પ્રતિશોધ પ્રથમ અંક
ભાગ:9
ઓક્ટોબર 2019,દુબઈ
આધ્યાએ જ્યાંસુધી સમીરનો સામાન પેક કર્યો ત્યાં સુધી કાગડો ફ્લેટની બારીમાં બેસી રહ્યો. જ્યારે સમીરની બેગને વ્યવસ્થિત પેક કરીને આધ્યા સુવા માટે પલંગમાં લાંબી થઈ એ પછી એ કાગડો ત્યાંથી ઉડી ગયો.
સવારે નવ વાગે સમીરની ઓફિસનો એક કર્મચારી સમીરનો સામાન લેવા એનાં ફ્લેટ પર આવ્યો. આધ્યાએ કોઈ સવાલ કર્યાં વગર સમીરનો સામાન ભરેલી બેગ એ વ્યક્તિને સુપ્રત કરી દીધી. એ વ્યક્તિ ત્યાંથી ગયો એટલે આધ્યા પણ તૈયાર થઈને રેહાનાની બુક સ્ટોર પર આવી પહોંચી.
છેલ્લાં ચાર મહિનાથી સમીર ઘરે ઓછો અને બહાર વધુ રહેતો હોવાથી આધ્યા ઘરમાં એકલી રહેવા ટેવાઈ ચૂકી હતી. આધ્યા જ્યારે બુકસ્ટોર પહોંચી ત્યારે રેહાનાએ એને એડવોકેટ સિદ્દીકી સાથેની મુલાકાત વિશે પૂછ્યું. સિદ્દીકી જોડે ડાયવોર્સ અંગેની જરૂરી ચર્ચાઓ થઈ ગઈ છે એવું જણાવ્યાં બાદ આધ્યાએ રેહાનાને પૂછ્યું.
"મારાં રહેવા માટે કોઈ જગ્યા શોધી કે નહીં?"
"ના યાર, હજુ તો એ વિશે કોઈ તપાસ નથી કરી. મારે યુસુફથી સંતાઈને તારાં માટે ફ્લેટ શોધવાનો છે કેમકે જો એને ખબર પડી જશે કે હું એનાં દોસ્તની પત્નીને એનાં દોસ્તથી અલગ થવા માટે મદદ કરું છું તો મારું આવી જ બનશે." રેહાનાએ કહ્યું. "પણ ત્રણ-ચાર દિવસમાં ક્યાંકને ક્યાંક સેટિંગ થઈ જ જશે."
"વાંધો નહીં, આમ પણ સમીર હવે દસેક દિવસ સુધી દુબઈ નહીં આવે."
"મતલબ?" રેહાનાએ નવાઈ સાથે પૂછ્યું. "એ ક્યાંય બહાર ગયો છે કે શું?"
"હા એ ઓફિસનાં કામે ઈન્ડિયા ગયો છે." આધ્યાએ જણાવ્યું. "કાલે એનો મેસેજ હતો કે સવારે એની બેગ તૈયાર રાખું; જે લેવા એની ઓફિસમાંથી એક માણસ આવશે."
"મતલબ કે પોતે ઈન્ડિયા જવાનો છે એ જણાવવા એને કોલ કરવાની તકલીફ પણ ના લીધી." ગુસ્સા અને આશ્ચર્યનાં મિશ્રિત ભાવ સાથે રેહાનાએ કહ્યું. "વધારામાં એ સવારે પોતાનો સામાન લેવા પણ જાતે ના આવ્યો. સમીર સાવ આવો તો નહોતો જ!"
"મારાં નસીબમાં શાયદ આવું જ લખ્યું હશે." ડૂસકું લેતાં આધ્યા બોલી.
"હવે બધું મન ઉપર ના લઈશ." આધ્યાને સાંત્વના આપતાં રેહાનાએ કહ્યું. "અલ્લાહ બધું સારું કરી દેશે.!"
"થેન્ક્સ રેહાના., આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપવા માટે.!" રેહાનાને ગળે લગાવતાં આધ્યાએ કહ્યું.
આમને આમ પાંચ દિવસ વીતી ગયાં. આ પાંચ દિવસો દરમિયાન ના આધ્યાએ સમીરનો સંપર્ક સાધવાની કોશિશ કરી, ના સમીરે આધ્યાનો સંપર્ક સાધવાની. જે લોકોને એક ઘડી પણ એકબીજાં વગર નહોતું ચાલતું એ છેલ્લાં પાંચ દિવસથી એકબીજા સાથે સંપર્કમાં પણ નહોતાં, જેનો અર્થ સ્પષ્ટ હતો કે એમને વચ્ચે પ્રેમ અને લાગણી મરી પરવરી હતી.
એડવોકેટ ફારૂક સિદ્દીકીએ પોતાનાં વચન મુજબ આધ્યા અને સમીર વચ્ચેનાં ડાયવોર્સ પેપર તૈયાર કરી દીધાં હતાં. અત્યારે તો સમીર દુબઈમાં હાજર નહોતો એટલે હવે એ પાછો આવે ત્યારે જ આ ડાયવોર્સ પેપર એનાં હાથમાં મૂકી રૂબરૂમાં જ પોતાનાં અલગ થવાનાં નિર્ણય અંગે એને જણાવવાનું આધ્યાએ વિચારી રાખ્યું હતું.
પોતાનાં આ નિર્ણય અંગે એને પોતાની નાની બહેન જાનકીને પણ નહોતું જણાવ્યું. આધ્યા નહોતી ઈચ્છતી કે લાગણીનાં પ્રવાહમાં તણાઈને પોતાનાં આ નિર્ણયને પડતો મૂકે.
આધ્યા ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખતી હતી;એમાં પણ દેવોનાં દેવ મહાદેવની એ પરમ ભક્ત હતી. મુંબઈમાં હતી ત્યારે દર સોમવારે ગમે તે રીતે સમય કાઢીને આધ્યા અચૂક પોતાનાં ઘરની નજીક આવેલાં મહાદેવના મંદિરે અવશ્ય જતી. આ નિયમ એને દુબઈ આવીને પણ જાળવી રાખ્યો હતો. દુબઈ મ્યુઝિયમની સામે આવેલાં શિવ મંદિરમાં આધ્યા દર સોમવારે અચૂક મહાદેવની પૂજા કરવા માટે જતી હતી.
પોતાનાં નિયમ મુજબ આધ્યા સોમવારની સાંજે શિવ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી. સંધ્યા આરતી પૂર્ણ કર્યાં બાદ આધ્યા જ્યારે ઘરે જવા નીકળી રહી હતી ત્યાં એનાં કાને એક પરિચિત અવાજ પડ્યો.
"શું થયું દીકરી? આજે પોતાનાં માટે કંઈ માંગ્યું નહીં?"
આધ્યાએ પાછાં વળીને જોયું તો એને આમ પૂછનાર મંદિરના પૂજારી હતાં.
"તમને કઈ રીતે ખબર કે મેં કંઈ નથી માંગ્યું.?" આશ્ચર્ય સાથે આધ્યાએ કહ્યું.
"મનુષ્યનું મુખ ક્યારેક એનાં મનમાં શું ચાલી રહ્યું છે એનું સ્પષ્ટ ચિત્રણ કરે છે." આધ્યાને ઉદ્દેશીને પૂજારીજીએ કહ્યું. "તું જેનાંથી અલગ થવા માંગે છે એને અત્યારે તારી સૌથી વધુ જરૂર છે."
"આપનાં કહેવાનો અર્થ શું છે પૂજારીજી?" પોતે સમીર જોડે ડાયવોર્સ લઈ રહી હતી એ વાત પૂજારીને કઈ રીતે ખબર એ વિચારી આધ્યા અચંબિત સ્વરે બોલી.
"હું જે કહી રહ્યો છું એનો અર્થ ના સમજે એવી તું મૂર્ખ નથી." પૂજારીજીએ કહ્યું. "એ આજે પણ તને એટલો જ પ્રેમ કરે છે. એની જીંદગી મુસીબતમાં છે; તું જ એને બચાવી શકે છે."
"તમને કઈ રીતે ખબર કે સમીર કોઈ મુસીબતમાં છે અને અમે બંને ડાયવોર્સ લેવાનાં છીએ?"
"બેટા, મેં તને જે કહ્યું એ ઈશ્વરનો સંદેશ છે." ગર્ભગૃહમાં રહેલાં શિવલિંગ તરફ ઈશારો કરતાં પૂજારીજીએ કહ્યું. "મારું કાર્ય હતું કે આ સંદેશ તારાં સુધી પહોંચાડું; જે મેં કરી દીધું છે. હવે આગળ શું કરવાનું છે એનો આધાર તારાં પર છે."
પૂજારી એને શું જણાવવા માંગતા હતાં એ વિશે આધ્યા વધુ કંઈ પૂછે એ પહેલાં તો શિવ મંદિરનાં પૂજારી મંદિરનાં ગર્ભગૃહ તરફ પ્રસ્થાન કરી ચુક્યાં હતાં.
★★★★★★★★
ઓક્ટોબર 2001, મયાંગ
બીજાં દિવસે સવારે જ્યારે સૂર્યાની આંખો ખુલી ત્યારે સૂર્યદેવ માથે આવી ચૂક્યાં હતાં. સૂર્યા નિત્યક્રમ પૂર્ણ કરી જ્યારે પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો ત્યારે જમવાનું પીરસાઈ ગયું હતું. એ જઈને પોતાનાં દાદા શંકરનાથની બાજુમાં જમવા માટે ગોઠવાઈ ગયો.
"દાદાજી, કાલે મેં અબ્રાહમની આત્માને એનાં કર્યાંની બરાબરની સજા આપી દીધી." જમવાનું જેવું જ પૂર્ણ કરીને સૂર્યા ઊભો થયો એ સાથે જ રાતની ઘટના અંગે પોતાનાં દાદાને જણાવતાં બોલ્યો.
"સરસ!" શંકરનાથ પંડિતે વધુ ઉત્સાહ દર્શાવ્યા વિનાં ટૂંકમાં કહ્યું.
"અબ્રાહમની સાથે મેં એક સ્ત્રી આત્મા અને ડેવિડ નામક એક અન્ય વ્યક્તિની દુષ્ટઆત્માને પણ એમનાં અંજામ સુધી પહોંચાડી દીધાં છે." ઉત્સાહિત સ્વરે સૂર્યાએ કહ્યું.
"ખૂબ સરસ! એ સ્ત્રી આત્મા નક્કી ગૌરીની હશે. મતલબ કે તે અલગ-અલગ ધર્મનાં ત્રણ લોકોની આત્માને નર્કનો રસ્તો બતાવ્યો." સૂર્યાની પીઠ થાબડીને શંકરનાથ પંડિતે કહ્યું.
સૂર્યાએ ત્યારબાદ ગતરાતે જે કંઈપણ બન્યું હતું એનો સઘળો વૃતાંત પોતાનાં દાદાજીને કહી સંભળાવ્યો. જે બહાદુરીથી સૂર્યા ત્રણ-ત્રણ શૈતાની રૂહ જોડે લડ્યો હતો એ સાંભળી શંકરનાથ શાસ્ત્રીની છાતી ગર્વથી ફૂલી ગઈ.
"સૂર્યા, મને લાગે છે કે હવે મારે તને મારી સાથે લઈ જવાનું શરૂ કરી દેવું પડશે.!" શંકરનાથ પંડિતની આ વાત સાંભળી સૂર્યા ખુશીથી નાચવા લાગ્યો.
હવે જ્યારે પોતાને કોઈ શક્તિશાળી આત્માને કાબુમાં લેવા જવાનું થાય ત્યારે સૂર્યાને પણ પોતાની સાથે લઈ જવાનું મન શંકરનાથે બનાવી લીધું હતું. આ માટે સૂર્યાને હજુ વધુ તૈયારી કરાવવી જરૂરી હતી એ સમજતાં શંકરનાથે એને તંત્રમંત્ર વિદ્યામાં પારંગત બનાવવાનું શરૂ કરી દીધું. પોતાને વિશ્વનાં દરેક ખૂણે, દરેક ધર્મનાં શૈતાનોને વશમાં કરવા જવાનું થતું હોવાથી શંકરનાથે સૂર્યાને કુરાન, બાઈબલ ,ગીતા અને અન્ય ધર્મગ્રંથોને પહેલાં ધ્યાનથી વાંચી જવા અને એનાં અંદર રહેલાં જ્ઞાનને આત્મસાત કરવાનું કામ સોંપ્યું.
ત્યારબાદ શંકરનાથે સૂર્યાને અલગ-અલગ આત્માઓ, એમની શક્તિઓ અને એમને નાથવા માટે કરવી પડતી વિધિઓ અંગેની સમજણ આપી. શંકરનાથ પંડિતની ગણતરી કરતાં પણ સૂર્યા વધુ તેજસ્વી નીકળ્યો અને છ મહિનાનાં ટૂંકા ગાળામાં એ બધું જ શીખી ગયો, જે શંકરનાથ એને શીખવાડવા માંગતા હતાં.
રાત-રાત ભર કબ્રસ્તાન અને સ્મશાનમાં એકલો રહીને સૂર્યાએ પોતાનાં ડર પર સંપૂર્ણ કાબુ મેળવતાં શીખી લીધું. પોતાનાં નામની મુજબ સૂર્યા હવે અંધકારને દૂર કરવાનું સામર્થ્ય ધરાવતો થઈ ગયો.
વર્ષ ૨૦૦૨નાં મે મહિનામાં શંકરનાથના ઘરે મોજુદ લેન્ડલાઈન પર એક કોલ આવ્યો.
આ કોલ કરનાર વ્યક્તિ કેરળ રાજ્યનાં અબુના નામક ગામનો સરપંચ હેનરી વિલિયમ્સ હતો. એનાં જણાવ્યાં મુજબ એમનાં ગામ ઉપર એક શક્તિશાળી ડિમનનો પડછાયો છે. પોતાનાં ગામને એ ડિમનનાં ત્રાસથી છુટકારો અપાવવા માટે ગામલોકોને તાકીદે શંકરનાથ પંડિતની જરૂર હોવાનું હેનરીએ જણાવ્યું.
હેનરીને થોડાં સવાલાત કરી શંકરનાથ પંડિતે અબુના આવવા માટેની હામી ભરી દીધી. બીજાં દિવસે શંકરનાથ પંડિત પોતાનાં પૌત્ર સૂર્યાને લઈને અબુના જવા નીકળી પડ્યાં.
સૂર્યા શક્તિશાળી ડિમનને પકડવાની પોતાનાં આ પ્રથમ મુહિમનાં લીધે ખૂબ જ ઉત્સાહિત જણાતો હતો. પોતે પોતાનાં દાદાજીની દરેક ઉમ્મીદ પર ખરો ઉતરશે એવો સૂર્યાને વિશ્વાસ હતો. પણ શું હકીકતમાં સૂર્યાનો આ વિશ્વાસ સાચો ઠરવાનો હતો? કે અબુનાનો આ શક્તિશાળી ડિમન કંઈક નવી જ મુસીબતો લઈને આવવાનો હતો? આ સવાલનો જવાબ તો સમયની ગર્તામાં છુપાયેલો હતો.!
*********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)