( આપણે જોયું પોતાના પરિવાર અને મીરા ને છેહ આપી અભિ મહેતા પરિવાર સાથે શિકાગો જતો રહે છે. જ્યાં શ્લેષા તેને આ લગ્ન માતા-પિતા ને ઇન્ડિયન જમાઈ જોઈતો હતો એટલે કર્યા હતા એમ કહે છે. હવા માં ઉડતો અભિ આઘાત પામે છે.)
હવે આગળ…….
લગ્ન ને એક મહિના થી પણ ઓછા સમય માં અભિ પામી જાય છે કે આ ઘર માં સમીર મહેતા અને શ્લેષા મહેતા નો સ્વભાવ ઉધ્ધત હતો જયારે રોમા મહેતા તેનાં થી બિલકુલ વિરુદ્ધ માયાળુ અને લાગણીશીલ.
શ્લેષા નાની-નાની વાતે અભિ નું અપમાન કરતી. તે અભિ ને પોતાના રૂમ માં પણ સહી ન શકતી. અભિ ગેસ્ટ રૂમ માં રહેતો હતો. મિસ્ટર મહેતા અભિ નું ઓફિસ માં સ્ટાફ ની વચ્ચે કે ઘરે સવૅન્ટ ની સામે પણ અપમાન કરી નાખતા.
છતાં અભિ એમ વિચારતો કે હજી મને નવા વાતાવરણ માં સેટ થવા માં સમય લાગશે. હવે આ ફેમિલી સાથે સેટ થઇશ તો જ મારા સ્વપ્નો પૂરાં થશે.
પરંતુ આવી ઘટના રોજ થવા લાગી. ઓફિસ હોય કે ઘર બાપ-દીકરી એક પણ મોકો અભિ નાં અપમાન નો ન છોડતા. તેની આઝાદી અહીં છીનવાઇ ગઈ.
ઓફિસ માંથી અભિ ને એક સામાન્ય કર્મચારી જેટલી જ સેલેરી અપાતી. છતાં, “ યુ આર નોટ ડિઝવૅીંગ ધેટ” પણ કહેવાતું, “ તું મહેતા'ઝ ને લાયક નથી.” આવું પણ કહેવાતું.
ધીમે-ધીમે અભિ બધી રીતે પિસાવા લાગ્યો. પોતાની સ્થિતિ કોને કહે? માઁ-બાપ બહુ દૂર હતા. અને તેની અનિચ્છા એ મહેતા'ઝ સાથે પોતે જોડાયો હતો એટલે તેને આ વિશે વાત ન કરી શક્યો.
સૌમ્યા ને એકાદ વખત ફોન કરી વાત કરી હતી. ત્યારે એને એમ જ કહ્યું કે, “ તું તારી મરજી થી બધું વિચારીને મહેતા'ઝ જોડે સંબંધે બંધાયો હતો તું જ મેનેજ કર.”
છતાં સૌમ્યા એ સમીર મહેતા ને અભિ એ કરેલી વાત કરી. સમીર મહેતા ભભૂકી ઉઠ્યા અને અભિ ને ન બોલવાના શબ્દો બોલ્યા. ત્યાર પછી અભિ મૌન બની ગયો.
પણ આજે એક વર્ષ થવા આવ્યું. આવા વાતાવરણ ને અભિ ની સહનશક્તિ જવાબ દઈ ગઈ. જાણે શ્રીજી બાવા એ જ તેનાંમાં તેનું સ્વાભિમાન જગાવ્યું તેને રસ્તો મળ્યો કે તેને મન મક્કમ કરી U.S. છોડી ‘ પેલે પાર’ ભારત પાછા આવવાનું નક્કી કર્યું.
ત્યાં થી જ પોતાના પિતા ને ફોન કર્યો. અહીં ભારત માં મધ્ય રાત્રી નો સમય હતો. અભિ ક્યારેય આ સમયે ફોન ન કરતો હોવાથી મનહર લાલ ચિંતાતુર બન્યા. ફોન ઉપાડી, “ જય શ્રી કૃષ્ણ બેટા. મજા માં છો ને? તબિયત સારી છે ને બેટા? કેમ અત્યારે ફોન કર્યો? કંઇ ચિંતા માં તો નથી ને?” આટલા બધા સવાલો કર્યા પછી મનહર લાલે ખુદ વિચાર્યું કે અભિ ને તે બોલવાનો મોકો પણ નથી આપતા.
“ હા બેટા બોલ.”મનહર લાલે શાંતિ થી કહ્યું. અભિ એ અત થી ઇતિ સુધી ની બધી વાત પપ્પા ને કરી. હવે શું કરવું તે પૂછ્યું, “ શું કરવું શું? તારા માઁ-બાપ બેય જીવે છે. માર ગોળી શિકાગો ને અને મહેતા પરિવાર ને છોડી જેટલો બને તેટલો જલ્દી આવી જા બેટા.” મનહર લાલ રડતા રડતા બોલ્યા.
“ પપ્પા તમે મને માફ કરી શકશો ને? અને મમ્મી? એ પણ મને માફ કરશે ને?” અભિ પણ ઢીલો થઇ ગયો.
“ બેટા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બેટા અમે તો તને ક્યારનોય માફ કરી દીધો છે. હવે આ બધી વાત છોડ ફટાફટ અહીં આવવાની પ્રોસેસ કર. તને પૈસા જોઈએ તો મોકલું. તું જરાય ગભરાતો નહિ અને પેલા સમીર મહેતા સાથે સ્પષ્ટતા થી વાત કરી લેજે.” મનહર લાલ અભિ ને જુસ્સો આપતા બોલ્યા.
“ હા પપ્પા” અભિ મન નો ભાર હળવો થતા ઉત્સાહ થી બોલ્યો.
ઘરે જઇ તેને પહેલા રોમા બહેન ને બધી વાત કરી. તેમની સંમતિ અને સાથ લઇ અભિ એ સમીર મહેતા ને વાત કરી તો તે ખૂબ ક્રોધિત થયા, “ તું ડિવોર્સ ની વાત કરી મને ઇમોશનલી બ્લેકમેલ કરવા માંગે છે?” સમીર મહેતા બોલ્યા.
“ ના પપ્પા હું તો મારાં અને શ્લેષા નો જે સંબંધ બંધાયો જ નથી તેને મુક્ત કરવા માંગુ છું.” આજ અભિ નીડરતા થી બોલતો હતો.
“ તું મારી સાથે કોઈ ગેમ રમે છે, તું ક્યાંય જવાનો નથી ખાલી મને દબાવે છે. તને અમારી કોઈ વૅલ્યુ જ નથી.” સમીર મહેતા તાડુક્યા.
“ ના સર હું તમારી સાથે કોઈ ગેમ રમતો નથી કે નથી તમને દબાવવા માંગતો અને હવે હું પણ દબાવવા નથી માંગતો. તમને હું અનુકૂળ નથી અને હવે મને અહીં ની લાઈફ અનુકૂળ નથી. U.S. ની લાલસા માં મેં મારાં સ્વામાન ને છોડ્યું પણ હવે નહિ. પ્લીઝ મને અને શ્લેષા ને આ બંધન માંથી મુક્તિ આપો. અને મને ઇન્ડિયા જવાની આજ્ઞા આપો.” અભિ એ પોતાનો વિવેક ના છોડ્યો.
પ્રથમ વાર શ્લેષા પણ અભિ ની ફેવર માં બોલી, “ વી આર નોટ મેડ ફોર ઈચ અધર ડેડ. આઇ એગ્રી વિથ અભિ અમને એક બીજા થી અલગ થવા દો.”
ડિવોર્સ ની પ્રોસેસ પૂરી કરી અભિ અમદાવાદ જવા નીકળ્યો. પોતાની જાત ને ચક્રવ્યૂહ માંથી મુક્ત અનુભવતો હતો.
અમદાવાદ એરપોર્ટ પર મનહર લાલ, સુરેખા બહેન, મીરા અને રમેશ ભાઈ તેને આવકારવા ઉભા હતા. શરમ થી ઝૂકેલા અભિ ને મનહર લાલ અને સુરેખા બહેને તેને બાથ માં લીધો.
મીરા સામે નજર ન મિલાવી શકતા અભિ એ બે હાથ જોડ્યા પણ એ જ હાથ ને મીરા એ પકડી ને કહ્યું, “ હવે તું આ હાથ છોડાવી તો જો જોઉ છું અમને છોડી ને કેમ જઇ શકે છે.”
અને બધા નાં ચહેરા પર હાસ્ય રેલાઈ ગયું.
સંપૂર્ણ.
વાંચક મિત્રો ‘ પેલે પાર’ ધારાવાહિક નવલકથા વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મને સાહિત્ય ક્ષેત્રે ફરી લાવનારા મારાં અંગત જનો અને મારાં બાળકો નો ખૂબ ખૂબ આભાર.
ફરી ટૂંક સમય માં બીજો કોઈ વિષય લઇ આપની સમક્ષ રજૂ થઇશ.
આભાર