sanika in Gujarati Love Stories by Lichi Shah books and stories PDF | સનિકા.... પ્રણયનો વણછેડયો સૂર

Featured Books
Categories
Share

સનિકા.... પ્રણયનો વણછેડયો સૂર

સનિકા (વાંસળી)... એક અદ્ભૂત નામની સાથે સાથે અદ્ભૂત ચારિત્ર્ય પણ તમે ધરાવો છો. એવું નામ જે દરેકનાં હોઠ પર રમતું હતું. અલબત્ત સન્માનથી... ક્યાંક ઈર્ષા થી તો ક્યાંક પ્રેમથી. પણ એ વાત જ ઔર હતી કે તમે જેના હોઠ પર તમારું નામ ક્ષણે ક્ષણે સાંભળવા ઇચ્છતા હતાં, એ ખાસ્સો ભાવ ખાઈ રહ્યા હતાં સનિકા.

લાખો લોકોનાં હોઠ પર એને જોઈને જ તમારું નામ નીકળતું હતું એવી તમારી અનાયાસે બનેલી જોડી હતી. પણ એમના હોઠ પર તીખા મલકાટ સિવાય તમને કશું હાથ નહોતું લાગ્યું, સનિકા. તમે પણ ઇંતેજાર કરવા તૈયાર જ હતાં પણ ક્યાં સુધી? સમય જતાં તમે આશા છોડી દીધી કે હવે તમે ક્યારેય પણ એના હોઠને સ્પર્શતી સનિકા (વાંસળી) બનશો.

અધર... નાજુક નમણો, ઝીણી આંખો, તીખું નાક અને કંઈક એવી જ અણીદાર મુસ્કાન ધરાવતો શખ્સ એ સમયે તમારા હૃદય નાં તાર ઝણઝણાવી ગયો હતો, સનિકા. એને જોઈને ન જાણે તમને શું થઈ જતું હતું. !! પળભર એની સામું જોઈને તમે તો નજર મહદઅંશે ઝુકાવી લેતાં કાં તો ફેરવી લેતાં પણ પછી... જ્યાં પણ તમારી નજર ઠરતી ત્યાં એ તસ્વીર ખડી થઈ જતી.

"જ્યાં જ્યાં નજર મારી ઠરે,
યાદી ભરી ત્યાં આપની "

******* ******** ******** *******
ચૈત્ર મહિનાની આઠમ ની અધૂરી રાત... અધૂરો ખીલેલો ચંદ્ર અને કંઈક આવી જ અધૂરપ સાથે બાલ્કની માં ઉભેલા તમે, સનિકા. ઝીંદગીની ત્રીસી હજુ તમે ગયા વર્ષે જ વટાવી છે અને સાથે જ ખુદ ને આ ફ્લેટની 'અમૂલ્ય ' ગિફ્ટ આપી છે. જેની બાલ્કનીમાં તમે ઉભા છો. "અમૂલ્ય " એટલા માટે કે આ ફ્લેટ એ જ વિસ્તાર, એ જ 'ગલી ' માં છે જ્યાં તમારું બાળપણ વીત્યું છે, સનિકા. કાફી ઇંતેજાર પછી તમારું વર્ષો જૂનું સપનું પૂરું થયું છે.

એક આછી મીઠી મુસ્કાન સાથે તમે બાલ્કનીની સામે આવેલા બે માળીયા છુટા છવાયા ફ્લેટ્સ "સૂર્ય શિખર " પર નજર નાખો છો. તમારા ખયાલ મુજબ શાયદ આ જ ફ્લેટ માં કશેક અધરનું ઘર હતું. આજે ત્યાં અધર કે તેનું ફેમિલી તો નથી પણ છતાંય સનિકા તમે ત્યાં અધર ને જોઈ શકો છો. 23 વર્ષ પહેલા નો અધર. એ પછી અધર ને તમે ક્યારેય જોયો નથી કે નથી એની કોઈ ખબર લીધી. બસ એની યાદ ને મનમાં કંડારીને બેઠા છો.

આખરે તમારી ઈચ્છા પુરી થઈ અને આજે તમે એજ શેરીમાં -એજ સદનની સામે ઉભા છો સનિકા જેના ખૂણે ખૂણે તમારા શ્વાસ ધબકે છે. આટલા વર્ષેય તમે એ લાગણીને ભૂલી નથી શક્યા.

યાદ છે સનિકા? અહીં સૂર્ય શિખર ની સામેજ ગલીમાં તમારુંય ઘર હતું અને એક દિવસ... યાદ છે એક દિવસ રાબેતા મુજબ કોઈ વસ્તુ લેવા તમે સાંજે નજીકના પ્રોવિઝન સ્ટોર પર જતાં હતા અને હા આ એજ સ્ટોર છે જે તમારા ખરીદેલા ફ્લેટ ની બરાબર નીચે છે... હાલમાંય. લગભગ સાવ ખાલી રસ્તો હતો. ક્રીમી પિન્ક કલર નાં ફ્રોક માં તમે નાની ઢીંગલા સમા લગતા હતા સનિકા. તમે તો તમારી ધૂન માં ચાલ્યા જતાં હતા ત્યાં જ...

ત્યાં જ પાછળથી એક સાયકલ સરકી આવી અને બરાબર તમારી લગોલગ થઈને પસાર થઈ. સાયકલ સવારે પરિચિત હોવાના નાતે 45° નાં ખૂણે માથું ઘુમાવ્યું પણ ના જાણે કોઈ અગમ્ય કારણથી પ્રેરાઈ ફરી સીધું કરી આગળ વધી ગયો. અધર, હા એ અધર હતો. તમારા શરીર માં રોમાન્ચ નું લખલખું પસાર થઈ ગયું. શાયદ... શાયદ આ જ પ્રથમ ક્ષણ હતી તમારા અધર પ્રત્યે આકર્ષણ ની.

તમને ખાતરી છે કે અધર ને એ તમે જ છો એવી અનુભૂતિ થઈ ગઈ હતી. પણ યુવાની ના એ પડાવ માં શરમ હોય કે attitude એની તમને આજ સુધી જાણ નથી થઈ સનિકા કે જેનાથી પ્રેરાઈ ને અધર તમારાથી આકર્ષિત હોવા છતાંય તમને avoid કરતો રહ્યો છે.

****** ******** ******* ******** ***

તમારી સ્મૃતિએ તમને આજે દિવ્ય દ્રષ્ટિ આપી છે જાણે, સનિકા. ફરી એ જ ઢાળ... ઢાળ પર સરકતી સાયકલ... સાયકલ પર સવાર અધર... પગપાળા ચાલતા તમે.... રાત્રી ના ટાઢા પવન થી ઉદ્ભવતો ઠંડો રોમાન્ચ તમારા રોમ રોમ ને પ્રફુલ્લિત કરી રહ્યો છે.