Ek Adhuri dasta - 7 in Gujarati Love Stories by Hukamsinh Jadeja books and stories PDF | એક અધૂરી દાસ્તાં... - 7

Featured Books
Categories
Share

એક અધૂરી દાસ્તાં... - 7

7.

અને એક વખત એવું બન્યું કે જેણે બધું જ ખતમ કરી દીધું. હું મોલમાં ગઈ હતી. બાજુમાં જ કાફે હતું. મેં અવિનાશને મેસેજ કર્યો હતો: ‘ચાલ, કોફી પીએ.’ ‘કામમાં છું. થોડીવાર પછી કોલ કરું.’ સામે તેનો મેસેજ આવ્યો હતો. હું એકલી જ કાફેમાં દાખલ થઇ. અને હું ડઘાઈ જ ગઈ. સામે જ અવિ બેઠો હતો. અને સાથે કોણ હતું ? હા ઓલી ફોટો વાળી...નૈના...

અમારી આંખ મળી હતી. અચાનક આંસુ ફૂટી નીકળ્યા હતા. હું પાછી ફરી. અવિ પાછળ દોડ્યો. અનુ... અનુ... પણ હું જાણે કંઈ જ સાંભળતી ન હોઉં એમ ચાલતી રહી હતી. એ મારી સામે આવીને ઉભો રહી ગયો.

‘અનુ મારી વાત તો સાંભળ યાર-’

‘બસ અવિ, મારે કંઈ જ નથી સાંભળવું. હું હમણાં જ આપણી વચ્ચેના બધા જ સમ્બન્ધો તોડું છું.’

અને હું ભાગી નીકળી હતી.રોડ પર...હું આગળ આગળ દોડી જતી હતી. અને અવિ પાછળ પાછળ... અવિ અનુ અનુ કહેતો પાછળ દોડ્યો આવતો હતો.
અને અચાનક સામેથી ગાડી આવી...

પછીનું મને કંઈ જ યાદ નથી.

પાછળથી અવિએ મને આમ કહ્યું હતું: અનુ એ દિવસ હું ક્યારેય નથી ભૂલ્યો. હજુ પણ ક્યારેક સપનામાં એ દ્રશ્ય દેખાઈ આવે છે અને હું જાગી જાઉં છું.

તું ગાડી સામે આવીને કેટલી ઉછળી હતી ઉંચે. તે ચિંસ પાડી હતી એ આજેય મારા કાનમાં ગુંજ્યા કરે છે. તું સાવ મારી સામે હતી. રોડ પર પડી હતી. લોહીથી લથબથ... ખબર નહીં હું કઈ રીતે તારી બાજુમાં આવીને બેસી ગયો હતો...

‘અનુ... અનુ... અનુ...’

મારા હાથ પગ ધ્રુજતા હતા. મારું આખું મગજ જાણે બહેર મારી ગયું હતું. કંઈ સુજ્યું જ નહોતું મને. કઈ રીતે હોસ્પિટલ પહોચ્યા, કોણ લઇ આવ્યું કંઈ યાદ જ નહીં.

જાણે કંઈ જ બાકી રહ્યું ન હતું. મને સાવ એકલતા લાગતી હતી. જાણે બધું જ ખતમ થઇ રહ્યું હોય એવું લાગતું હતું. બસ હું રડતો હતો. મારા અંગો શક્તિવિહીન લાગતાં હતા. બધું ઘુમેરાયા કરતુ હતું. મારું હૃદય જોરથી ધડકતું હતું. તેના ધબકારા મને સંભળાતા હતા. અને હું એમજ નિસહાય બેસી રહ્યો હતો. ડોક્ટર આવ્યા ત્યારે કંઈક ભાન આવ્યું હતું.

‘તમે પૈસાની વ્યવસ્થા કરો. ઓપરેશન કરવું પડશે. તેમ છતાં બચવાના ચાન્સ નહીવત છે.’

મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. હું બહાર આવી ગયો હતો. બધું મારા કારણે થયું હતું. શ્વાસે શ્વાસે મારો જીવ કપાતો હતો. તારા વિચાર માત્રથી શ્વાસ તૂટતા હતા. સાંજ ઉતરવા આવી હતી. જાણે બધું જ થંભી જાય તો સારું.

સાવ ખાલી ખાલી લાગતું હતું અનુ.

એવી એકલતા ક્યારેય નથી લાગી.

બસ, એકવાર અનુ બરાબર થઇ જાય, પછી ક્યારેય એનાથી દૂર નહીં જાઉં. તું કહેશે તો જોબ પણ મૂકી દઈશ. તારી સાથે જ રહીશ. તને ખૂબ ચાહીશ. પછી કોઈ ફરિયાદ નહીં રહે. મને ખબર છે, પાછલા થોડા ધ્યાન આપું છું. હંમેશા કામમાં જ ડૂબેલો રહે છે... પણ એ કરવું પડે એમ હતું એનું. આપણા માટે આપણી જિંદગી માટે. આપણા સપના માટે. મેં તને કેટલીયે વાર સમજાવી હતી. પણ તું સમજતી નહીં. એ દિવસ જયારે હું તને મળવા આવી નહોતો શક્યો...

‘કામથી બહાર જવાનું હતું તો આવી ન શક્યો.’

તેમ છતાં તું મોઢું ફુલાવીને બેઠી હતી. તારી આંખોમાં રોષ ઉભરાતો હતો.

‘બોલને યાર અનુ, તું આમ રિસાય તો નથી ગમતું.’

‘મારે કોઈ વાત નથી કરવી.’

‘કાન પકડું ? તું જે સજા કરે તે મંજુર બસ ?’

‘પણ મારે કોઈ વાત નથી કરવી.’

હું તને એક સારી જિંદગી આપવા માંગતો હતો. આ બધા એ માટેના જ પ્રયત્નો હતા. આપણા બેની અલગ દુનિયા વસાવવા માંગતો હતો. તને એ બધું આપવા માંગતો હતો જેથી તું ખુશ રહે. મેં હંમેશા આપણા બંનેની સહિયારી જિંદગી કલ્પી છે. તારા વગર મને ક્યારેય નથી ચાલ્યું. અને ચાલવાનું પણ નથી. તું રિસાઈ જતી એ સમય મારા માટે મુશ્કેલ બની જતો.
મેં તને ક્યારેય સામેથી કહ્યું નથી પણ હું તને બહુ જ ચાહું છું અનુ બહુ જ... આ જો મેં મારા બંને હાથ ફેલાવ્યા...

કદાચ મને પાછલા થોડા સમયથી નહીં સમજાયું હોય પણ આજે મને બરાબર સમજાય છે કે તું મારા માટે શું છો...

ક્યારેક તું રિસાઈને ચાલી નીકળતી ત્યારે મન થતું તને જોરથી બાથમાં ભરીને કહું... અનુ પ્લીઝ, મને છોડીને ન જા. હું તારા વગર નથી રહી શકતો. મને નથી ચાલતું તારા વગર... અને હું તને રોકી લઉં... પણ એવું કરી શક્યો નહીં એનો અફસોસ થાય છે આજે.

કંઈ જ ગમતું નથી. બસ રડવાનું મન થાય છે. કાન પર હાથ દાબી દઉં છું. કંઈ જ ન સંભળાય તો સારું. પણ તોય બધું પડઘાયા કરે કરે છે. વીંછી કરડે ને સણકા મારે એમ સણક્યાં કરે છે. કોઈ પર્વતની ટોચ પર ઉભો હોઉં એવું લાગ્યા કરે છે. એક ડગલું ભરું અને બધું ખતમ... પણ એવું થઇ શકે એમ નથી. મારા પગ પર્વત સાથે જડાયેલા છે.

મને આજે સમજાય છે તને મારા વગર કેટલું એકલું લાગ્યું હશે. હવે એવું નહીં કરું. હવે તારી સાથે જ રહીશ... તારી પાસે જ...

મેં કેટલાય સપના સેવ્યા છે અનુ તારા. તું આમ સાવ પાણીમાં બેસી જાય એ કેમ ચાલે. તારે પાછા આવવું પડશે અનુ. મારા માટે, આપણા સપના માટે.

હું બે હાથ જોડીને બેઠો રહ્યો. ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો. પાછળથી કોઈએ ખભા પર હાથ મુક્યો. એ તારા મમ્મી હતા. આંસુ એમના ગાલ પર સુકાઈ ગયા હતા. એમની આંખો લાલ હતી. યાદ નથી એમને કોણે કહ્યું હશે. કદાચ મેં જ કહ્યું હશે. સાથે તારી નાની બહેન વૈદેહી પણ હતી.તારી મમ્મી કંઈ કેટલુંય પૂછી રહ્યા હતા. પણ હું કંઇ જ જવાબ આપી શક્યો ન હતો. ગળામાંથી જાણે અવાજ જ નહોતો નીકળતો. રડાઈ જવાની બીક લાગતી હતી.

‘જીવ તો બચી ગયો છે પણ... કોમામાં છે.’ એવું કંઈક ડોક્ટર કહી ગયા હતા. બીજું પણ ઘણું કહ્યું હતું. પણ મેં સાંભળ્યું નહીં હોય. અથવા તો ભુલાઈ ગયું હોય ! તને જોવાની ઈચ્છા જાગી અને હું તારા તરફ ચાલ્યો. પગ ભારે લાગતાં હતા. એક ડર મનને ઘેરી વળ્યો હતો. એક સત્યથી મન ભાગતું હતું.

તું સૂતી હતી. તને સ્પર્શવા મેં હાથ લંબાવ્યો હતો. મારો હાથ ધ્રુજતો હતો. એ સ્પર્શ સાવ ખાલી જેવું લાગ્યું હતું. મને એમાં તારી ગેરહાજરી અનુભવાઈ હતી. અને ઝાટકા સાથે કરંટ લાગે એમ મેં હાથ ખેંચી લીધો હતો.
ક્રમશઃ.....