Antim Vadaank - 19 in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 19

Featured Books
Categories
Share

અંતિમ વળાંક - 19

અંતિમ વળાંક

પ્રકરણ ૧૯

“ઇશાન, મેં હમણાં જે અનાથઆશ્રમની સ્મૃતિ શુક્લની વાત કરી.. આ એનો જ ફોટો છે. મારી આંખ ક્યારેય ભૂલ કરે જ નહી”. પરમાનંદે પોતાની વાત મક્કમતાથી દોહરાવી.

ઇશાન ફિક્કું હસ્યો.. ”પરમાનંદ, આ મારી પત્ની ઉર્વશી છે જેની યાદોના સહારે જ આજે હું જીવી રહ્યો છું. આ સ્ત્રીએ મને ચૌદ વર્ષમાં ચૌદ યુગ જેટલો પ્રેમ આપ્યો છે... બની શકે કે તમે જે સ્મૃતિની વાત કરી રહ્યા છો તેનો ચહેરો થોડો ઘણો મારી ઉર્વશીને મળતો આવતો હોય”.

“ઇશાન,થોડો ઘણો નહિ પણ આબેહૂબ મળતો આવે છે”. થોડી વાર વિચાર્યા બાદ પરમાનંદે કહ્યું “ઇશાન, તારી પાસે તારી પત્નીની કોઈ વિડીયો કલીપ છે ?”

ઈશાને તરત ખિસ્સામાંથી તેનો મોંઘો સેલફોન કાઢયો. દોઢ વર્ષ પહેલાં ઉર્વશીનો બર્થ ડે ઘરે જ ઉજવ્યો હતો તેની કલીપ ઈશાને પરમાનંદને બતાવી. પરમાનંદ ધ્યાનપૂર્વક તે કલીપ નિહાળી રહ્યા. ”ઇશાન, કદ અને કાઠી બધું જ સ્મૃતિનું પણ આવું જ છે”.

ઇશાન પરમાનંદનું કહેવાનું તાત્પર્ય સમજી ગયો... સ્મૃતિની હાઈટ અને ફિગર પણ ઉર્વશી જેવું જ હોવું જોઈએ.

બંને વચ્ચે મૌન છવાઈ ગયું. “ઇશાન, તને તો ખ્યાલ હશે જ કે સમગ્ર પૃથ્વી પર એક સરખા ચહેરા વાળી મહત્તમ છ વ્યક્તિ હોઈ શકે છે”.

ઇશાન વિચારમાં પડી ગયો. “હા એવું તો ક્યાંક મારે પણ વાંચવામાં આવ્યું છે ખરું. પરમાનંદ હોઈ શકવું અને હોવું એ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. આજ સુધી બે એકદમ સરખાં ચહેરા વાળી વ્યક્તિ પણ જોવામાં આવી નથી. બીજી અગત્યની વાત કે તમારી અનાથઆશ્રમ વાળી એ સ્મૃતિ ભલેને ગમે તેટલી ઉર્વશી જેવી દેખાતી હશે પણ એ મારી ઉર્વશી તો નહિ જ હોય ને ? ” પરમાનંદ ઇશાનની આંખમાં ઉર્વશીને ગુમાવ્યાની ગ્લાનિ અનુભવી રહ્યા.

ઇશાન ઉભો થઇ ગયો. તેણે મોબાઈલમાં જ સમય જોયો. ઉંડો શ્વાસ લઈને બોલ્યો “ઓહો.. સાડા પાંચ વાગી ગયા છે. હું હોટેલ પર જઈને આરામ કરું”

“જેવી તારી મરજી”. પરમાનંદ ધીમેથી બોલ્યા.

ઇશાન આશ્રમની બહાર નીકળી ગયો. શિયાળાને હિસાબે હજૂ અંધારું હતું. ઝાડ પર પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. રસ્તા પર આંટા મારતાં કૂતરાથી સાવચેત રહીને ઇશાન ધીમા પગલે ચાલીને દસેક મિનીટમાં જ હોટેલ પર પહોંચી ગયો. રૂમ પર આવ્યા બાદ પરમાનંદની છેલ્લી વાત સાંભળીને ઇશાનના દિમાગમાં એક જ વિચાર ઘૂમરાતો હતો... શું ખરેખર એ સ્મૃતિ ઉર્વશીની હમશકલ હશે? પરમાનંદના કહેવા પ્રમાણે તો સ્મૃતિ નું ફિગર પણ ઉર્વશી જેવું જ છે. શું તેનો અવાજ પણ ઉર્વશી જેવો જ હશે? એક જ સરખી વ્યક્તિના ડબલ રોલ તો આજ સુધી ફિલ્મોમાં જ જોવા મળ્યા છે.. એ પણ એક જ કલાકાર બંને રોલને ન્યાય આપતો હોય છે ને?

આખી રાતના ઉજાગરાને કારણે ઇશાનની આંખ ક્યારે મળી ગઈ તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો. અચાનક ઉર્વશી દેખાઈ... ”ઇશાન હું જાણું છું તું ખૂબ દુઃખી છે. આટલી બધી માયા પણ સારી નથી. તે જોયુંને? તારો જ બાળપણનો ગોઠીયો પરમ માયાના ચક્કરમાં જ સન્યાસી હોવા છતાં કેટલો દુઃખી છે?”

“ઉર્વશી, આપણે તો સાથે વૃદ્ધ થવાનું નક્કી કર્યું હતું.. તેં મારી સાથે અંચાઈ કરી છે.. મને મધદરિયે છોડીને તું કેમ જતી રહી ? તારા વગરનું અત્યારનું મારું વેરાન જીવન મારી કલ્પના બહારનું છે... સહરાના રણમાં એકલો ભટકી રહ્યો હોઉં તેવું સતત લાગ્યા કરે છે... આટલી બધી એકલતા મેં જીવનમાં આજ સુધી ક્યારેય અનુભવી નથી .. દિલ થી કહું છું આજે અહીંના એક પણ મંદિરમાં જવાની મને ઈચ્છા જ નથી થઇ. ભગવાને મને જ શા માટે આવી ક્રૂર સજા આપી ? શા માટે તને મારી પાસેથી છીનવી લીધી ?” ઇશાન રડી પડયો.

“ઇશાન, મારું માન.. એક વાર એ સ્મૃતિને મળી તો જો... ”

અચાનક ઇશાનની આંખ ખુલી ગઈ. તેની આંખ ભીની હતી. હોટેલના ડબલ બેડની બંધ બારીના કાચમાંથી શિયાળાના સૂરજના સોનેરી કિરણો રૂમમાં પથરાઈ રહ્યા હતા. ઉર્વશી સ્વપ્નમાં આવીને જતી રહી હતી. ઇશાન વિચારી રહ્યો... જતાં જતાં તે એકવાર સ્મૃતિને મળવાનું પણ કહેતી ગઈ.. ઈશાને પડખું ફેરવ્યું. તેને એકદમ યાદ આવ્યું.... ગઈકાલે સવારે ગંગાજીમાં અસ્થિકુંભ પધરાવતી વખતે પગ પાસે પાણીના વમળમાં ઉર્વશીનો ઝાંખો ચહેરો દેખાયો હતો... શું કહી રહી હતી ઉર્વશી ? અરે હા એ તો એમ બોલી હતી કે મારો પ્રેમ વરસાદના ઝાપટાં જેવો નથી કે આવે અને જાય .. મારો પ્રેમ તો આકાશ જેવો છે .. તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે જ આવશે.. માત્ર ચોવીસ કલાક બાદ ઉર્વશી સ્મૃતિને મળવાની સલાહ આપે છે.. શા માટે ? આ સ્વપ્નનો શું સંકેત હશે? ઇશાનની આંખો ઉર્વશીની યાદમાં વરસી પડી.

ઈશાને ઉભા થઇને ઝડપથી દૈનિક ક્રિયાઓ પતાવીને મનમાં જ સંકલ્પ કર્યો કે એક વાર ઋષિકેશ જઈને એ સ્મૃતિ શુક્લને મળવું તો છે જ. ઈશાને રીસીવર ઉઠાવીને ઇન્ટરકોમ પર મેનેજરને તાત્કાલિક ચા અને બ્રેકફાસ્ટ મોકલવા જણાવ્યું. વેઈટર હજૂ આવે તે પહેલાં ઇશાનના સેલફોનની રીંગ રણકી. સ્ક્રીન પર આદિત્યભાઈનું નામ ડિસ્પ્લે થતું હતું. “હા.. મોટાભાઈ.. ગુડ મોર્નિંગ” ઈશાને ફોન ઉપાડીને તરત કહ્યું

”ગુડમોર્નિંગ ઇશાન, અસ્થિવિસર્જનનું કામ પતી ગયું ને ?”

હા.. મોટાભાઈ. મેં જાતે જ અસ્થિકુંભ ગંગાજીમાં પધરાવીને તેનો વિડીયો પણ ઉતાર્યો છે. ઉર્વશીના ગયા બાદ પહેલી વાર કેમેરો હાથમાં લીધો”. ઇશાન બોલતાં બોલતાં ગળગળો થઇ ગયો. “ઇશાન, આમ તો જાણું છું કે તારો દસ દિવસનો ત્યાંનો સ્ટે છે. તું નિરાંતે ત્યાંના પવિત્ર વાતાવરણમાં રહેવા માંગે છે પણ અમદાવાદમાં પણ વધારે સમય રહેવાનું આયોજન કરજે. તારા માટે મેરેજ બ્યુરોમાંથી ત્રણેક બાયોડેટા લઇ આવ્યો છું. ”

“મોટાભાઈ બીજા લગ્ન કરવા જરૂરી છે?” ઈશાને એ જ દલીલ ફરીથી કરી જે અમદાવાદથી નીકળતી વખતે પણ કરી હતી. મોટાભાઈએ ફોન સ્પીકર પર રાખ્યો હતો. ભાભી તરત બોલી ઉઠયા “ઇશાનભાઈ, ચાલીસ વર્ષ વધારે ન કહેવાય. વળી તમારે તો હવે મિતનો પણ વિચાર કરવાનો છે”. ફોનમાં લાંબી ચર્ચા કરવાનું યોગ્ય ન લાગતાં ઈશાને વાત ટૂંકમાં પતાવવાના ઈરાદાથી જ કહ્યું “ઓકે ભાભી”.

વેઈટર ચા નાસ્તાની ટ્રે રુમમાં મૂકી ગયો. ઈશાને બ્રેકફાસ્ટ લઈને ઘડિયાળ સામે જોયું. મિત હજૂ સ્કૂલે નહિ ગયો હોય ... ઘરે જ હશે. ઈશાને મિતને ફોન લગાવ્યો. ખાસ્સી વાર બાદ મિતે ફોન ઉપાડયો. ”હેલ્લો પપ્પા”

“બેટા ,સ્કૂલે જવાની વાર છે ને?”

“ યસ્સ પપ્પા ... હજૂ તો કલાકની વાર છે”.

“બેટા કાલે ગંગાજીમાં મમ્મીના અસ્થિવિસર્જન કરી દીધા છે”.

“ઓકે. તમને મિસ કરું છું પપ્પા”.

“આઈ ઓલ્સો મિસ યુ બેટા.. બુટ યુ નો ધેટ અસ્થિવિસર્જન વોઝ નેસેસરી, હેન્સફોર્થ આઈ હેવ ટૂ કમ ટૂ ઇન્ડિયા”.

“યસ્સ ,આઈ કેન અન્ડરસ્ટેન્ડ પપ્પા .. અહીં મૌલિક અંકલ મારું ખૂબ ધ્યાન રાખે છે. મારી બિલકુલ ચિંતા ના કરતાં”. મિતની વાત સાંભળીને ઇશાનની આંખમાં આંસુ ઉભરાયા. ઇશાન મનમાં જ વિચારી રહ્યો.. ભગવાને કેટલો મેચ્યોર્ડ દીકરો દીધો છે. “ઓકે બેટા બાય.. ટેઈક કેર. ”. ઈશાને ફોન બંધ કર્યો. તે વિચારી રહ્યો.. જીવનના બે સહારા હતા તેમાંથી એક સહારો તો કુદરતે છીનવી લીધો. હવે તો મિતને કેન્દ્રમાં રાખીને જ જીવી જવાનું હતું. અચાનક તેના કાને થોડી વાર પહેલાં ભાભીએ કહેલા શબ્દો અથડાયા.. ઇશાનભાઈ, ચાલીસ વર્ષ બીજા લગ્ન કરવા માટે મોટી ઉમર ન કહેવાય... વળી તમારે મિતનો પણ વિચાર કરવાનો છે... ઈશાને બંને હાથ વડે કાન ડાબી દીધા તેણે ઉંડો શ્વાસ લીધો. ભગવાન જાણે હજૂ પણ જીવનમાં કેટલાં વળાંક આવશે? અંતિમ વળાંક ક્યારે આવશે?

ક્રમશઃ