Premnu uddhvikaran in Gujarati Short Stories by HINA DASA books and stories PDF | પ્રેમનું ઉર્ધ્વિકરણ

Featured Books
Categories
Share

પ્રેમનું ઉર્ધ્વિકરણ



'બહુ ઉમદા કાર્ય થઈ રહ્યું છે, તમારા તરફથી મિસ્ટર અવિનાશ.' જાણે ઝાંઝરનો મધુર અવાજ રણકતો હોય એમ ખ્યાતિ આવીને બોલી.

અવિનાશ પણ બે ઘડી તો જોઈ જ રહ્યો કે આ માધુરી કોણ? ખ્યાતિએ અવિનાશને પોતાનો પરિચય આપ્યો. જ્યા સુધી રહી ત્યાં સુધી તે અવિનાશને જ બિરદાવતી રહી.

પરિચય વધતો ચાલ્યો ને પ્રેમમાં પરિણમ્યો. બંનેને લાગ્યું કે અગાધ પ્રેમ એટલે આ જ. બન્ધનમાં તો કોઈને બંધાવું ન હતું, બસ સમયને બાંધી રાખવો હતો પણ સમય કહે હું કાંઈ એમ બંધાવ, ને સમય પોતાની કમાન છટકાવી ચાલ્યો ગયો. ને અગાધ પ્રેમનો સમંદર સુકાઈ ગયો. અવિનાશ તરફથી તો નહીં પરંતુ ખ્યાતિ હવે દુરી બનાવતી ચાલી ને એકદિવસ તે ચાલી ગઈ.

અવિનાશ તો હજી નિરપેક્ષ પ્રેમ કરતો જ હતો તેનો પ્રેમ કાંઈ શરતો ને આધીન ન હતો, કે તેણે પ્રેમ પૂર્વે ખ્યાતિને કહ્યું ન હતું કે term & conditions apply.

અવિનાશે ખ્યાતિને ક્યારેય દોષ આપ્યો જ ન હતો તે તો પરિસ્થિતિને જ દોષ આપતો હતો. પણ સાચું પૂછો તો ખ્યાતિ અવિનાશને સમજવામાં થાપ ખાઈ બેઠી.


અવિનાશના જે કામને તે બિરદાવતી તે જ તેના માટે વેરી બન્યું. ને અવિનાશે પોતાના કામને વધુ મહત્વ આપ્યું, ને પ્રેમ જતો કર્યો.

ખ્યાતિ આને ગાંડપણ સમજી બેઠી ને મતભેદ મનભેદ મા પરિણમ્યો ને બને છુટા પડી ગયા.

અણીદાર કાંટા ની વચ્ચે સરી જતો સમય,
બે આંકડા વચ્ચે વહી જતી જિંદગી,

સંજોગો પાસે સંયોગો નો ગતિવિન્યાસ નથી ચાલતો, સમય નામની કમાન પર હરેકે જુકવું જ પડે છે. એ નિર્લેપ જીવે ઘડિયાળ ને પણ પોતાના જેવી નિર્જીવ બનાવી દીધી છે, જે સમગ્ર જગતને પોતાની એડી પર નચાવે છે. આમ જુઓ તો બહુ સરસ છે આ ગતિશીલતા, બેઘડી વિરામ લેવા આજનો માનવી ઘડાયો નથી, ચરૈવેતી ચરૈવેતી ની માફક માણસે બસ ચાલતા જ રહેવું જોઈએ. બંધિયાર પાણી પણ દુર્ગન્ધ આપવા લાગે છે, તો માણસ તો ક્યાંથી બંધાય શકે. પરિવર્તનના નિયમને માણસે હમેશા સ્વીકારવો જ રહ્યો.
ખ્યાતિ અંશુમનને પરણીને સેટ થઈ ગઈ. પ્રથમ પ્રેમ ભુલાતો નથી એ વાત અંશુમને ખોટી સાબિત કરી આપી. ખ્યાતિ અવિનાશને ભૂલી ગઈ. પોતાની દુનિયામાં ખ્યાતિ બહુ ખુશ હતી. પાંચ વર્ષ કેમ પસાર થઈ ગયા ખબર ન પડી. હવે ખ્યાતિને ખાલીપો લાગવા લાગ્યો. ને એ ખાલીપો એક બાળક જ પૂરો કરી શકે એવું તીવ્ર રીતે ખ્યાતિને લાગ્યું. ખ્યાતિ અંશુમનને બાળક માટે મનાવવામાં સફળ રહી.

બે એક વર્ષની રાહ જોવા છતાં નાનકડી કિલકારીઓ ઘરમાં ગુંજી નહિ. ખ્યાતિ દત્તક બાળક માટે વિચારવા લાગી. અંશુમનને આ વખતે મનાવવો અઘરો હતો. ખ્યાતિ કહેતી કે કોઈ અનાથને ઘર મળે ને મને એક આનંદનો સથવારો મળે તો શું વાંધો.

અંશુમન કહેતો કે હું છું પછી તારે સથવારાની શી જરૂર. તારી જોબને,બાળક તું બધું કેમ મેનેજ કરીશ. મારે બાળકની જરૂર નથી આપણે એકબીજાનો સહારો જ છીએ પછી બાળક ની લાકડીની જરૂર ખરી.

ખ્યાતિ કહેતી કે હવે ઢળતી ઉંમરે એક બાળક તો હોવું જ જોઈએ, બાળક વિના તમારી પાછલી જિંદગી એકલી ગુજરે, તમારી પાસે જીવવા માટેનું કારણ નથી રહેતું, નિરાશા ઘેરી વળે છે.

અંશુમનનો મત જુદો હતો. તે તો કહેતો કે આ સમય મા તમારા સંતાનો તમારી પાસે રહે તે તો શક્ય જ નથી. પતિ પત્ની એ જ એકબીજાનો સહારો બનવાનો હોય છે, ને એનાથી આગળ વ્યક્તિએ પોતે જ પોતાનો સહારો બનવાનો હોય છે.

બંનેનો મતભેદ લાંબો ચાલ્યો, ખ્યાતિને નમતું જોખવું જ પડ્યું, પણ તેણે પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી કે તે પોતાની જોબમાંથી ફ્રી થઈને અનાથાશ્રમના બાળકોને સમય આપશે. અંશુમન તેમાં ના ન પાડી શક્યો.

ખ્યાતિએ ઘણા અનાથાશ્રમની તપાસ કરી. તેમાં તેને "માની ગોદ"એ અનાથાશ્રમ યોગ્ય લાગ્યો. ખાસ કરીને 'તાઈ' તરીકે કામ કરતા એ ગૌરવશાળી મહિલા તેને ગમી ગયા.

આ અનાથાશ્રમમાં એવી બાળાઓને લાવવામાં આવતી કે જેના મા બાપ ભૂલ સમજીને તેને કચરામાં ફેંકી દીધી હોય. ક્યાંથી પણ આવી બાળકીના સમાચાર મળે એટલે બધા દોડી જતા ને બાળકીને માની ગોદ મળી જતી.

ખ્યાતિએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી તાઈએ કહ્યું કે સાહેબને પૂછવુ પડે, ખ્યાતિ ટ્રસ્ટીની ઑફિસમા ગઈ. ટ્રસ્ટીની ગોદમા કાલે જ લયાવેલી બાળા સૂતી હતી ને સાહેબ તેના સામે જોઇને સ્મિત કરતા હતા.

ખ્યાતિ અંદર ગઈ ને બોલે પેલા તો જોઈને છક્ક થઈ ગઈ. તે અવિનાશ ને જોતી હતી સામે. જે કામ ને કારણે તે અવિનાશ ને સમજી ન હતી શકી નિયતિ એ એ જ કાર્ય કરવા તેને પ્રેરી હતી.

અવિનાશે ખ્યાતિ ને સંમતિ આપી દીધી. તે રાતભર વિચારતી રહી કે તે અવિનાશ ને સમજી ન શકી. જોબ પુરી કરી આશ્રમ ગઈ. અવિનાશે સાથે વાત થઈ, તમારામાં પ્રેમને સમજવાની તાકાત આવી ગયા બાદ બધી ફરિયાદો, વાસના, અપેક્ષાઓ બધું વિલીન થઈ જાય , હવે ખ્યાતિ ને અવિનાશ નું પણ એવું જ થયું. ખ્યાતિ અંશુમન પ્રત્યે પૂર્ણ વફાદાર હતી, ને અવિનાશ તેના કામ પ્રત્યે.

નિખાલસતાથી બને મળતા અવિનાશે ખ્યાતિને એક બાળકી ગોદ લેવા સલાહ આપી, જેથી તેનું જીવન પૂર્ણ થઈ જાય. આ વખતે અંશુમનને મનાવવામાં ખ્યાતિ, ને અવિનાશ બને સફળ રહયા.

અવિનાશ તો પોતાના કામથી જ પૂર્ણતા પામી ચુક્યો હતો, ને હવે તો ખ્યાતિ પણ પૂર્ણ બની ચુકી હતી. પ્રેમ નો મતલબ સમજવા તેમણે પ્રેમ ને આત્મસાત કર્યો હતો. આ પ્રેમનું ઉર્ધ્વિકરણ પામવા કરતા પણ વિશેષ આંનદદાયક હતું.

© દાસા હિના