‘અહંકાર’ અથવા ‘સ્વાભિમાન’ શબ્દ ને તો જાણતા જ હશો. બધા જ લોકોમાં અહંકાર રહેલો હોય છે, અમુક લોકોમાં વધારે પડતો હોય તો અમુક માં સામાન્ય પ્રમાણમાં હોય છે. અહંકાર એ માત્ર એક પ્રકારનો વિચાર છે અને જ્યારે તમે એને એક વિચાર કરતા વધારે મહત્વ આપશો તો જરૂર દુ:ખી થશો.
મને પણ અહંકારનો પ્રશ્ન થયો હતો તો મેં બુદ્ધ ને પૂછ્યું, પણ એ તો મૌન જ રહ્યા પરંતુ એક દિવસ બુદ્ધ, એમના ત્રણ ભિક્ષુ અને હું એક વન માંથી પસાર થઈ રહ્યા હતા. બધા ભિક્ષુ શાંતિથી આગળ વધી રહ્યા હતા અને બુદ્ધ એમની આગળ હતા.
વનનું વાતાવરણ રમણીય હતું; પક્ષીઓ નો મધુર અવાજ કાને અથડાતો હતો, વૃક્ષ પર વાનરો મસ્તી કરી રહ્યા હતા, સફેદ અને સુંવાળા સસલા આમ-તેમ દોડી રહ્યા હતા અને ઠંડો આહલાદક પવન ચારે દિશામાં વાતો હતો.
અમે આમારી ધીમી ગતિએ ચાલતા હતા, અચાનક બુદ્ધ એક જગ્યાએ થોભી ગયા. આ જોઇ બધા ભિક્ષુઓને આશ્ચર્ય થયું કે બુદ્ધ કેમ આમ ઉભા થઈ ગયા? પછી અમે પણ થોભી ગયા. બુદ્ધે એક વૃક્ષ સામે પોતાના ઘુંટણ પર બેસી બે હાથ જોડી નમન કર્યુ. આ જોઇને બધા ભિક્ષુઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા, એમને થયું કે આટલી મહાન વ્યક્તિ આ સમાન્ય વૃક્ષને નમન કેમ કરી રહી છે? ત્યા ઊભેલા ભિક્ષુઓ માંથી કોઇએ પૂછવાની હિંમત ના કરી પણ મેં પૂછ્યું “બુદ્ધ, માફ કરજો પણ તમે આ વૃક્ષને નમન કેમ કર્યું?” બુદ્ધે મારી વાત સાંભળી મને પુછ્યું “કેમ આમ હાથ જોડી નમન કરવાથી કંઈ અશુભ થયું?” બુદ્ધનો જવાબ સાંભળી મેં કહ્યું “ના બુદ્ધ એવી તો કોઈ વાત નથી પરંતુ તમારા જેવા મહાન વ્યક્તિ કે જેની સામે મોટા-મોટા રજાઓ પોતાનુ શિશ નમાવી નમન કરતા હોય એવી મહાન વ્યક્તિ આ સમાન્ય વૃક્ષને નમન કેમ કરી રહી છે? ન તો એ વૃક્ષ તમારી વાતનો જવાબ આપી શકે, ન તો હાથ જોડી નમન કરવાથી પ્રસન્નતા વ્યકત કરી શકે.”
મારી વાત સંભળી બુદ્ધના ચહેરા પર હલકું સ્મિત વેરાયુ અને મને જવાબ આપતા કહ્યું “વૃક્ષ બોલીને મને ભલે જવાબ ન આપી શકે પરંતુ પ્રત્યેક વ્યક્તિના શરીરની એક ભાષા હોય છે તેમ આ વૃક્ષ પણ પોતાની ભાષામાં આપણા પ્રશ્નનો ના જવાબ આપે છે, અને રહી મારી મહાનતાની વાત તો મારા હાથ જોડી નમન કરવાથી કંઈ એ ઓછી નથી થવાની અને હાથ જોડી નમન ન કરાવથી કંઈ વધી નથી જવાની. આ વૃક્ષની નીચે બેસીને ઘણા દિવસો મેં તપસ્યા કરી છે. આ વૃક્ષે મને મા ની જેમ પ્રેમ આપ્યો છે અને હું તપતા તડકાથી બચ્યો છું. તેથી આ વૃક્ષ માટે મારા હ્રદયમાં હંમેશા પ્રેમ અને આભાર રહેશે.”
બુદ્ધની આ વાત સાંભળી અમે બધાએ પણ એ વૃક્ષને બે હાથ જોડી નમન કર્યું.
પછી બુદ્ધે કહ્યું “આપણે આપણા અહંકારને કારણે સામેવાળા ને પોતાનાથી નાનો અથવા તો મોટો બનાવીએ છીએ, પરંતુ વાસ્તવિકતા તો બસ એટલી છે કે જે જીવન આપણા અંદર છે એ જ જીવન આ વૃક્ષો અને જાનવરો ની અંદર છે. અહંકાર મનુષ્યને આંધળો બનાવી દે છે જેથી એ વાસ્તવિકતાને જોઇ જ નથી શકતો. હાથ જોડી નમન કરવાથી માત્ર આદર કરવાનો જ અર્થ નથી એનો બીજો અર્થ આપણા અંદરનું પરમ સત્ય સામેવાળા ના પરમ સત્ય ને જાણી રહ્યુ છે, તેથી આપણે પ્રણામ કરીયે છીએ.”
એક ભિક્ષુએ પુછ્યું “પરંતુ બુદ્ધ આ અહંકાર નો ઉદભવ કેવી રીતે થાય છે?”
બુદ્ધે કહ્યું “જેમ જેમ આપણે વસ્તુઓને આપણા સાથે જોડતા જાઈએ છીએ તેમ તેમ અહંકાર ઉદભવતો જાય છે. વાસ્તવિકતા તો એ છે કે આપણે ઇચ્છીએ તો પણ વસ્તુઓને આપણી સાથે જોડી નથી શકતા બસ એ ભ્રમ છે કે આ વસ્તુ મારી છે આ ભ્રમથી જ અહંકાર ઉદભવે છે.”
બધાને સંતોષ થયો અને પાછા ધીમી ગતિએ ચાલવા મંડ્યા.
મને પણ મારો જવાબ મળી ગયો..
‘નકારાત્મક અહંકાર એક મોટા પથ્થર જેવો હોય છે જે સંસાર રૂપી સમુદ્રમાં ફેંકતા ડુબી જાય છે અને હકારાત્મક અહંકાર એક લાકડાના ટૂકડા જેવો હોય છે જેને સંસાર રૂપી સમુદ્રમાં ફેંકતા તરી જાય છે...’
( આવી જીવનના બોધ સાથેની બીજી વાર્તા અલગ વિષય માં ‘બુદ્ધ સાથે હું’ માં ક્રમશ.)
(પ્રતિભાવ જરૂર આપજો)