(કબીર કૂવામાંથી બહાર આવે છે ત્યારે એના હાથમાં એક ચાંદીની નથણી હોય છે જે તારામતી નામની એક સ્ત્રીની હોય છે, એનું પગેરું શેઠ રતનચંદ સુધી પહોંચે છે જેને પ્રોફેસર ના કહેવાથી એમની ટીમનો એક સભ્ય મહેલમાં લઇ આવે છે, હવે આગળ...)
રતનચંદ ખૂબ ગુસ્સે ભરાયેલ હતો અને એ જેક સામે જોઈ એને બોલી રહ્યો હતો, “તમને ખબર છે મિસ્ટર તમે કોને ઉઠાવી લાવ્યા છો? હું અમારા શહેરનો એક જિમ્મેદાર નાગરિક છું અને તમે મને બળજબરીથી આમ કેવી રીતે ઉઠાવી લાવી શકો? મને અહીંયા શા માટે લાવ્યા છો? તમે મને કિડનેપ કર્યો છે?"
પ્રોફેસર નાગ તરત શેઠ રતનચંદ પાસે આવ્યા એમની આગળ ખૂબ જ શાલીનતાથી વાત કરતા કહ્યું, “ના ના તમને કિડનેપ કરીને નથી લાવ્યા. તમને તકલીફ પહોંચી હોય તો હું દિલગીર છું. હકીકતે તો અમારે તમારી મદદની જરૂર છે!"
“મદદ માંગવા માટેની આ કોઈ નવી ફેશન છે? તમને ખબર છે આ તમારો માણસ મારા ઘરની બહારથી મને બળજબરીપૂર્વક ઉઠાવી લાવ્યો છે. મારા ઘરવાળા મારી ચિંતા કરતા હશે. આમેય ઉંમરના લીધે હવે હું બહુ બહાર નથી જતો."
શેઠ રતનચંદની આ વાત સાંભળી બધાની નજર હવે જ એની ઉંમર તરફ ગઈ, એ ખાસ્સો ઘરડો હતો. ખાલી એના ચહેરા પરની કરચલીઓ તરફ જ જોવામાં આવે તો એ એકસો ને દસ વરસનો લાગે! એની ઊંચાઈ પણ ખાસ્સી હશે પણ હવે વૃધ્ધાવસ્થામાં શરીર થોડું સંકોચાવા, વળવા લાગ્યું હતું. માથાના બધા જ વાળ સફેદ થઈ ગયેલા અને પહેલી નજરે એ પ્રભાવશાળી લાગતો હતો.
“હું ફરીથી તમારી માફી માંગુ છું પણ મારે ખરેખર તમારી મદદની જરૂર છે, તારામતી માટે!" પ્રોફેસરે જાણીને તારામતીને યાદ કરી હતી અને એનાથી રતનચંદના ચહેરામાં કોઈ ફેર પડે છે કે નહિ!
એક ક્ષણ માટે શેઠ રતનચંદના ચહેરા પર આંચકો આવ્યો હોય એવા ભાવ આવેલા અને પછી તરત એ હોશિયાર માણસે કહી દીધું, “તમારી કોઈ ભૂલ થતી લાગે છે, હું કોઈ તારામતી ને નથી ઓળખતો. કદાચ કોઇ એ નામની બાઈ જીવનમાં ક્યારેક આવી પણ હોય તો હવે મને કંઈ યાદ નથી. આમેય આટલી ઉંમરે હું બધું ભૂલવા લાગ્યો છું, કાલની વાત આજે યાદ નથી રહેતી તો વરસો જૂનું ક્યાંથી યાદ આવવાનું! મને મારા ઘરે પહોંચાડી દો પ્લીઝ હું તમારી કોઈ મદદ કરી શકું એમ નથી."
“માફ કરશો શેઠ મારા લીધે તમને તકલીફ પહોંચી. મને લાગે છે કે મારે જે વ્યક્તિની જરૂર છે એ તમે નથી. અત્યારે ઘણી રાત થઈ ગઈ છે એક કામ કરો આજની રાત તમે અમારી મહેમાનગતિ માણો કાલે સવારે જેક તમને તમારા ઘરે મૂકી જશે." પ્રોફેસર નાગે ખૂબ સ્વાભાવિકતાથી કહ્યું.
“અજાણી જગ્યાએ મને આખી રાત ઊંઘ નહિ આવે. મારી તબિયત પણ ઠીક નથી રહેતી અને ઘરે બધા ચિંતા કરશે હશે એ બીજી ઉપાધિ," શેઠ રતનચંદ હસી પડ્યો, “તમે હાલ જ મને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરો."
“સોરી મી. રતન ચંદ પણ હું આ જગ્યાએ પહેલીવાર આવ્યો છું અને રાત્રે મને રસ્તો યાદ નહિ રહે. આપણે સવારે અજવાળું થાય પછી જ નીકળી શકીશું." જેક બોલ્યો.
“રસ્તો હું દેખાડી આપીશ, હું અહીંયા કેટલીય વખત આવી ગયો છું, મારા કહેવાનો મતલબ કે હું આ રસ્તેથી આગળ પણ પસાર થયેલો છું." શેઠજીએ કહ્યું.
“પણ તમારી ઉંમર અને નાજુક તબિયત જોતા આવું રિસ્ક લેવાની જરૂર શી છે? આજની રાત આરામ કરી લો સવારે પાક્કું તમને ઘરે પહોંચાડી દઈશું." આ વખતે હેરીએ વાતનો દોર આગળ વધાર્યો.
“હા અને વાત રહી ઘરે જાણ કરવાની તો એ કામ મોબાઈલની મદદથી ક્યાં નથી થઈ શકતું!" રવિએ ટાપશી પૂરી.
“આજની રાત મારે આ અવાવરૂ મહેલમાં રોકાવું જ પડશે એમ જ ને?" શેઠે ગંભીર થઈને કહ્યું.
“અમે તમને સહેજ પણ તકલીફ નહિ પડવા દઈએ વિશ્વાસ રાખો. આજની રાત આપણે બંને એક જ રૂમમાં સાથે રહીશું." પ્રોફેસર નાગની વાત માન્યા વગર શેઠજી પાસે છૂટકો જ ક્યાં હતો.
શેઠ રતન ચંદને ઘરે ફોન જોડાઈ ગયો અને એ એમના એક જૂના મિત્ર અચાનક મળી જતા એમની સાથે આજની રાત રોકાઈ સવારે ઘરે આવી જશે એમ વાત કરાઈ.
રાત ઘણી વીતી ગઈ હતી પણ કોઈની આંખોમાં ઊંઘનું નામોનિશાન ન હતું. બીજા બધાની સાથે શેઠ રતન ચંદ પણ એમના રૂમમાં જઈને આરામ કરવાને બદલે નીચે બેઠકખંડમાં બેઠા હતા. વાતાવરણમાં અજીબ સી બેચેની હતી. અચાનક આવી જતો ચિબરીનો અવાજ સાંભળીને પણ કેટલાક ધ્રુજી ઉઠતા હતા. બધાને પાક્કો વિશ્વાસ હતો કે આજ રાત કંઇક નું કંઈ ચોક્કસ બનશે. કદાચ શેઠ પર કોઈ ચુડેલ આવીને હુમલો પણ કરે...
પ્રોફેસર નાગ અને શેઠ સોફામાં બેઠા જૂના વખતની અને અત્યારની ભારતની પરિસ્થિતિ ઉપર વાતો કરી રહ્યા હતા. બધા છોકરાઓ મૌન હતા, ફક્ત એમના ચહેરા બોલતા હતા અને આંગળીઓ હાલી રહી હતી...
કબીર, રવિ, સાગર, સન્ની, સના, હેરી અને જેક બધાએ એક વોટ્સેપ ગ્રૂપ બનાવેલું અને અત્યારે બધા એમાં જ ચેટીંગ કરી રહેલા...
સન્ની: આ ડોસાને અહીં બોલાવીને પ્રોફેસરે ભૂલ નથી કરી?
જેક: એમાં શું ભૂલ છે? એની જરૂર હતી.
સાગર: એ ડોસા ઉપર પેલી તારામતી રાતના હુમલો કરશે તો?
કબીર: એવું કંઈ નહિ બને. એણે હજી કોઈને નુકશાન નથી કર્યું.
રવિ: પણ આ ડોકરો એનો ખૂની હોય એ તારામતી આને મારવા જ અહીં રાહ જોઈ બેઠી હોય તો?
હેરી: જ્યાં સુધી પ્રોફેસર અહીંયા છે એ કોઈ આત્માનું ધાર્યું નહિ થવા દે.
સાગર: પણ ધારોકે ડોહો આજ રાત્રે ઉકલી જાય તો જેલમાં આપણે જ જવું પડશે ને...
સના: ડોન્ટ વરી એવું નહિ થાય.
રવિ: કેમ?
સના: મહેલની અંદર જ આટલી બધી જગ્યા છે ક્યાંક દફનાવી નાખીશું 😂😂😂
જેક: પછી મહેલમાં એક નવી આત્મા ફરતી દેખાશે.
સન્ની: અને એ આત્મા આપણને જ મારવા આવી હશે!
હેરી: જે જે આત્માને હાથે મરે એ પછી આત્મા બની અહીંયા ભટકી શકશે...😅
રવિ: ચૂપ કર યાર અહીંયા આમેય બધાની ફાટે છે.
જેક: મારી નથી ફાટતી તમારા લોકોની તમે જાણો
સાગર: કબીર તું કેમ ચૂપ છે?
સના: કબીર ફરી પેલી તારા ગયા જનમની પ્રેમીકા તો નથી દેખાઈ રહી?
હેરી: એ શું વાત છે મને નથી ખબર.
જેક: મારે પણ જાણવું છે.
રવિ: કબીર તું જ સુણાવ તારી પ્રેમ કહાની.
સન્ની: કબીર જવાબ આપ...
સના: કબીર અહીંયા જ છે ને?
બધાએ એક સાથે ફોનમાંથી માથું ઉપર કર્યું અને એમની આસપાસ જોયું. કબીરની જગ્યા ખાલી હતી. સાગરે રવિ સામે જોયું, એક ક્ષણ માટે બંનેની નજર મળી અને તરત જ બંને સાથે ભાગ્યા...
“ક્યાં જાઓ છો બે, વાત તો કરો" જેક પણ એમની પાછળ ભાગ્યો અને એની પાછળ બાકીના બધા.
“ઓહ્! મેં આવું ધાર્યું ન હતું પણ જેવી ઈશ્વરની મરજી, ચાલો શેઠજી તમને એક કૌતુક બતાવું." પ્રોફેસર નાગે બધા છોકરાઓને બહાર ભાગતા જોઇ કહ્યું.
“મારું આવવું જરૂરી છે? મારે કંઈ નથી જોવું."
શેઠ રતન ચંદે ગભરાયેલા અવાજે કહ્યું એટલે એમનો હાથ પકડી પ્રોફેસરે ખૂબ ભાવથી કહ્યું, “ડરો નહીં. મારા રહેતા તારામતી તમારું કંઈ બગાડી શકે! ચાલો બધા છોકરાઓને એકલા છોડવા યોગ્ય નથી."
પ્રોફેસર ના શબ્દો પર શેઠને ભરોસો બેઠેલો અને અહીંયા એકલા બેસી રહેવાની એમની હિંમત ન હતી એટલે એ કમને પણ પ્રોફેસર સાથે જવા તૈયાર થયા...
બધા કૂવા કાંઠે પહોંચ્યા અને કૂવામાં મોબાઈલની ફ્લેશ લાઈટ નાખી “કબીર...કબીર..." કહી બૂમો પાડી. કોઈ જવાબ ન હતો મળ્યો. કબીર પણ દેખાતો ન હતો!
ક્રમશ...