Aryariddhi - 56 - last part in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૫૬ (અંતિમ ભાગ )

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૫૬ (અંતિમ ભાગ )


આર્યવર્મનની વાત સાંભળીને રાજવર્ધન સિરમના બીજા ડોઝ બનાવવાના કામમાં લાગી ગયો. મોડી રાત સુધીમાં તેણે બીજા છ ડોઝ બનાવી દીધાં. આ સમય દરમિયાન આર્યવર્મન લેબમાં જ રહીને તેનું કામ કરતો રહ્યો.

જ્યારે ડોઝ તૈયાર થઈ ગયા એટલે આર્યવર્મને રાજવર્ધનને એક પ્રોટેકશન સૂટ આપીને પહેરી લેવા માટે કહ્યું. રાજવર્ધને તે સૂટ પહેરવાનું કારણ પૂછયું ત્યારે આર્યવર્મને જવાબ આપતાં કહ્યું, “આપણે મમ્મીપપ્પા ને આ સિરમનો ડોઝ આપવા માટે તેમના રૂમમાં જઈએ છીએ. તેમના શરીરના રેડીએશનની આપણને અસર ન થાય તે માટે સૂટ પહેરવો જરૂરી છે.”

આર્યવર્મનની વાત સાંભળીને રાજવર્ધને કઈ બોલ્યા વગર સૂટ પહેરી લીધો. થોડીવાર પછી તે બંને મૈત્રીના રૂમમાં દાખલ થયાં. મોડી રાતનો સમય હોવાથી મૈત્રી સૂઈ ગઈ હતી. એટલે આર્યવર્મને અવાજ કર્યા વગર મૈત્રીને બીજો ડોઝ આપી દીધો.

ત્યારબાદ તેઓ બીજા રૂમમાં દાખલ થયાં. આ રૂમ ખૂબ વિશાળ હતો. તેમાં ત્રણ બેડ પર વર્ધમાન, આર્યા અને વિપુલ સૂતાં હતાં. વર્ધમાનને આવી હાલતમાં જોઈને રાજવર્ધનની આંખોમાં આસું આવી ગયાં. પણ તેને વિશ્વાસ હતો કે પોતે બનાવેલા સિરમ વડે બધા ફરીથી સાજા થઈ જશે.

આર્યવર્મને વારાફરતી તે ત્રણેયના શરીરમાં સિરમનો એક-એક ડોઝ ઈંજેક્ટ કર્યો પછી તેઓ તરત રૂમમાંથી બહાર નીકળી ગયાં. પછી આર્યવર્મને કહ્યું, “મૈત્રીઆંટી હવે બે દિવસમાં સંપૂર્ણ રીતે સાજા થઈ જશે. જ્યારે મમ્મી-પપ્પા ને સાજા થતાં લગભગ એક અઠવાડિયું લાગશે. ત્યાં સુધી બાકીના બે ડોઝ તેમને આવતી કાલે અને પરમ દિવસે સવારે આપી દેવા પડશે.”

રાજવર્ધન મૂક સંમતિ આપીને તેના રૂમમાં પાછો આવ્યો ત્યારે તેણે જોયું તો મેઘના જાગીને તેના કપડાં ચેન્જ કરીને સૂઈ ગઈ હતી. એટલે તેને જગાડવા ને બદલે રાજવર્ધન સોફાસેટની ખુરશીમાં સૂઈ ગયો. બીજા દિવસે સવારે રાજવર્ધન તેના માતપિતા અને વિપુલને સિરમનો ડોઝ આપી દીધાં પછી મેઘનાએ તેની સામે વર્ધમાન અને આર્યાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી પણ રાજવર્ધને તેને આર્યવર્મનની સાથે થયેલી બધી વાત મેઘનાને જણાવી અને એક અઠવાડિયાની રાહ જોવા માટે કહ્યું.

આ એક અઠવાડીયા દરમિયાન તેઓ બધા એકસાથે ગાર્ડનમાં બેસીને કોઈ રમત રમતાં અથવા તો ઘોડેસવારી કરતાં. અઠવાડિયું પૂરું થતાં સુધીમાં વર્ધમાન, આર્યા અને વિપુલ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયાં. મૈત્રી તો બે દિવસમાં જ સાજી થઈ ગઈ હતી પણ તે બીજા બધાના સાજા થવાની રાહ જોતી હતી.

બધા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા પછીના દિવસે સાંજે એકસાથે ડાઈનિંગ ટેબલ પર જમવા બેઠા ત્યારે વર્ધમાને આર્યવર્મનને સવાલ પૂછ્યો, “દિકરા, તારો મોટો ભાઈ અને રિદ્ધિ ક્યાં છે?” આ સવાલ સાંભળીને આર્યવર્મન સહિત બધાના હાથ અટકી ગયાં.

આર્યવર્મનને સાચી વાત છુપાવતાં બોલ્યો, “પપ્પા, મોટા ભાઈ અને રિદ્ધિ ક્યાં ગયાં છે તે કોઈ જાણતું નથી. ફક્ત રિદ્ધિએ તેમની સાથે જતી વખતે એટલુ કહ્યું હતું કે તેઓ એક મહત્વના મિશન પર જઈ રહ્યા છે. અને તેમના પાછા આવવાનો સમય નક્કી નથી.”

આટલું સાંભળીને વર્ધમાને ‘ઠીક છે’ એટલુ કહીને ખાવાનું ચાલું રાખ્યું એટલે બધાને થોડી રાહત થઈ. આમ થોડા દિવસ સામાન્ય રીતે પસાર થયાં પછી એક દિવસ આર્યવર્મન વિપુલને પાર્થ જ્યાં હતો લઈ ગયો. પાર્થને ત્યાં જોઈને વિપુલ ચોંકી ગયો. તેણે આર્યવર્મનને પાર્થના ત્યાં હોવાનું કારણ પૂછયું ત્યારે જવાબમાં આર્યવર્મને વિપુલને પાર્થ સાથે બનેલી બધી ઘટનાઓ જણાવી અને કઈ રીતે મીનાએ તેમની સાથે દગો કર્યો હતો તે પણ જણાવ્યુ.

આર્યવર્મનની વાત સાંભળીને વિપુલ ત્યાં થોડીવાર સુધી બેસી રહ્યો. વિપુલને શું કરવું તે સમજાઈ નહોતું રહ્યું. એટલે આર્યવર્મન બોલ્યો, “અંકલ, હું હવે પાર્થને જગાડું છું.” આટલું કહીને આર્યવર્મન રૂમની બહાર જતો રહ્યો. ત્યારબાદ મયુરી રૂમમાં આવીને પાર્થને એક ઈંજેકશન આપ્યું. તેની અસરથી થોડીવાર માં પાર્થને હોશ આવી ગયો.

પાર્થે જાગીને જોયું તો મયુરી તેની બાજુમાં ઊભી હતી અને તેની સામે તેના પિતા ઊભા હતાં. પાર્થે તરત મયુરીને સવાલ કર્યો, “મયુરી, આપણે ક્યાં છીએ? અને આ વ્યક્તિ કોણ છે?” મયુરીએ શાંતિથી જવાબ આપતાં કહ્યું, “આપણે અત્યારે મારા ઘરે છીએ અને આ તારા પપ્પા છે.” આ સાંભળીને પાર્થ તરત ઊભો થઈ ગયો.

પાર્થને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહ્યો છે. કેમકે તેના પિતા તેની ઊભા હતાં. એટલે તે વિપુલ પાસે જઈને તેના ખભા પર સ્પર્શ કર્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ સપનું નથી પણ હકીકત છે. પાર્થને જોઈને વિપુલની આંખોમાં આંસુ આવી ગયા. રડ્મશ અવાજે વિપુલ બોલ્યો, “દિકરા ફક્ત અડીશ કે ગળે પણ મળીશ.” આ સાંભળીને પાર્થ તરત વિપુલને ગળે મળ્યો. તે સમયે મૈત્રી પણ ત્યાં આવી પહોચી એટલે પાર્થ મૈત્રીને પણ ગળે મળ્યો.

ખરેખર પાર્થ માટે અત્યારે આનંદની કોઈ સીમા નહોતી. જેમને તેણે મરેલા સમજી લીધા હતાં તે તેની સામે જીવિત ઊભા હતાં. ત્યારબાદ પાર્થ મયુરીને ગળે મળ્યો અને બોલ્યો, “thank you so much મયુરી, હું કયા શબ્દોમાં તારો આભાર માનું તે મને સમજતું નથી. અને મારે તને એ પૂછવું હતું કે તું મારા મમ્મી-પપ્પાને કઈ રીતે મળી?”

પાર્થના પ્રશ્નનો જવાબ આપતાં મયુરીએ કહ્યું, “તારા સવાલનો જવાબ મારા Brother in Law આપશે.” આટલું કહીને મયુરી અટકી ગઈ ત્યારે આર્યવર્મન રૂમમાં આવ્યો. તેને જોઈને પાર્થ ગુસ્સે થઈને બોલ્યો, “આ વ્યક્તિ અહી શું કરી રહ્યો છે? આને જ મારા મમ્મી-પપ્પા ને મારવાનો પ્રયત્ન કર્યો હતો.” પાર્થને ગુસ્સે જોઈને વિપુલ હસી પડ્યો.

વિપુલને હસતાં જોઈને પાર્થ નવાઈ પામ્યો. એટલે વિપુલ હસતાં હસતાં બોલ્યો, “દિકરા, જે તું સમજે છે આ નથી. અમને કોઈએ મારવાનો પ્રયત્ન નથી કર્યો.” આ સાંભળીને પાર્થને થોડું અજીબ લાગ્યું ત્યાર પછી આર્યવર્મને તેને બધી વાત સમજાવી દીધી. તેનાથી પાર્થની શંકા દૂર થઈ ગઈ પણ બીજી ક્ષણે પાર્થ બોલ્યો, “તો પછી મારી બહેન રિદ્ધિ ક્યાં છે?”

આ સાંભળીને આર્યવર્મનનું મન ચકારવે ચડી ગયું કે હવે પાર્થને શું જવાબ આપવો? પણ તેણે કઈ પણ પ્રકારના ભાવ પોતાના ચહેરા પર વર્તાવવા દીધાં નહીં. તેણે શાંતિથી જવાબ આપ્યો, “રિદ્ધિ આર્યવર્ધનની સાથે એક જરૂરી મિશન પર ગઈ છે.” આટલું કહીને આર્યવર્મન સીધો રાજવર્ધનના રૂમમાં ગયો.

રાજવર્ધન તે સમયે મેઘના સાથે વાત કરી રહ્યો હતો પણ આર્યવર્મનને જોઈને તેણે મેઘનાને રૂમમાંથી બહાર જવા માટે કહ્યું પણ આર્યવર્મને મેઘનાને રોકી લીધી. આર્યવર્મને કહેવાનું શરૂ કર્યું, “રાજ, આપણે હમણાં તો ભાઈ અને રિદ્ધિની વાત મમ્મી-પપ્પા અને રિદ્ધિના પેરેન્ટ્સથી છુપાવી દીધી છે. પણ ક્યારેક તો આપણે તેમને આ વાત કહેવી પડશે ત્યારે આપણે શું કરીશું તે મને સમજાતું નથી.”

આર્યવર્મનની વાત સાંભળીને રાજવર્ધન પણ ચિંતામાં મુકાઇ ગયો. ત્યાં મેઘના બોલી, “તમે તેમને ક્રિસ્ટલની પ્રેગ્નનસી વિષે કોઈ વાત કરી છે?” મેઘનાની વાતનો આર્યવર્મને ના માં જવાબ આપ્યો. ત્યારે મેઘના બોલી, “એ સારી વાત છે, મારી પાસે એક પ્લાન છે. પણ આપણે ક્રિસ્ટલનો પ્રેગનેન્સી ટાઈમ પૂરો થાય ત્યાસુધી રાહ જોવી પડશે.

નવ મહિના પછી.......

મહેલના ઓપરેશન થિયેટરમાં ક્રિસ્ટલે બે જુડવા બાળકો એક છોકરો અને છોકરીને જન્મ આપ્યો. તે સમયે મેઘના, મયુરી અને રાજવર્ધન આર્યવર્મન સાથે ઓપરેશન થિયેટરમાં હાજર હતાં. બહારની લોબીમાં સંધ્યા, પાર્થ, ભૂમિ, વિપુલ, મૈત્રી, આર્યા અને વર્ધમાન બેસિને રાહ જોતાં હતાં.

મેઘના અને મયુરી બંને એક-એક બાળકને પોતાના હાથમાં લઈને બહાર આવી. મેઘનાએ છોકરાને વર્ધમાન ના હાથમાં મૂક્યું અને મયુરીએ છોકરીને મૈત્રીના હાથમાં મૂકી. પછી મેઘના બોલી, “અંકલ આંટી, રિદ્ધિ અને આર્યવર્ધન અહી આવી ગયાં છે.”

આ સાંભળીને વર્ધમાન સહિત બધા ઉત્સાહપૂર્વક બોલી ઉઠ્યા, “ક્યાં છે તે બંને?” મેઘનાએ જવાબ આપતાં કહ્યું, “તે તમારા હાથમાં છે. મૈત્રીઆંટી તમારા હાથમાં જે છોકરી છે તે રિદ્ધિ છે અને વર્ધમાન અંકલ તમારા હાથમાં જે છોકરો છે તે આર્યવર્ધન છે.”

મેઘનાની વાત સાંભળીને બધા એકબીજા સામે જોવા લાગ્યા અને પાર્થ ગુસ્સે થઈને કહેવા લાગ્યો, “તું શું કહેવા માંગે છે. આ નાની છોકરી મારી બહેન રિદ્ધિ છે?” મેઘના નીચે જમીન તરફ જોઈને બોલી, “હું તે વાતનો જવાબ આપી શકું તેમ નથી.”

“હું તમારા બધા પ્રશ્નના જવાબ આપીશ.” રાજવર્ધન ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને બોલ્યો. ત્યારબાદ રાજવર્ધને વર્ધમાન સહિત બધા લોકોની બીમારી વચ્ચે બનેલી ઘટનાઓ વિષે કહેવાનું શરૂ કર્યું. IIMA માં રિદ્ધિ અને આર્યવર્ધનની મુલાકાત અને તેમની મિત્રતા થી માંડીને ક્રિસ્ટલનું રિદ્ધિનો ગર્ભ ધારણ કરવા સુધીની તમામ વાતો જણાવી.

આ બધી વાત સાંભળી લીધાં પછી થોડીવાર સુધી કોઈ કઈ બોલ્યું એટલે રાજવર્ધન પોતાના રૂમ તરફ જવા લાગ્યો. ત્યારે વર્ધમાન પોતાના ખોળામાં રહેલા બાળકને આર્યા ને આપીને ઊભો થયો. રાજવર્ધન ના રૂમમાં તરફ ગયો અને વિપુલ પણ તેની સાથે ગયો.

તે બંને રાજવર્ધનના રૂમમાં પહોચ્યા ત્યારે રાજવર્ધન તેનો સમાન પેક કરતો હતો. વર્ધમાન બોલ્યો, “રાજ, મને અને વિપુલને તારા પર ગર્વ છે.” આટલું કહીને તેઓ પાછા જતાં રહ્યા. પણ રાજવર્ધન મુશકુરાઇ રહ્યો હતો.
બીજી બાજુ બાળકોના જન્મ પછી ક્રિસ્ટલને ઘણી રાહત થઇ ગઈ હતી. એટલે હવે તે દિવસે પૂરો સમય ભૂમિ સાથે રહી. બીજા દિવસે રાજવર્ધન અને મેઘના તેમનો સામાન પેક કરતાં હતાં તે સમયે ભૂમિ તેમના રૂમમાં આવી. મેઘનાને તેણે પૂછ્યું, ”તમે પાછા ઈન્ડિયા જાવ છો?” ત્યારે મેઘનાએ હા પાડી.

“તો બધા એકસાથે જઇ રહ્યા છે એમ ને.” આર્યવર્મન રૂમમાં આવીને બોલ્યો. રાજવર્ધન તેને જોઈને બોલ્યો, “ભાઈ, લગભગ દસ મહિના થઈ ગયા છે. આટલા સમય સુધી ઘર અને કામથી દૂર રહેવું યોગ્ય નથી. એટલે અમારે જવું પડશે.”

આ સાંભળીને આર્યવર્મન બોલ્યો, “ઠીક છે, મયુરી તમને બધાને એરપોર્ટ પર મૂકી જશે.” ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો. થોડી પછી મયુરી ત્યાં આવી બોલી, “તમે બધા તૈયાર ગયા છો ને?” રાજવર્ધને હા પાડી કહ્યું, “હું એકવાર મમ્મી પપ્પાને મળી આવું ત્યાંસુધી તમે મેઇન ગેટ પર મારી રાહ જોવો.” ભૂમિએ ઇશારામાં હા પાડી.

ત્યારબાદ રાજવર્ધન મહેલની અગાશી પર ગયો. જ્યાં વિપુલ અને વર્ધમાન બેઠા હતાં. તે બંનેને રાજવર્ધન પગે લાગ્યો. વર્ધમાને અને રાજવર્ધને એકબીજાની આંખોમાં જોયું. બંનેને એકબીજાને ઘણું બધુ કહેવું હતું જે તેઓ મોઢેથી ના કહી શક્યા તે આંખના ઇશારા વડે કહી દીધું. ત્યાર પછી રાજવર્ધન ત્યાથી તરત નીકળીને મહેલના મેઇન ગેટ પર પહોચ્યો જ્યાં મેઘના અને બીજા બધા તેની રાહ જોતાં હતાં.

કારની આગળની સીટમાં મેઘના અને મયુરી બેઠા હતાં જ્યારે પાછળની સીટ પર ભૂમિ બેઠી હતી. એટલે રાજવર્ધન અનિચ્છાએ ભૂમિ પાસે બેસી ગયો. ત્રણ કલાક પછી તેઓ એરપોર્ટ પર પહોચી ગયાં. મયુરીએ કારમાંથી તેમનો સામાન આપીને પાછી જતી રહી.

પછી તે ત્રણેય તેમની ફલાઇટની રાહ જોવા લાગ્યાં. મેઘનાએ ભૂમિને પૂછ્યું, “ભૂમિ, તું ક્યાં જઈ રહી છે?” થોડીવાર પછી ભૂમિએ જવાબ આપ્યો, “હું મારા ઘરે જઈ રહી છું. તેનાથી વધારે કઈ નહીં કહી શકું.” આ સાંભળીને કોઈ કઈ બોલ્યું નહીં. મુંબઈની ફલાઇટ એનાઉન્સમેન્ત થતાં મેઘના અને રાજવર્ધન ચાલવા લાગ્યાં પણ ભૂમિ ત્યાંથી ઊભી ન થઈ.

મેઘના અને રાજવર્ધનના ગયાં પછી ભૂમિ એરપોર્ટની બહાર નીકળી ગઈ. ત્યાથી એક ટેક્સીમાં એક સૂમસામ જગ્યા પર ઉતરી ગઈ. થોડીવાર સુધી ત્યાં ઊભા રહ્યા પછી ભૂમિએ પોતાની બેગમાંથી એક સિક્કો બહાર કાઢીને મૂઠીમાં પકડ્યો કે તરત તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ.

રાજવર્ધન અને મેઘના મુંબઈ તરફ પ્રયાણ કરી ચૂક્યા હતાં. જ્યારે ક્રિસ્ટલે સંધ્યાની સાથે રહીને રિદ્ધિના બાળકો વીર અને આર્યરિદ્ધિ ની સંભાળ રાખવાનું નક્કી કર્યું. પાર્થે મયુરી સાથે લગ્ન કર્યા પછી લંડનમાં જ રહેવાનુ નક્કી કરી લીધું. વર્ધમાન અને વિપુલ પોતાના ભૂતકાળની તકલીફો ભૂલીને વર્તમાન સમયમાં પોતાનું નિવૃત્ત જીવન જીવવાનું નક્કી કર્યું.

મૈત્રી અને આર્યા એકબીજાને ફરીથી મળીને ખૂબ ખુશ છે. તે બંને ને પોતાના સંતાન ગુમાવ્યા નું દુઃખ છે પણ તેઓ પોતાના દુઃખ જાહેર કરતાં નથી. કેમકે તેમને વધુ ખુશી તેમના પૌત્ર પ્રાપ્તિની છે.

મિત્રો, આ સાથે આર્યરિધ્ધીની સફર અહીં પૂર્ણ થાય છે. પણ આપણી સફર મેઘનાની સાથે ચાલુ જ રહેશે. આપ વાંચકમિત્રોના મનમાં જે પણ સવાલ હોય અથવા પ્રતિભાવ હોય તે જરૂર જણાવશો.

આ સાથે પાર્થ - મયુરી અને આર્યવર્મન-સંધ્યા ની પ્રેમકહાનીની વાર્તા ટૂંક સમયમાં આવી જશે.