અનન્યા એ મેસેજ વાંચીને દોડતી દોડતી પાર્કિગમાં પહોંચે છે કે ત્યાં જ તેને એક કારની સહેજ ટક્કર વાગે છે અને તે ત્યાંજ પડી જાય છે.
આદિત્ય ઘણી વાર સુધી રાહ જોવે છે પણ અનન્યાના ના આવતા તે ફટાફટ કાંઈક અજુગતું બનવાના સંદેહથી બહાર જાય છે. થોડે આગળ જોવે છે તો લોકોની ભીડ હોય છે. આદિત્ય તરત ભીડ ચીરતો અંદર જાય છે અને જોવે છે તો અનન્યાને કોઈક છોકરો ઊંચકીને બહાર લઇ જતો હોય છે.
"એક મિનિટ કોણ છે તું?? આ મારી ગર્લફ્રેન્ડ છે. એને અહીંયા લાવ." કહીને આદિત્ય તે છોકરા પાસેથી અનન્યાને છીનવી લે છે.
અનન્યા પૂર્ણ બેભાન નથી હોતી. તે પેલા છોકરાનો ચહેરો જોઈને તેની સાથે વાત કરવા ઈચ્છે છે પણ તેની આંખો ધીરે ધીરે મીંચાઈ જાય છે.
અનન્યાને ભાન આવતા જ તે પોતાની આંખો ખોલે છે. તે હોસ્પિટલના બેડ પર છે એટલું ઉપરનું દ્રશ્ય જોતા તે સમજી જાય છે. આદિ આદિની બૂમો લગાવતા જ નર્સ આદિત્યને અંદર જવા માટે કહે છે.
"તે તો મારી વાતને સિરિયસલી લઇ લીધી હોય એવું લાગે છે." આદિત્ય અનન્યાની બાજુમાં બેસતા બોલ્યો.
"એવો મેસેજ કરે છે જ શું કામ કે કોઈનો જીવ જોખમાઈ જાય." અનન્યા હળવે હળવે બોલી.
"કઇ નહીં, ચિંતા ના કર. હમણાં કલાકમાં રજા આપી દેવાના છે." આદિત્ય અનન્યાની હથેળીમાં પોતાની હથેળી રાખતા બોલ્યો.
અનન્યનો ચિંતિત ચહેરો જોઈને આદિત્ય તેને ઢંઢોળે છે.
"ઓયય ક્યાં ખોવાઈ ગઈ?? કોના વિચારોમાં અટવાઈ છું??"
"મને ટક્કર કોણે મારી હતી આદિ??"
"હતો એક આંધળો... "હાહાહા
"પ્લીઝ યાર મજાક નહીં. મને તે ચહેરો જાણીતો લાગ્યો એટલે પૂછું છું."
"અરે હું મળ્યો એને. એતો એક મોટા સાહેબ જેવા હતા. બીજું કોઈ નહોતું અનુ."
આદિત્ય મનમાં જ બબડે છે. ( જાણું છું તું કોના વિશે પૂછે છે. પહેલા મારે સાચું શું છે તે જાણવું પડશે. તારા માટે હમણાં આ બધું ના જાણવું જ ઠીક રહેશે."
આદિત્ય અનન્યાને લઈને પાછો હોસ્ટેલ પર આવ્યો.
"જો સાંભળ આજનો દિવસ આરામ કર. કાલે અમાસ છે. હું તને લેવા માટે આવીશ. આપણે જોડે બેસીને તે પુસ્તક ખોલીશું. સમજી બાય." આટલું બોલીને આદિત્ય અનન્યાના કપાળે હળવું ચુંબન કરે છે.
"આદિ પ્લીઝ એ પુસ્તક આપણે અહીંયા ખોલીએ તો !! પ્લીઝ મારી વાત માની જા. તારે ત્યાં આંટીનું ઓકવર્ડ બિહેવિયર મને નહીં મજા આવે." અનન્યા આદિત્યનો હાથ પકડતા બોલી.
આદિત્ય ઘડીક તો વિચારમાં પડી ગયો.
"હું નક્કી કરીને કહીશ તને. મોમની ચિંતા ના કરીશ એ થોડી પઝેસિવ છે બસ." આદિત્યએ પ્રેમથી અનન્યાના ચહેરા પર હાથ રાખતા કહ્યું.
"ટેક કેર" આટલું કહીને આદિત્ય નીકળી ગયો.
******************
આ તરફ અનન્યાને સતત પોતે બેભાન થઇ ત્યારનો નજર સામેનો ચહેરો તરવરતો હતો. તે હજુ નક્કી કરી નહોતી શકતી કે શું ખરેખર તેણે એને જ જોયો હતો??
ત્યાંજ ફરી જોરજોરથી બારી અથડાવવાનો અવાજ આવવા લાગ્યો.
અનન્યા રોજના આ અવાજથી ત્રાસી ચૂકી હતી પણ તે એ જાણી નહોતી શકતી કે આની પાછળ કોણ છે. એમ પણ તેના માટે આ વાતનું કાંઈ ઝાઝું મહત્વ નહોતું એટલે એણે એમાં વધારે રસ ના દાખવ્યો.
"આમ બેઠા બેઠા તો હું બોર થઇ જઈશ. કાંઈક કરું!!"
તેણે બેડ પરજ સુતા સુતા પોતાની આંખો બંધ કરી અને "આવઝો બિલ્લાહે" નો મંત્રજાપ કરવા લાગી.
થોડીવારમાં એક અજાણ્યો અવાજ અનન્યાના કાને અથડાયો.
અનન્યાએ જોયું તો એક કાળા રંગનો પડછાયો હવામાં તરતો હતો.
"કોણ છે તું?? મને શું કામ બોલાવી છે??" તે પડછાયાએ અનન્યાને સવાલ કર્યો.
"હું અનન્યા છું. મને કંટાળો આવતો હતો એટલે તને બોલાવી છે. રૂમમાં તારી સિવાય બીજી ઘણી આત્માઓ છે પણ મને એમની સાથે વાત કરવામાં રસ નથી. તું અહીં કેવી રીતે પહોંચી એનું વર્ણન કર. તારો પણ સમય જશે અને મારો પણ." અનન્યાએ તેની સામું જોઈને હસતા ચહેરે કહ્યું.
"મારા શરીરનું નામ દિતી હતું. ટ્રેન નીચે આવી ગઈ હતી. મારા પ્રેમીએ જ મને ધક્કો દીધો હતો પછી મેં આત્મા બન્યા બાદ તેને જ ટ્રેન નીચે કુચલી દીધો હતો હાહાહા"
તે પડછાયો ઉત્સાહિત થઈને અટ્ટહાસ્ય કરતો રૂમમાં ફરવા લાગ્યો.
"સિરિયસલી. પ્રેમમાં કોઈ આવો દગો દે તો એની સજા મોતથી પણ બદત્તર હોવી જોઈએ." અનન્યાએ દિતીને કહ્યું.
અનન્યા મનમાં જ વિચારતી રહી. "આદિત્ય તો મને ખૂબજ પ્રેમ કરે છે. એ કયારેય મારી સાથે આવું ના કરે."
"જરૂરી નથી કે ના કરે... કોઈના પર પણ આંધળો વિશ્વાસ ના કરવો." દિતી અનન્યાની વાતને જાણી લેતા બોલી.
"આંધળો વિશ્વાસ નહીં એને પ્રેમ કહેવાય સમજી. જતી રહે અહિયાંથી." અનન્યા ગુસ્સામાં બરાડતી હોય એમ બોલી.
"તા... તારી... તારી.. ઉપર કોઈક... કોઈક... " દિતી ગભરાતી ગભરાતી માંડ આટલું બોલી.
"અરે શું થયું?? કેમ બોલતી બંધ થઇ ગઈ??" અનન્યાએ દિતીને ડરેલી જોતા સવાલ કર્યો.
દિતીનો પડછાયો કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી અદ્રશ્ય થઇ ગયો. અનન્યાને આ વાતની ખૂબજ નવાઈ લાગી. તેણે સામે રહેલા મિરરમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તે જોઈને તે સુવા માટે આડી પડી.
અચાનક કાંઈક યાદ આવતા તે ઝાટકા સાથે ઉભી થઇ અને કાચની બારી ખોલીને તેમાં રહેલ કાચને હાથ વડે જ તોડી નાખ્યો. એ સાથેજ તેના હાથમાંથી લોહીની ધારા ટપ ટપ કરતી જમીનમાં પડવા લાગી. ત્યારબાદ તેણે એ કાચને પોતાના મોંઢામાં નાખીને કચડ કચડ ખાવાનું ચાલું કરી દીધું અને આ સાથે જ તે પોતાનું પ્રતિબિંબ દર્પણમાં જોતી જોતી જોરજોરથી પાગલોની માફક હસવા લાગી.
********************
આદિત્ય ઘરે આવીને તેની મોમ શીલાને બુમ મારવા લાગ્યો.
"મોમ, મોમ.."
"આવું છું. આદિ કેમ બૂમો મારે છે??"
"મોમ અનુનો એક્સીડેન્ટ થઇ ગયો હતો. તે પુસ્તક ખોલવા મને એની હોસ્ટેલે બોલાવે છે. હું શું કરું??" આદિત્ય ચિંતાતુર સ્વરે બોલ્યો.
"એનો એક્સીડેન્ટ એવો કેવો થઇ ગયો?? તેને નુકસાન થાય એવું તો બને નહીં..." શીલા મનમાં જ વિચારતી હતી.
"મોમ, બોલ ને જલ્દી. શું કરીશું હવે??" આદિત્ય શીલા સામું બરાડીને બોલ્યો.
"આદિ, એ પુસ્તક ખોલવામાં એની જરૂર પણ પડશે જ એ તું જાણે છે એટલે એને સાથે રાખવી જરૂરી છે. એ જેમ કહે એમ કરવામાં જ સારુ છે હમણાં તો." શીલા આદિત્યને સમજાવતા બોલી.
"બટ મોમ એ પાગલનું કાંઈ કામ નથી. હું મારી રીતે ખોલી લઈશ અને જાણી લઈશ." આદિત્ય અકળાઈને બોલ્યો.
"આદિ તને કહેવામાં આવ્યું છે એટલું જ કર." શીલા ગુસ્સામાં બોલી.
આદિત્ય ત્યાંથી નીકળીને પોતાના રૂમમાં આવ્યો.
બેડ પર આડા પડતા જ તેના મગજમાં બધા વિચારો આવવા લાગ્યા.
"ઓમ શેલત... અનન્યા અને ઓમ વચ્ચે જે ઓમે કીધું એમ જો સાચું હોય તો પછી મોમે મને જે અનન્યા વિશે કીધું એ સાચું ના જ હોય. ઓહહ ગોડ કંઈજ ખબર નથી પડતી. કોને પૂછું?? ક્યાંથી તપાસ કરું?? અનન્યાના ભુતકાળ વિશે પૂરું જાણવું હશે તો મારે તેના જ શહેરમાં જવું પડશે. અમદાવાદ... એ પણ મોમને કે અનન્યાને ખબર ના પડે એમ."
(ક્રમશ :)
(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે. )