ઓ.. મારી... માં..! કહેતી તે ઝબકીને જાગી ગઈ..!
ફળિયા વચ્ચે એક ખાટલો ઢાળેલો હતો તેના પર માત્ર નામપૂરતું તૂટ્યું ફાટયું ગોદડું અને એ ગોદડાં પર તેની ગરીબીની ચાડી ફૂંકતાં કલરેકલરનાં થિંગડાં પર ગોદડીયા જાડા દોરાથી લેવાયેલા મોટામોટા ટેભા! જાણે કે ગરીબીનો રાક્ષસ દાંત બતાવતો મોટેથી હસી રહ્યો હતો..!
એક પરસેવાનું ટીપું માથાં પરથી વહેતું વહેતું નીચે આવી રહ્યું હતું અને રસ્તામાં આવતાં બીજાં નાનાનાના ટીપાંઓ ને પોતાનામાં ભેળવતું વધારે મોટું થતુંથતું તેના નાક પરથી નીચે ટપકયું, ઉનાળાની એ કાળી રાતે નીરવ શાંતિમાં તેનો 'ટપ' કરતો અવાજ પણ તે આશાનીથી સાંભળી શકી, એ ટીપાંને નીચે પડતાંની સાથેજ વૈશાખ મહિનાના તડકામાં આખોદિવસની તપેલી ભૂમિ ક્ષણભર પણ વિલંબ કર્યા વગરજ અમૃત સમજી પી ગઇ.
ખબર નહીં કેવું દુઃસ્વપ્ન જોયું હશે, તે ચારેતરફ જોવા લાગી, પણ દ્રષ્ટિ કોઈ જગ્યા એ અટકી જ નહીં.
રુડી ને ત્રણ વરસ થઈ ગયાં સાસરે અવ્યાને, બાપને તો જોયો જ નહોતો..! મોટીબા કહેતી, "જનમ્યા પહેલાંજ બાપને ખાઈ ગઈ વાલામુઇ, હવે ખબર નય કોને ખાશે..! ઉપરવાળો ય રિહાય ને બેઠો છે, માયગો દીકરો ને આયપી આ મુઇ ને, એક દીકરો હતો એનેય ઉપર બોલાવી લીધો, હવે આ ભવે તો સરગ મળી રિયું..! ઉપરથી આના લગનનો ખરચો કરવાનો ઇ નોખું..!"
ભણવાની તો એ ગામમાં પ્રથા જ ક્યાં હતી, છોકરીઓ તો ઠીક કોઈ પોતાના છોકરાઓ ને પણ ભણવા ન મોકલતું. સરકારેય થાકી ગઈ કપડાં, ચોપડા અને ખાવાનું મફત આપી આપીને, માસ્તરો ઘરે ઘરે જઈ સમજાવતા પણ તેઓનું સાંભળે કોણ..!
સાત-આઠ વર્ષની હશે ત્યાંતો ઘરનાં કામ માં લગાવી દીધી આખો દિવસ વાસણ, કપડાં કર્યે રાખે, રાતે એની માં પાસે આવીને સુઇ જાય, કમરી નો મમતા ભર્યો હાથ તેના માથાં પર ફરે અને તેનો બધો થાક ઉતરી જાય.
જુવાન થઇ, ઠીકઠીક રૂપાળી પણ હતી, બાળપણથી જ કામકાજ કરી કરીને શરીર એકદમ કસાઈ ગયેલું, પણ જીવનસાથી તો એજ બને જે વધુ પૈસા આપે, દાદી તો પૈસા જોઈ હરખાઈ ગઇ, "પચી... હજાર...!! એટલામાં તો આ એક નય આવી બીજી બે પણ દઈ દઉં." કહી વેંચી નાખી દારૂડિયા, જુગરિયા કાના ને.??
કાનો દારૂડિયો અને જુગરિયો જ નહીં, કાળા કામનો બાદશાહ કહેવાતો એના પંથકમાં, કોઈ કાળું કામ એવું નહીં જે એ ન કરતો હોઇ, દારૂ વેંચવાની સાથે અફીણ ગાંજો અને ચરસ જેવી નશીલી વસ્તુઓ પણ વેંચતો, કોણ આપે એને પોતાની વ્હાલસોયી..! પણ અહિયાં એ કોઈની વ્હાલસોયી ક્યાં હતી..! હતી એક અભાગી માં જેનું તો ડોશી પાસે કશું ઉપજે નહીં.
પરણાવી દીધી રાક્ષસજેવા કાના સાથે..!વેંચી નાખી બિચારીને..!
આજે તેની સુહાગરાત હતી, તેને એક ઓરડામાં પુરી રાખેલી, કેવાં ફૂલ ને કેવી સેજ..! મોડી રાતે આવ્યો ખુબજ પીધેલી હાલતમાં અને બસ, પતી ગઇ સુહાગરાત..! જેનાં સપનાં આમતો રુડીએ ક્યાં કદી જોયાં જ હતાં.
બીજા દિવસથી લાગી ગઇ ઘરનાં કામમાં જે એ હંમેશાથી કરતી હતી, સાસુ તો ભલી હતી પણ સાસરેથી ઘરવાળા સાથે ઝગડા કરી પાછી આવેલી નણંદ પાણી પણ જાતે ન પીવે, હુકમ કરે, "રુડીભાભી, એક ગલાસ પાણી દેજો, મારા પગમાં દુખાવો છે..! એના પગનો દુઃખાવો રુડીના માથાંનો દુખાવો બની જતો, પણ એ બિચારી કોને કહે..! આખો દિવસ દોડી દોડીને ઘરનાં કામ કરી થાકે અને રાત્રે દારૂડિયા પતિની "સેવા"..! પણ કોઈ ફરિયાદ વગર જીવતી રહી.
આમને આમ બે વર્ષ નીકળી ગયા, તેનાથી ધરાઇ ગયેલા કાનાએ બીજું ઘર કર્યું, વસ્તુઓની જેમ દીકરીઓ વેંચતા એ મલકમાં લાલચુ કે લાચાર માં-બાપની જો કોઈ કમી ન હતી તો કાના પાસે હરામના પૈસાની ક્યાં કમી હતી..! નવી આવેલી ઓરડામાં અને રુડી માટે ફળિયાંમાં ખાટલો..!
આખા ચહેરા પર પરસેવાની બુંદો બાઝેલી હતી, બેબાકળી થઈ આમતેમ જોવા લાગી પણ અંધારી કાળી રાતે દેખાય તો શું?? માત્ર અંધારું જ અંધારું..! ચારેકોર..!
સપનું આવ્યું હતું, પોતાની માંને ચાર લોકોના ખંભા પર જતી જોઈ, સફેદ કપડાંમાં લપેટાયેલી લાલ અને સફેદ દોરીઓ વડે બાંધી રાખેલી, તે બે હાથ લાંબા કરી પોતાને બોલાવતી હોય એવું લાગ્યું રુડી ને, પણ તે જઇ નથી શકતી કરણ કે જાડીપાડી નણંદે તેને પકડી રાખી હતી..!
ઓ...મારી... માં...! કહેતી દોટ મૂકી પોતાના ગામ તરફ.
કેટલું દોડી, કઇ બાજુ દોડી ભગવાન જાણે, પણ બીજા દિવસે એક લાશ મળી બાજુ ના જંગલમાંથી, જંગલી જાનવરો એ ખાતાં વધ્યું એટલું જ શરીર હતું..!