પ્રકરણ-૪
હવે તો ઘરસંસાર ફરી માંડ્યો હતો એટલે ઘરના કામકાજ સરિતા જ કરતી હતી. આવતું ટિફિન બંધ કરાવી દીધું હતું હવે સરિતા જ રસોઈ બનાવતી હતીને જયેશને હેતથી જમાડતી હતી. ફરી કૂંપળ કહો તો કૂંપળ, નહીં તો ફરી વસંત જરૂર આવી હતી. સપના જેવી વાત સાચી પડી ગઈ હતી.
આજ હજી સરિતા ઘરના કામ કરતી હતી. જયેશભાઈ
બહાર બાગ દેખાય તેમ હિંડોળા પર બેઠા હતા. ઘણા દિવસથી છાપું હાથમાં લીધું નહોતું. આજ વખત મળ્યો હતો (કાઢ્યો હતો). છાપું બેવડું વાળેલું હતું ખોલ્યું મોટા અક્ષરે હેડલાઈન લખેલી હતી. અભય મહેતાનું ખૂન.. છાપું જૂનું હતું કેમકે થોડા દિવસથી છાપું આવતું નહોતું.
જયેશભાઈને હરેરાટ થઈ ગયો. શરીરમાં લોહીનું આવન જાવનમાં એક સામટો, સીટી ટ્રેન જેવો વધારો થઈ ગયો. તરત છાપું બંધ કરી દઈ બાજુમાં મૂકી દીધું. આખો ચેહરો પરસેવો રેબઝેબ થઈ ગયો. આંખ સામે જુલતી કુદરતી લીલોતરી આગમાં ભડભડ બળી ગઈ. જયેશભાઈના મોઢા માંથી શબ્દ નીકળતો જ નહોતો, કશું જ બોલી શક્યા નહીં. દોડીને ઘરમાં કામ કરતી સરિતા પાસે ગયા.
સરિતા.. સરિતા.. આ જો છાપામાં શું છપાયું છે. સરિતાબેને છાપાની હેડલાઈન સામે નજર કરી. "અભય મેહતાનું ખૂન.., તે તો મને એમ કીધું હતું કે તેમને અટક આવી ગયું." જયેશભાઈ નો અવાજ બોદો થઈ ગયો હતો. ધીમો શ્વાસ ચડવા લાગ્યો હતો.
સરિતાબેનએ હળવેકથી હાથ માંથી છાપું લઈ લીધું, ઘણું બધું જાણતા હોય તે રીતે. જયેશભાઈને પીઠ પર હાથ રાખીને પ્રેમથી ખુરશી પર બેસાડ્યા. તે પોતે ઘૂંટણીયા વાળી નીચે બેસી ગયા.
"મેં ખોટું કીધું હતું.. આ ખૂન મેં કર્યું છે.. (હાથ જયેશભાઈની નજર સમક્ષ બતાવતા) મારા આ બંને હાથથી." સહેજ પણ રોષ નહિ, ચેહરા પર સહેજ પણ કોઈ ચિત્કાર નહિ.
જયેશભાઈની આંખો મોટી થઈ ગઈ. એક કંપન આખા શરીરમાં ફરી વળ્યું, એક લીસોટો જ્યાં સુધી અંદર ગયો ત્યાં સુધી એહસાસ થયો.
"તે... કેમ.. શું કારણ હતું" જયેશભાઈના શબ્દો એકબીજા સાથે અથડાતા હતા.
"તમારી સાથે જીવવું હતું, વર્ષો પહેલા આંખોએ જોયેલા સપના પુરા કરવા હતા. આંખ વારંવાર પૂછતી હતી શું થયું તે જોયેલા સપનાનું, મેં તો બસ મારા જોયેલા સપનાની સાચા ચીતરવા માટે પ્રયાસ કર્યો."
સરિતાના શબ્દો શબ્દો અલગઅલગ કરી સાંભળતા હતા.
"તારા હાથ કાપ્યા નહીં, જેના પડખામાં આટલા વર્ષ સૂતી. એક બાળક માટેના કરેલા પ્રયત્નોએ તને સહેજ પણ અટકાવી નહીં"
"બધા વચ્ચે મારી આંખમાં, મારા ભીતરમાં... તારા પ્રેમ હતો જે બધું જ કરવા બધી હદ પર પહોંચવા મને મજબુર કરી દેતો હતો" સરિતાબેન સપનાનો મતલબ સમજાવતા હતા.
"તારે... આ બધું.."
"મને ગમ્યું એ કર્યું, મારે તમારી સાથે રહેવું હતું, તમારી આંખોમાં ખોવાયેલા વર્ષો શોધવા હતા... શું તમારા દિલમાં મારા પ્રત્યે પ્રેમ નથી..?
હું તે ઘર છોડીને તમારી પાસે આવી એ નથી ગમતું તમને..?
જે બુજાય ગયું છે તેને શું કામ ફરી સળગાવવું છે..જયેશ" ઓસરીમાં લીપણ લીપાય તેમ સરિતાના શબ્દો લીપાય જતા હતા.
કપાળ પર બાજી ગયેલો પરસેવો પોતાના પાલવથી સાફ કર્યો. "દિવાળી છે તે યાદ છે ને રાતે મળીને દિવા પ્રગટાવશું, સપનાની વિગત ઘણી લાંબી છે.. કદાચ સમય ઓછો.."
બોલતા સરિતાબેન ઉભા થઇ ગયા ફરી કામે વળગ્યા.
શું છે આ બધું.. આ તો વળી કેવી ગુંચ.. જેટલુ સમજવા જાય એટલી વધુ આંટી પડતી જાય. જેટલું વધુ ખોલવા જાય એટલુ વધુ બધું ગુંચવાતું જાય.
અંદરથી વિચારનો ફણગો ફૂટ્યો. જે ચાલે છે તે ચાલવા દેવું. આખરે તો આપણું જ માણસ હતું એ આપણી પાસે આવ્યું.
હું સવારે જ ફુલખણી લાવી હતી. તમને યાદ છે એકવાર આપણે મંદિરના પાછળ મળેલા ત્યારે પણ દિવાળી હતી. તમે કહેતા હતા કે લગ્ન પછી આમ જ આપણે બંને સાથે બેસીને દિવા પ્રગટાવીશું, હું તે દિવાથી ફુલખણી સળગાવી તને આપીશ તું નાના બાળકની જેમ તે ગોળ ગોળ ફેરવજે. જયેશભાઈને સવાર વાળી વાત હજી આછી આછી યાદ હતી. પણ સિરતાબેન ને એ બધી વાતો દિવાની વાટ સાથે સળગાવી દેવી હતી.
રાતે સાત વાગ્યા.. હેતલનો ફોન આવ્યો દિવાળીની શુભેચ્છાઓ આપવા માટે. ફોનમાં જયેશભાઈ એકલાએ વાત કરી.. આ વખતે તે લોકો મુંબઈ જ છે એટલે નવાવર્ષમાં અહીં આવી નહીં શકે... થોડી વાતો કરી પછી ફોન મૂકી દીધો.
દિવામાં તેલ પુરીને તૈયાર રાખ્યા હતા. બંને એકસાથે દિવા સળગાવ્યા.. ને ઉંબર પર મુક્યા.. થોડીવાર દિવા સામે જોયા પછી એકબીજાની આંખોમાં જોયું. સરિતાબેન ઉભા થઇ ઘરમાંથી ફુલખણી લઈ આવ્યા. જયેશભાઈએ એક ફુલખણી હાથમાં લીધી, સળગાવીને સરિતાને આપી. સરિતા એ તેમાંથી બીજી ફુલખણી સળગાવી. જેમ એકબીજા હોઠ ચાંપે તેમ બીજી ફુલખણી સળગતી ફુલખણીને ચાંપી... સરિતાના મુખ પર સ્મિત જોઈને જયેશભાઈ હોંશે હોંશે અંદરથી હરખાતા..
મોડીરાત સુધી સાથે રંગોળી દોરી, પછી એકબીજાને બાથ ભીડી સુઈ ગયા.. ફરી પાછું વહેલું જાગવાનું પણ હતું.
સરિતાબેન વહેલા જાગી ગયા શેરીમાં લુણ વહેંચાવા આવ્યું તે પણ લઈ આવ્યા. પછી ભીના વાળની છાંટથી જયેશભાઈને જગાડ્યા...
જયેશભાઈ તૈયાર થઈ ગયા. બહાર આવ્યા તો સરિતાના ખુલ્લા વાળ.. કપાળ પર ચાંદલો.. જોઈને ખુશ એક વાર આંટો મારી ગઈ. પાસે આવીને સરિતાબેન જયેશભાઈને પગે લાગ્યા.
દામ્પત્યજીવનની પહેલી દિવાળી હતી. કાચ સામે ઊભા હતા, જયેશભાઈ સરિતાબેનના ચડતા ઉતરતા ઘાટ જોતા હતા.
જીવમાં જીવ પુરાણો હતો. અત્યાર લગી જીવતા હતા પણ જીવ નહોતો. લાગણીથી જયેશભાઈની આંખો ભીની થાય તો સરિતાબેન લૂછે... સરિતાબેનને તો આંસુ પડે તો લૂછેને. સરિતાની હથેળીમાં જિંદગીનું એકસામટું સુખ મૂકી દીધું હતું.