લગભગ નિધિની દરેક યાદોમાં વિકી સમાયેલો હતો. રિયાએ નિધિ સાથે વાત કરવાની ચાલુ કરી અને કહ્યું કે ચાલ આજે મગજને ખાલી કરી દે અને તારા મગજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે તે બધું જ મને જણાવ.
નિધિએ પણ વાત કહેવાની ચાલુ કરી.
રિયા તું તો બધું જ જાણે છે પણ આજે ફરીથી સાંભળ. આજે મારે બધું જ તારી સાથે શેર કરવું છે. આજે મારે હલકું થઈ જવું છે. આજે તને એ દરેક વાત જણાવી રહી છું જે મેં વિકી સાથે માણી છે વિકી સાથે શેર કરી છે અને વિકી સાથે વિતાવી છે. હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારની આ વાત છે.
મારા પપ્પા ની બદલી અમદાવાદ થી વડોદરા થઈ હતી. અને મેં વડોદરામાં નવું નવું જ એડમિશન લીધું હતું. બાળકનું મન પણ જબરું હોય છે જ્યાં પ્રેમ અને લાગણી મળે ત્યાં મન લલચાઈ જાય છે. વિકી પણ એ સ્કૂલમાં હતો જ્યાં મારું એડમિશન થયું હતું. શરુઆતમાં તો હું એને જાણતી પણ ન હતી પણ અમારા કલાસમાં એ દરેકનો મિત્ર હતો. એટલે અમે નાસ્તો કરવા સાથે જ બેસતા. રમવા પણ સાથે જ જતા હતાં.ધીરે ધીરે વિકી મારો સારો મિત્ર બનવા લાગ્યો હતો. હું ભણવામાં હોશિયાર હતી એટલે વિકી ને કોઈ પણ વિષયમાં મદદની જરૂર હોય તો હું હંમેશા તેને મદદ કરતી હતી. પરીક્ષા સમયે પણ વિકી મારી પાસેથી જ શીખતો હતો. ક્યારેક-ક્યારેક એ પણ મારા ઘરે આવતો હતો તો ક્યારેક ક્યારેક હું પણ એના ઘરે જતી હતી.
ધીરે-ધીરે સમય વીતતો ગયો અને અમે મોટા થવા લાગ્યા. કેવું છે ને કે જ્યારે નાના હોઈએ ત્યારે દરેક ને આસાની થી માફ કરી દેતા હોઇએ છે અને કોઈની વાતનું ખોટું પણ લગાડતા નથી કોઈની ભૂલ ને સરળતાથી માફ કરી દેતા હોઈએ છીએ. જે દિવસે કોઈની સાથે બોલાચાલી થઈ હોય એ જ માણસને બીજા દિવસે દિલથી અપનાવતા હોઈએ છીએ. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે સમજદાર થવાને બદલે આપણે અભિમાનમાં રાચીએ છીએ. કોઈને પણ માફ કરી શકતા નથી. કોઈની નાની ભૂલ ને એટલું મન પર લગાવતા હોઈએ છીએ કે જાણે આપણું જીવન એ ભૂલથી આગળ વધી જ ન શકે ! ખરેખર સમજદાર થવાને બદલે આપણે નાસમજ થઈ જતા હોઇએ છીએ.
અમે બંને એ દિવસે તૈયાર થઈને આવ્યા હતા. દરેક મિત્રોને ઉત્સાહ હતો એ છેલ્લી ઘડી ને મન ભરી ને માણી લેવાનો !! બધા શાળાના પ્રાંગણમાં ઉત્સાહથી ગોઠવાઈ ગયા હતા સરસ મજાનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. શાળાને પણ સુંદર રીતે સુશોભિત કરવામાં આવી હતી. સ્ટેજની પાછળ એક મોટો પડદો લગાવવામાં આવ્યો હતો. હું શાળાની હોશિયાર વિદ્યાર્થીની હતી એટલે મારે પ્રાસંગિક પ્રવચન કરવાનું હતું. મેં મારી શાળાની લાગણીઓને શબ્દોમાં એ રીતે કંડારી હતી કે બધા સ્તબ્ધ થઈ ગયા. વિકી તો જોતો જ રહી ગયો. વિદાય સમારંભ પૂરો થયો એટલે બધાએ જમવા માટે ભેગા થવાનું હતું પરંતુ એ પહેલા થોડો સમય રહ્યો હતો જેમાં અમે મિત્રો વાતચીત કરી રહ્યા હતા. વિકીએ મને એક બાજુ પર બોલાવી ને એક કાગળ મને હાથમાં આપ્યો. તે વખતે તો શિક્ષકો અને બાકીના મિત્રો હતા એટલે હું ખોલીને વાંચી ન શકી. પરંતુ પછી બધા જમી રહ્યા અને અમે છુટા પડ્યા. ઘરે જઈને સૌથી પહેલા વિકીએ આપેલો કાગળ વાંચવાનો શરૂ કર્યો. કાગળને એકદમ સુશોભિત કરેલો હતો. જાણે બે ત્રણ રાતના ઉજાગરા અનેે ઘણી લાંબી મહેનત પછી લખ્યો હતો.
કાગળ માં શું લખ્યું હતું એ વધુ આવતા અંકે......