પ્રકરણ - 10
અમુક જખમોને ક્યારેય રૂઝ નથી આવી શકતી...
વર્ષો વીત્યાં પછી પણ...
અને કોઈના આવ્યા પછી પણ...
હજી પણ અનંતે તેનો હાથ પકડી રાખ્યો હતો અને એને સતત પોતાની તરફ ખેંચી રહ્યો હતો, છેવટે નુપૂરએ પોતાનો હાથ પાછો ખેંચ્યો અને અનંત એના વિચારોની ગર્તામાંથી બહાર આવ્યો. એની આંખોમાં આછકલાં આંસુની સાથે સાથે થોડી શરમની લાલી પણ હતી.
# # #
દિવસો પસાર થયા...
મહિનાઓ પસાર થયા...
વર્ષો પસાર થયા...
.... અને અનંતના જીવનનો એક નવો દાયકો શરૂ થયો હતો. તેણે પોતાને પહેલાં જે હતો એના કરતાં સંપૂર્ણ રીતે બદલી નાખ્યો હતો અને જે રીતે તેને અપમાનિત કરવામાં આવ્યો હતો, જે રીતે તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો, જે રીતે એની લાગણીઓની અવહેલના કરવામાં આવી હતી, તેનું બદલાવું વ્યાજબી હતું.
સમયે તેને બદલ્યો હતો...
સંબંધોએ તેને બદલાઈ જવા મજબૂર કર્યો હતો...
પરિસ્થિતિ અને અનુભવોએ તેનું ઘડતર કર્યુ હતું...
... અને આ બદલાવ અનંતના વર્તનની સાથે સાથે એના જીવનમાં પણ ઘણા ફેરફાર કરવાના હતા. ખૂબ જ ટૂંક સમયમાં તે એક નવી જિંદગી, નવા સંબંધ સાથે જોડાવાનો હતો.
નિઃશંકપણે, આ અનંત પેલા નબળા, મૂર્ખ અને લાગણીઓની પાછળ તણાઈ જનારા અનંત કરતા તદ્દન અલગ હતો. આ અનંત બેદરકાર, લાગણીહીન અને હ્રદયહીન હતો જોકે તેનો અર્થ એ નથી કે તે પહેલાની જેમ વફાદાર, પ્રમાણિક અને વિનમ્ર ન હતો. વૈભવીની યાદોથી તે ઘણો દૂર અમદાવાદ પરત આવી ચૂક્યો હતો.
વિકીના સપોર્ટથી અને ભાવના મૅમના સહકારથી તેણે પોતાના કેરિયરમાં વ્યાપક સફળતા મેળવી હતી. એક સામાન્ય દેખાતો છોકરો, જે આધાન રિક્રૂટમેન્ટ્સમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોડાયો હતા, તે સમય જતાં રિક્રૂટમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે ઉભરી આવ્યો હતો અને એ બદલ તેને "બેસ્ટ રિક્રૂટર ઓફ ધ યર"નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
જેમ આપણે અગાઉ ચર્ચા કરી એમ વિકી પોતાના નિર્ણયમાં મક્કમ હતો અને તેણે અનંતનું નામ ભાવના મૅમને સૂચવવાનું નક્કી કર્યું, પરંતુ તેણે ભાવના મેમ પાસેથી તેઓ અનંતને એના સપોર્ટર તરીકે પોતાનું નામ જાહેર નહી કરે એવું વચન લીધું. વિકી જાણતો હતો કે અનંત ભલે થોડો મધ્યમવર્ગીય પણ ખુદ્દાર હતો. જો તેને જરા પણ અંદાજ આવ્યો કે વિકીના સપોર્ટના લીધે તેનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે તો તે એ વાતને કદી નહિ સ્વીકારે. ભાવના મેમએ પણ વિકીની વાતનું માન રાખ્યું.
"દરેકનો એક ભૂતકાળ હોય છે,અનંત પરંતુ જીવન અને નસીબ-તે બંને ફક્ત એને જ સાથ આપે છે જે પોતાના ભૂતકાળમાંથી બહાર આવે છે અને વર્તમાનને લડત આપીને ભવિષ્ય સામે ઝીંક ઝીલવાની તાકાત રાખે છે." ધ્રુવલની આ સલાહને ધ્યાનમાં રાખીને અને તેને જીવનનું લક્ષ્ય બનાવીને, તે એક પછી એક સફળતાના માઈલસ્ટોન પસાર કરી રહ્યો હતો.
અનંતની સૌથી મોટી સિદ્ધિનું રહસ્ય હવે ઉજાગર થઈ રહ્યું છે જે આ નવલિકાની સાથે સાથે અનંતના ફાઈનાન્શિયલ સ્ટેટસમાં પણ થનારા ટ્વિસ્ટનું મહત્વપૂર્ણ કારણ છે.
મિસ ભાવના ઉદરનાણી, આધાન સોલ્યુશન એન્ડ રિક્રૂટમેન્ટ લિમિટેડના સીઇઓ, જે અનંતનું કૌશલ્ય અને આવડત જાણી ચૂક્યા હતા અને તેથી જ તેમણે અનંતને પ્રમોશન આપવાનો એક સુખદ અને સર્વમાન્ય નિર્ણય લીધો હતો. તેણીએ અચાનક જ અનંતની ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું.
યેસ, અનંતની ફેરવેલ !!!!!!
તેણીએ પોતાના લેપટોપથી મોડી સાંજે એક ઇ-મેઇલ મોકલ્યો, એ મેઈલ અનંતને અંગત રીતે નહીં, પરંતુ આધાનના અન્ય તમામ કર્મચારીઓને સીસી તરીકે માર્ક કરીને કરેલો હતો.
તે મેઇલ કઈંક આવો હતો :
ડિયર અનંત,
શુભેચ્છાઓ….!
ખૂબ જ ટૂંકા સમયમાં અમે તમારું કૌશલ્ય જોવા મળ્યું છે. જો તમને એ પ્રમાણેનું વેતન અને ગ્રોથ મળે તો અમારા માટે એ આનંદની વાત રહેશે. પરંતુ કેટલાક અનિચ્છનીય સંજોગોને લીધે, આધાનને તમારું પેપર રેઝીગ્નેશન માંગવાની જરૂર પડી રહી છે. આ નિર્ણયના કારણો અંગેની વિગતો તમારી ફેરવેલમાં ડિસ્કસ કરવામાં આવશે, જે કાલે સાંજે 6 વાગ્યા પછી ગોઠવવામાં આવશે.
સાદર,
ભાવના ઉદરનાણી.
ઑફિસનું આખું વાતાવરણ સનસનીખેજ અને સન્નાટામય બની ગયું હતું કારણ કે ધીમે ધીમે તમામ કર્મચારીઓએ મેઈલ વાંચવાનું શરૂ કરી દીધું હતું. અનંતને આ વિશે કોઈ જાણ નહોતી, પરંતુ એના એક કલિગે જ્યારે તેને વાકેફ કર્યો ત્યારે તેને આ વિશે જાણ થઈ કારણ કે કે તે આખા દિવસ દરમિયાન કેન્ડિડેટ્સની મુલાકાતોમાં વ્યસ્ત હતા. જયારે તેણે આ વાત સાંભળી ત્યારે એના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. અનંતને આઘાત લાગ્યો હતો પરંતુ કોઈ દલીલ વગર અથવા બહાના વગર તેમણે ખૂબ જ ટૂંકા જવાબ સાથે મેઈલનો રિપ્લાય આપ્યો.
"થેંક યુ સો મચ ફોર ધિસ સરપ્રાઈઝ".
તેને ખબર ન હતી કે આગામી સાંજ તેના જીવનનો સૌથી મોટો ટ્વિસ્ટ લાવવાની હતી, અને તે ટ્વિસ્ટ પહેલાથી નિશ્ચિત કરેલા સમય પર આવી જ ગયો.
# # #
સાંજે 6.00 વાગ્યે કર્મચારીઓ ઓફિસના એસેમ્બલી હોલ ખાતે ભેગા થઈ રહ્યા હતા. અનંતનો ચહેરો નિસ્તેજ અને થોડા ઘણા અંશે અસ્વસ્થ હતો. એક પછી એક બધા કર્મચારીઓ, મેનેજરો, એકાઉન્ટ વિભાગનુ ગ્રુપ અને સૌથી છેલ્લે ભાવના મૅમ આવ્યા. તેમના હાથમાં ઓર્કિડ ફૂલોનો એક મોટો બુકે હતો, કારણ કે તે જાણતા હતા કે અનંતને ઓર્કિડ ફૂલો પસંદ છે.
દરેક ચહેરા પર આઘાત અને આધાન મેનેજમેન્ટના આવા તત્કાલ નિર્ણય માટે નારાજગીનો ભાવ સ્પષ્ટપણે વર્તાતો હતો. તે દિવસે એસેમ્બલી હૉલના વાતાવરણમાં નિરવ શાંતિ હતી અને ભાવના મેમ સિવાય દરેકનો ચહેરો ઉદાસ અને મૂડ વિનાનો હતો.
ભાવના મેમએ બુકેને એક બાજુ મૂક્યો અને એમની કેબિનમાં મૂકેલું બોક્સ લઈ આવવા પ્યુનને આદેશ આપ્યો. એક જ સેકન્ડમાં એક મોટા બૉક્સ સાથે પ્યુનએ હોલમાં પ્રવેશ કર્યો. એ બોક્સની ઉપર એક ગુડ વિશ લેટરનું કવર પણ હતું.
"હવે, સૌથી પહેલા અનંત કેક કાપશે અને ત્યારબાદ તે પત્ર ખુલશે અને તેને વાંચશે," ભાવના મેમએ તેમના સુંદર મીઢા અવાજે હુકમ કર્યો. દરેકને એ જોઈને આશ્ચર્ય થયું કે અનંતએ કોઈ પણ સવાલ કર્યા વગર કે વિચારવા માટે સમય લીધા વિના બોક્સ ખોલ્યું. તે બોક્સમાં બ્લેક ફોરેસ્ટ કેક હતી. અનંતને પણ કેક જોઈને આશ્ચર્ય થયું. બીજુ આશ્ચર્ય એ વાતનું હતું કે ભાવના મેમને – એક કંપનીના માલિકને પોતાના જેવા સામાન્ય એમ્પ્લોઈની પસંદગી અને નાપસંદગી વિશે કેવી રીતે ખબર હતી. કેક કટિંગ, એકબીજાને ખવડાવવાની અને અન્ય ફોર્માલિટિઝ પૂરી કરીને ફરી ભાવના મેમએ જાહેરાત કરી કે હવે અનંત આ પત્ર વાંચશે.
આ વખતે અનંતના હાથ જરા પણ ધ્રૂજી રહ્યાં ન હતા કારણ કે તેના જીવનમાં એવી ઘણી પળો આવી ગઈ હતી, જ્યારે એક પછી એક પછી એક તેણે ઘણા આઘાત સહન કર્યા હતા. તેણે કવર ઉપાડ્યું, ખોલ્યું અને અંદર રહેલા પત્રને વાંચવાનું શરૂ કર્યું. બધા શાંત હતા. લગભગ દરેકની આંખોમાં આંસુ અને ચહેરા નિસ્તેજ દેખાતા હતા, કારણ કે અનંતની મદદ કરવાની પ્રકૃતિએ દરેકના હૃદયને જીતી લીધું હતું. સમયની સાથે તેણે પોતાના કોમળ હ્રદયને નિષ્ઠુર ચોક્કસ બનાવી દીધું હતુ, પરંતુ બીજાના માટેની દયા તે ક્યારેય છોડી શક્યો ન હતો.
પત્રનું વાંચન શરૂ થયું...
"ડિયર અનંત,
શુભેચ્છાઓ…!
ખૂબ જ ટૂંકા સમયમાં અમે તમારું કૌશલ્ય જોવા મળ્યું છે. જો તમને એ પ્રમાણેનું વેતન અને ગ્રોથ મળે તો અમારા માટે એ આનંદની વાત રહેશે. પરંતુ કેટલાક અનિચ્છનીય સંજોગોને લીધે, આધાનને તમારું પેપર રેઝીગ્નેશન માંગવાની જરૂર પડી રહી છે...."
તેણે ફકરો અધૂરો જ મૂકી દીધો અને બોલ્યો, ''મૅમ, પહેલેથી જ આધાને આ બધું મેઇલમાં વાંચ્યું છે. તો એમાં નવું શું છે? '' નારાજગી સાથે તેણે પત્ર નીચે ફેંકી દીધો. ભાવના મેમએ પત્ર ઉપાડ્યો અને અનંતને ફરીથી વાંચવા માટે ઈશારો કર્યો. અનંતે નાછૂટકે પણ એ પત્ર વાંચવો જ રહ્યો....
"કારણ કે, અમે રિક્રૂટમેન્ટ ઉદ્યોગમાં તમને નવા ડેબ્યુઈંગ બિઝનેસ ટાયકૂન તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. ''
આધાન ફેમિલિ તમને અમારા નવા વેન્ચરના નવા સીઇઓ તરીકે સુયોજિત કરે છે - ''રિધમ રિક્રૂટમેન્ટ પ્રા. લિ.", અનંતના શબ્દો અને જીભ આશ્ચર્યજનક રીતે સિવાઈ ગયા હતા. ભાવના મેમએ આછા સ્મિત સાથએ અનંતને ફરીથી વાંચવા માટે હુકમ આપ્યો. "હવે, તમે તમારી પોતાની રિક્રૂટમેન્ટ ફર્મના સીઇઓ છો, જે પ્રત્યક્ષ કે પરોક્ષ – કોઈ પણ રીતે આધાન સાથે જોડાયેલ નથી. બધા નિર્ણયો, બધા કર્મચારીઓ, બધા પગલાં તમારા દ્વારાજ લેવામાં આવશે અને તમે જ તમારી કંપનીના સર્વોપરી અધિકૃત વ્યક્તિ છો. અમે અમારા આંતરરાષ્ટ્રીય ક્લાઈન્ટ્સ સાથે પહેલાથી જ તમારી ફર્મના બિઝનેસ સપોર્ટ માટે ટાઈ-અપ કર્યું છે.
સાદર,
આધાન પરિવાર - ભાવના ઉદરનાણી "
અનંત તૂટક વાક્યો અને અચકાતા શબ્દો સાથે પત્ર પૂરો કર્યો.
"મતલબ કે...? " તેણે આશ્ચર્યમાં સ્ટાફ તરફ જોયું અને ભાવના મેમને પૂછ્યું.
"હા, અમે બધા આ વિશે પહેલેથી જ જાણતા હતા પરંતુ અમે તેને અમારા સર્વમાન્ય નિર્ણય તરીકે ગુપ્ત રાખ્યો હતો, "સ્ટાફની દરેક વ્યક્તિ એક સાથે બોલી અને ભાવના મેમએ અનંતને ઓર્ચિડના ફૂલનો બુકે ભેટ આપ્યો. અનંત એ આખા દિવસ અને આખી રાત દરમ્યાન ખુશ હતો. તે રાત્રે તેને આનંદના લીધે એની આંખોમાં ઉંઘનું જરા પણ નિશાન ન હતું. આમં, પણ સુખના દિવસોમાં ઉંઘ નથી આવતી અને દુ:ખમા દિવસોમાં ઉંઘે છે કોણ.... રાત્રે પથારીમાં પડ્યા પડ્યા એ નિયતિની વાત યાદ કરી રહ્યો હતો : "એક દિવસ તુ તારા પોતાના નિર્ણયો લઈશ અને એક સર્વોપરી અધિકૃત વ્યક્તિ બનીશ." – એ દિવસ અનંત માટે સૌથી ખુશીનો હતો અને તે સાચા દિલથી નિયતિ અને ધ્રુવલને યાદ કરી રહ્યો હતો પરંતુ અમુક કારણવશ નિયતિ અને ધ્રુવલ સાથે એનો સંપર્ક તૂટી ચૂક્યો હતો. છેલ્લા ફોન કોલ મુજબ નિયતિ પોતાના ફેશન ડિધાઈનિંગના કોર્સમાં આગળ વધી રહી હતી અને ધ્રુવલે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે હિન્દુસ્તાન પેઈન્ટસ નામની કોઈ બ્રાન્ડ જોઈન કરી લીધી હતી.
# # #
......અને આજે રિધમ રિક્રૂટમેન્ટસના સીઈઓ તરીકે અનંતને ત્રણ વર્ષ પૂરા થયા છે. દિવસો પસાર થઈ રહ્યા હતા અને કેલેન્ડરના પાનાઓની સાથે અનંત પોતાની જાતને પણ બદલી રહ્યો હતો. એની અંદરની માસૂમિયત ધીમે ધીમે મરી રહી હતી અને તે સંપૂર્ણપણે એક પ્રોફોશનલ પૂતળું બનવાની તૈયારીમા હતો. નુપૂર પણ ધીમે ધીમે અનંતની નજીક આવી રહી હતી.
અનંતની અંદર આવેલા તમામ બદલાવને તે જાણતી પણ હતી અને તેને સમજી પણ શકતી હતી અને આ પરિવર્તનો કેમ આવ્યા હતા તે પણ તે જાણી ગઈ હતી અને તેથી જ શાયદ અનંતને ફરીથી એવો જ સોફ્ટ હાર્ટેડ બનાવવા તેની નજીક આવી રહી હતી. વચ્ચેના સમય દરમિયાન ઘણી વાર અનંત અને નુપૂર એક સાથે ઓફિસથી નીકળતા તો ક્યારેક તેઓ ડિનર માટે પણ બહાર જતા. ક્યારેક મંદિર માટે અને ક્યારેક ક્લાઈન્ટ્સ સાથેની મીટિંગો માટે પણ. જ્યારથી અનંતે તેને પોતાની દોસ્ત કહી એ પછીથી તેને અનંતની બાજુની સીટ પર જ નહિ, પણ એની સાથે જ રહેવાનો પણ વણકહ્યો અધિકાર મળી ચૂક્યો હતો. ઘણી વાર, તેણીએ અનંતનો હાથ પોતાના હાથમાં લેવાનો અને તેને પંપાળવાનો કે અનંત પ્રત્યે પોતાની લાગણી દર્શાવવાનો પ્રયાસ કર્યો, પણ દરેક વખતે અનંત તેને અટકાવી દેતો.
હવે અનંત કોઈ પણ છોકરીને પોતાના જીવનમાં દાખલ થવા દેવા તૈયાર ન હતો, કારણ કે "કેટલાક ઘા ક્યારેય સાજા નથી થતા.." વર્ષો વીત્યા પછી પણ વૈભવીની એ ગંદી મજાકની ઝેરી અસર તેના જીવન અને તેની આત્માને કોરી કોરીને ખાઈ રહી હતી. હજુ પણ તે એમ જ માનતો હતો કે જો કોઈ નવી છોકરી તેના જીવનમાં આવશે અને ફરીથી જો એવી જ ઘટના સર્જાશે તો એ આ તમામ એમ્પાયર મેનેજ નહિ કરી શકે. વર્ષો પસાર થયા બાદ પણ તે બગડેલી બાબતોનું સંચાલન કરવા માટે પોતાને સક્ષમ માનતો ન હતો.
# # #
અનંતને ડાયરી લખવાની ટેવ હતી. સંઘર્ષના સમયથી જ તેને રોજિંદી ઘટનાઓ અને અનુભવ લખવાની આદત પડી હતી, જેમાંથી તેણે જીવનમાં ઘણું બધું શીખી લીધું હતું. તે દરરોજ પોતાની ડાયરીમાં કઈંક ટપકાવતો અને પછી તેને પોતાના એક લોકરમાં સલામત રીતે સાચવીને મૂકી દેતો હતો. તે જરા પણ નહતો ચાહતો કે કોઈને પણ તેના અંગત જીવન વિશે અને તેના ભૂતકાળ વિશે જરા પણ ખબર પડે અને આ જ કારણોસર આટલો મોટો બિઝનેસમેન બનવા છતાં પણ તે મીડિયાથી દૂર રહેતો.
પણ... દરેક વાર્તાનું એક નામ હોય છે અને એ જ નામમાં એક ટ્વિસ્ટ છુપાયો હોય છે જે ક્યાંક ને ક્યાંક એક અકસ્માતનું કામ કરે છે. એક દિવસ આવો જ એક અકસ્માત થાય છે જે થવો જોઈતો ન હતો.... એક રીતે, તે કોઈ અકસ્માત નથી, પરંતુ બીજી રીતે તે એક એવી ઘટના હતી, જે કદાચ અનંતના જીવનથી નુપૂરને દૂર કરવા જઈ રહી હતી. કદાચ કાયમ માટે.....
# # #