Right Angle - 38 in Gujarati Moral Stories by Kamini Sanghavi books and stories PDF | રાઈટ એંગલ - 38

Featured Books
Categories
Share

રાઈટ એંગલ - 38

રાઈટ એંગલ

પ્રકરણ–૩૮

‘સર...ગજબ કર્યો તમે હો...!‘ રાહુલનો અવાજ આવ્યો અને બન્નેએ નજર ફેરવી લીધી, ધ્યેયનો હાથ અધ્ધર હવામાં જ અટકી ગયો,

‘કબાબમાં હડ્ડી...‘ ધ્યેય ઘીમેથી બોલ્યો જે કશિશે સાંભળ્યું અને એ ખડખડાટ હસી પડી. કશિશના હાસ્યથી બેખબર રાહુલ તો કોર્ટમાં જે બન્યું તે વિશે ટિપણ્ણી કરતો રહ્યોં. ધ્યેય સર તમે તો આમ ને તમે તો તેમ. જે સાંભળવાનો કશિશ અને ધ્યેય બન્ને કંટાળો આવતો હતો. પણ રાહુલને સહન કર્યે જ છુટકો તે બેવ સમજતા હતા.

‘રિસેસ પછી રાહુલ તારે કેસ છે ને?‘ધ્યેય એને અટાકવા માટે કામ યાદ કરાવ્યું,

‘જી...સર...‘

‘હા...તો બસ એની તૈયારી કર..‘ ધ્યેયના કહેવાથી રાહુલ તરત પોતાના ટેબલ પર ગયો. ધ્યેય કશું બોલે તે પહેલાં કશિશ બોલી,

‘હું પણ જાવ..સવારથી માલા એકલી જ છે કોફીહાઉસ પર...એને મદદ કરવી પડે.‘

‘લો તારી સાથે વાત થાય એટલાં માટે મેં પેલાને ભગાડ્ડયો તો મેડમ પણ ભાગવાની વાત કરે છે.‘ ધ્યેયના ચહેરા પર રીષ હતી. એથી કશિશને વધુ હસવું આવ્યું,

‘હવે રાતે તો મળીએ છીએ ડિનર પર ત્યારે વાત કરીશું.‘

‘ના...બધો સમય રસોઇ કરવામાં જ જાય છે. એટલે જો ડિનર માટે બહાર આવવા તૈયાર હોય તો જ અત્યારે જવા દઉ.‘ ધ્યેયના અવાજમાં હુકમ હતો કે શું?

‘તું હુકમ કરે છે?‘ કશિશે પૂછયું,

‘તું હુકમ માને તેવી છે? રિકવેસ્ટ કરું છું, તું તો બહુ જબરી છે.‘ ધ્યેય તરત શરણાગતિ સ્વીકારી લીધી તેથી કશિશને ફરી હસવું આવ્યું.

‘ઓ.કે...ડન..રાતે આઠ વાગે મને પીક કરજે. બાય!‘ કશિશ એની સામે સ્માઇલ કર્યું અને નીકળી ગઇ, ધ્યેય એને જોઇ રહ્યો. મોટાભાગે વેસ્ટર્ન ડ્રેસ પહેરતી કશિશ આજે કોર્ટમાં યલો કલરના સલવાર કમીઝમાં આવી હતી. હંમેશની જેમ પોનીટેલના બદલે એણે આગળ પફ વાળીને ચોટલો વાળ્યો હતો. બેહદ ખૂબસૂરત લાગતી કશિશને એ દેખાતી રહી ત્યાંસુધી જોઇ રહ્યોં. પછી ઊંડો શ્વાસ લઇને એણે કામમાં મન પરોવ્યું.

રાતે આઠ વાગે એ કોફી હાઉસ પહોંચ્યો તો કોફી હાઉસ લોકોથી ધમધમતું હતું. એને જોઇને કશિશ એને બોલાવ્યો,

‘સોરી ડિયર થોડીવાર લાગશે....યુ નો આજે જે કોલેજમાં એક્ઝામ પૂરી થઇ છે એટલે બહુ રશ છે. માલા એકલી પહોંચી ન વળે..મારે મદદ કરવી પડશે.‘

‘કબાબમાં હડ્ડી...બીજું શું! ટેક યોર ટાઇમ.‘ ધ્યેય થોડીવાર બધું જોઇ રહ્યોં. માલા અને કશિશ કોફી–સ્નેકસ બનાવીને સર્વ કરતાં હતા. કશિશ સાથે સાથે કાઉન્ટર પણ સંભાળતી હતી. એ જોઇને એ પોતાની જગ્યા પરથી ઊભો થયો,

‘કિશું હું કાઉન્ટર સંભાળી લઉં?‘ ધ્યેયનો પ્રસ્તાવ સાંભળીને કશિશ આશ્ચર્યથી એને જોઇ રહી,

‘તને ફાવશે?‘

‘મને તું સમજે શું છે હેં? વકીલ છું પણ કમ્પ્યુટર પર હિસાબ કરીને બિલ બનાવતા તો આવડે...ડોન્ટ અન્ડરએસ્ટિમેટ મી..‘ એનો જવાબ સાંભળીને કશિશ હસી પડી.

‘ઓ.કે. વકીલ સાહેબ આજે કેશિયર બની જાવ.‘

નવ વાગે કોફી હાઉસ ખાલી થયું. કશિશ અને એની હેલ્પર માલા બન્ને થાકીને લોથપોથ થઇ ગયા હતા. ધ્યેયએ કાઉન્ટર સંભાળી લીધું હતું એટલે થોડી રાહત રહી હતી. બાકી આજે બધું વાઇન્ડ અપ કરતાં રાતે દસ વાગી જતે. ત્યાં ધ્યેય કોફી બનાવી લાવ્યો. માલા ગઇ એટલે બન્ને હંમેશની જેમ વિન્ડો પાસે રોડ તરફ જોતા બેઠાં.

‘ફ્યુ...(હાશ)...ફિંલિંગ રિલેક્સ...‘ કશિશ બોલી એટલે ધ્યેય કશો જવાબ આપવાના બદલે એને નીરખી રહ્યોં.

‘ઓયે બોલ ને શું જોઇ રહ્યોં છે?‘

‘તને...તને જોવ છું તો હવે બોલવાનું મન જ થતું નથી. બસ જોયા જ કરું.‘ ધ્યેયએ એની આંખોમાં જોતા કહ્યું.

બન્ને મનોમન એકબીજાને પ્રેમ કરે છે તે બન્ને જાણતાં હતાં પણ આજે પહેલીવાર આ વાત ધ્યેયએ આડકતરી રીતે કબૂલ કરી. ધ્યેયએ એનો હાથ પકડી લીધો. કશિશ કશું બોલ્યા વિના ધ્યેયને જોતી રહી. બન્ને ચૂપચાપ એકબીજાનો હાથ પકડીને થોડી ક્ષણો બેસી રહ્યાં. એ સ્પર્શમાં કેટલું બધું સુકુન હતું એ તો એકબીજાની હથેળીમાં રહેલી સંબંધોની ભીનાશથી જ અનુભવાતું હતું. પ્રેમમાં શારીરિક નીકટતા કરતાં ઘણીવાર માત્ર અમાપ પ્રેમ હોવાનો અહેસાસ જ માણસને પાગલ કરવા માટે પૂરતો હોય છે. કશિશ સાત વર્ષના કૌશલ સાથેના લગ્નજીવનથી આટલું શીખી હતી. કૌશલના પ્રેમમાં કદાચ શારીરિક આકર્ષણ વધારે હતું જ્યારે ધ્યેયના પ્રેમમાં અશરીરી પ્રેમ વધુ આકર્ષે છે. કશિશ આ વિચારમાં મગ્ન હતી અને ધ્યેય વિચારતો હતો તે દિવસે એણે એકદમ સાહજીક રીતે કશિશનો હાથ પક્ડયો હતો ત્યારે કશિશે અનુભવેલી ઝણઝણાટી એને પણ અનુભવાય હતી. બસ આજે ફરી એ અહેસાસે ધ્યેયને રોમાંચિત કરી દીધો. બસ આ ઘડી આવી ગઇ છે પ્રેમની કબૂલાત કરવા માટે...એ કશિશનો હાથ પોતાના હોંઠ સુધી લઇ ગયો અને બોલ્યો,

‘ડુ યુ નો...હાવ મચ આઇ...‘એ વાક્ય પૂરું કરે તે પહેલાં કશિશના સેલફોન પર રીંગ વાગી. કશિશે હળવેથી ધ્યેયના હાથમાંથી હાથ છોડાવ્યો અને ફોન લીધો તો સ્ક્રીન પર ડેડ નામ ફલેશ થતું હતું. ધ્યેયએ નજરથી જ પૂછયું કોણ છે એટલે કશિશ કોલ પીક કરતાં બોલી,

‘કૌશલના ડેડ..‘ એ સાંભળીને ધ્યેયનો મોઢું બગડયું,

‘અગેઇન કબાબમાં હડ્ડી..‘ કશિશે હસવું ખાળીને ફોન પીક કર્યો,

‘જય શ્રી કૃષ્ણ!‘ કશિશે ડેડ બોલવાનું ટાળ્યું તેનો ધ્યેયને પણ ખ્યાલ આવ્યો અને સામે છેડે રહેલાં અતુલ નાણાવટીને પણ એનો અહેસાસ થયો.

‘જય શ્રી કૃષ્ણ બેટા! કેમ છે એવું પૂછવાનો અધિકાર તો મેં ખોઇ નાંખ્યો છે પણ બેટા તો ય પૂછું છું.‘ અતુલભાઇના અવાજમાં પોતે કરેલાં કામનો પસ્તાવો બોલતો હતો.

‘જી...એવું કશું નથી. તમે પૂછી શકો...હું મજામાં છું. તમે કેમ છો?‘ કશિશે ભૂતકાળનો ભાર અતુલભાઇના મનમાં ન રહે તેથી ઉમળકાથી જવાબ આપ્યો,

‘બેટા...આઇ એમ પ્રાઉડ ઓફ યુ...જે રીતે તું લડાઇ લડી રહી છે તે જોઇને મને ગર્વ થાય છે કે નાણાવટીની પુત્રવધુ આટલી તેજતર્રાર છે.‘ અતુલભાઇ એના વખાણ કરીને એને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તે વાત કશિશને સમજાઇ ગઇ હતી. પણ હવે એ મનથી નાણાવટી નથી રહી. એટલે એણે વધુ રિસ્પોન્સ ન આપતાં માત્ર એટલું બોલી,

‘થેન્કસ!‘ અતુલભાઇ આટલા વર્ષોના બિઝેનસ અનુભવથી એટલું તો તારવી શક્યા કે કશિશનો પ્રતિભાવ પ્રમાણમાં મોળો છે. કદાચ એ એમના પરિવારના વર્તનથી નારાજ હોય તેમ બને.

‘બેટા...તારી મોમ તને ખૂબ યાદ કરે છે. એકાદવાર ઘરે આવી જા...એને જરા માઇલ્ડ હાર્ટ એટેક આવી ગયો છે.‘ આ બાબત પર કશિશ ઇન્કાર ન કરી શકી,

‘જી...હું સમય મળે ચોક્કસ આવી જઇશ.‘ કશિશ ટૂંકમાં પતાવવા ઇચ્છતી હતી પણ સામેની બાજુએ અતુલભાઇ આ ચાન્સ ગુમાવવા ઇચ્છતા ન હતા. કશિશના સાત વર્ષના લગ્નજીવનમાં એવો નિયમ રહ્યોં હતો કે રવિવારે સવારે કૌશલ અને કશિશ લંચ માટે એમને ત્યાં જતા. બાકી કોઇ ગેસ્ટ હોય તો જ આડે દિવસે જમવા–મળવા જવાનું બનતું. રોજ સાંજે કૌશલ પર એની મોમનો ફોન આવતો અને કશિશ સાથે હાઇ હલ્લો કે સમાજિક વાતો થતી. પણ અતુલભાઇ સાથે અઠવાડિયામાં એકાદવાર વાત માંડ થતી એટલે આજ ફોન કર્યાં પછી ફરીવાર ફોન કરવાથી કશિશને પણ અજુગતું લાગે તેવું એ ઈચ્છતાં ન હતા.

‘કંઇપણ જરુર હોય તો કહેજે બેટા...‘ અતુલભાઇએ વિવેક કર્યો. જે એમણે કશિશે ઘર છોડ્યુ ત્યારે કરવો જોઇતો હતો. કશિશે એ વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું.

‘જી...બાય.‘ કશિશે ફોન મૂકી દીધો.

કશિશે ફોન મૂકયો કે તરત જ ધ્યેયએ પૂછી લીધું,

‘કેમ અતુલભાઇએ ફોન કર્યો?‘

‘કૌશલના મમ્મીને હાર્ટએટેક આવ્યો છે...એટલે ઘરે મળવા આવવા કહેતાં હતા.‘

‘ઓહ...યુ શુડ ગો.‘

‘યહ...પણ તું સાથે આવીશ?‘

‘એમને ગમશે?‘ ધ્યેયને આમ કશિશ સાથે જવામાં સંકોચ થતો હતો. એક તો એને સામાજિક સંબંધો જાળવવાનો જ ખૂબ કંટાળો છે. તેમાં ય કૌશલના ઘરે એના મમ્મી–પપ્પાને મળવા જવાનું અજીબ જ લાગે. કારણ કે એમને એ માત્ર નામથી જાણ છે. બીજો કોઇ પરિચય નથી.

‘બોલ ને તને પૂછું છું? ધ્યેય વિચારમાં હતો એટલે કશિશે ફરી પૂછયું,

‘હમ...મને આવવાનું મન તો નથી પણ તું કહે તો ચોક્કસ આવીશ. આઇ એમ ઓલવેઝ વીથ યુ!‘

કશિશે એનો હાથ પકડી લીધો,

‘તારા વિના હવે કશે જવાનું ન ગમે...ચાલ હવે જમવા...તારે ભરોસે રહું તો ભૂખી જ રહું...કાલથી ઘરે જ રસોઇ કરવાની છું....‘કશિશ બોલતી બોલતી એનો હાથ ખેંચીને એને કારમાં તરફ ઘસડ્યો. ધ્યેય એની પાછળ ખેંચાતો હતો પણ મનમાં અફસોસ હતો કે પ્રેમની કબૂલાત કરવાનો મોક્કો હાથી જતો રહ્યો. ફરી એ મોક્કો મળે કે ન મળે.

બીજા દિવસે સવારમાં જ કશિશનો મેસેજ આવ્યો કે આજે રવિવાર છે કોલેજમાં રજા હશે એટલે સાંજે અતુલ નાણાવટીના ઘરે જઇ આવીએ. ધ્યેય સહમત થઇ ગયો. અતુલભાઇને કશિશે જાણ કરી દીધી કે એ સાંજે ઘરે આવશે. એમણે ડીનર સાથે લેવાનો આગ્રહ કર્યો પણ કશિશે વિનયથી ના પાડી દીધી. સાંજે કશિશ અને ધ્યેય બન્ને એમના ઘરે પહોંચ્યા. ડોરબેલ વગાડતા એકાદ મિનિટ માટે કશિશનો હાથ ધ્રુજ્યો એટલે ધ્યેયએ એને હિંમત આપવા માટે એનો હાથ પકડી લીધો. બારણું ખૂલ્યું તો સામે કૌશલ હતો.

બારણું ખૂલ્યુંને સામે કૌશલ હતો એ જોઇને કશિશ ક્ષણ માટે આંચકો ખાઇ ગઇ. એણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે એ અતુલભાઇના ઘરની ડોરબેલ વગાડશે અને સામે કૌશલ ઊભો હશે!

‘હાય...‘એક હાથથી કશિશનો હાથ પકડી રાખીને બીજા હાથ ધ્યેયએ કૌશલ સામે લંબાવ્યો. એ જાણી ગયો કે કશિશ આવી રીતે અચાનક સામે કૌશલ આવી ગયો તે પરિસ્થિતિનો સામનો કરવા માટે કશિશને સમય આપવો પડશે.

‘હાય...કેમ છે?‘ કશિશ સામેથી નજર હટાવીને કૌશલે આદરથી ધ્યેય સાથે શેકહેન્ડ કર્યા.

’ગ્લેડ ટુ મીટ યુ...પ્લિઝ કમ ઇન..!‘ કૌશલે બન્નેને આવકારતા કહ્યું. કૌશલ આગળ થયો અને એ અંદર જવા ફર્યો કે તરત જ કશિશે જોરથી ધ્યેયનો હાથ દબાવ્યો. એમાં સંકતે હતો કે અંદર નથી જવું, ધ્યેયએ એકદમ એના કાન નજીક ફૂસફૂસાતા અવાજે બોલ્યો,

‘હવે આવી ગયા છીએ અને પાછા જતાં રહીએ તો સારુ ન લાગે...ડોન્ટવરી હું હેન્ડલ કરી લઇશ.‘

ઘર છોડ્યા પછી આજે પહેલીવાર કૌશલ સામે આવ્યો હતો. કશિશ માટે આમ એનું અણધાર્યું મળી જવું જ બહુ આઘાત આપનારું હતું. જે પતિને દિલોજાનથી ચાહતી હતી એણે વિકટ પરિસ્થિતિમાં એને સપોર્ટ કરવાના બદલે કહેવાતી સામાજિક પ્રતિષ્ઠા માટે રાતોરાત ઘરની બહાર કાઢી મૂકી હતી. તે પતિને હવે મળવું ન જ ગમે. એ મનથી એની સાથેનો નાતો તોડી ચૂકી હતી. પણ ધ્યેય અલગ વિચારતો હતો. કૌશલને હજુ ય કશિશ માટે લાગણી છે, કદાચ એને પોતે જે કર્યું છે તે બાબતનો પસ્તાવો છે. કદાચ કોઈક રીતે એ કામ લાગી શકે. કોઇ સાથે સંબંધ બગાડવા કરતાં જાળવી રાખવાથી ફાયદો થાય છે તે વાત એક વકીલ તરીકે ધ્યેય બરાબર સમજતો હતો.

(ક્રમશ:)

કામિની સંઘવી