આજ સુષમાને મર્યા તો 22 વર્ષ પૂરા થઈ ગયા હતા પણ ઈકબાલ જીવી રહ્યો હતો તેની એકની એક દીકરી સુઝેન ના સહારે!આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હિન્દુ મુસલમાન ના ઝઘડા થતા હતા ત્યારે તે ભયાનક વાતાવરણમાં ઈકબાલ નામના માસ્તરે તેના જ ગામની હિન્દુ છોકરી સુષ્મા સાથે ભાગીને વિવાહ કરેલા ને ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહેલા છેક ત્રણ વર્ષે તે મળ્યા ત્યારે સુષમાના પેટમાં સુઝેન રમતી હતી અને ગામલોકોએ ઈકબાલ ની આંખોમાં ધગધગતા સળિયા ઘુસેડી દીધેલા પોલીસ પહોંચી એટલે ઈકબાલ તો જીવ્યો પણ તેની આંખો પાછી ક્યારેય ન આવી શકી. સુષ્માં તો આ લાડકવાઈ પણ વાચા વિહીન દીકરી સુઝેન ને જન્મ આપતાની સાથે જ અનંત વાટે ચાલી નીકળી. ઈશ્વરે જાણે આખા જગતની કરતા આ ઘર પર ઠાલવી દીધી, ઘરમાં આંધળો બાપ અને મૂંગી દીકરી!
ઈકબાલ આમ તો માસ્તર હતો એટલે એવી મોટી કંઈ આવક નહોતી કે તે કોઈ આયા રાખી સુઝેન ને મોટી કરે પણ પોતાની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને આસુ સારતો વિનંતી કરતો બદલામાં તે વિદ્યાર્થીનીઓના સંતાનોને ભણાવતો બસ આમ જ વર્ષો વિતતા ગયા અને સુઝેન દસમાં ધોરણમાં આવી ગઈ. દસમા ધોરણમાં જ્યારે સુઝેન પ્રથમ નંબરે પાસ થઈ ત્યારે ઇકબાલ ખૂબ જ ખુશ થઈ નાચ્યો હતો તે મુસ્લિમ હોવા છતાં પણ 'આજની ઘડી રળિયામણી' ગાઈને મનોમન નરસિંહ મહેતાને વંદી રહ્યો.સુઝેન આગળ ભણવા માટે શહેરમાં ગઈ અને આંધળો બાપ એકલો પડી ગયો જેવી સુઝેન ને એ વાતનીજાણ થઈ કે તેનું શિક્ષણ તેના બાપની એકલતા નું કારણ બને છે તેવું તેને એક્સ્ટર્નલ ભણવાની શરૂઆત કરી તેણે ધોરણ 12ની પરીક્ષા આર્ટસ પ્રવાહ સાથે પ્રથમ ક્રમે પાસ કરી. આમ પણ શારીરિક ખોડખાપણ વાળા અને નબળા વિદ્યાર્થીને આર્ટસ પ્રવાહે જેટલું શરણું આપ્યું છે તેટલું બીજા કોઈ પ્રવાહે નથી આપ્યું.મનોવિજ્ઞાનમાં રસ ધરાવતી સુઝેન કાઉન્સેલર થવાના સમણામાં હતી પણ નિયતિના ચક્ર ઘણી વખત એવા ફરે છે કે જેમાં માણસ પોતાની જાત ખોઇ બેસે છે. સુઝેન ને એક ભયંકર રોગ લાગુ પડી ગયો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું હતું અને એ સમયે જ ગામમાં દુકાળ પડ્યો-
કુદરતી નહીં કૃત્રિમ!
ગામના સરપંચે પૈસાની લાલચમાં જાહેરાત કરી કે જેને પાણી જોઈએ તે દર મહિને મને 15000 રૂપિયા રોકડા આપે અન્યથા પાણી આપવામાં આવશે નહીં આખું ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર આ કાંડમાં સંકળાયેલું હતું જ્યારે સરપંચ આ બધું બોલી રહ્યો હતો ત્યારે ઈકબાલ ને તે જીવતા કાળ જેવો અને આ પૃથ્વી પર રહેલા શૈતાન જેવો લાગતો હતો અને ઈકબાલ ના મનમાં તેના અલ્લાહના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગતું હતું! અમુક સમયે જો સુઝેન ને યોગ્ય માત્રામાં પાણી ન આપવામાં આવે તો તેનું મોત થઈ શકે એવું શહેરના ડૉક્ટરે સ્પષ્ટ કહેલું.એ ગરીબ,વૃદ્ધ, અંધ માસ્તર બસ આ જ વાતથી ચિંતિત હતો કારણકે હવે તો માસ્તર ની નોકરી પણ છૂટી હતી અને ૧૫ હજાર રૂપિયા દર મહિને....અશક્ય!જાણે સુઝેન ને તેનો કાળો બોલાવતો હોય તેમ એક સમયે તેને પાણી પાવા માટે પાણી ખૂટી ગયું "બાપુ... એ બાપુ... પાણી આપો ને મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરો પણ આવી પાણી ન આપવાની સજા તો ન કરો..."આવુ સુઝેન તેના બાપુ ને ઈશારાથી કહી રહી હતી પણ ઈકબાલ લાચાર હતો.તેણે ગામના સરપંચ ને વાત કરી પણ સરપંચ તો ધનની વાસના વાળો હતો તેણે તો પૈસાના બદલામાં દીકરી ની આબરૂ જ માગી લીધી અને આ જગતમાં કયો બાપ એવો હશે કે જે પોતાની દીકરીને કોઈની સાથે..... કલ્પના પણ અસ્થાને છે!
સુઝેન ને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે સુઝેન નો જવાબ જે ઈશારાથી હતો તે ઇશારા યુક્ત ભાષાએ કરી 'જલે ક્રાંતિ'. સુઝેન તેના બાપુ ને કહેતી હતી કે,"ભલે હું રોગથી લાચાર છું ઈશ્વરે મને મારી વેદના બતાવવાની પણ પરવાનગી નથી આપી પણ બાપુ હું તો તમારું ગૌરવ છું. તમારું ગૌરવ મારા પ્રાણ કરતાં વધુ મૂલ્યવાન છે."આટલું બોલી ત્યાં તો ઇકબાલની આંખમાંથી મોતી પડવા લાગ્યા પોતે કેટલો નિસહાય છે તેનો. ખ્યાલ જ તેને પોતાની જાતને ધૃતકારવા મજબૂર કરતો હતો." બાપ ને જવાની ઉંમર છે અને અલ્લાહ દીકરીને તેડાવે છે અરે,ધૃતકાર છે મારી જાતને જે દીકરી માટે લડી ન શકે." આવું ઈકબાલ ઉપર નગ્ન આકાશ ને જોઈને બોલી રહ્યો હતો.
આટલું સાંભળતા જ સુઝેન ઈશારામાં બોલી,"બાપુ મને તો અલ્લાહ જન્નત અને ઈશ્વર આપવા માગતો હશે એટલે ઉપર બોલાવે છે પણ મારા ગયા પછી તમે હિંમત ન હારશો આ ગામના તમે માસ્તર છો-'મા' 'સ્તર! ક્રાંતિ કરવાના બીજ અને નીડરતા તમે મારામાં અને આ ગામના છોકરાઓ માં રોપ્યા છે બાપુ હું તો જાઉં છું પણ મારી છેલ્લી ઈચ્છા કહું? તેને પૂરી કરશો?" ઈકબાલે હકારમાં માથું હલાવ્યું.સુઝેન ને બાપ ના હકારમાં હુંફ નો અનુભવ થયો એટલે બોલી,"બાપુ આ ગામના લોકો પણ પાણી વગર મરી રહ્યા છે તેને તમારે આ ગામના સરપંચ જે અન્યાય રહ્યો છે તેનાથી બચાવવાના છે ભલે તે લોકોએ આપણું જીવન નર્ક બનાવી રાખ્યું હોય, પણ આપણે તો તેને સ્વર્ગ જ આપવાનું છે અરે,પાણી એ તો રાષ્ટ્ર ની સંપતિ છે તેના પર સમગ્ર માનવજાતનો અધિકાર છે. બાપુ,તમે તો 'અંધ' નથી 'પ્રજ્ઞાચક્ષુ' છો બાપુ જેમ આઝાદી માટે ક્રાંતિ થઈ કેમ તમારા ગામના પાણી માટે ક્રાંતિ કરવાની છે બાપુ 'જલે ક્રાંતિ'તમે કરજો....તમે કરજો હો બાપુ.." આટલું બોલીનેસુઝેન ચાલી નીકળી અનંત રસ્તે !પણ હવે તો સુઝેન ના આ અંતિમ શબ્દો આંધળા અને મજબૂર માસ્તર ઈકબાલ ના જુસ્સા રૂપી શ્વાસ હતા.
ઈકબાલ બહાર નીકળ્યો અને પાણી તો નહોતું પણ અલ્લાહ ના સોગંધ અને હાથે ધૂળની ચપટી ભરી બોલ્યો કે "હે પરવરદિગાર! તે ભલે મારી આંખો છીનવી લીધી,ઉમર પણ છીનવી લીધી અને આ દુનિયામાં મને એકલો મૂકી દીધો પણ યાદ રાખ તારી પાસે આવેલી મારી સુઝેન ને આશ્વાસન આપજે કે હું તેની અંતિમ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. અરે,સોગંદ છે મને મારા માસ્તરપણાના જો આ ગામના એ ખૂની સરપંચને પાણીની એક એક બુંદ માટે તરસતો ના કરી દઉં તો મારું નામ ઈકબાલ
માસ્તર નહીં!"
અત્યારે તે ગામલોકોને લાગ્યું કે તે આવેશમાં આવી બોલી રહ્યો પણ આ તો દીકરી એક બાપ ના પેટમાં જગા ડેલી આગ હતી એમ બૂઝે એમ નહોતી આ આગ તો એ ક્રાંતિ ના શસ્ત્ર દ્વારા પાણી પર પોતાનો અધિકાર જમાવી બેઠેલા પાપીઓના તરસના વલખા થી જ બુઝાઈ એમ હતી. ઇતિહાસ સાક્ષી છે કે મોટા ભાગની ક્રાંતિઓ માસ્તરો એ કરી છે અને આ ક્રાંતિ પણ એક માસ્તર જ કરશે એક દીકરીના પ્રાણને પાણીને લીધે જતા જોયેલો માસ્તર,આંખ વગરનો માસ્તર અને જુસ્સાથી ભરપૂર માસ્તર અને હવે તો આ વૃદ્ધ ઝનૂની નો જીવન મંત્ર હતો જલે ક્રાંતિ!