બધા હોંશિયાર વિદ્યાર્થીઓ ખુબ જ ખુશ હતા. શાળામાં સ્કોલરશિપ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ શાળાના હોંશિયાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. શિષ્યવૃત્તિ પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનારને આ શિષ્યવૃત્તિ મળવાની હતી. ધારા, અમિત અને પ્રિયાએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું.
આ પરીક્ષા પાસ કરવા માટે ત્રણેય વિદ્યાર્થીઓ ખુબ જ મહેનત કરતા હતા. પ્રિયાને તો જમવાનું પણ સૂઝતું નહિ. શિષ્યવૃતિની રકમ આખા વર્ષની સ્કૂલની ફી જેટલી હતી. અમિત પણ જોર શોરથી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. તૈયારી માટે બધા વિદ્યાર્થીઓને બે અઠવાડિયા જેટલો સમય આપવામાં આવ્યો હતો.
ધારા પણ સખત મહેનત કરતી હતી. શાળાના સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓને સારી મદદ મળી રહેતી કે જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે. શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા ખુબ જ કઠીન હતી. તમામ પ્રશ્નો માટે એક ગુણ હતો તેમજ નેગેટીવ માર્કિંગ સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા અઘરી લાગી. ત્રણેય વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવ્યું હતું. આ પરીક્ષા ત્રણેયે પાસ કરી અને ત્રણેય વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિ મેળવી હતી.
વાર્ષિક પરીક્ષા આવી રહી હતી, સ્કૂલ દ્વારા એક્સ્ટ્રા ક્લાસનું આયોજન કરાયું હતું. ભૂમી મેડમના લેક્ચરમાં કોઈનું ભણવાનું મન લાગતું નહોતું. બધા જ વિદ્યાર્થીઓ એમના લેક્ચરમાં તોફાન મસ્તી અને ધમાલ કરી રહ્યા હતા. સામાજિક વિજ્ઞાનનો આ લેકચર બધાને બોરિંગ લાગી રહ્યો હતો.
ઓમ અને કિશન તો આજ ખુબ જ ત્રાસ દાયક લાગી રહ્યા હતા,
“એ ચકલી સમાજ ભણાવે છે.” ઓમ પોતાનો અવાજ બદલાવીને બોલ્યો.
“ઓ હો હો, ચકલી મેડમ તો સરસ સમજાવે છે.” કિશને પોતાનો સ્વર ખારો કરતા કહ્યું.
“આ હા હા, આ તો કાગડા જેવો અવાજ છે.”
“કોણ છે એ?” ભૂમી મેડમે લાલ પીળા થતા કહ્યું, કોઈ જ પ્રત્યુતર ના મળતાં તે ફરીથી રીવીઝન કરાવવા લાગ્યા.
“ચકલી મેડમ તો ભડકી ઉઠ્યા.”
“હા હા હા હા...” બધા જોરથી હસી પડ્યા.
“તમને લોકોને તમારાથી મોટા લોકોને રીસ્પેક્ટ આપતાં આવડે છે કે નહિ?” ટીચરે ટેબલ પર જોરથી હાથની મુઠ્ઠી પછાડતા કહ્યું.
મેડમ ખુબ જ ગુસ્સે થયા, બધા વિદ્યાર્થીઓને પ્રિન્સીપાલની બીક બતાવી, પણ કિશન અને ઓમ તો વિવિધ અવાજોમાં મેડમને હેરાન કરતા જ રહ્યા, ધારાને આ વાત બિલકુલ પસંદ ના આવી. અંતે ક્લાસમાં દેકારો અને તોફાન વધી જતા સ્ટાફ રૂમમાંથી વીરેન સર ક્લાસમાં આવ્યા અને મેડમને થોડી વાર માટે ક્લાસ છોડવાનું કહ્યું.
“આ શું માંડ્યું છે?” વીરેન સરે પોતાના આંખના ડોળા નજીક કરીને પૂછ્યું.
“સર, ઓમ અને કિશન અવાજ કાઢીને અમને ડીસ્ટર્બ કરતા હતા.” બંનેની ચાળી ખાતા વેદિકા બોલી.
“આ વેદીકાને તો હું નહિ છોડું.” કિશન મનમાં બોલ્યો.
“ઓમ અને કિશન મારી સાથે આવો, કોઈ પણ દલીલ કર્યા વિના બંને અત્યારે જ સ્ટાફરૂમમાં મને મળો, ચાલો જલ્દી કરો.”
“ઓ.કે. સર...”
વીરેન સરે ભૂમી મેડમને ક્લાસ સોંપ્યો અને ઓમ અને કિશનને લઈને સ્ટાફરૂમમાં ગયા. ભૂમી મેડમે ફરીથી રીવીઝન શરુ કારવ્યું. અહીં વીરેન સરે ઓમ અને કિશનને ઠપકો આપવાને બદલે સમજાવ્યા કે ટીચર્સને હેરાન ના કરવા જોઈએ તેમજ તેઓ આપણા ભલાં માટે જ પુનરાવર્તન કરાવે છે અને એમને ત્યાંથી પચાસ વિદ્યાર્થીઓને હેન્ડલ કરવાના હોય છે.
“જુઓ, મારે તમને ખીજાવા નથી, પણ શું તમે મેડમની મસ્તી કરી હતી?”
બંનેએ શરમને લીધે માથું નીચું કરીને ધીમેથી હા પાડી.
“મસ્તી કરો, પણ એક ચોક્કસ મર્યાદામાં. મને પણ ખ્યાલ છે કે આવા વિષયોમાં થોડી મજાક મસ્તી હોવી જ જોઈએ, પણ ભણવા સમયે પૂરેપૂરું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ.”
“સોરી સર, હવે અમે મેડમની મસ્તી નહિ કરીએ.”
“સોરી મને નહિ, ભૂમી મેડમને કહો.”
“ઓ.કે. સર”
મિત્રો, શિક્ષક એક જીવનના રંગમંચનો એવો કલાકાર છે કે તેને જેટલું વધારે માન મળશે એનાથી ત્રણ ગણું વધારે માન એ વિદ્યાર્થીઓને આપશે. આ કલાકારને તાળીઓની નહિ પણ સહકારની જરૂરત હોય હોય છે, શિક્ષક તો દરેકના જીવનને ઘડનારો એક કુંભાર છે, આ કુંભારનો પ્રયત્ન હંમેશા વિદ્યાર્થી રૂપી વાસણને શ્રેષ્ઠ રીતે ઘડવાનો હોય છે. શિક્ષકની મસ્તી તો ઘણા લોકો કરે છે પણ આ બધાને તે મન પર લેતા નથી. અમુક વખત એમની પણ લાગણીઓ દુભાતી હોય છે, આખરે એ પણ મનુષ્ય જ છે ને, આમ જોવા જઈએ તો વર્ગખંડ જ શિક્ષક માટે એક રંગમંચ અને રણભૂમિ છે.
એક શિક્ષક દુર્વૃતી, વિદ્યાર્થીઓની કુટેવો, દુર્ગુણો, હેરાન કરનાર વિદ્યાર્થીઓ આવા બધા દુશ્મનો સામે લડે છે, ક્યારેક અપમાન પણ સહન કરે છે, ક્યારેક ટીચર્સને ખરાબ અને વિવિધ નામો પણ મળે છે. માટે ક્લાસ એમના માટે એક રણભૂમિ છે. જ્યારે ચોક, બ્લેક બોર્ડ, ડસ્ટર આ બધા શિક્ષકના સહાયકો છે, જે રીતે કલાકારનો અભિનય જ એની ઓળખ હોય છે એ જ રીતે શિક્ષકનું જ્ઞાન એની ઓળખ છે. આ જ્ઞાન કોઈ પણ પ્રકારનું હોઈ શકે. આ માટે જ અહીં ક્લાસને રંગમંચ કહ્યો છે.
આપ તમામ શિક્ષક મિત્રોને એટલું જ કહેવાનું કે વિદ્યાર્થીઓ કોઈ પણ પગલું ભરે છે તો એની પાછળનું કારણ શું છે એ જાણવું અને ત્યારબાદ એમને એ સાચા હોય તો સો ટકા પ્રોત્સાહન આપવું જ જોઈએ, પણ જો એ ખોટા હોય તો એમને સમજાવવા જોઈએ અને સાચો માર્ગ બતાવવો જોઈએ. જો કે આપ મારાથી વધારે જાણકાર છો, માટે સમજો જ છો.
અહીં એસ.વી.પી. એકેડમીની વાર્ષિક પરીક્ષા પણ શાંતિથી પૂર્ણ થઇ ગઈ હતી. બધા વિદ્યાર્થીઓને વેકેશન પડી ગયું હતું. કોઈ મામાના ઘરે તો કોઈ કાકાના ઘરે, તો કોઈ વળી માસી કે ફોઈના ઘરે, અમુક તો ત્યાંના ત્યાં જ રહીને પોતાનું વેકેશન માણી રહ્યા હતા.
વેકેશન એટલે દરેક વિદ્યાર્થીઓના જીવનનો સૌથી લાંબો ચાલનારો તહેવાર. આ તહેવારમાં વિદ્યાર્થીઓ નવી નવી પ્રવૃતિઓ શીખે છે, ડ્રોઈંગ ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ, કરાટે ક્લાસીસ અને આવું તો ઘણું બધું, પણ શિક્ષકનું વેકેશન પાણી વિનાના કુવા જેવું હોય છે, વિદ્યાર્થીઓને હવે કઈ રીતે ભણાવવાથી એમનો ઉત્સાહ વધી શકે?, શું નવી પ્રવૃત્તિઓ કરાવવી?, આગળ કઈ મેથડ અપનાવવી?, આવતા વખતે સિલેબસ કેમ પૂર્ણ કરાવવો? આ બધું વિચારવામાં જ એમનું વેકેશન નીકળી જાય છે. એમાં પણ પેપર ચેકિંગ તો બોનસ જ. એમને રજાઓ મળે તો છે પણ ૭૦% રજાઓનો ઉપયોગ એ આવા વિચારોમાં જ કરે છે. ટૂંકમાં કહીએ તો શિક્ષક પોતાનું ૭૦% વેકેશન વિદ્યાર્થીઓ પાછળ જ ખર્ચ કરે છે.
વેકેશનમાં પણ કંઇક ધમાકેદાર અને આખી સ્કૂલને યાદ રહી જાય એવો જલસો થવનો હતો.
કેવો હશે આ જલસો?
શું આ કોઈ ઇવેન્ટ હશે?
કે પછી કંઇક નવું જ?
આગળ જાણવા માટે વાંચતા રહો....
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*
મારી બીજી નોવેલ પ્રેમનો પાસવર્ડને અવશ્ય વાંચો આ
પર.
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com