મનું ઉઠ બેટા!
જો હમણાં સૂરજ માથે ચડી જશે, ચાલ મારો દીકરો જલ્દી ઉઠી જા. હમણાં બાપુ ઉઠશે હાલ.
બાપુનું નામ સાંભળે એ પેલા તો મનું વીજળીની ગતિએ ઉભી થઇ ગઇ.
રમાબેન હમેશા વ્હાલથી મનુને મળસ્કે ઉઠાડે, એટલું વ્હાલ કે મનુને થાય કે હજી બે ઘડી સૂતી રહી ને બસ સાંભળ્યા જ કરું. પણ પછી રમાબેન છેલ્લું હથિયાર અપનાવે, બાપુનું નામ. ને મનું સડક દેતી ઉભી થઇ જાય.
ગામડાના એ નાનકડા ઘરમાં આ રોજનો ક્રમ હોય. હજી પૂરું અજવાળું પણ ન થયું હોય ત્યાં તો રમાબેનની ગળાની સુરાવલીઓ મનું માટે વહેવા લાગે. મીઠીને મધુરી અવાજની સારંગીથી જ મનુનો દિવસ ઉગે ને આથમે.
રમાબેન મનુને એકદમ તૈયાર કરીને જ પછી ઘરના બીજા કામ કરે. એ પોતે તો કોણ જાણે કેટલાય વાગે ઉઠતા હશે, પણ ગામ જાગે ત્યાં તો રમાબેન પોતે, મનું ને ઘર બધું ફૂલ ફટાક કરી દેતા. પછી પતિની સેવામાં લાગી જાય. એમનું ગરમ પાણી સવારનો ચા બધું તૈયાર જ હોય. પાણી પણ ન વધુ ગરમ ન વધુ ઠડું, હમેશા એકસરખું જ હોય.
સિક્સસેન્સ હોય કે શું પણ રમાબેન હમેશા પોતાના કામમાં પરફેક્ટ જ હોય. એમને ક્યારેય કહેવું જ ન પડે.
દીકરા દિવાકરને પણ કોલેજે સમયસર મોકલવાની જવાબદારી તેમની જ. જો થોડોય મોડો થાય તો પપ્પા દીકરો બને વારો ચડાવી દે.
રમાબેન ક્યારેય કોઈનેય કાંઈ બોલવાનો મોકો આપવા જ ન દે. હમેશા તેમની ઘડિયાળ વહેલી જ ટકોરા મારે.
મનું એટલે કે મનાલી સત્તર વર્ષની થઈ તો પણ તેને કોઈ જાતની ગતાગમ નહિ,નહિ બેસવાની, નહિ સુવાની કે નહીં ઝાડા પેશાબની. બધી જ દરકાર રમાબેન જાતે કરે. પરિસ્થિતિ એટલી ગંભીર છે એની ફક્ત રમાબેનની જ ખબર હતી. એક તો જુવાન છોકરી ને પાછી કોઈ જાતની ગતાગમ નહિ, એટલે તેને સાચવવી તો પડે. ભૂખ્યા વરૂઓની નજરોથી હીરા જેવી દીકરીને સાચવવાનું કામ એક મા જ કરી શકે.
એટલે જ રમાબેન વહેલા ઉઠીને મનુને નવડાવી ધોવડાવી તૈયાર કરીને ખુરશી પર બેસાડી દે, પતિના મિજાજથી પોતે ભલીભાતિ પરિચિત હતા. મનું પર હાથ ઉપાડતા પણ એ ખચકાતા નહિ. કેટલાય વર્ષોથી રમાબેન દીકરીના ઓરડામાં જ સુતા. તેને રાતે ઉઠાડીને ઝાડો પેશાબ કરાવે, જો ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલી નાખે, કોઈનેય ખબર પણ ન પડવા દે.
મનુના બાપુને ખબર પણ ન પડવા દે, નહિતર તો એ કહે, "એને એટલુય ભાન નથી રહેતું, કાંઈક તો શીખવ."
રમાબેન કહે," બિચારીને એટલી ગમ પડતી હોત તો શું હોત, ભગવાને મગજ જ નથી આપ્યું તો શું ગમ પડે એને. કોણ જાણે મારા ગયા પછી એનું શું થશે?
બીજે દિવસે સવારે મનું વહેલી ઉઠી તૈયાર થઈને ખુરશી પર બેઠી હતી. બાપુ દયામણાં ચહેરે એની સામું જોતા હતા. મનું પાસે આવી ભાઈ દિવાકર રડતો હતો.
મનુને કશી જ ગતાગમ હતી નહિ, એની મા એને રોજ ઉઠાડતીને બધું સમજાવતી એ મુજબ મનું બધું કરતી. એને ન તો બાપુ નો રડમસ ચહેરો રડાવતો કે નતો ભાઈ ના આંસુ સાથે કોઈ મતલબ હતો.
બસ એને એ નહોતું સમજાતું કે આ બાના ફોટા પર ફૂલોની માળા કેમ ચડાવેલો છે.
મનું તો રોજ પાતાની ખુરશી પર એ જ સમયે આવી ને બેસી જતી.
ભાસ-આભાસ ના તથ્યો એ જાણતી જ ન હતી......
આપના કિંમતી પ્રતિભાવ જરૂરથી આપજો...લખાણ કેવું લાગ્યું એ જણાવજો જેથી તેમાં ઉચિત સુધારો થઈ શકે....
© દાસા હિના