Viprani Videshyatra - 1 in Gujarati Travel stories by દીપક ભટ્ટ books and stories PDF | વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - 1

Featured Books
Categories
Share

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - 1

આરંભ, આનંદ અને અચાનક આવેલો અવરોધ

~~~~~~~~~~~~~~~~~~~~

કેવો સુખદ અનુભવ

ચકલેશ્વર મહાદેવ (રાયપુર) કામનાથ મહાદેવ (રાયપુર) અને ગંગનાથ મહાદેવ (ભુલાભાઈ પાર્ક) થી છેક પશુપતિનાથ - નેપાળ !!!

નેપાળ, એક નાનકડો દેશ જે ક્યારેય કોઈનોયે ગુલામ બન્યો નથી

શૂરવીર પ્રતાપી રાજાઓના પ્રભાવના કારણે હશે કે દેવાધિદેવ હિમાલયની આડમાં બેઠો છે એટલે હશે?

એક સમયનું જગતનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર

જન્મે અને કર્મે બ્રાહ્મણ અને હિન્દુ હોવાના કારણે મનમાં વર્ષોથી એક ઈચ્છા ધરબાયેલી કે મોકો મળે તો નેપાળ નામના હિન્દુરાષ્ટ્રની ધરતી પર પગ મુકવો જ

ચીન અને ભારત જેવી મહાસત્તાઓની વચ્ચે ભીંસાઈને પડેલો કચડાયેલો ગરીબ દેશ પણ પ્રજાની ખુમારી ઈઝરાયેલી પ્રજા જેવી જ

અને એ દિવસ આવી ગયો કે જયારે નેપાળ પ્રવાસે જવાનું આયોજન થઈ જ ગયું

સાથ નસીબનો અને સહયોગ મારા સંતાનોનો

પણ કેવી કરમ કઠણાઈ છે

હું હાંકે રાખુ તો લોકો સાચુ માને અને ......

સાવ સાચુ કહું તો કહે અમે તો "એપ્રિલ ફૂલ" સમજ્યા 'તા !!!!

જો કે યાત્રા શરુ કરવાનો દિવસ પહેલી એપ્રિલનો હતો એટલે એમાં એમનો વાંક તો ના જ ગણાય

કોઈની પાસે માંગવુ નહિ એ નિયમ એટલે જિંદગીમાં પહેલી વખત "ફોરેન બેગ" જોવા ઉપડયા

૧૧ દિવસનું રોકાણ અને હોટલમાં કપડા ધોવડાવવા મોંઘા પડે એ વાત મગજમાં ઠાંસી ઠાંસીને ભરાયેલી હતી એટલે અહીંથી લઈ જવામાં તો માત્ર કપડા જ હતા.

ત્યાં તો કોઈ કાકોયે ઓળખે નહિ તે એમને ભેટ ધરવા કાંઈ લઈ જવાનું હોય નહિ !

પારસનગર પાસે એક બેગની દુકાન જોયેલી એટલે અમે બંનેય ઉપાડયા ત્યાં

આમ તો પાનકોર નાકાની દુકાનો જોયેલી પણ ત્યાંથી બાઈક ઉપર એ તોતિંગ પટારો લાવવામાં તકલીફ પડે અને જો રિક્ષામાં લાવીએ તો એ મોંઘી પડે

આમ તો અમદાવાદીની છાપ કંજૂસની પણ હું જન્મજાત કરકસરિયો

એટલે નજીકનું આ પારસનગર પસંદ કરેલું !

ઘણા લાંબા સમયથી સામાન્ય બેગ ખરીદવાનો મોકો નહોતો આવ્યો એટલે બેગના ભાવની લાંબી ગતાગમ નહિ

દુકાનમાં તો ઘુસ્યા અને મંડયા ફાંફા મારવા

દુકાનના માલિક અને એક સહાયક અન્ય ગ્રાહકો સાથે સોદામાં વ્યસ્ત

જાતેને જાતે મોટામોટા પટારાઓ પર એના રંગ અને કદ જોઈ હાથ ફેરવવા મંડયા

એ બેગની કિંમતની પતાકડી હાથ લાગે તો અમે બંનેય આશ્ચર્યચકિત ભાવે એકબીજાના મોઢા જોવા લાગ્યા !

અન્ય ગ્રાહકોના ગયા પછી દુકાનના સહાયક અમારા તરફ વળ્યાં અને અમારી જરૂરિયાત વિષે પૂછ્યું

બંદાએ ફોરેન લઈ જવાની બેગની વાત કરી પેલા ભાઈ તો મંડયા +૫૦૦૦ અને +૧૦૦૦૦ બેગો બતાવવા

અમારા ચહેરા જોઈ એ ભાઈ પણ અટવાયો અને હિમ્મત હારી ગયો છતાંયે કમને અમને પૂછ્યું ફોરેન તમે ક્યાં જવાના છો? અને કેટલો સામાન બેગમાં પેક કરવાનો છે ?

"નેપાળ" , એ જવાબ સાંભળી એ પણ થોડો ટાઢો પડી ગયો એનેય ખબરને કે ત્યાં કપડા અને નાસ્તા સિવાય બીજુ તો શું લઈ જવાનું હોય !

એટલે પેરવી કરવા લાગ્યો કે તમે આ મોટી બેગ રહેવા દો અને બે નાની સરસ બેગ લઈ જાવ

હવે એને ક્યાં ખબર કે પટેલના પાડોશમાં રહેતા મારે એ પટેલ પાડોશીઓ પર રોલો મારવાયે ફોરેન બેગ જ લેવી પડે એમ હતી !

આખરે અમે એ ભાઈએ બતાવેલી બધી બેગો અછડતી નજરે જોઈ પણ કિંમતની પતાકડી જોઈ પસંદ કરી રાખેલી કેસરીયાલાલ રંગની ૩૨૦૦વાળી પટારા બેગ મહાપરાણે ૨૫૦૦માં પડાવી

બાઈક પર ઘર તરફ જતા રસ્તે જતા આવતા લોકો મને નીરખતા અને અમે બંનેય મંદમંદ મુસ્કરાતા

હવે સોસાયટીના ઝાંપાથી લગભગ ૨૫ મીટર દૂર એટલે બંદાએ બાઈકનું હોર્ન મારવાનું શરુ કર્યું જે છેક ઘરના દરવાજા સુધી ચાલુ રહ્યું

સોસાયટીના વોચમેનની નજર તો પહેલા પડે એણે પૂછ્યું "ફોરેન જવાના કે?"

મોટેથી બૂમ પાડી મારી ઘરવાળી એ કહ્યું "હા"

બાઈકના હોર્નના પુણ્યે સાંજના સમયે ઘણા બધા ઓટલે કે હિંચકે બેઠા તા એ બધાયે આશ્ચર્યચકિત નજરે અમને અને અમારી બેગને જોયા સિવાય છૂટકો નહતો

૪૬ ઘરની ૩૫ પટેલો ધરાવતી સોસાયટીમાં સૌથી "ગરીબ" ગણાતું ઘર આ બાહ્મણનું !

ના ગાડી મળે ના એસી મળે

બસ સમખાવા જીવની જેમ સાચવેલું આ ૧૨ વર્ષ જૂનું બાઈક

અને એમાં આ કેસરીયાલાલ રંગની તોતિંગ બેગ જોઈ એ બધાના ભવા તણાયા

હું તો બાઈક મૂકી બેગ લઈ ઘરમાં પણ મારી અર્ધાંગિનીએ તો સોસાયટીમાં નેપાળ જવાનું પેપર ફોડવાનું નક્કી કર્યું તું તે એ તો બે ચાર ઓટલા અને બે ચાર હિંચકા ફરી આવી

એક બે જણાએ બેગની કિંમત પણ પૂછી એણે તો ૪૦૦૦ જ કહી !

એક બે જણા એ સોસાયટીના અમ ગરીબ પર રહેમ બતાવતા કહ્યું કે અમારે ત્યાં આવી બે ત્રણ પડી છે એમાંથી જે ગમે તે લઈ ગયા હોત તો ? આ ખોટો ખર્ચો શું કામ કર્યો ?

હજુ ઘરમાં એટલે મારી ઘરવાળીના સાસરે અને મારી ઘરવાળીના પિયરમાં આ વાત કોઈનેય કરી ના હતી

ક્યાંક નજર લાગી જાય તો !

એનું એક કારણ હતું કે અમારા પાડોશી અમારા બીજા પાડોશીના દીકરાની સ્પોન્સરશિપ પર કેનેડા ગયા તા અને એમણે ભૂલ એ કરી કે આખાયે ગામ ઢંઢેરો પીટ્યો હશે કે અમે કેનેડા ફરવા જવાના છીએ, પટેલ ખરાને !

થયું એવું કે "કોમ્યુનિકેશન લેન્ગવેજ"માં "ઈંગ્લીશ" લખાવેલું અને અહીંથી ત્યાં પહોંચી ગયા પણ ઇમિગ્રેશન ટેબલ પર જવાબ આપવામાં અટવાઈ ગયા

બે દિવસ એરપોર્ટની કોરીડોરમાં પડયા રહયા અને ત્રીજા દિવસે એમ વાજતેગાજતે પરત મોકલી દીધા તા !

બસ એ ડર !

સારા કામમાં ૧૦૦ વિઘ્ન

૧૨ માર્ચે મારા કાકી ગુજરી ગયા

એટલે માર્ચની ૨૭ સુધી તો એ કામમાં ફીટ

હવે ?


પ્રારંભ, પ્રયાણને પાડોશીઓનો પ્રેમ

~~~~~~~~~~~~

મારા પિતા અને મારા કાકા એ બે ભાઈઓ

અમે પાંચ ભાઈ બહેનો અને મારા કાકાના પાંચ સંતાન. અમે દસ ભાઈ બહેનોમાં હું છેક સાતમો પણ ઘરની જવાબદારીમાં મારો નંબર પહેલો આવે

હવે ઘરમાં મારા માતાપિતા નહિ અને કાકા પણ ગુજરી ગયેલા અને આ કાકીનું અવસાન થયું

મારી નેપાળની પ્લેનની ટિકિટો અને હોટલ બુકીંગ પણ થઇ ગયેલું

વાતવાતમાં દશા - દ્વાદશા પહેલા એકદિવસ મારા વડીલ બહેનોને મેં મારી નેપાળ જવાની વાત જણાવી અને એમની મુંઝવણ વધારી

હું અને મારી ઘરવાળી ઉચાટ જીવે કપડા તૈયાર કરી બેગ ભરવા લાગ્યા

અંદર એવો ડર ખરો કે જો બહેનો જવાની ના પાડશે તો ?

ત્યાં જ એક દિવસ સવારે મારા મોટા બહેને અમને નેપાળ જવાની રજા આપતા કહ્યું,

"કાકી તો +૮૦ વર્ષના હતા. વળી આપણે બધી વિધિ પતાવ્યા પછી સામાન્યરીતે કોઈ મળવા આવે નહિ એટલે તમે લોકો નેપાળ જજો"

હાશ !

કુટુંબમાં બધાયને આનંદ થયો કે હું "ફોરેન" જવાનો ભલેને પછી એ નેપાળ જ કેમ ના હોય !

જો કે મારા પહેલા મારા ભત્રીજાઓ અને ભાણી અને ભાણીયાઓ નોકરી - વ્યવસાયાર્થે યુએસ,યુકે, ચાઈના, હોંગકોંગ કે સિંગાપોર ગયેલા એ એક અલગ વાત છે.

મારા ઘરમાં કોઈનેય બહારગામ જવાનું હોય ત્યારે બેગ ભરવાની જવાબદારી મારી. એટલે કાંઈ ભુલાઈ ગયું હોય તો જવાબદાર વ્યક્તિને કહેતા ફાવે ને !

મોટરકાર એક ધોળો હાથી ગણીને કે તેની જરૂરિયાત નથી એમ સમજીને આપ જિંદગીમાં વસાવેલી નહિ.

હવે વહેલી સવારે ૬ વાગે એરપોર્ટ પર પહોંચવાનો સવાલ આવ્યો

સાત વર્ષ પહેલા સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે આજુબાજુના દસેક બંગલાના પટેલ પાડોશીઓ સાથે "વાટકી વહેવાર" થી માંડીને "તપેલા વહેવાર" હતો

પણ હવે બદલાયેલી પરિસ્થિતિમાં સોસાયટીમાં "UNOની સિક્યોરિટી કાઉન્સિલ"ની એક બ્રાન્ચ ખોલવા માટે કહેવડાવું પડે એવી હાલત !

જોકે સોસાયટીના પુરુષોનો એ પરિસ્થિતિ ઉભી કરવામાં ફાળો સાવ નહિવત પણ મહિલાઓની ઓટલા, ચોટલા કે હિંચકા પરિષદ અને એકબીજા તરફની ઈર્ષા વધારે કામ કરી ગયેલી

સામાન્યરીતે કોઈની મદદ લેવી એ મારા સિદ્ધાંત વિરુદ્ધની વાત અને એ સમયે ઓલા "ઓલા", "ઉબેર"નો જન્મ થઈ ચુકેલો પણ મને એ બાબતનું એટલું જ્ઞાન નહિ

થલતેજ ગામથી અમારું ઘર લગભગ બે કિલોમીટર અંદરની તરફ અને ત્યાં દિવસે રીક્ષા મળવી અસંભવ તો વહેલી સવારે તો એ સપનું જ ને !

વિચાર્યું કે આગલા દિવસે થલતેજ ગામમાં કોઈક રીક્ષાવાળાને સાધી વહેલી સવારે અમને એરપોર્ટ પર મૂકી જાય એવી ગોઠવણ કરવી

સામાન્ય નિયમ પ્રમાણે મારા કરતા મારી પત્ની વધારે હોંશિયાર એટલે મારી એ દરખાસ્ત એ સમયે જ ઉડી ગયેલી

વહેલી સવારે રીક્ષા બોલાવવાની જવાબદારી એણે ઉપાડી લીધેલી

સવારે ૫:૩૦ લગભગ એ તો ઘરમાંથી નીકળી પડી અને દસેક મિનિટમાં રૂ.૧૫૦ ભાડુ ઠરાવી રીક્ષા લઈ આવી પહોંચી

હવે ઘરને તાળુ મારવાની જવાબદારી પહેલેથી મારી જ

એટલે મને વહેલી સવારે મોટા અવાજે કહેવા લાગી બરાબર તાળુ મારજો

તાળુ ૭ કડાકાનું છે એટલે કડાકા જરા ગણજો....

પાછળ ભૂગર્ભ પાણીની ટાંકીનો નળ બંધ કર્યો કે નહિ......

બહારથી મેઈન સ્વિચ બંધ કરજો....

અને ઝાંપો બરાબર બંધ કરીને અહીં રીક્ષામાં આવો

બધુયે બરાબર બંધ કરેલું જ પણ એના આત્મસંતોષ માટે ફરી જે તે જગ્યાઓએ જઈ ખાતરી કરી આવ્યો કે .......

ક્યાંક મારી ભૂલ નથી થતીને

ભાઈ આપણો આત્મવિશ્વાસ ડગાવવા માટે એમની રાડ પૂરતી છે !

સોસાયટી આમ તો સૂર્યવંશી

બે ચાર છોકરાઓને સવારની શાળા એ પરિવારના લોકો વહેલા ઉઠે બાકી પટેલોની બહુમતી અને બાપદાદાની જમીનો વારસામાં મળેલી તે નોકરી ધંધાની ચિંતા નહિ એટલે ૭:૩૦ ...૮:૦૦ વાગે દૂધવાળો આવીને જગાડે ત્યારે કૂકડો બોલે અને સવાર પડે

પણ આજે મારી પત્નીએ એ કામ સહર્ષ ઉપાડી લીધેલું

વહેલી સવારે રીક્ષાનો અવાજ

મોટા અવાજે મને અપાતા સલાહ સૂચનો અને એટલા જ મોટા અવાજે અપાતા મારા જવાબોના કારણે આજે સોસાયટીમાં સવાર વહેલી પડી

કેટલાક બારીએ ડોકાયા, કેટલાક ગેલેરીમાં આવ્યા કેટલાક બારણે ટીંગાણા, કેટલાક તો છેક રીક્ષા સુધી આવ્યા !

અને રડમસ અવાજે કહે "બસ જાવ છો ?!"

અરે વ્હાલી મૂઈના અમે દસ - બાર દિવસ જાત્રાએ જઈએ છીએ પછી તો તમારી હામે જ છીએ અમે કાયમ માટે થોડા જ હિમાલયમાં જઈએ છીએ

પછી એકે ૫૧ કાઢયા તે બીજીએ ૧૦૧ કાઢયા ત્રીજીએ ૧૫૧ કાઢયા તો પેલી શું કામ પાછી પડે એણે ૨૦૧ કાઢયા .....

"અમારા વતી ભગવાનના દર્શન કરજો અને અમને આશીર્વાદ મળે એવી પ્રાર્થનાયે કરજો....

પ્રસાદ ભલે ના લાવતા પણ આટલુ તો કરજો"

અલી અમે ડાકોર જઈને આવીયે તોયે તારે ત્યાં પ્રસાદ ધરાવું છું ભલેને તેં અમને એઠા પાણીએ ના છાંટ્યા હોય ....

જો કે આ હું મનમાં બોલ્યો

અચાનક રીક્ષાવાળાએ યાદ કરાવ્યું,

"બહેન તમે તો કહેતા 'તા ને ઉતાવળ છે અને અહીં તો ...."

મારે કહેવું પડયું,

"ભાઈ તું જવાદે બાકી ૮:૫૦ની દિલ્હીની ફ્લાઇટ અહીં જ બોલાવવી પડશે"

સવાર સવારમાં દૂધવાળાના શુકન સાથે સોસાયટી છોડી

"આ દૂધવાળો હામે મળ્યો છે જુઓ આજે દહાડો કેવો જાય છે ?! "

નિરાંત એ વાતની હતી કે રીક્ષા મીટરથી ઠરાવી નહોતી

ભાડુ ઉચ્ચક નક્કી કરેલું એટલે એ રીક્ષાવાળાએ અમને જ્યાં ફેરવીને લઈ જવા હોય એની છૂટ હતી

એ ફેરવીને લઈ જાય તો બળવામાં એનું પેટ્રોલ બળવાનું હતું અમારો જીવ નહિ !

આખે રસ્તે તમે બેગમાં બધું બરાબર મૂક્યું છે ને ?

તમે કહેતા 'તા ને પણ રેશમા ૨૦૧ આપી ગઈ અને પેલી તમને બહુ ગમતી ચિબાવલી શોભનાએ તો ૫૧ જ આપ્યા એના કરતા તો દૂર રહે છે અને આપણે બહુ વહેવાર નથી અને તમને ગમતી નથી એ સીમા નહિ સારી બોલો એય ૧૦૧ મારા હાથમાં આપી ગઈ !

નિયમિત દવા ખાવાનો વારો હજુ બેમાંથી એકેયને આવ્યો નથી તે એની શાંતિ છે

છતાંયે સામાન્ય કહેવાય એવી કાલપોલ (પેરાસીટામોલ, તાવ માટે કે કળતર માટે ), લોપામાઇડ (ઝાડા રોકવા) , એવિલ અને એઓમીન જેવી દવાઓની એક એક સ્ટ્રીપ બેગમાં નાખી દીધી 'તી

વખત છેને જરૂર પડે તો ત્યાં અજાણ્યા દેશમાં ડોક્ટર ક્યાં શોધવા જવો

અને એનાથી વધારે ડર તો એ અજાણ્યો ડોક્ટર લૂંટી લે એનો હતો

એને ખબર હતી છતાંયે સવાર સવારમાં એની પૂછપરછ ચાલુ જ હતી

હું ફક્ત હા અને ના સિવાય કાંઈ જ બોલતો નહિ... પછી પૂછપરછ ઘરમાં હોય કે ઘરની બહાર

જો કે હવે તો એ આદત થઈ ગઈ હતી

અચાનક એરપોર્ટ સર્કલથી જમણી બાજુ વળતા પહેલા રીક્ષાચાલકે રીક્ષા ઉભી રાખી અને એ અમને સલાહ આપવા લાગ્યો કે એરપોર્ટ લોન્જ પાસે ૧૦ મિનિટથી વધારે રીક્ષા ઉભી રહેશે તો મારે રૂ.૭૫ વધારે આપવા પડશે એટલે તમે ઝડપથી ઉતરી જજો અને સામાન જલ્દી ઉતારી લેજો અને જો રૂ. ૭૫ ના આપવા હોય તો અહીં ઉતરીને ત્યાં ચાલતા પહોંચી જાવ

ભલા માણસ સાવ આવું તે કાંઈ હોતું હશે?

હવે ઓફિસ કામે બે નાની બેગ લઈને વિમાન મુસાફરી કરનારને આ નિયમ ધ્યાને નહિ

રીક્ષાચાલકે મને ઘરવખરી સાથે "ફોરેન" જતા લોકોની વાત સમજાવી નવા નિયમની સમજ આપી

છતાંયે એમ જ હોત તો અમે રીક્ષા શું કામ કરત, ભલે રૂ.૭૫ આપવાના થાય તું તારે ત્યાં સુધી રીક્ષા લઈ લે એમ કહી રીક્ષા છેક સુધી લેવડાવી

એને બિચારાને ક્યાં ખબર કે બાળપણમાં ૧૦ પૈસાનો કપાયેલો પતંગ પકડવા કેટલા છાપરા અને ધાબા ઠેક્યા છે

તો રિક્ષામાંથી ઠેકડો મારતા કેટલી વાર લાગે !

હવે એણે રીક્ષા ઉભી જ રાખી 'તી તે એ મોકો જોઈને મેં એણે પૂછી લીધું ભાઈ ૧૨ તારીખે સવારે ૯ વાગે અમને તેડવા આવીશ?

એણે હા પાડી અને એનો મોબાઈલ નંબર પણ આપ્યો સાથે કહ્યું કે મને સવારે ૮ વાગ્યા સુધીમાં ફોન કરી દેજો હું તમને લેવા આવી જઈશ

હાશ બીજી એક નિરાંત

એરપોર્ટ લોન્જ પાસે પાંચ મિનિટમાં અમે ઉતરી ગયા અને એને સમયસર રવાના કર્યો અને પેલા ૭૫ બચાવ્યાનો આત્મસંતોષ જ નહિ અમદાવાદી કરકસરનો સંતોષ ચહેરા પર છલકાયો

(ક્રમશ:)