને એમણે આજુબાજુના કાઉન્ટર પર નવરાધૂપ બેઠેલા અન્ય અધિકારીઓને બોલાવ્યા અને મેં કહેલી બધી જ વાત મારી પાસે ફરી બોલાવડાવી.

એમાં એક આધેડ ઉંમરના અધિકારી મને સવાલ પૂછી બેઠા કે તમે કયા પક્ષના છો? અને તમારી વિચારધારા શું છે?

હું ભાજપનો અને સંઘ સાથે સંકળાયેલો અદનો કાર્યકર છું એવી વાત સાંભળી એમણે મારી આગાહીઓને એકક્ષણમાં ફગાવી દીધી કે એટલે તમે આવી વાત કરો છો.

પણ હું મારી દલીલો પર કાયમ હતો કે મહિના - બે મહિના પછી તમે મને અને મારી વાતને જરૂર યાદ કરશો.

અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓના પરિણામો એ અધિકારીઓને મેં અગાઉથી કહ્યા પ્રમાણે જ આવ્યા

નક્કી ત્યારે ઘરમાં બેઠાબેઠાએ એ અજાણ્યા મિત્રોએ મને જરૂર યાદ કર્યો જ હશે !

એક આડવાત નેપાળમાં આ બાબતની ચર્ચા જે તે હોટલના માલિકો સાથે મારા શ્રીકૃષ્ણ સરખા સારથી ઉર્ફે ટેક્સીચાલકો સાથે થઈ હતી તેઓને પણ આ વાત જ મેં કરી હતી.

હવે અમે ઈમિગ્રેશન લોન્જમાં પ્રવેશી ચુક્યા હતા એટલે બહાર જવાનો કોઈ સવાલ ના હતો.

લોન્જના કાઉન્ટરો પર વિન્ડો શોપિંગ કરતા ફૂડકોર્ટ પર પહોંચ્યા. દૂરથી જે તે ખાદ્યચીજોનાં ભાવ અને સાથે લખેલી કોન્ટીટી જોતા ત્યાંયે વિન્ડો શોપિંગનું જ વિચાર્યું !

પણ પેટમાં બેઠેલા પેલા ગલુડિયાઓ મારી એ વાત માનવા તૈયાર ના હતા.

મારી ધર્મપત્ની ને પૂછ્યું એણે સ્પષ્ટપણે આટલું મોંઘુ ખાવાની ના પાડી પણ મેં સસ્તામાં સસ્તી ડીશ ઈડલી પસંદ કરી. અમદાવાદમાં બે ઈડલી અને અમર્યાદિત સંભારના જે હું માત્ર રૂ.૨૦ ચૂકવતો એવી જ ઈડલી અને માર્યાદિત સંભારાના રૂ.૧૨૦ ચૂકવ્યા.

ભાઈ પેટમાં બોલતા બિલાડાઓને તો સાચવવા જ રહ્યાને !

પેલા નાસ્તા અને જમવાની સગવડ કરનાર મિત્રને મારી ફ્લાઈટનો સમય ખબર હતો એટલે બરાબર અડધો કલાક પહેલા એમણે ખરખરો કરવા ફોન કર્યો અને રડમસ અવાજે કહેવા લાગ્યા,

"ભટ્ટજી આજે પહેલી એપ્રિલ છે એટલે મારા દિલ્હીના મિત્રો હું તેમને એપ્રિલફૂલ બનાવું છું એમ સમજી બેઠા છે"

અને મેં એ મિત્રને જવાબ આપ્યો

ભાઈ એ જે હોય તે પણ મારી જિંદગીમાં પહેલી અને છેલ્લી વખત હું આજે એપ્રિલફૂલ બન્યો એ હકીકત છે !

મને એક શીખ મળી

ક્યારેય કોઈનાયે ભરોસે રહેવું નહિ અને ઘરની બહાર નીકળીએ ત્યારે જરૂરી નાસ્તા અને અથવા ખાદ્યસામગ્રી લીધા વગર ક્યારેય નીકળવું નહિ

ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ, નેપાળ પર ઉતરાણ

~~~~~~~~

નેપાળથી ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ હાઈજેક થયેલી ફ્લાઈટને ધ્યાને રાખી નેપાળની દરેક ફ્લાઈટમાં આજેય બોર્ડિંગ પહેલા ૪ લેયર ચેકીંગ હાથ ધરાય છે

સાંજે ૬:૫૦ની ફ્લાઇટ હતી અને લગભગ સવા કલાકમાં કાઠમંડુ પહોંચી જવાની હતી એટલે વિમાનયાત્રા દરમ્યાન ભોજનની ઉપલબ્ધી ટાળી હતી. ત્રણ બેઠકોમાં બારીએ મારી ધર્મપત્ની બેઠી હતી.

વચ્ચેની બેઠકમાં હું હતો અને બાજુમાં એક આધેડ નેપાળી વ્યવસાયી હતા.

મોટી કાયાવાળુ વિમાન આકાશમાં ઉંચકાયા પછી ચોકલેટ અને જલપાનની વિધિ પુરી થઈ અને પેકેટબંધ ભોજન, જેમણે ટિકિટ બુકીંગ સમયે નોંધાવ્યું હોય એમના માટે, આવ્યું.

અમારી બાજુમાં બેઠેલા મહાનુભાવે માંસાહારી ભોજન મંગાવેલું. આમ તો મને મારી સામે બેસીને કોઈ માંસાહાર કરે એનો કોઈ છોછ નહિ પણઆજે અનાયાસે મને ઘૃણા ઉપજી અને ઉબકા આવવા લાગ્યા.

નક્કી એ ઓછી ઊંઘ, આખાયે દિવસની ભોજન રહિતની રઝળપાટના કારણે જ હશે !

મારી ઘરવાળીએ ટીવીમાં ફિલ્મોમાં અને સિરિયલો કે ટીવી જાહેરાતોમાં માંસાહારીઓને જોયેલા પણ નજર સમક્ષ આ પ્રથમ અનુભવ હતો. મને ધીમે રહીને કહે ," પેલાને કહો અહીંથી બીજે જઈને ખાય."

હવે વિમાન તો મારા બાપાનું હતું નહિ વળી વિમાનમાં અન્ય કોઈ બેઠક ખાલી હતી નહિ. વળી ના તો હું એનો સાહેબ હતો કે ના એ મારો આસિસ્ટન્ટ એટલે મારી ઘરવાળીને ચૂપચાપ બેસીને થોડો સમય સહન કરવા કહ્યું.

ના જાણે ઓછા કપડાવાળી ઢબુડીમાંથી એક અમારી મનોવ્યથા સમજી ગઈ અને અમારા બંનેયને માટે પેપ્સી કે કોલા જેવું કંઈક પીણું પકડાવી ગઈ.

જો કે તજ અને લવિંગ અમારી પાસે ઢગલાબંધ હતા પણ પાકીટમાંથી કાઢે કોણ ? કોઈ જોઈ જાયને માંગે તો?

બાજુવાળાની નોનવેજનો એઠવાડ ભરેલી ડીશ,

અંધારામાં બારીની બહાર કંઈક જોવા મથતી આંખો,

ક્યારેક ઊંઘે ભરાયેલી અંખીની ઝપકી

અને જોતજોતામાં તો કાઠમંડુ પહોંચી ગયાની જાહેરાત થઈ

હજુ તો વિમાન રનવે પર જ દોડતું તું ને લબાચા સાથે આગળપાછળ બંને તરફની કોરિડોર અધીરીયા જીવોથી ઉભરાઈ ગઈ

અહીં અમારે ક્યાં ઘેર જઈને રાંધવાની કે છોકરાઓને નવડાવવાની કે ખવડાવવાની ચિંતા હતી તે આરામથી બેઠા રહ્યા.

બેઠક પરથી ઉભા થઈ ભીડમાં કીડીવેગે ખસતા ખસતા દરવાજા સુધી પહોંચ્યો અને એક વખતના હિન્દુરાષ્ટ્રની જમીનના અને દૂરદૂર હિમાલયના દર્શન થતા જ હું ધન્યતા અનુભવવા લાગ્યો.

સીડી ઉતરીને જમીન પર પગ મુક્યો અને મને ખરેખર સ્વર્ગમાં આવ્યાની અનુભૂતિ થઈ !

સાપસીડીની માફક અટવાતા અને પૂછતા પૂછતા સામાનકક્ષ સુધી પહોંચ્યા અમારી પેલી ફોરેનની કેસરિયા બેગ બે ચાર વખત સરકણી સીડી પર આંટા મારીને થાકીને ખૂણે ભરાઈને પડેલી .... ત્યાંથી ઉપાડી અને એરપોર્ટની બહાર તરફ જવા લાગ્યા.

ત્યાં જ એક મહાનુભાવ દોડતા આવ્યા મને એમ કે ટિકિટ કે પાસપોર્ટ જોવા હશે એ બંનેય હાથવગા હતા તે ધર્યા. થોડીવાર એ ટિકિટની પ્રિન્ટઆઉટ ફેરવીને જુએ અને થોડીવાર અમારી સામે જુએ અમે આગળ ચાલતા ચાલતા ટિકિટ અને પાસપોર્ટ એ ભાઈના હાથમાંથી લઈ લીધા અને ઝડપથી આગળ વધવા લાગ્યા ..... એ રીતસર વચ્ચે આવીને ઉભા રહી ગયા . મને કંઈ સમજાયું નહિ કે એમનો ઈરાદો શું છે ?

મેં એમને મને આવડતી તૂટીફૂટી અંગ્રેજીમાં પૂછ્યું કે ભાઈ તને તકલીફ શું છે અને તારે શું જોવું છે ?

હવે તેણે ખોંખારીને "લગેજ ટેગ"ની માંગણી કરી અમે બંનેય એટલે હું અને મારી ઘરવાળી ફાંફે ચઢયા. એ તો દિલ્હી એરપોર્ટ પરથી મળી જ નહોતી.

હવે ?

એ ભાઈને સમજાવ્યું કે અમને બોર્ડિંગ સમયે જે તે એરલાઇન્સના માણસો લગેજટેગ આપવાનું ભૂલી ગયા છે. પણ એ માને એવો ક્યાં હતો.

અમારી આ રકઝક દૂર બેઠેલા એના સિનિયર ઓફિસર જોઈ ગયા અને મારી મુંઝવણ જોઈ અમારી પાસે આવ્યા. મેં દિલ્હી એરપોર્ટ પર મારી સાથે જે બન્યું તે અક્ષરસહ એમને જણાવ્યું એમને મારી વાતમાં અને વધુ તો મારા નિર્દોષ ચહેરાના કારણે વિશ્વાસ બેઠો અને બાકી હતું તો એની નજર અમારી એ બેગ પર લાગેલા આંઠ આનાના તાળા પર પડી અને અમને વગર જામીને જામીન પર છોડી મુક્યા

અને અમે પહોંચ્યા કાઠમંડુના ઈમિગ્રેશન કાઉન્ટર પર

એક તો અમે વિમાનમાંથી લગભગ સૌથી છેલ્લા ઉતર્યા હતા. વળી લગેજ ટેગમાં ફસાયા ત્યાં સુધીમાં ફરજ પરસ્ત એકમાત્ર અધિકારી પોતાની જગ્યા છોડી ક્યાંક ચાલ્યા ગયા હતા

આમતેમ ફાંફા મારીને જે દેખાય એ બે ચાર જણ ને પૂછીને એ અધિકારીને બોલાવવા પ્રયાસો આદર્યા પણ વ્યર્થ.

ફરી પેલા ભલા અધિકારી જેમણે અમને લગેજટેગમાંથી બચાવ્યા એમની પાસે ગયો અને હકીકત જણાવી. એમણે પોતાના મોબાઈલ પરથી ફોન કરીને પેલા અધિકારીને તેડાવી મંગાવ્યા

હવે એનો વારો હતો અમને કનડવાનો. મંડયો સવાલોની ઝડી વરસાવવા

અભી તક કહા થે ?

હવે એને એમ તો ના કહેવાયને કે તારા કાકાએ અમને રોકી રાખ્યા તા.

ભાઈ સબેરે ૫ બજે સે ઘર સે નિકલે હૈ તો બહોત થક ગયે હૈ તો ધીરે ધીરે આયે.

એ અમારા બંનેના પાસપોર્ટ પરથી અમારી ઉંમરનો તાગ મેળવી અમારા ચહેરા પરના થાકનો ગુણોત્તર અને પ્રમાણ માપતો હોય એમ લાગ્યું.

કયું આયે હો ?

અલ્યા ભાઈ હજુ તો જીવવાની ઘણી ઈચ્છા છે એટલે અત્યારે અહીં મરવા નહિ પણ ફરવા જ આવ્યા છીએ, " પશુપતિનાથ કે દર્શન કરને ઓર ઘૂમને કે લિયે"

.

કિતને દિન રુકના હૈ ?

.

ભાઈ આમ તો આ સ્વર્ગમાં આજીવન રહેવા મળે તો રહેવાની ઈચ્છા ખરી પણ તારા જેવા જો પહેલા દિવસે મળતા હોય તો....."દસ દિન કી"

હવે એ આડાઅવળા સવાલે ચઢયો. મને એના સવાલો પરથી એનો ગુસ્સો પરખાઈ ગયો અને લાગ્યું કે એ લાગ જોઈને ચાલુ નોકરીએ એ એની પ્રિયતમા પાસે ગયો હશે અને અમે એને પાછો બોલાવ્યો હશે !

અંત ભલા તો સબ ભલા.

એણે અમારા પાસપોર્ટ પર મહોર લગાવી આગળ વધવા કહ્યું.

અમે એકમાળ નીચે આવ્યા જોયું તો ત્યાં બે કાઉન્ટર પર એટલી જ ભીડ હતી..... એક હતું પ્રિપેઇડ ટેક્સીનું કાઉન્ટર અને બીજુ હતું NTC અને SKY લોકલ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરનું કાઉન્ટર.

હું એ બધી લપમાં ના પડતા બહાર ટેક્ષીસ્ટેન્ડમાં પ્લે કાર્ડ લઈને ઉભેલા ડ્રાઈવરોમાં અમારી ટેક્ષી અને ડ્રાઈવર શોધવા લાગ્યો

દસ - પંદર મિનિટ આંટા માર્યા પણ કોઈ ભૂત ભાઈ અમને સત્કારવા કાઠમંડુ એરપોર્ટ પર આવ્યો નહતો.

હોટલ બુકિંગનું પ્રિન્ટઆઉટ સાથે લાવ્યો હતો એમાં હોટલનો નંબર જોઈ ફોન કરવા પ્રયાસ કર્યો છેક ત્યારે ખ્યાલ આવ્યો કે અમારા બંનેના મોબાઈલ ત્યાં રામશરણ થઈ ગયા હતા. હવે મારી ઘરવાળી જે સવારે વહેલી જાગી હતી આખો દિવસની ભૂખી ડાંહ હતી હવે એનો વારો હતો.

તમારા કોઈ કામ ઢંગના હોતા નથી. અને બધે જ આમ જ હું તમારા પાપે હેરાન થઉં છું. હું ખુબ થાકી ગઈ છું હવે મારે શું કરવાનું.

મારે એને તો કહેવાય નહિ કે હું ઉભો છું એમ ચુપચાપ - છાનીમાની ઉભી રહે.

પ્રિપેઇડ ટેક્સીવાળાએ હોટલ સુધીનું ભાડું રૂ.૭૦૦ કહ્યું એટલે બહાર "ફ્રીલાન્સ ટેક્સી"વાળાઓ પાસે મારી પત્ની ગઈ અને પૂછી આવી તો કોઈકે ૧૦૦૦ કહયા તોકોઈકે ૧૨૦૦ કહ્યા. નાસીપાસ થઈને પાછી આવી. આખરે પ્રિપેઇડ ટેક્સી પસંદ કરી રૂ.૭૦૦ની પહોંચ લઈ જે તે ટેક્સીમાં ગોઠવાયા.

ત્યાંના ટેક્ષી ડ્રાઈવર અમદાવાદના રીક્ષા ડ્રાઈવર જેવા જ

મીટર પર મુસાફરી હોય તો ગામ આખામાં ઘુમાવે અને ઉચ્ચક ભાડે ઈંધણ બચાવવા ગલીઓમાંથી કાઢે.

મુખ્ય માર્ગો છોડીને ટેક્સી ગલીયોમાં એ ઘુસાડતો રહ્યો અમે નિ:સહાય બારીની બહાર ફાંફા મારતા રહ્યા.

એક ગલીમાં એ ઘુસ્યો

રહેણાંકનો વિસ્તાર

એ ગલીમાં સામેથી નાનો ટેમ્પો ઘુસ્યો હશે બે ત્રણ બાઈક અને સ્કૂટર બંને બાજુએ પાર્ક કરેલા અને થયો ટ્રાફિકજામ

અમારી પાછળ બીજી બેત્રણ કાર ખડકાઈ ગઈ

ના આગળ જવાય ના પાછળ.

લગભગ ૨૦ મિનિટે કોકડું ઉકેલાયું અને અમે બહાર નીકળ્યા.

થામેલ, જ્યાથામાં હોટલ "નમસ્તે નેપાલ"ના દરવાજે ઉતાર્યા. પાંચ સાત પગથિયાં ચઢયા રિશેપ્સન કાઉન્ટર દેખાયું. દરવાજામાંથી જ બંદાએ રિશેપ્સન પર જે બેઠો હતો એને અમને લેવા ગાડી એરપોર્ટ પર નહિ મોકલવા બદલ ખંખેરવાનો શરુ કર્યો.

એણે પાંચ સાત વાર સોરી બોલીને sorrow વ્યક્ત કર્યો પણ અહીં રોકાય એ બીજો.

આખા દિવસમાં માંડમાંડ ખંખેરવા લાયક મુરગો છેક અત્યારે જે હાથ લાગ્યો તો.

હજુ પહેલી એપ્રિલ કે જેને હું સુખદ માનતો એ દુઃખદ દિવસ પૂરો નહોતો થયો.

કાઉન્ટર પહોંચતા એ યુવાને જણાવ્યું "અમે ગાડી મોકલવાની ભૂલી ગયા......" આઘાતજનક વાત હવે આવી.." તમારું બુકીંગ છે પણ અમારી હોટલમાં આજે જગ્યા નથી" એટલે આ કારણ હતું એરપોર્ટ પર ગાડી નહિ મોકલવાનું. "તમારે આજની રાત બાજુની હોટલમાં રહેવું પડશે અને કાલે સવારે તમને અહીં શિફ્ટ કરીશું."

ગુસ્સામાં હું રાતોચોળ ... અને કહેવાના અને નહિ કહેવાના ઘણા શબ્દો જ નહિ આખેઆખા વાક્યો બોલી ગયો.

એક પઠ્ઠો અમારી બેગ ઉચકીને અમને એ ખાંચામાં જ આવેલી બીજી હોટલના દરવાજે પટકી ગયો. ત્યાં સુધીમાં તો રાતના ૯ વાગી ચુક્યા હતા (નેપાળનો સમય આપણા સમય કરતા ૩૦ મિનિટ વહેલો છે). લિફ્ટ વગરની હોટલના ત્રીજા માળે રૂમ. રૂમમાં ગયા પછી ગાદી - ગાદલા, પડદા, બાથરૂમ, પાણીની વ્યવસ્થા, એસી, ઇલેક્ટ્રિકના પોઇન્ટ, WIFI ની સગવડ વગેરે ચકાસ્યા પછી ૧૫ - ૨૦ મિનિટ બેઠા.

ફરી એ ભૂખનું દુઃખ. ઈન્ટરકોમથી હોટલના રિસેપ્શન કાઉન્ટર પર પૂછપરછ કરી કે હોટલમાં જમવાની વ્યવસ્થા છે કે નહિ ? જવાબ નકારમાં મળ્યો. વળી એ પણ કહ્યું કે આ સમયે આજુબાજુમાં બધી જ રેસ્ટોરન્ટ બંધ થઇ જાય છે.

કારણ અપૂરતી વીજળી.

પણ અહીંથી લગભગ બે કિલોમીટર પર એક હોટલ છે ત્યાં જમવાનું કદાચ મળે.

નીચે આવી એ જગ્યાની પૂછપરછ કરી હોટલની બહાર નીકળ્યા તો અંધારું ધબ.

ક્યાંય લાઈટ જ ના મળે.

હવે ?

કાઉન્ટર પર ઉભેલી યુવાન હોટલ માલકણે જણાવ્યું કે અહીં દિવસમાં માત્ર ૬ કલાક વીજળી મળે છે. સ્ટ્રીટલાઈટ, રાજધાની કાઠમંડુ સહીત, આખાયે નેપાળમાં છે નહિ અને તમામ હોટલ અને રેસ્ટોરન્ટ પોતાના DG સેટ પર ઝગમગે છે, એય જો પોસાય તો !

ભારે કરી

હવે ?

જમવા જવું જરૂરી હતું.

એટલે અંધારે અટવાતા આથડતાને અથડાતા એકબીજાનો હાથ પ્રેમથી પકડીને નીકળ્યા. રસ્તે ચારરસ્તા જયાં આવે ત્યાં રસ્તામાં કાળો ઓળો જે કોઈ મળે એને પૂછતા હોટલ સુધી પહોંચ્યા.

કદાચ ત્યાંની બહુ પ્રખ્યાત શાકાહારી હોટલ હશે.

રાજ પરિવારની ૭ - ૮ વ્યક્તિઓ ત્યાં ભોજન લઈ રહી હતી એમ લાગ્યું

કાઉન્ટર પર બેઠેલા માલિક કમ મેનેજરે અમને રોક્યા નહિ.

રાત્રીના ૧૦ વાગવા આવ્યા હતા.

એક ભાઈ અમને મેનુ કાર્ડ આપી ગયો.

અરે ! એક ફિક્સ થાળીના રૂ.૧૦૦૦ હતા.

હવે આઘાત પર આઘાત !

ત્યાં તો એ ભાઈ કાઉન્ટર પર જઈને પાછો આવ્યો કહે હોટલ બંધ કરવાની છે એટલે તમને જમવાનું મળશે નહિ.

હું બેઠો હતો ત્યાંથી ઉભો થઈને કાઉન્ટર પર ગયો અને માલિકને મેં મારી પરિસ્થિતિથી વાકેફ કર્યો. એને અમારા પર સહાનુભૂતિ ઉપજી એટલે એણે કહ્યું હું તમને રોટી અને સબ્જીની વ્યવસ્થા કરાવી શકું પણ તમારે ૨૦ મિનિટ બેસવું પડશે.

નક્કી સ્વર્ગમાં જતા પહેલા નરકની યાતના ભોગવવી જ પડતી હશે !

ત્યારે જ તો અમે સવારના પાંચ વાગ્યાથી અત્યારસુધી ચાર - પાંચ નરકમાંથી પસાર થઈ ગયા !

ત્યારે વહેલી સવારે ઘરેથી નીકળતી વખતે મળેલો પેલો દૂધવાળો યાદ આવ્યો !

અડધો કલાકની રાહ જોયા પછી બટાકાનું શાક અને રોટલી ભેગા થયા

અને એના પૂરા ૭૦૦ નેપાળી રૂપિયા ચૂકવ્યા

ફરી અંધારે અટવાતા અને અથડાતા એકબીજાના સહારે લગભગ રાત્રે ૧૧ વાગે હોટલ પર પહોંચ્યા

આજે અમને જ અમારા ચંપલ અને બૂટનો અવાજ અમને સંભળાતો હતો

પહેલા એમ થયું કે અંધારઘેરી શેરીઓમાં કોઈની અવરજવર નથી અને અમે એકલા જ ચાલીયે છીએ એટલે હશે

પણ તરત જ મને પેલો નિયમ યાદ આવ્યો કે , જયારે તમે વધુ પડતા થાકેલા હો અને રસ્તે ચાલતા હો ત્યારે તમારા ચંપલ અથવા બૂટનો અવાજ તમને સંભળાય છે !

સવારે ચાર વાગે જાગ્યા હતા

આખાયે દિવસની ભૂખ

મુસાફરીનો થાક

ગરબા ગાતા પગ

લિફ્ટ વગરની હોટલ

માંડ માંડ હોટલના પગથિયાં ગણ્યા વગર રૂમમાં પહોંચ્યા

અને બીજુ કાંઈ વિચાર્યા વગર પહેરેલા કપડે જ પથારી ભેગા થઈ ગયા

(ક્રમશઃ)