પ્રતિશોધ પ્રથમ અંક
ભાગ:10
મે ૨૦૦૨, અબુના, કેરળ
મયાંગથી બસમાં ગુવાહાટી, ગુવાહાટીથી બસ મારફતે શાલીમાર, શાલીમારથી ઉપડતી ગુરુદેવ એક્સપ્રેસ મારફતે કેરળનાં ખૂબસૂરત શહેર એરનાકુલમ પહોંચવામાં શંકરનાથ પંડિતને અડતાલીસ કલાક એટલે કે બે દિવસ જેટલો સમય લાગી ગયો. પોતાનાં પૌત્ર સૂર્યા સાથે જ્યારે પંડિત શંકરનાથ એરનાકુલમ પહોંચ્યાં ત્યારે એમને લેવા અબુના ગામનો સરપંચ હેનરી વિલિયમ્સ પોતાની કાર લઈને ખુદ પધાર્યો હતો. પચાસ વર્ષની ઉંમર, ફાંદ નીકળેલું શરીર, માફકસરની ઊંચાઈ અને શ્વેત ત્વચા ધરાવતો હેનરી કોઈ યુરોપિયન જેવો લાગી રહ્યો હતો.
એરનાકુલમથી અબુનાની બે કલાકની સફર દરમિયાન શંકરનાથને જાણવા મળ્યું કે અબુના ગામની વસ્તી બે હજારની આસપાસ છે. પાંચ-છ ગરીબ હિંદુ પરિવારને છોડીને ગામની બાકીની જનસંખ્યા ખ્રિસ્તી હોવાનું પણ હેનરી જોડેથી પંડિતને જાણવા મળ્યું.
"તો મિસ્ટર હેનરી, તમે કહ્યું કે તમારાં ગામ પર કોઈ શક્તિશાળી ડિમનનો પડછાયો છે." ગાડી હંકારી રહેલાં હેનરી વિલિયમ્સને ઉદ્દેશીને પંડિતે પૂછ્યું. "એવું તે શું બન્યું જેથી તમે એ માનવા મજબુર બન્યાં કે ગામમાં કોઈ શક્તિશાળી ડિમનનો વાસ છે.?"
વર્ષોથી વિદેશોમાં પ્રવાસ કરતાં હોવાથી પંડિત શંકરનાથ ઘણી ભાષાઓ અંગે જાણકારી ધરાવતાં હતાં. હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, મલયાલમ, તેલગુ, કન્નડ, ઉડીસી, બાંગ્લા, આસામી જેવી ભારતીય ભાષાઓ ઉપરાંત ગ્રીક, અંગ્રેજી, હિબ્રુ, લેટિન, ઉર્દુ, પશ્તો, અરેબિક, ચાઈનીઝ અને જાપાનીઝ જેવી વૈશ્વિક ભાષાઓનું જ્ઞાન ચાર ચોપડી ભણેલાં પંડિત શંકરનાથ પાસે હતું.
"પંડિત, આજથી વીસેક દિવસ પહેલાં ગામનાં લોકોને અચાનક ચામડીની બીમારીઓ થવા લાગી, ઘણાં ડૉક્ટરને બતાવ્યાં છતાં એ લોકોની ત્વચાની બીમારી ઘટવાનું નામ નથી લઈ રહી." હેનરીએ ચિંતિત સ્વરે કહ્યું. "હવે આ બધું ઓછું હતું તો સાતેક દિવસથી ગામનાં મોટાંભાગનાં લોકોનાં માથામાં જૂઓ પડી ગઈ. ગમે તેટલી દવાઓ કરાવ્યાં પછી પણ આ જૂઓનો ઉપદ્રવ ઓછો ના થયો; કંટાળીને ઘણાં પુરુષો અને સ્ત્રીઓએ પોતાનાં માથાનાં બધાં વાળ દૂર કરી દીધાં."
"મેં તમને કોલ કર્યો એનાં આગળનાં દિવસે ગામમાં દોઢસોથી વધુ પાલતુ જાનવર મોતને ભેટ્યાં, મારી પ્રિન્સી નામક બિલાડી પણ એ દિવસે જ અચાનક મૃત્યુ પામી. આ બધી ઘટનાઓએ ગામલોકોએ ધ્રુજાવી મૂક્યાં, હું ખુદ પણ આ ઘટનાઓને વહેલી તકે રોકવા માંગુ છું. નક્કી આ કોઈ ડિમનનું કામ હોવું જોઈએ એમ વિચારી હું ગામમાં આવેલાં ચર્ચનાં ફાધર, પોલ જોનાથનને મળ્યો. ફાધરે મને તમારો કોન્ટેક્ટ નંબર આપીને આ સમસ્યાનાં નિવારણ માટે મદદ માંગવા કહ્યું, તો મેં ક્ષણનો વિલંબ કર્યાં વિનાં આપની મદદ માંગી."
"અચાનક ગામમાં આવી વિપદાઓનું આવવું નક્કી કોઈ શૈતાની શક્તિઓનું કામ હોવું જોઈએ. અને આવું હશે તો સાચેમાં તમારાં ગામલોકો ખૂબ જ મોટી તકલીફનો સામનો કરી રહ્યાં છે." ગંભીર સ્વરે પંડિત શંકરનાથે કહ્યું. "પણ, તમે ચિંતા ના કરશો! તમારાં ગામમાં આવેલી આ વિપદાને ખતમ કરવા હું મારી રીતે બનતાં પ્રયાસ કરીશ."
થોડીવારમાં અબુના ગામ આવી ગયું. ગામની અંદર પ્રવેશ કરતાં જ હેનરીએ એક મોટાં મકાન આગળ પોતાની કાર થોભાવી અને પંડિતને ઉદ્દેશીને કહ્યું.
"પંડિત, તમે આજનો દિવસ અહીં આરામ કરો. કાલે શાંતિથી તમે તમારાં કામે લાગી જજો. આ મારું જ ઘર છે, તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી હું તમારાં અને તમારાં પૌત્ર માટે જમવાની વ્યવસ્થા કરાવું છું."
લાંબી સફર પરથી આવ્યાં હોવાથી શંકરનાથ પંડિત અને સૂર્યા જમ્યાં બાદ સોડ તાણીને સુઈ ગયાં. આવતીકાલે શું થશે એ વિચારી સૂર્યા ખૂબ જ રોમાંચિત જણાતો. હતો.
સવારે શંકરનાથ અને સૂર્યા સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી જ્યારે હેનરીનાં ઘરનાં મુખ્ય હોલમાં આવ્યાં ત્યારે હેનરી અને એની એંગલો ઈન્ડિયન પત્ની કૅથરીને એમનાં માટે ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યો હતો. નાસ્તો કર્યાં બાદ હેનરી, પંડિત અને સૂર્યાને કારમાં બેસાડી ગામમાં જવા નીકળ્યો.
હેનરી પંડિતને લઈને સીધો પોતાનાં ઘરની નજીક આવેલાં ગાયોનાં એક તબેલા પર લઈ ગયો. આ તબેલો હેનરીનાં મિત્ર ગેરાર્ડનો હતો. પાંચ દિવસ પહેલાં ગેરાર્ડની સાત ગાયો કોઈ જાતની માંદગી વિનાં અચાનક મૃત્યુ પામી અને એ દિવસ પછી ગેરાર્ડના તબેલામાં પ્રતિદિન ત્રણ થી ચાર ગાયો અકાળે મૃત્યુ પામી જતી હતી. જિલ્લા પ્રશાસન તરફથી અબુના આવેલાં પશુ ચિકિત્સકો પણ આ મામલામાં કંઈ ઉકાળી નહોતાં શક્યાં, એમને પશુઓનાં માલિકોને બનાવટી દિલાસો આપ્યો અને ત્યાંથી ચાલ્યાં ગયાં.
પંડિતને લઈને હેનરી જ્યારે ગેરાર્ડના તબેલાં પર પહોંચ્યો ત્યારે ગેરાર્ડ ગતરાતે મૃત્યુ પામેલી પોતાની ત્રણ ગાયોને તબેલાંની પાછળ ખુલ્લા ખેતરમાં દફનાવી રહ્યો હતો. હેનરીએ ગેરાર્ડ અને શંકરનાથની એકબીજા સાથે ઓળખાણ કરાવી. પંડિતે નોંધ્યું કે ગેરાર્ડનાં હાથ અને ગરદન પર વિચિત્ર પ્રકારની લાલ ફોલ્લીઓ ઉપસી આવેલી હતી. ગેરાર્ડની સહમતી સાથે શંકરનાથ પંડિતે ત્રણેય મૃત ગાયોને ધ્યાનથી તપાસી જોઈ પણ એમને ત્રણેય ગાયો સ્વસ્થ લાગી; જેને મર્યાં પહેલાં કોઈ ગંભીર બીમારી નહોતી.
જો આ રીતે ગાયો આમ જ અચાનક રાતમાં કોઈ જાતની બીમારીનાં ચિહ્નો વગર મરી રહી હતી તો નક્કી આ બધાં પાછળ કોઈ ડિમન હોવો જ જોઈએ એવું શંકરનાથ પંડિત વિચારી રહ્યાં હતાં ત્યાં હેનરીનાં ફોનની રિંગ વાગી. હેનરીએ એકાદ મિનિટ ફોન પર વાત કરી અને પછી વ્યથિત મુખમુદ્રા સાથે પંડિત શંકરનાથને ઉદ્દેશીને બોલ્યો.
"ડિમને આ વખતે ગામનાં મુખ્ય તળાવને પોતાનું નિશાન બનાવ્યું છે.!"
"શું કહ્યું? ગામનાં તળાવને નિશાન?" શંકરનાથે આશ્ચર્ય સાથે કહ્યું.
"પંડિત, અમારાં ગામનાં લોકો માટે પીવાનાં પાણી સિવાયની અન્ય જરૂરિયાતો માટેનો સૌથી મોટો સ્ત્રોત ગામની પૂર્વ દિશા તરફ આવેલું એક તળાવ છે." હેનરીએ કહ્યું. "ગતરાત સુધી તો એ તળાવનું પાણી ઠીક હતું પણ અત્યારે!"
"અત્યારે શું?" ઉત્કંઠા સાથે પંડિત શંકરનાથે પૂછ્યું.
"ચલો તમે ત્યાં જઈને નરી આંખે જ જોઈ લેજો કે આખરે થયું છે શું?" આટલું કહી હેનરી ઉતાવળા ડગલે પોતાની કાર તરફ અગ્રેસર થયો. સૂર્યા, પંડિત અને ગેરાર્ડ પણ એની પાછળ દોરવાયાં.
દસેક મિનિટમાં તો એ લોકો અબુના ગામની પૂર્વ તરફ આવેલાં તળાવ નજીક આવી પહોંચ્યાં. તળાવની ફરતે ઊભેલાં લોકોનાં ટોળે-ટોળા સાફ દર્શાવી રહ્યાં હતાં કે નક્કી કંઈક મોટી ઘટના બની હતી. તળાવ ફરતે એકત્રિત થયેલાં લોકોમાં ઘણાં લોકોનાં માથાનાં વાળ હાલમાં જ સફાચટ કર્યાં હોય એવું જોતાં જ સમજાઈ જતું હતું.
હેનરીની કારનો અવાજ સાંભળી એક પચ્ચીસેક વર્ષનો નવયુવક હેનરીની તરફ આગળ વધ્યો.
"એલેક્સ, તે મને જે કહ્યું એનાં ઉપર તને પૂરો વિશ્વાસ છે.?" તળાવ તરફ આગળ વધતાં-વધતાં જ હેનરીએ પોતાની જોડે અવેલા નવયુવકને સવાલ કર્યો. હેનરીએ એ યુવકને જે પ્રશ્ન કર્યો હતો એ પરથી સાફ સમજાતું હતું કે હેનરીને કોલ કરનાર વ્યક્તિ એ યુવક જ હતું; જેનું નામ એલેક્સ હતું.
"હા અંકલ, મેં તમને કહ્યું એ બાબતે હું ડેમ્પ સ્યોર છું.!" હેનરી સાથે ડગથી ડગ મિલાવીને તળાવ તરફ આગળ વધતાં એલેકસે કહ્યું.
તળાવનાં કિનારે પહોંચતાં જ, જેવી હેનરીની નજર તળાવનાં ઘાટા લાલ પાણી પર પડી એ સાથે જ એનાં મુખેથી નીકળી ગયું.
"ઓહ માય ગોડ.!"
શંકરનાથ પંડિત, સૂર્યા અને ગેરાર્ડની હાલત પણ હેનરી જેવી જ હતી. તળાવમાં રહેલાં લોહી જેવાં લાગતાં ઘાટા દ્રવ્યનો જોઈ પંડિત શંકરનાથ અને સૂર્યા બંને પણ આશ્ચર્યચકિત થઈ ઊઠ્યાં હતાં.
"એલેક્સ, તને આ બધું ક્યારે માલુમ પડ્યું.?" હેનરીએ પોતાની ડાબી તરફ ઊભેલાં એલેક્સને પૂછ્યું.
"આમ તો બે-ત્રણ લોકોએ આ દ્રશ્ય કલાક પહેલાં જોયું હતું પણ મને આ વિષયમાં જસ્ટ હમણાં જ ખબર પડી. જેવું મને આ વિષયમાં જાણકારી મળી હું તુરંત મારી બાઈક લઈને અહીં આવી પહોંચ્યો." હેનરીના પ્રશ્નનો જવાબ આપતાં એલેક્સે કહ્યું. "અહીં આવીને મેં જેવું આ ભયંકર દ્રશ્ય જોયું એ સાથે જ સીધો આપને કોલ કર્યો."
હેનરી અને એલેક્સ જ્યારે વાતચીત કરી રહ્યાં હતાં એ દરમિયાન શંકરનાથ પંડિત સાવચેતી સાથે તળાવની કિનારે પહોંચ્યાં અને તળાવમાં રહેલાં એ ઘાટા લાલ દ્રવ્યનો પોતાનાં હાથમાં લઈને એ બાબતની ખરાઈ કરી કે એ સાચેમાં લોહી જ છે કે બીજું કંઈ.?
"આ તો લોહી જ છે!" શંકરનાથ સ્વગત બબડ્યા. આજથી પહેલાં આવું કંઈ એમને જોયું જ નહોતું એ એમનાં ચહેરા પરથી સ્પષ્ટ હતો.
પંડિત શંકરનાથ સાચવીને પુનઃ તળાવની પારી પર આવ્યાં; જ્યાં બાકીનાં લોકો ઊભાં હતાં.
"તમે જોયું ને? આ ડિમન કેટલો શક્તિશાળી છે!" હેનરી પંડિતને ઉદ્દેશીને બોલ્યો.
"એ જે કોઈપણ હશે, આજે રાત સુધીમાં હું એ અંગે જાણકારી મેળવી લઈશ. તમે શક્ય હોય તો આ લોહી અને લોકોનાં માથામાં પડેલી જૂનો નમૂનો બપોર પહેલાં ઘરે મોકલાવી આપો." હેનરીને સંબોધતાં પંડિતે કહ્યું. "હું અત્યારે ઘરે જાઉં છું, બપોરે મળીએ.!"
પંડિત આટલું કહી પોતાનાં પૌત્ર સૂર્યાને લઈ હેનરીના મકાન તરફ ચાલી નીકળ્યાં. જેવાં એ બંને તળાવથી થોડાં દૂર પહોંચ્યાં એ સાથે જ એમને સૂર્યાની તરફ જોતાં કહ્યું.
"બોલ દીકરા, તું શું કહેવા માંગતો હતો? લોહીથી ભરેલું તળાવ જોયું ત્યારથી તું કંઈક કહેવા માંગતો હોય એવું મને લાગ્યું."
"હા, દાદાજી." સૂર્યા એ એક ઊંડો શ્વાસ ભરીને કહ્યું. "આ ગામનો ડિમનનો પડછાયો નથી. આ બધી ઘટનાઓ પાછળ ડિમન નહી પણ લોર્ડ જીસસ જવાબદાર છે!"
"આવું તું કઈ રીતે કહી શકે છે?" પંડિતે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"જીસસનાં ફરિશ્તા મોસીસ ની દસ વિપદાઓ!" શાંત અને સપાટ સ્વરે સૂર્યાએ ઉચ્ચારેલાં આ શબ્દોમાં સચ્ચાઈ હતી એ પંડિતને લાગેલાં આંચકા પરથી સ્પષ્ટ હતું.
શંકરનાથ પંડિત અને સૂર્યા આ અંગે વધુ કંઈ ચર્ચા કરે એ પહેલાં આકાશમાંથી મોટાં-મોટાં દેડકાંનો વરસાદ થવાનો શરૂ થઈ ગયો.
*********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)