Antim Vadaank - 18 in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 18

Featured Books
Categories
Share

અંતિમ વળાંક - 18

અંતિમ વળાંક

પ્રકરણ ૧૮

પરમાનંદે જયારે કહ્યું મારા જીવનનો મહત્વનો વળાંક તો હવે આવે છે ત્યારે ઇશાનની આંખમાં વિસ્મયનો દરિયો હતો. પરમાનંદે વાત આગળ ધપાવી.

ત્રણેક વર્ષ પહેલાંઆશ્રમમાં એક ભગવાધારી યુવાન આવ્યો હતો. અઢારેક વર્ષના એ યુવાનનું શરીર તાવથી ધગધગતું હતું. પરમાનંદે પૂછયું હતું.. ”વત્સ, શું નામ છે તારું ?”

“બાપુ, મારું નામ કિશન છે. સંસાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળેલો મુસાફર છું”.

“મૂળ ક્યા ગામનો ?”

“બાપુ, નદીનું મૂળ અને સાધુનું કુળ જ્ઞાનીઓ ક્યારેય પૂછતાં નથી”.

કિશનના જવાબથી પરમાનંદ પ્રભાવિત થયા હતા માત્ર એટલું જ નહિ પણ તે યુવાન પ્રત્યે તેમને સ્નેહભાવ જાગ્યો હતો. પરમાનંદે દેશી ઓસડીયા આપીને માત્ર બે દિવસમાં કિશનને તાવમાંથી બહાર લાવી દીધો હતો. તે દિવસોમાં પરમાનંદ આશ્રમમાં એકલા જ રહેતા હતા. કિશન આશ્રમમાં રહે તે પરમાનંદને પણ પસંદ હતું. ખૂબ ઓછા સમયમાં કિશન પરમાનંદનો હાથવાટકો બની ગયો હતો. પરમાનંદના નાના મોટા તમામ કામ કિશન કરતો થઇ ગયો હતો. પરમાનંદને પણ ધીમે ધીમે કિશનની આદત પડી ગઈ હતી. એક વાર પરમાનંદ બીમાર પડયા ત્યારે કિશને આખી રાત તેમના પગ દબાવીને સેવા કરી હતી. પરમાનંદે ખુદના પ્રત્યેનો આટલો ભક્તિભાવ ક્યારેય કોઈનામાં જોયો નહોતો. એકવાર પરમાનંદે કહ્યું હતું. “કિશન, મને લાગે છે કે ઈશ્વરપ્રાપ્તિ માટે તારે કોઈને ગુરુ બનાવવા જોઈએ”.

“બાપુ, મને હજૂ સુધી એક પણ પ્રતિભા એવી મળી નથી જેમાં મને ગુરુના દર્શન થયા હોય”. પરમાનંદ થોડી વાર વિચારીને બોલ્યા “એવી પ્રતિભા તો તારી સામે જ બેઠી છે”. કિશને નિખાલસતાથી કહ્યું “માફ કરજો બાપુ, પણ જે ગુરુની શોધમાં હું છું તે તમે નથી કારણકે સાચા તપસ્વી દંભી નથી હોતા”. કિશનની હિંમત જોઈને પરમાનંદ દંગ રહી ગયા.

”કિશન , તને મારામાં દંભ ક્યાં દેખાયો?”

“બાપુ , આપ જે ધનનો લોકોને ત્યાગ કરવાનું કહો છો.. તે જ ધનનો આશ્રમમાં નીચે ભંડકિયામાં આપ સંગ્રહ કરો છો. આ દંભ નથી તો બીજું શું છે?”

“કિશન, આશ્રમને દાનમાં મળતી રકમમાંથી વીસ ટકા રકમ મૂંગા પશુઓ પાછળ અને પરોપકાર પાછળ જ ખર્ચાય છે”.

“બાપુ, સો ટકા શા માટે નથી ખર્ચાતી ?ખરેખર તો આશ્રમને દાનમાં મળતી તમામ રકમ પરોપકારના કાર્યમાં ન વાપરવી જોઈએ? સાચા સન્યાસી પરિગ્રહથી દૂર રહેતા હોય છે. સવારે જમવાનું મળે તો સાંજની ચિંતા પણ ઈશ્વર પર છોડી દેતા હોય છે. ”

કિશનના નિખાલસ અને સ્પષ્ટ જવાબથી પરમાનંદની આંખ ખુલી ગઈ. તેમને કિશનમાં તેમના ગુરુજીના જ દર્શન થયા. પરમાનંદ મનમાં જ વિચારી રહ્યા.. ચોક્કસ આ યુવાન સાધુ અહીં દેવદૂત બનીને જ આવ્યો છે. તેમની આંખમાં આંસુ ઉભરાયા. “કિશન, હું તને વચન આપું છું કે કાલે જ ભંડકિયાનું તમામ ધન હું પરોપકારના કાર્યમાં વાપરી નાખીશ” .

જોગાનુજોગ બીજે દિવસે સવારે જ ઋષિકેષથી સ્મૃતિ શુક્લ આશ્રમમાં આવી પંહોચી. ચાલીસ આસપાસની સ્મૃતિ ઋષિકેષમાં અનાથઆશ્રમ ચલાવતી હતી. ખૂબ જ પરોપકારી સ્વભાવ ધરાવતી સ્મૃતિએ તેનું સમગ્ર જીવન અનાથ બાળકોની સેવા પાછળ લગાવી દીધું હતું. અગાઉ પણ તે આશ્રમ પાસેથી મદદની આશાએ આવી હતી. પરમાનંદે સ્મૃતિના આશ્રમની મુલાકાત લઈને ખાતરી પણ કરી હતી કે તેના અનાથઆશ્રમને ખરેખર મદદની જરૂર છે.. પણ પરમાનંદ નજીવી રકમની મદદ કરીને હરિદ્વાર પરત આવી ગયા હતા.. વાસ્તવમાં આશ્રમ પાસે અઢળક પૈસા હોવા છતાં વધારે મદદ કરવા માટે પરમાનંદનો જીવ ચાલ્યો નહોતો. આજે સામે ચાલીને જાણેકે ભગવાને જ સ્મૃતિને મોકલી હતી. પરમાનંદે સ્મૃતિને ખૂબ જ મોટી રકમ આપીને રાજી કરી દીધી હતી... ”સ્વામીજી. અમારા આશ્રમના તમામ બાળકોના આશીર્વાદ તમને મળશે”. સ્મૃતિ ભીની આંખે બોલી હતી. પરમાનંદે બાજૂમાં ઉભેલા કિશનની આંખમાં જોયું હતું. કિશનના તેજસ્વી ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી.

તે જ ઘડીએ પરમાનંદે ભંડકિયામાં બાકી રહેલા પૈસા વડે સદાવ્રત શરુ કરી દીધું હતું. આશ્રમમાં આવતો સતત દાનનો અડધો પ્રવાહ સીધો સ્મૃતિના આશ્રમમાં જ જાય અને બાકીનો અડધો પ્રવાહ સદાવ્રતમાં જાય તેવી ગોઠવણ પણ તે જ દિવસે પરમાનંદે કરી દીધી હતી.

બે દિવસ બાદ વહેલી સવારે પરમાનંદ જગ્યા ત્યારે કિશન ગાયબ હતો. પરમાનંદ આખા આશ્રમમાં ફરી વળ્યા પણ કિશન ક્યાંય દેખાયો નહી. આ ત્રણ મહિનામાં પરમાનંદને કિશન ની માયા બંધાઈ ગઈ હતી. દરવાજાની બહાર ખાસ્સી વાર સુધી કિશનની રાહ જોઇને આખરે થાકીને પરમાનંદ પોતાના ખંડમાં આવ્યા ત્યારે ભગવાનના ફોટા પાસે તેમનું ધ્યાન એક કાગળ પર પડયું જે કિશને તેમને ઉદ્દેશીને જ લખ્યો હતો.

પૂજય બાપુ,

વર્ષો પહેલાં આપની અખંડ બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞાનો ભંગ થયો હતો જેના પરિણામ સ્વરૂપ ઈશ્વરે મને પૃથ્વી પર મોકલ્યો હતો. મારી મા સાવિત્રીએ દેહ છોડતા પહેલાં નિખાલસતાપૂર્વક મને તે ઘટનાની જાણ કરી હતી. આપ તો નાનાજીનો શ્રાપ સાંભળીને ત્યાંથી નીકળી ગયા હતા. તે રાત્રે જ નાનાજીને હ્રદયરોગનો જીવલેણ હુમલો આવ્યો હતો. મારી મા એ સમાજની પરવા કર્યા વગર મને જન્મ આપ્યો હતો. બનારસ યુનીવર્સીટીમાં જ મને ભણાવીને ધાર્મિક સંસ્કારો પણ આપ્યા. મા પાસેથી સઘળી હકીકત જાણી ત્યારે શરૂઆતમાં તો મને આપનો પલાયનવાદ બિલકુલ પસંદ આવ્યો નહોતો. મને આપના પ્રત્યે ધિક્કારની લાગણી થઇ આવી હતી. જેમ જેમ મારા જ્ઞાનમાં વધારો થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે દરેક માણસ સમય અને સંજોગોનો શિકાર જ હોય છે... વળી તમારા જ જીન્સ મારા શરીરમાં હોવાને કારણે મને સંસારમાં રસ પડયો જ નહી. નાની ઉમરે જ મેં પણ ભગવા ધારણ કરી લીધા અને ગુરુની શોધમાં નીકળી પડયો. જોકે હું પૂરેપૂરો ભગવા વસ્ત્રોથી રંગાઈ નહોતો શક્યો કારણકે મારા મનના કોઈ અગોચર ખૂણામાં ગુરુની શોધની સાથે સાથે પિતાની શોધ કરવાની વૃત્તિ પણ ધરબાયેલી પડી હતી! આપની વૈરાગી વિચારધારા બાબતે મા એ મને વિગતે જણાવ્યું હતું તેથી મને ખાતરી હતી કે આપ આવા જ કોઈ સ્વરૂપમાં મળશો.... રહી વાત આપને ઓળખવાની .. જેના માટે મા એ કહેલી નિશાની મુજબ આપના બંને પગમાં છ આંગળીઓ છે, જેવું ભાગ્યેજ જોવા મળે છે. પવિત્ર સ્થળોના પરિભ્રમણ દરમ્યાન મેં અસંખ્ય સાધુઓના ચરણને સ્પર્શ કર્યો છે. મનમાં આશા સાથે કે કાશ કોઈના પગમાં છ આંગળીઓ જોવા મળી જાય! આખરે યોગાનુયોગ આપણું મિલન થયું પણ આપની ધન પ્રત્યેની લાલસા જોઇને હું નિરાશ થઇ ગયો હતો. જોકે હવે આપનો હ્રદયપલ્ટો થયેલો જોઇને મનમાં આનંદની લાગણી સાથે જઈ રહ્યો છું. પિતા પુત્ર ની માયાનું ગ્રહણ આપણા બંનેના સન્યાસ પર લાગે તેમ હું ઈચ્છતો નથી... અલવિદા.

પરમાનંદ સજળનેત્રે પત્ર પૂરો કરીને ત્યાં જ ફસડાઈ પડયા. ત્રણ માસ સુધી સાથે રહેવા છતાં પણ પોતાના જ લોહીને ઓળખી ન શક્યા તેનો તેમને પારાવાર અફસોસ થતો હતો.

શહેરના ટાવરમાં પાંચ ડંકા પડયા. અચાનક લાઈટ આવી ગઈ. પરમાનંદનો ખંડ રોશનીથી ઝળહળાં થઇ ગયો. પરમાનંદે આંખમાં ઉમટેલા આંસુ લુછીને કહ્યું... ઇશાન, લોકોને લાગે કે આ સાધુ કેવો સુખી છે... પણ હકીકતમાં જોયું ને કે સન્યાસ લીધા પછી પણ પૂર્વાશ્રમ હ્રદયને કેટલી તકલીફ આપતો હોય છે ?

પરમાનંદની વ્યથાની કથા સાંભળીને ઇશાનની આંખ પણ ભીની થઇ ગઈ હતી. પરમાનંદ તમે તો જ્ઞાની છો મારા કરતાં પણ વધારે અનુભવી છો. તમને આશ્વસ્ત કરવા માટે મારા પાસે શબ્દો જ નથી. હા... એટલું ચોક્કસ કહીશ કે તમારી સત્યઘટના સાંભળીને મને ઉર્વશી વગર જીવવાનું બળ જરૂર મળ્યું છે”

“ઉર્વશી ?” પરમાનંદની આંખમાં પ્રશ્નાર્થ હતો.

ઈશાને ઉભા થઇને ખિસ્સામાંથી વોલેટ કાઢીને ઉર્વશીનો ફોટો પરમાનંદને બતાવતા કહ્યું “આ મારી પત્ની ઉર્વશીની વાત કરું છું”.

ઉર્વશીનો ફોટો ધ્યાનપૂર્વક જોઈને પરમાનંદ ઉત્સાહભેર બોલી ઉઠયા “આ તારી પત્ની ઉર્વશીનો ફોટો છે? દોસ્ત તારી ભૂલ થાય છે ... આ તો સ્મૃતિનો ફોટો છે”.

ક્રમશઃ