પાત્ર પરિચય : ભોળો ભાવલો
ભોળો ભાવલો પણ વિનયાની જેમ જુનાગઢથી આવેલું પ્રાણી હતું. ભોળો ભાવલો નામ પ્રમાણે જ ભોળો અને દરેકની મદદ માટે હંમેશા તૈયાર. ભોળો છતાં કામમાં હોશિયાર અને મજબૂત માણસ. વિનયાની જેમ south indian કોમેડી કલાકાર અને તેનો કલર પણ એવો જ. ભાવલાને આખા હોસ્ટેલની ચિંતા હતી એટલે કે હોસ્ટેલનો કોઈપણ વ્યક્તિ દુઃખી થાય તો ભાવલો દુઃખી થઈ જતો એટલો તે રહેમ દિલવાળો હતો.
અમારા ગ્રુપમાંથી ભાવલો જ પૈસાની બચત કરતો હતો. અમારે જ્યારે પણ emergency માં પૈસાની જરૂર પડતી ત્યારે ભાવલા પાસેથી જ પૈસા નીકળતા હતા. ભાવલો હોસ્ટેલમાં આવ્યો ત્યારે તેને કોઈ વ્યસન ન હતું પરંતુ તે અમારી સાથે રહેવાને લીધે ફાકી, માવો ખાતા શીખી ગયો હતો. ભાવલો સમજદાર સાથે સહનશીલ પણ હતો. આમ તો, ભાવલાનો રૂમ ઉપરના (બીજા) માળે હતો પરંતુ ક્યારેક પ્રિતલાના અભાવે તો ક્યારે પ્રિયવદનના અભાવે તેને અમારા રૂમમાં સુવાની તક મળી જતી. તેથી તે મોટેભાગે અમારા રૂમમાં જ પડ્યો રહેતો. ભાવલાને ઓળખાણ કરવાનો મોટો શોખ હતો. હોસ્ટેલમાં આવ્યા પહેલા મારી અને ભાવલાની થોડી ઓળખાણ હતી જેને લીધે તે અમારા ગ્રુપમાં જોડાઈ ગયો હતો. નાનામાં નાના માણસ થી લઈને મોટામાં મોટા માણસ સુઘી ભાવલાની ઓળખાણ હતી. હોસ્ટેલના દરેક વ્યક્તિ સાથે ભાવલો ગમે તે રીતે ઓળખાણ કાઢી લેતો. પરંતુ તે ક્યારેય પોતાના સ્વાર્થ માટે ઓળખાણ કઢાવતો નહોતો એ તેની વિશેષતા હતી. ચાલશે, ગમશે, ફાવશે આ સિદ્ધાંત મુજબ તે જીવન જીવતો. કોઈપણ સાથે તે આરામથી ભળી શકતો હતો એટલે કે બિલકુલ down to earth વ્યક્તિત્વ. ભાવલાના આ ભોળપણનો ઘણા લોકો લાભ લેતા અને તેની પાસે પોતાનું કામ કઢાવી લેતા. જેમકે, ચીકાના ભોજનની થાળી દરરોજ ભાવલો જ લઈ આવતો (આમાં ચીકાની ચતુરાઈ અને ભાવલાનું ભોળપણ દેખાઈ આવે છે). બધુ જાણવા છતાં પણ ભાવલો બધાની મદદ કરતો. ભોળપણને લીધે તે ક્યારેક મજાકનું પાત્ર બનતો પરંતુ તેના ચહેરા પર હંમેશા smile રહેતી.
પાત્ર પરિચય : કન્વિનરશ્રી જયંતિ બાપા
હોસ્ટેલના કન્વીનર શ્રી જયંતિ બાપાનું વ્યક્તિત્વ નાળિયેર જેવું હતું ઉપરથી કઠોર અને અંદરથી નરમ. જયંતીબાપાના ભત્રીજાઓ હોસ્ટેલમાં રહેતા હતા પરંતુ જયંતીબાપા હોસ્ટેલના લોકો પર એક સરખો જ સ્નેહ રાખતા. હોસ્ટેલના લોકો પર જેટલો સ્નેહ રાખતા તેટલું જ કડક વલણ વ્યસની લોકો પ્રત્યે રાખતા. વ્યસની લોકો પર તે ગમે ત્યારે સર્જીકલ સ્ટ્રાઈક કરતા. આમ તો, જયંતીબાપા એટલે અંદરથી શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ. જયંતીબાપા હંમેશા સફેદ ઝભ્ભો અને લેંઘો પહેરતા હતા. જ્યારે પણ તેઓ હોસ્ટેલમાં આવતા ત્યારે હોસ્ટેલના લોકો automatic અનુશાસનમાં mode માં આવી જતા હતા. જ્યારે પણ હોસ્ટેલમાં આવે ત્યારે હોસ્ટેલના રહેતા લોકોને કંઈ તકલીફ પડતી નથી તેની ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન રાખતા. એક વખત અમે હોસ્ટેલમાં મચ્છરોની ફરિયાદ કરી હતી ત્યારે તેણે આખી હોસ્ટેલમાં લીમડાનો ધૂપ કરાવ્યો હતો અને દરેક રૂમમાં કાચબાછાપ મચ્છર અગરબત્તી આપી હતી. હોસ્ટેલના લોકોની ફરિયાદ સાંભળવા અને તે ફરિયાદનું નિવારણ માટે તેઓ હંમેશાં તત્પર રહેતા.
હોસ્ટેલમાં સ્વચ્છતા અને વ્યસનમુક્તિ માટે તે હંમેશાં પ્રયત્નો કરતા પરંતુ તેના પ્રયત્નો સફળ થતાં ન હતા. હોસ્ટેલના લોકોને કોઇને કોઇ વ્યસન હોવાથી લોકો બંધ બારણે ગુટકા, માવો, પાન, સિગારેટ ખાઈ પી લેતા. એટલા માટે ક્યારેક જયંતિ બાપા જાસૂસની જેમ અચાનક બધા લોકોને ભેગા કરી તેની તલાશી લેતા, રૂમોની તલાશી લેતાં તેને વધારે શંકા લાગે તો તે બઘાના સામાનની તલાશી પણ લેતા પરંતુ દિલના એવા ઉદાર હતા કે એક વખત અમને રૂમ આપવા માટે પોતાની ઓફિસ પણ ખાલી કરી નાખી હતી. હોસ્ટેલની આંતરિક વ્યવસ્થા પર તેઓ ધ્યાન રાખતા હતા. જયંતિ બાપા સામાજિક અને ધાર્મિક કામોમાં પણ રુચિ ધરાવતા હતા તેથી તે ઘણી સંસ્થાઓ સાથે સંલગ્ન હતા. ઘણી વખત હોસ્ટેલમાં સામાજિક સંસ્થાઓની મીટીંગ પણ થતી હતી. જયંતીબાપા એક સરળ અને મજબૂત વ્યક્તિત્વ હતું. અમારી ખુશનસીબી હતી કે અમને આવા બહુમુખી પ્રતિભા ધરાવતા કન્વીનર મળ્યા હતા.
પાત્ર પરિચય : સિક્યુરિટી ગાર્ડ નટુ બાપા
હોસ્ટેલની કમિટીએ સિક્યુરિટી ગાર્ડ તરીકે એક વૃદ્ધ બ્રાહ્મણને રાખ્યા હતા. તેનું નામ નટવરલાલ હતું. બધા તેને નટુ બાપા કહીને સંબોધતા હતા. તે વર્ષોથી હોસ્ટેલની રખેવાળી કરતા હતા. તે વિદ્યાર્થીઓનું અને હોસ્ટેલના લોકોનું ધ્યાન રાખતા હતા. તેની ઉપર હોસ્ટેલની સાફ-સફાઈ અને ભોજનશાળાની જવાબદારી હતી.
નટુ બાપાનું ઘર રાજકોટમાં હતું પરંતુ ભાગ્યે જ તેઓ તેના ઘરે જતા. આખો દિવસ અને રાત તે હોસ્ટેલમાં જ રહેતા.
જે છોકરાઓ નટુ બાપાના વખાણ કરે તે છોકરાઓ તેને વધારે વ્હાલા લાગતા. તે બહાર ચાલીમાં ખાટલો નાખીને સૂતા હોય. દરરોજ રાત્રે તેની પાસે ચાર પાંચ છોકરાઓની સભા ભરાઈ હોય. અમે પણ ક્યારેક રાત્રે તેની પાસે બેસવા જતા. નટુ બાપા પોતાના જમાનાની અને હોસ્ટેલની જૂની વાતો કરતા અને યાદો વાગોળતા. હોસ્ટેલના વિદ્યાર્થીઓને તેની સાથે બેસવાની અને વાતો કરવાની મજા આવતી. આમ તો, મોટાભાગે તે શાંત જ રહેતા પરંતુ હોસ્ટેલમાં કોઈ જ્યારે અવ્યવસ્થા સર્જે ત્યારે તે ગુસ્સે પણ થઈ જતા. હોસ્ટેલની વ્યવસ્થાને તે સારી રીતે જાળવતા હતા.
તે વિદ્યાર્થીઓની ઘણી સગવડ સાચવતા હતા જેમ કે, રાત્રે ત્રણ વાગ્યે પણ તે વિદ્યાર્થીઓને ચા-પાણી પીવા બહાર જવા દેતા હતા બદલામાં વિદ્યાર્થીઓ પણ નટુ બાપાની ચા પાણી, બીડીની વ્યવસ્થા કરતાં હતા.
હવે પછી આગળના પ્રસંગોમાં જુદા-જુદા પાત્રો આવશે જેને આપણે ગામના નામથી જ ઓળખશું અને પ્રસંગોને માણીશું.
ક્રમશ: