ચણોઠીનાં વન એટલે જીવન
પ્રકરણ 18
છાયા નાં વિવાહ પછી બંને પ્રેમી પંખીડાઓને જાણે પાંખ આવી. જ્વલંત તેઓને કહેતો..” ભણવામાં ધ્યાન રાખો આ છેલ્લુ વર્ષ છે પછી આખી જિંદગી પડી છે મહાલવા માટે.” પણ સાંભળે તે બીજાને..વીક એંડ એટલે છાયા ઉજ્વલને દેરાસર પછી સાંજે સાત વાગ્યા સુધીહરવાનું અને ફરવાનું.મૂવી જોવાનું હોટેલમાં ખાવા જવાનું અને રાત્રે નવ વાગે ઘરે જવાનું. જ્વલંતને કોઇ પણ સંતાન રાતનાં દસ વાગ્યા પછી ઘરે આવે તે ના ગમે. ઉપેંદ્રભાઇ પણ તે જ મતનાં એટલે સવારે નવ વાગે એટલે દેરાસર..ત્યાંથી એક વાગે એટલે પ્રેમી પંખીડાઓ પોત પોતાનાં મિત્રો સાથે દેરાસરમાંથી ગાયબ.
જ્વલંતને દીકરીની બહું ચિંતા એટલે છાયાએ જ્યાં હોય ત્યાંથી ફોન કરી પપ્પાને જણાવવાનું કે તે ક્યાં છે અને કેટલા વાગે પાછી જશે…હીના કહે પણ ખરી અમારા બાપા તો અમારા વિવાહ પછી અમને પુછે પણ નહીં.. મોટા છોકરાઓની ચિંતા શું? જ્વલંત માનતો કે મોટા છોકરાઓ મોટા થઇ જાય એટલે શું તેમના માથે શીંગડા ઉગી જાય? તેમને પણ પ્રશ્નો હોય. અને તેમના પ્રશ્નો તેમના માટે પહેલી વખત હોય પણ મા બાપ પાસે તેના ઉત્તરો હોઇ શકે. અને હવેનાં પ્રશ્નો જુદા હોઇ શકે..જવાબો બુધ્ધીગમ્ય હોઇ શકે અને પુખ્ત હોઇ શકે.વહેવાર અને રીવાજનાં પણ હોઈ શકે.
તે દિવસે પથારીમાંજ હીના બેહોશ થઇ ગઈ, ડૉક્ટરે આદત પ્રમાણે સુગર ચેક કરાવી તો ઘણી વધુ સુગર હતી. તાબડ તોબ હોસ્પીટલમાં આઇ. સી. યુ.માં દાખલ કરાવી.. રોશનીની ચિંતા બહું જ કરતી હતી.
દેવ અઢારનો થતો હતો. અભિલાષે તેની માલીકી હક્ક માટે અરજી કરી હતી. વકિલ તેની આ ચાલ ને સમજતો હતો. જો તેમ થાય તો રોશની પાસે ભરણ પોષણ નો દાવો કરી શકેને? અભિલાષની આ મારવાડી ગણતરીઓથી રોશની સખત ચીઢાતી. તેને તેના ફીલ્ડમાં ઘણા પૈસા મળતા હતા પણ જો દેવ તેની જિંદગીમાં ન હોય તો તેને પૈસા કમાઈને અભિલાષને આપવામાં રસ નહોંતો. પાઠશાળામાં શિક્ષક તરીકે ભણાવતા ભણાવતા તે સમજી તો ગઈ જ હતી કે ધન ઉપાર્જન કોઇપણ પ્રકારનું હોય તે મોહનીય કર્મનું બંધન પેદા કરવાનું પહેલું પગથીયુ છે.જેમ જેમ તેની કારકિર્દીમાં તે આગળ વધતી ગઈ તેમ પૈસા તરફ તેનું આકર્ષણ ઘટતું જતું હતું. અને પૈસા તો જાણે બીન બુલાયેલા વરસાદની જેમ તેના આંગણમાં વરસતા હતા.
હોસ્પીટલમાં ઉજ્વલ અને છાયા મમ્મીની ખબર કાઢવા આવ્યા ત્યારે તેમનાં લગ્ન ની ફળશ્રુતિ સ્વરુપે ગર્ભાધાન ની ખબર સાંભળી હીનાની ખુશી નો પાર ના રહ્યો. મનમાં તે વિચારતી હતી દેવ જશે અને છાયાને ત્યાં નાનો પૌત્ર કે પૌત્રી આવશે..ઉપરવાળો પણ ગ્રેટ છે ને..? મારું આંગણું હંમેશા ભુલકાઓની ચહેલ પહેલ થી ભરેલું રહે છે…
ડૉક્ટર કહેતા હીના બહેન નો ડાયાબીટીસ ઇંસ્યુલીન થી કાબુમાં આવે તેમ નથી. આગળની કેંસર ની સર્જરીએ શરીરની પ્રતિકાર શક્તિને સાવજ નબળી પાડી દીધી છે. ચેતા તંત્ર એટલુ સાબુત છે તેથી જીંદગી વહે છે. પગનાં તળીયે જાણે દાઝી ગયા હોય તેવી પીડાનાં ભડકા થતા હતા. વારંવાર ક્રીમ લગાડી શાતા મેળવવાનાં પ્રયત્ન થતા હતા. તે રાત્રે હીનાએ ભાન ગુમાવી દીધું ડોક્ટર અને સ્ટાફ સક્રીય થઈ ગયો હતો..ઘરનાં અને મિત્રો ભેગા થઈ ગયા.
ડોક્ટર કોમા તરફ જઈ રહેલ હીનાને બચાવવા મથી રહ્યા હતા. પણ કોઇ ઉપાય કામીયાબ થતા નહોંતા. વહેલી સવારે ૪ વાગ્યે હીનાએ દેહ છોડ્યો ત્યારે ડૉક્ટરે જાહેર કર્યું કે હીના આપણી વચ્ચે નથી ત્યારે જ્વલંતને પહેલી વખત ખુલ્લા અવાજે રડતા સૌએ જોયો. તેમને રડતા જોઇ દીપ બોલ્યો.. “પપ્પા હવે તેમના અધુરા કાર્યો હવે પુરા કરવાનાં છે.
“તેણે તો અધુરા કાર્યો પુરા કર્યા છે જ.. હવે આપણે તેના અધુરા છૂટેલ કાર્યોને આગળ વધારવાનાં છે”
*****