Prinses Niyabi - 28 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 28

Featured Books
Categories
Share

પ્રિંસેસ નિયાબી - ભાગ 28

પંડિતજીએ કંજના ખભા પર હાથ મુક્તા કહ્યું, હું તમને કહું છું કે કંજ કોણ છે?

નાલીનના પિતા માહિશ્વર જ્યારે રાજા હતા ત્યારે કંજના પિતા એમના સૌથી બહાદુર, ચાલાક અને મહત્વના અંગરક્ષક હતા. તેઓ સતત રાજાની સાથે જ રહેતા હતા. ને એટલે એ રાજાની ઘણી અંગત વાતો પણ જાણતા હતા. નાલીન રાજાનો એકમાત્ર સંતાન હતો. યામનના નિયમ પ્રમાણે યામનની પ્રજા જાતે પોતાનો રાજા નક્કી કરતી હતી. પણ નાલીન પોતે રાજા બનવા માંગતો હતો. પણ એનામાં રાજા બનવાની કોઈ ખૂબી નહોતી. એ આળસુ, ઉડાવ અને લાલચુ હતો. એટલે એણે એનકેન કોઈપણ પ્રકારે રાજા બનવું હતું. એટલે એ એવા લોકોની સંગતમાં આવી ગયો જે એના જેવાજ હતા. ને એની મુલાકાત ખોજાલ સાથે થઈ. ખોજાલ કાલી શક્તિઓનો પૂજારી છે અને માં કાળીનો ભક્ત છે. પણ એ પણ લાલચુ અને નિર્દયી હતો. એ પોતાની શક્તિઓ માટે લોકોની બલી ચડાવતો હતો. એની પાસે વરુઓની સેના હતી. નાલીને પોતાની રાજા બનવાની ઈચ્છા એને જણાવી. ખોજાલ એની મદદ કરવા તૈયાર થઈ ગયો.

પણ એણે શરત રાખી કે નાલીન રાજા બને તો એ સેનાપતિ બનશે. ને નાલીને એની વાત પણ સાંભળવી પડશે. ને લાલચુ નાલીન માની ગયો. ખોજાલે પોતાની શક્તિઓ અને ચાલાકીથી યામનમાં એવું કઈક કર્યું જેનાથી લોકો બીમાર પડવા લાગ્યા. ને આ બીમારીમાં ખાવાનું હોવા છતાં લોકો ખાઈ નહોતા શકતા. કેમકે જો ખાય તો એમને ઉલ્ટીઓ થવા લાગતી. એમનું શરીર તપવા લાગતું. લોકો ભૂખને લીધે વલખા મારવા લાગ્યા. રાજાએ મોટા મોટા વૈદ્ય બોલાવ્યા પણ કોઈ ફરક પડ્યો નહિ. ને પરિસ્થિતિનો લાભ લઈ નાલીન ખોજાલને યામનમાં લઈ આવ્યો. એણે યામનની બીમારી ઠીક કરી દીધી. લોકો ખોજાલનો આભાર માનવા લાગ્યા. રાજાએ ખોજાલનું સન્માન કર્યું ને એને શાહી મહેમાન બનાવ્યો.

બસ આ જ ભૂલ થઈ ગઈ. ખોજાલે પોતાના તંત્રમંત્રથી રાજાને બીમાર કરી દીધા અને પથારીવશ કરી દીધા. પરિસ્થિતિનો લાભ લઈ નાલીન રાજા બની ગયો. ધીરે ધીરે રાજાને સાચી વાતની ખબર પડી ગઈ. ને એમણે કંજના પિતાને આ વાત કરી અને નાલીનને પદભ્રષ્ટ કરવા માટે તૈયારી કરવા કહ્યું. પણ નાલીનને આ વાતની ખબર પડી ગઈ અને એણે રાજાને બંધી બનાવી કારાવાસમાં પુરી દીધા. કંજના પિતા ત્યાંથી નીકળી પોતાના પરિવાર પાસે આવ્યાને એ બધાને લઈ દૂર ભાગી જવા માંગતા હતા. પણ સૈનિકોના આવી જવાથી એમણે કંજને એક કોઠીમાં સંતાળી દીધો. નાલીનને એમને અને એમના પરિવારને મોતને ઘાટ ઉતારી દીધા. કંજ એ સમયે ચૌદ વર્ષનો હતો. એણે આ હત્યાકાંડ પોતાની નજરે જોયો. સૈનિકોના ગયા પછી કંજ ત્યાંથી ભાગી અહીં મંદિરે આવી ગયો. ને મને બધી વાત કરી. હું કંજના પરિવારને સારી રીતે ઓળખતો હતો. કંજના જીવને પણ જોખમ હતું. એટલે મેં એને અહીંથી દૂર મારા એક ઓળખાણવાળા પાસે મોકલી દીધો. જ્યાં એણે પોતાને એક યોદ્ધા તરીકે તૈયાર કર્યો. ને દશ વર્ષ પછી એ યામનમાં પાછો આવ્યો. ને અહીંના લોકોની મદદ કરી રહ્યો છે.

બધા શાંતિથી સાંભળી રહ્યા હતા. પંડિતજીએ પોતાની વાત પુરી કરી.

ઓનીરે બધું સાંભળી પૂછ્યું, તો કંજ કેવી મદદ કરી રહ્યો છે લોકોને?

કંજે હસીને કહ્યું, જ્યાં અન્યાય થતો દેખાય ત્યાં પહોંચી જાવ છું. ને એ અન્યાય સામે અવાજ ઉઠવું છું.

નિયાબી: એના થી શુ થશે? જો નાલીન અને ખોજાલ બંને મળીને અત્યાચાર કરી રહ્યા છે તો એકલો માણસ શુ કરી શકે?

પંડિતજીએ સરસ સ્મિત સાથે કહ્યું, ઘણું બધું રાજકુમારી. કંજે નાલીનની નાકમાં દમ કરી દીધો છે. કંજ સતત નાલીનના ખોટા અને અયોગ્ય કામોને ઉંધા પાડી રહ્યો છે. રાજના સૈનિકો સતત એને પકડવાની કોશિશ કરી રહ્યા છે. પણ હજુ સુધી કંજ એમના હાથમાં નથી આવ્યો.

અગીલા: હા પણ ક્યાં સુધી પંડિતજી? આ કોઈ ચોરકોટવાલની રમત નથી કે બંને એકબીજાની પાછળ ભાગ્યા કરો. કોઈને કોઈ દિવસ તો પકડાઈ જશે. ને ત્યારે શુ થશે? મોત? ને એ પણ સામાન્ય નહિ હોય.

અગીલાની વાત સાંભળી કંજ એકદમ એની નજીક ગયો ને બોલ્યો, કોઈ વાંધો નથી કે મોત આવશે. ને ભલે એ ગમે એટલી ભયાનક હોય. હું ડરતો નથી. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી લડતો રહીશ. પણ અન્યાય તો સહન નહિ જ કરું.

અગીલા: અન્યાય ક્યારેય પણ કોઈએ પણ સહન ના કરવો જોઈએ. પણ એ અન્યાય કોણ કરી રહ્યું છે? એ પણ જોવું જરૂરી છે. એકલો માણસ ક્યાં સુધી હાથી સાથે બાથ ભીડી શકે?

કંજ: ત્યાં સુધી જ્યાં સુધી હાથી કે માણસ બંનેમાં થી કોઈ એક મરી ના જાય.

અગીલા: તો એ મોત આત્મહત્યા કહેવાય. શહીદી કે સામાન્ય ના કહેવાય.

કંજ અગિલની વાતોથી ઉશ્કેરાઈ રહ્યો હતો. એ બોલ્યો, તો હું એ આત્મહત્યા કરવા તૈયાર છું.

બંનેની ચડસાચડસી જોઈ નિયાબી બોલી, અગીલા શાંત. કંજ હું અગીલાની વાતથી સહમત નથી. પણ હા એની વાત ખોટી પણ નથી. તું એકલો કેટલું લડીશ?

કંજે ખુબ આદરથી કહ્યું, તમારી વાત સાચી છે રાજકુમારી. પણ યામનમાં બીજું કોઈ નથી જે સચ્ચાઈ જાણતું હોય. ને જો જાણતું હોય તો પણ કોઈની હિંમત નથી કે નાલીન સામે બાથ ભીડે.

નિયાબી: હમમમમમ.

ઓનીર: કંજ આપણે સાથે મળી લડી શકીએ.

ઓનીરની વાત સાંભળી કંજ અને પંડિતજી બંને ખુશ થઈ ગયા.

પંડિતજી: તો એ યામન માટે સારી વાત હશે.

નિયાબી: તો કઈ વાંધો નહિ. આપણે સાથે મળીને નાલીનને એના પદ પરથી ઉતારી દઈશું.

કંજ: રાજકુમારીજી એ એટલું સહેલું નથી. નાલીનની સામે ખોજાલ ઉભો છે. ને ખોજાલને હરાવવો મુશ્કેલ છે. એ કોઈ સામાન્ય માણસ નથી. એ કંઈપણ કરી શકે છે.

નિયાબી: કોઈ વાંધો નહિ કંજ. આપણે સાથે મળીને એનો ઉકેલ લાવી દઈશું. તને વાંધો ના હોય તો તું અમારી સાથે ભોજન લઈ શકે છે.

કંજ: જી રાજકુમારી એ મારુ અહોભાગ્ય હશે.

નિયાબી જ્યારે આ બોલતી હતી ત્યારે ઓનીર એને જોઈ રહ્યો હતો. એને લાગ્યું, ઘણો બદલાવ આવી ગયો છે નિયાબીમાં. ક્યાં ચુપચાપ રહેતી નિયાબી હવે બોલવા લાગી છે. ને એ પણ ખૂબ સરસ રીતે. ભગવાન કરે નિયાબી આમજ રહે. ભગવાન એ દિવસ પણ જલ્દી લઈ આવજે જે દિવસે હું મારી લાગણીઓ એની સામે વ્યક્ત કરું તો એ સમજે. પછી ભલે એ સ્વીકારે કે ના સ્વીકારે.

તો પછી એવી લાગણીઓ વ્યક્ત કરવાનો શુ ફાયદો? ઝાબી બોલ્યો.

ઓનીરે ફાટી આંખે એની સામે જોયું. ત્યાં એ બે સિવાય બીજું કોઈ હતું નહિ. એને થયું આને કેવી રીતે ખબર પડી કે હું શુ વિચારું છું?

ઝાબી ઓનીર સામે જવાબની આશાએ જોઈ રહ્યો હતો.

ઝાબીએ આંખોથી જ પૂછ્યું, બોલ?

ઓનીર: શુ થયું?

ઝાબી: કઈ નહિ. બસ એમજ મને બોલવાનું મન થયું.

ઓનીર એકદમ ઝંખવાઈ ગયો.

ઝાબીએ ઓનીરના ખભા પર હાથ મુક્તા કહ્યું, જે લાગણીઓ કોઈ સ્વીકારે નહિ એને વ્યક્ત કરવાનો શુ ફાયદો? માત્ર દુઃખ જ મળે બીજું કઈ નહિ.

ઓનીર: કઈ વાંધો નહિ. પણ લાગણીઓ વ્યક્ત કરવાની ખુશી તો મળશે. તને શુ ખબર એ ખુશી પણ કેટલી સરસ હોય છે.

ઝાબીએ મજાક કરતા કહ્યું, હા મને તો નથી જ ખબર. ને ભગવાન મને આવી ખુશી કોઈ દિવસ ના આપે. તને જોઈ હું ધરાઈ ગયો. અરે યાર ક્યાં સુધી આમ મનમાં ને મનમાં પ્રેમ લઈને ફર્યા કરીશ? કહી દે ને. જે થવાનું હશે એ થશે.

ઓનીરે હસીને કહ્યું, તને નહિ સમજાય મિત્ર. હજુ સમય નથી આવ્યો. સમય આવે હું જરૂરથી કહી દઈશ.



ક્રમશ.................