khuni kabrastan -4 in Gujarati Horror Stories by Mansi Vaghela books and stories PDF | ખૂની કબ્રસ્તાન - 4

Featured Books
Categories
Share

ખૂની કબ્રસ્તાન - 4


આગળના ભાગમાં આપણે જોયું કે જય અને પાર્થ નવા મિત્રો બનાવવા માટે કબ્રસ્તાનમાં પણ રમવા માટે તૈયાર થઈ જાય છે. પણ ત્યાં જ એમને એક ડરાવનો ચોકીદાર મળી જાય છે. જે તેમના મુજબ ભૂત છે. બંને ભાઈ નક્કી કરે છે કે હવે તે રમવા નહીં જાય. પણ એમના મિત્રોના કહેવા પર તે એ કબ્રસ્તાનમાં ફરી રમવા તૈયાર થાય છે. હવે આગળ..
"ખુબ સરસ. મોડા ના પડતા.” કહીને પ્રણય એની સાયકલ પર ચડ્યો.

“જય, મને આટલા બધા નકામા મિત્રો પણ નથી જોઈતા.” પાર્થએ જય સામે જોઇને કહ્યું.

“આપણે હવે આ રમત મિત્રો બનાવવા માટે નથી રમી રહ્યા. આપણે બતાવી દઈશું કે આપણે ડરપોક નથી. એ પછી ભલેને એ ગમે તેવી રમત રમે.” જયએ કહ્યું.

“મારે આજે પણ નાઈટ ડ્યુટી છે. ખબર નહિ આ નાઈટ શિફ્ટ ક્યારે પૂરી થશે.” ચા પીતા કુમુદબેનએ કહ્યું.

“તું ચિંતા નહિ કર. ઘરમાં બધું ઠીક જ છે. અને બાળકોને પણ કદાચ અહી મજા આવી રહી છે.” હસતાં મયંકભાઈએ કુમુદબેનને ખોટો દિલાસો આપતા કહ્યું.

“મને તો એવું નથી લાગી રહ્યું કે તેમને આ જગ્યા પસંદ આવી હોય.” કપ ટેબલ પર મુકતા કુમુદબેનએ કહ્યું.

“નવી જગ્યાને સ્વીકારતા આપણને જ સમય લાગી રહ્યો છે. તો એ બંને તો નાના બાળકો છે. સ્કુલ ચાલુ થશે અને નવા મિત્રો મળશે એટલે એમને પણ અહી ગમવા લાગશે.” મયંકભાઈએ ચા પૂરી કરતા કહ્યું.

કુમુદબેનએ હકારમાં માથું હલાવ્યું.

“કુમુદ, મારી એક મદદ કરીશ?” મયંકભાઈએ કહ્યું.

“હા, કહોને. શું મદદ જોઈએ છે?” રસોડામાં જતા કુમુદબેનએ કહ્યું.

“એક કેસ છે. મને એનો ફોરેન્સીક ટેસ્ટ ફરી કરાવવો છે. મણે એમાં કૈક ગડબડ લાગી રહી છે.” મયંકભાઈએ કાગળ આપતા કહ્યું.

“ઓકે. હું કરી લઈશ આજે સાંજે. થઇ જશે તો તમને ફોટો મોકલી દઈશ.” કાગળ વાંચતા કુમુદબેનએ કહ્યું.

રાતે બધા જ ત્યાં કબ્રસ્તાનમાં એક ઝાડ નીચે ભેગા થયા હોય છે. જય અને પાર્થ હજુ સુધી પહોચ્યા નહોતાં.

“હવે છોડો એમની રાહ જોવાની. ચાલો આપણે રમવાનું શરુ કરીએ.” શીન્નીએ કહ્યું.

“ના. આપણે થોડી વાર રાહ જોઈએ. મને વિશ્વાસ છે કે એ લોકો જરૂર આવશે.” પ્રણયએ શીન્નીને જવાબ આપ્યો.

“મને એ વાત નથી સમજાઈ રહી કે આપણા ગ્રુપને એ લોકોની શું જરૂર છે?” અકળાઈને શીન્નીએ કહ્યું.

“અરે યાર. આટલા દિવસથી માત્ર આપણે આટલા લોકો જ તો રમી રહ્યા છીએ. અને આમ પણ આપણા ગ્રુપમાં ત્યારથી કોઈ જ નથી આવ્યું જ્યારથી શીન્નીની તું ગ્રુપમાં આવી છું.” પ્રણયએ જવાબ આપ્યો.

“પણ પ્રણય તે જ કહ્યું તું કે મારા પછી હવે ગ્રુપમાં બીજું કોઈ પણ નવું નહિ આવે.” શીન્ની કહી રહી હતી .

એટલામાં જય અને પાર્થ ત્યાં આવી ગયા, “એને કદાચ ભૂલથી કહ્યું હતું.” જયએ કહ્યું.

“જેટલું વિચાર્યું તું એટલા તમે ડરપોક નથી.” પ્રણયએ હસતા કહ્યું.

“ઓહ તો તમે આવી તો ગયા છો. પણ ક્યાંક તમને પેલા ચોકીદારએ પકડી લીધા તો?” હસતા પલ્લવીએ કહ્યું.

“બસ હવે બંધ કરો. એ ચોકીદાર વોકીદાર જેવું કોઈ છે જ નહી. આ બધું બસ એક વાર્તાનો ભાગ છે. સમજી?” પ્રણયએ પલ્લવીને ધમકાવતા કહ્યું.

“ચાલો રમત શરુ કરીએ.” હિતેશએ કહ્યું.

“તમે બંને દાવ આપો કારણકે તમે કાલે રમત વચ્ચેથી મુકીને ભાગી ગયા હતાં. અને જો કે તમે બંને ડરપોક છો એટલા માટે બંને એક સાથે દાવ આપો.” પ્રણયએ જય અને પાર્થને કહ્યું.

“એકબીજાનો હાથ પકડી રાખજો.” કહીને બધા છુપાવા જતા રહ્યા.

જય અને પાર્થ ઝાડ તરફ ઉંધા ફરીને માથું મૂકીને એક, બે, ત્રણ, ચાર.... ગણવા માંડ્યા.

“ચાલ હવે શોધીએ એમને..” જયએ માથું ઊંચું કરતા કહ્યું.

બંને જણા અંધારામાં બધાને શોધવા નીકળી પડ્યા.

તેમણે ત્યાં પલ્લવીને ભાગીને એક કબર પાછળ છુપાતા જોઈ. અચાનક જ ધુમ્મ્સ સાથે પવન આવતા બંને ભાઈઓની આંખો બંધ થઇ ગયી. જયારે તેમને આંખો ખોલી ત્યારે પલ્લવી ત્યાં નહોતી.

“આ ક્યાં ગાયબ થઇ ગઈ? આમ જ ચાલ્યું તો આપણે કોઈને નહી શોધી શકીએ.” પાર્થએ નિઃસાસો નાખતા કહ્યું.

ત્યારે જ ફરીથી કાલે વાગ્યું તું એવું સંગીત સંભળાવા લાગ્યું.
“પાર્થ, તને પેલું સંગીત સંભળાયું? કદાચ તે એનું માઉથ ઓર્ગન વગાડી રહ્યો છે. આ એ જ ચોકીદાર છે. ચાલ આપણે જોઈએ એને.” કહી જય અવાજની દિશામાં ભાગ્યો.

“આપણે બીજા બધાને પણ આપણી સાથે લઈએ તો સારું રહેશે.” પાર્થએ કહ્યું.

“ના. આપણે જ્યાં સુધી બધાને ભેગા કરશું ત્યાં સુધી એ જતો રહેશે. આપણે જ આ રહસ્ય પરથી પરદો ઉઠાવવો પડશે.” જયએ કહ્યું.

“પણ આપણે શું કરીશું?” પાર્થએ સામે પ્રશ્ન કર્યો.

“આપણે એનું માઉથ ઓર્ગન ચોરી કરીશું.” જયએ જવાબ આપ્યો.
બંને અવાજની દિશા તરફ ચાલી નીકળ્યા. તેમણે ત્યાં ઝાડી પાછળ છુપાઈને જોયું. ઝૂપડી પાસે કાલે તેમને જે ચોકીદારને જોયો હતો, તે દુર અંધારામાં લાકડા કાપી રહ્યો હતો. લાકડા કાપીને અંદર ગયો ત્યાં સુધી જય અને પાર્થ ઝાડી પાછળ છુપાઈ રહ્યા. એના જતા જ બંને બહાર નીકળ્યા.

“જો પેલું રહ્યું એનું માઉથ ઓર્ગન.” આંગળીના ઈશારાથી પાર્થએ લાકડા પર મુકેલું માઉથ ઓર્ગન બતાવ્યું.
અચાનક જ ચોકીદારના પગલા સંભળાય. બંને જણા લાકડાના મોટા ટુકડા પાછળ છુપાઈ ગયા. ચોકીદાર ત્યાં આવી ગયો. અને એનું માઉથ ઓર્ગન લાકડા પરથી લઇને ઝુપડીમાં જતો રહ્યો.

“આપણે ઝુપડીમાં જઈને માઉથ ઓર્ગન ગમે તેમ પાછું લાવું જ પડશે.” ઉભા થઈને જયએ કહ્યું.

“હા મારી પાસે ટોર્ચ છે. આપણે એની મદદથી અંદર જઈ શકીશું. અને માઉથ ઓર્ગન લઈને આવીશું.” પાર્થએ કહ્યું.

જયએ ટોર્ચ હાથમાં લીધી. અને ઝુપડી તરફ આગળ વધ્યા. જેવો જયએ દરવાજો ખોલ્યો અંદરથી બિલાડી તેમના પર પડી. બંને ભાઈઓ ખુબ જ ડરી ગયા.

“અરે આ શું થયું. આ ને પણ અત્યારે જ બંધ થવું હતું.” ટોર્ચ બંધ થતા જય ટોર્ચને હાથ પર પછાડી રહ્યો હતો.

પાર્થ ઘરમાં ચાલી રહ્યો હતો. અને અચાનક જ તેનો હાથ પાછળ રેડિયો પર અથડાયો અને સંગીત ચાલુ થઇ ગયું.
“અરે આ શું થઇ ગયું...” ઉતાવળમાં તેને ગમે તે બટન દબાવી રેડિયો બંધ કર્યો.

“આ જો મને શું મળ્યું.” જયએ સામેના ટેબલ પરથી ઉઠાવેલું માઉથ ઓર્ગન બતાવતા કહ્યું.
“હવે આપણી પાસે આ સાબિતી છે. એ લોકોએ આપણા પર વિશ્વાસ કરવો જ પડશે.” પાર્થએ ખુશ થતા કહ્યું.

“લાવ મને ટોર્ચ આપ.” જયએ હાથ લંબાવતા કહ્યું.

“ટોર્ચ મેં ક્યાં પકડી છે?” પાર્થએ હાથ ખુલ્લા કરતા કહ્યું.

“મેં પણ ટોર્ચ નથી પકડી.” જયએ હવામાં ઉચ્કાયેલી ટોર્ચ સામે જોઇને કહ્યું.

“મને મારું માઉથ ઓર્ગન પાછુ જોઈએ છે.” અંધારામાંથી ટોર્ચ લઈને ઉભેલો ચોકીદાર બહાર આવીને બોલ્યો.

જય અને પાર્થ ચીસ પાડીને ત્યાંથી કબ્રસ્તાન તરફ ભાગ્યા.

બંને ભાગીને એક કબર આગળ શીન્નીને જોઇને રોકાયા.

“જાઓ અહીંથી. આ જગ્યા પર છુપાવા માટે હું પહેલા આવી હતી.” કબર પાસે હક જમાવતા શીન્નીએ કહ્યું.

“તારું મોઢું બંધ રાખ. અને પહેલા મહેરબાની કરીને અમારી વાત સાંભળ. અમે લોકોએ પેલા ચોકીદારને જોયો છે. એ હમણાં જ અમારી પાછળ પડ્યો છે. કેમકે અમે એનું માઉથ ઓર્ગન ચોરી કર્યું છે.” જયએ એક શ્વાસે બધું જ કહી દીધું.

“મારે તમારી કોઈ બકવાસ વાર્તાઓ નથી સાંભળવી.” શીન્નીએ અકળાઈને કહ્યું.

“બકવાસ? બકવાસ વાર્તાઓ તો તે જ ચાલુ કરી હતી ને?” જયએ ગુસ્સે થઈને કહ્યું.

“જતો રહે તું અહીથી આ જ સમયએ. એ જ તારા માટે સારું રહેશે.” શીન્નીએ રીતસર બુમ પાડીને કહ્યું.

“હું ક્યાંય નથી જવાનો.” જયએ પણ ઊંચા અવાજે કહ્યું.

“ચાલને જય જઈએ અહીથી ક્યાંક. આ છોકરી બહુ જ વિચિત્ર છે. એની જોડે ઝગડવાનો સમય નથી આ. આપણે બીજા કોઈકને શોધીને વાત કહીએ.” પાર્થ જયનો હાથ પકડીને આગળ વધ્યો.

“તમારા માટે બીજી કબર શોધો. આ મારી જગ્યા છે.” શીન્નીએ કહ્યું.

“એટલી જ બધી તકલીફ છે તને તો તારું નામ કેમ નથી લખી રાખતી કબર પર?” જતા જતા પાર્થએ મજાક કરી.

“લખ્યું જ છે. પણ કદાચ તે જોયું નથી.” શીન્ની કોઈને સંભળાય નહિ તેમ ધીરેથી હસીને બોલી.



ક્રમશઃ