...એટલામાં મારી બાજુમાં એક પોલીસની જીપ આવીને ઊભી રહી. હું બાઈક હોટલની બહાર જ કાઢતો હતો ત્યાં મને પોલીસે બોલાવ્યો. મને ફાળ પડી. વળી પાછું શું થયું? બે હજાર પણ આપીને આવ્યો, હોટેલ વાળાએ તો ફરિયાદ નહિ કરી હોય ને... એવા વિચારો સાથે પોલીસની જીપ પાસે ગયો.
એક જમાદારે કડક અવાજમાં પૂછ્યું "હોટલમાં શું કરવા આવેલો?"
હું ડરી ગયો, શક્ય એટલો ભોળો ચહેરો બનાવીને નરમાશથી બોલ્યો, "અહી થોડું કામ હતું હોટલમાં, બહારગામથી એક સગા આવે છે તો રૂમ જોવા આવેલો... એટલે રૂમ બુક કરાવી દીધો... મેરેજ હતા ફ્રેન્ડના તો... બીજે રહેવાની જગ્યા નહતી તો... ના એટલે..."
"ચૂપ એ..." પોલીસવાળો જોરથી બોલ્યો. "ચાલ ગાડીમાં બેસી જા."
મારા હાથ-પગ ધ્રુજવા લાગ્યા, જેની બીક હતી એ જ થયું આખરે. મારા બોલવામાં લોચા વાગ્યા એમાં પકડાઈ ગયો.
મેં હિંમત કરીને કીધું, "સાહેબ બોલોને જે હોય એ, હું સારા ઘરનો છોકરો છું, તમે કહો એમ કરીએ, હું તમે ધારો છો એવું કંઈ કરવા નહતો આવ્યો..."
"ભાઈ તારે જે કહેવું હોય એ કહેજે અત્યારે ગાડીમાં બેસી જા નહિ તો ઉંચકીને બેસાડી દઈશ તો બધાની સામે ઈજ્જત જશે. શાંતિથી પહેલા ગાડીમાં બેસી જા હવે..." પોલીસવાળાએ છેલ્લી ચેતવણી આપી હોય એમ કીધું.
મેં બાઈક બાજુમાં પાર્ક કરી દીધું અને શાંતિથી ગાડીમાં બેસી ગયો. મનમાં બહુ બધા વિચારો ચાલતા હતા, મેં શું ગુનો કર્યો છે? મેં કશું ખોટું કર્યું જ નથી તો શું કરવા મને હેરાન કરે છે? જે હોય એ જોઈ લઈશ એવું બધું... ખબર નહિ પણ થોડી હિંમત પણ આવી ગયેલી. હવે થોડો લડાયક મૂડમાં આવી ગયેલો.
પાછળ મને બેસાડેલો ત્યાં બીજા બે પોલીસવાળા હતા.
મને કીધું, "આઇ કાર્ડ બતાય, વોટર આઇડી, લાયસન્સ એવુ કંઈ..."
મેં કાઢ્યું એટલે મારા હાથમાંથી લઈ લીધું અને પૂછપરછ ચાલુ કરી, "ક્યાં રહે છે?"
મેં સ્વસ્થ અવાજમાં જવાબ આપવાની કોશિષ કરી, "સેટેલાઇટ"
"નામ શું છે?" એણે કાર્ડમાં જોઈને પૂછ્યું,
"વાંચતા ના આવડતું હોય તો કાર્ડ શું કરવા લીધું છે?" મને ગુસ્સો આવ્યો એટલે થોડું જોરથી બોલ્યો.
"એ...ય... અવાજ નીચો રાખ નહિતર આ ડંડો ઘાલી દઈશ. એવો કેસ બનાઈ દઈશ ને કે મોં બતાવવા નહિ રહે. મીડિયાને બોલાઈને ફોટા પડાવવા છે? બોલ બોલવું?" પોલીસવાળો ખિજાઈને બોલ્યો.
"અરે પણ તમે ખાલી ખાલી હેરાન કરો છો ક્યારના. મેં કશું કર્યું નથી તો તમને કોઈ અધિકાર નથી મને આમ રોકીને ગાડીમાં બેસાડી દેવાનો.."
"બેટા અમને બધા અધિકાર છે. તું અધિકાર માટે કોર્ટમાં જજે પહેલા અમારા જવાબ આપ નહિવત અત્યારે તો તને કોઈ નહિ બચાવવા આવે." એ થોડું હસીને મજાક ઉડાવતો હોય એમ બોલ્યો.
એટલામાં બીજો પોલીસવાળો બોલ્યો, "ભાઈ તને કશું નહિ કરીએ, ખાલી સવાલોના જવાબ આપ અમને પછી થોડી વાર પછી તને પાછો હતો ત્યાં જ ઉતારી દઈશું."
હવે મને થોડીક શાંતિ થઈ એટલે મેં શાંતિથી જવાબ આપ્યો, "હા સારું, પૂછો જે પૂછવું હોય એ"
એણે ફરી પૂછ્યું, "નામ બોલ"
"આરવ" મેં શાંતિથી જ જવાબ આપ્યો.
"અમદાવાદમાં જ રહે છે પહેલેથી? કે નવો આવ્યો છે?"
" જન્મથી જ અમદાવાદમાં રહું છું"
"કેમ છોકરીની પૂછપરછ કરતો'તો?" એણે નેણ ભેગા કરીને પૂછ્યું અને મારો જવાબ ધ્યાનથી સાંભળવા થોડો નજીક આવ્યો. મને કંઈ ખબર નહતી પડતી કે આ બધું શું ચાલી રહ્યુ છે. હું છોકરીની પૂછપરછ કરતો હતો એ આમને કેવીરીતે ખબર? અને ખબર હોય તો તો મને પકડવો જ ના જોઈએ કેમ કે મેં તો કંઈ ખોટું કર્યું જ નથી. મેં જવાબ આપ્યો, "જાણવા માટે કે એ કેમ આ કામ કરે છે."
"કેમ? જાણીને તારે શું કામ છે?"
"કામ કઈ નથી બસ જાણવાની ઈચ્છા છે કે એમણે કેમ આવું કામ કરે છે?"
"જાણીને શું કરીશ?"
"ખાસ કંઇ નહિ. કદાચ કોઈ મદદ થશે તો કરીશ. આ ધંધામાંથી બહાર આવે એવું કંઈ થાય તો."
"સમાજસેવક છે?"
"સમાજસેવક એ કોઈ સરકારી હોદ્દૉ છે? મદદ કોઈપણ કરી શકે એમાં સમાજસેવક તરીકેનું કોઈ કાર્ડ હોવું જરૂરી છે?"
"ના જાણકારી માટે પૂછું છું"
"હા તો એવું જ સમજો."
"લગન થઈ ગયા છે?"
"ના"
" ભઈલા, હજુ તે દુનીયા જોઈ નથી, તું બહુ નાનો છે હજુ. તારી વાતો ઉપરથી જ ખબર પડી જાય છે કે તને કઈ ખબર નથી પડતી એટલે કહું છું હવે આવું કશું કરતો નહિ. ફસાઈ જઇશ અને 'ધરમ કરતાં ધાડ પડી' એવું થશે." પોલીસે મને થોડું સમજાવતા હોય એવા ટોનમાં વાત કરી.
"હું તો નાનો છું. નાસમજ છું. કોઈ પાવર પણ નથી મારી પાસે. તમે તો મોટા છો, બહુ સમજદાર પણ હશો, પાવર પણ છે. તો કેમ આ ધંધો ચાલે છે?"
"બેટા, કીધું ને તું હજુ નાનો છે તને સમજતા વાર લાગશે. ટુંકમાં કહી દીધું કે આવા કામ ફરી કરતો નહિ."
"અને જે આ વ્યાપાર કરે છે એમને તમે કરવા દેશો?"
"એમને શોખ છે ધંધો કરવાનો. એમને પૈસા મળે છે તો કરે છે"
"અને તમને?"
"હા અમને પણ મળે છે બોલ. શું કરીશ? બધાને ખબર છે. ઉપર સુધી પૈસા જાય છે અમે એકલા નથી લેતા બધાને ફાયદો છે. ધંધો કરે એણે, ગ્રાહકોને અને અમને. તારે કઈ ના કરવું હોય તો કોણ બોલાવે છે તને?"
"કોઈની જીંદગી ખરાબ થાય એનું કંઈ નહિ?"
"એ ભાઈ આ બધી એવી જ હોય. એમને શોખ જ હોય આવા ધંધા કરવાનો. આમની ઈજ્જત ના હોય. ગમે તેની જોડે પૈસા માટે સૂઈ જાય. સારી હોય તો નોકરી કરીને પૈસા ના કમાય? આવા ધંધા શું કરવા કરતી હોય?"
"એ જ તો માટે જાણવું છે કે આવા કામ શું કરવા કરવા પડે છે. કેમ કે મને નથી લાગતું કોઈ મરજીથી આ કામ કરતું હોય" મેં દલીલો ચાલુ રાખી.
"જો તું નાનો છે અને કારકિર્દી બગડે નહિ એટલે અત્યારે જવા દઉં છું ફરી હાથમાં ના આવતો."
"શું કરતા હાથમાં ના આવું? ધંધો કરતા રોકતા?"
મેં સવાલ કર્યો અને જીપ ઉભી રહી. જોયું તો જ્યાંથી મને બેસાડેલા એ જ જગ્યા આવી ગયેલી.
હું એની સામે જોઈ રહેલો અને એ મારી સામે જોઈ રહેલો. બીજા પોલીસવાળાએ મને કીધું, "ચલ ભાઈ હવે ઉતરી જા અને યાદ રાખજે કીધું એ."
હું ઉતર્યો અને એમની સામે હસીને બોલ્યો, "બહુ જ સારી રીતે યાદ રાખીશ. તમે પણ મને યાદ રાખજો. હવે તો ફરી મુલાકાત થશે જ..."
આટલું બોલ્યો અને જીપ ચાલતી થઈ અને હું જોઈ રહ્યો. જીપમાં પાછળ બેઠેલો પોલીસવાળો જે મને સવાલ કરતો હતો એ મારી સામે જોઈ રહેલો, હું એની સામે જોઇને હસ્યો અને હાથ હલાવીને બાયબાય બોલ્યો હોય એમ હોઠ હલાવ્યા. જીપ દૂર જતી રહી અને હું બાઈક લેવા ગયો.
બાઈક ઉપર હોટેલનો એક માણસ બેઠો હતો. એણે મને ૧૫૦૦ રૂપિયા આપ્યા અને કીધું ચંદાએ આપવાનું કીધું છે. ચંદા એટલે એ જ જેની સાથે હું રૂમમાં ગયેલો.
મેં પૂછ્યું "કેમ પૈસા પાછા આપ્યા?"
એણે કીધું, "એ બધું મને નથી ખબર. થોડીવાર તમારી રાહ જોઈને બેઠી હતી પછી ધંધાનો ટાઈમ થતો હતો એટલે મને પૈસા આપવાનું કહીને જતી રહી."
હું વિચારે ચડી ગયો. પહેલા એની ઉપર ગુસ્સો આવતો હતો કે મને ફસાઈ દીધો અને પૈસા પણ લઈ લીધા પણ હવે મન ચકરાવે ચડી ગયું. શું એને પછતાવો થયો હશે કે મારી દયા આવી હશે?
મને લાગે છે એ ફરી મળશે તો મને બધા જવાબ ચોક્કસ આપશે. હવે તો ચંદાને ફરી મળવું જ પડશે...
(ક્રમશઃ)