Right Angle - 36 in Gujarati Moral Stories by Kamini Sanghavi books and stories PDF | રાઈટ એંગલ - 36

Featured Books
Categories
Share

રાઈટ એંગલ - 36

રાઈટ એંગલ

પ્રકરણ–૩૬

સવારે ઊઠતાંની સાથે જ સેલફોનમાં રિમાઇન્ડરનો ટોન સંભળાયો એટલે ધ્યેયએ જોયું તો આજે બુધવાર અને ઓગણત્રીસ તારીખ. બપોરના બે. એટલું રિમાઇન્ડરમાં લખ્યું હતું. ધ્યેય ફટાફટ ઓફિસ પહોંચીને પોતાના કામ પતાવવા લાગ્યો. એને બહુ જ ઉત્તેજના થતી હતી. આજ સુધી જે કામ કર્યું નથી તે કરવાનું હતું અને એમાં પકડાય જવાઇ નહીં તેનુ ધ્યાન રાખવાનું હતું. નહીં તો પોતાની સાથે કેસની પણ વાટ લાગી જશે.

બાર વાગતા સુધીમાં તો એ ફ્રી થઇ ગયો. બસ હવે દોઢ વગાડવાનો છે. ધ્યેય એક્સાઈટમેન્ટમાં પોતાની ચેર પર બેસી પણ શકતો ન હતો. એ કેન્ટિનમાં ગયો અને ત્યાં ચા પીધી. બીજા વકીલ સાથે ગપ્પાં માર્યા અને એમ કરીને માંડ એક વગાડ્યો. બરાબર સવા વાગે એણે એક માણસને સાથે લીધો, ઉદયના ઘરથી થોડે દૂર ગાડી બંધ કરીને રાહ જોતો બેઠો. દોઢ વાગ્યું તો ય કોઇ નીકળ્યું નહી. એટલે એ ઊંચોનીચોં થવા લાગ્યો. આજે કશિશની ભાભી હેતલ કિટ્ટીમાં નહીં જાય તો? આ સવાલથી એ ચિંતામાં પડી ગયો. ત્યાં ઘરનો દરવાજો ખૂલ્યો અને હેતલ બહાર નીકળી. એણે ડોર ખેંચીને બંધ કર્યુ. એટલે કારમાં બેઠેલાં બન્ને સાવધ થઇ ગયા.

‘તું દરવાજો ખોલીને ગાડીમાં બેસીને ધ્યાન રાખજે. કોઇ આવે તો રીંગ કરીને મને ચેતવજે.. હું ફોન વાઇબ્રેશન પર રાખીશ.‘

ધ્યેયએ પેલા માણસને સૂચના આપી. ત્યાં તો હેતલ પોતાની ગાડીમાં ગલીની બહાર મેઇન રોડ પર પહોંચી ગઇ એટલે ધ્યેય પેલા માણસ સાથે કારમાંથી બહાર આવ્યો. બપોરનો સમય હોવાથી ગલી સુમસામ હતી. પેલો માણસ દરવાજા પાસે ઊભો રહ્યોં અને એણે પોતાના થેલામાંથી એક લાંબું પતરું કાઢયું. દરવાજા અને બારસાખ વચ્ચે ભરાવીને એક સેકન્ડમાં દરવાજો ખોલી નાંખ્યો. ધ્યેયએ પેલાં માણસને ગાડી તરફ ઇશારો કર્યો એટલે એ ગાડીમાં જઇને બેસી ગયો, ધ્યેય હળવેથી દરવાજો બંધ કરીને ઘરમાં પ્રવેશ્યો. બારણું બંધ થતાં ઘરમાં સહેજ ઉજાસ ઓછો થઇ ગયો હતો. એકાદ ક્ષણ ઘરમાં જોઇ રહ્યો અને પછી હળવેથી મહેન્દ્રભાઇના રુમ તરફ ચાલ્યો. એણે રુમનો દરવાજો ખુલ્લો હતો અને મહેન્દ્રભાઇ સુતા હતા. ધ્યેય હળવેથી ડાબી બાજુના વોર્ડરોબ તરફ ગયો અને એ વોર્ડરોબનું બારણું ખોલે ત્યાં જ ઘરની ડોરબેલ વાગી અને એ સાથે જ એનો ફોન વાઈબ્રેટ થવા લાગ્યો.

‘કોણ હશે?‘

ડોરબેલ સાંભળીને પહેલો સવાલ ધ્યેયને આ થયો અને બીજો સવાલ એ થયો કે મહેન્દ્રભાઇ ઊઠે તે પહેલાં ક્યાં સંતાવુ? મહેન્દ્રભાઇ સુતા હતા કદાચ ગાઢ ઊંઘમાં હતા એમણે ડોરબેલ સાંભળી ન હતી. પણ બીજી ડોરબેલ વાગે અને મહેન્દ્રભાઇ ઊઠે તે પહેલાં કશે સંતાઇ જવાનું હતું. ધ્યેય હળવા પગલે ઝડપથી કિચન તરફ ગયો અને એના બારણાં પાછળ ઊભો રહ્યોં. પહેલું કામ એણે ફોનનું વાઇબ્રેશન બંધ કરીને એરોપ્લેન મોડ પર મુકવાનું કર્યું જેથી ફોનના વાઇબ્રેશનનો વધુ અવાજ ન થાય. ત્યાં કોઈના પગલાંનો અવાજ આવ્યો. ધ્યેય અનુમાન કર્યું કે મહેન્દ્રભાઇ ઊઠી ગયા છે. બારણું ખોલવાનો અને પછી કુરિયરવાળાનો અવાજ આવ્યો એટલે ધ્યેયને મનોમન હાશ થઇ કે ઘરની કોઈ વ્યક્તિ નથી આવી. નહીં તો એની મુશ્કેલી વધી જતે. મહેન્દ્રભાઇએ કુરિયર લઇને દરવાજો બંધ કર્યો અને પોતાના રુમમાં જતાં રહ્યાં, તે બારણાની પાછળથી ધ્યેયએ જોયું. થોડીવાર ચુપચાપ તે ઊભો રહ્યો. હવે મહેન્દ્રભાઇ ફરી સુઇ જાય ત્યાં સુધી રાહ જોયા સિવાય કોઇ છૂટકો ન હતો.

આ ઘરમાં એ અનેકવાર આવ્યો હતો પણ આજે આમ ચોરીછૂપીથી પહેલીવાર આવ્યો છે, એ એને કઠ્ઠયું હતું પણ એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર તેમ એ માનતો હતો. ઉદયે જીતવા માટે રસ્તો પસંદ કર્યો હતો એટલે હવે એને એની જ ભાષા સમજાવવું પડે. દશેક મિનિટ એ ઊભો રહ્યોં પછી એ હળવેથી મહેન્દ્રભાઇના રુમ તરફ આવ્યો. એણે ડોકિયું કરીને જોયું તો મહેન્દ્રભાઇની પીઠ એના તરફ હતી એટલે ખ્યાલ નહતો આવી શકતો કે એ જાગે છે કે સુઇ ગયા છે.

ધ્યેય બિલ્લીપગલે એમની તરફ આગળ વધ્યો ત્યાં એમના નસકોરાનો અવાજ આવ્યો અને ધ્યેયએ નિરાંતનો શ્વાસ લીધો. ધીમેથી એ ફરી વોર્ડરોબ પાસે આવ્યો. જરાપણ અવાજ ન થાય તેવી તકેદારી રાખીને વોર્ડરોબ ખોલ્યો. કશિશે કહ્યું હતું તે મુજબ છેલ્લાં ખાનામાંથી જ્વેલરી બોક્સ લઈને એ ફરી પાછો કિચનમાં આવી ગયો. જુના સમયના લોખંડના જ્વેલરી બોક્સને ખોલવાથી અવાજ થાય તો મહેન્દ્રભાઇ જાગી જવાની શક્યતા વધી જાય. હવે પરિણામ નજીક હતું ત્યારે એ કોઇ જોખમ ઊઠવવા ઇચ્છતો ન હતો. કિચનમાં આવીને અવાજ ન થાય તેની તકેદારી રાખીને જ્લેવરી બોક્સ ખોલ્યુ. દરેક ખાના જોઇ લીધા પણ કોઇ કાગળના દેખાયો એટલે ધ્યેય મૂંઝાયો. એણે ફરી જ્વેલરી બોક્સ આખેઆખું ચેક કરી લીધું પણ કશિશને કોલેજમાંથી આવેલો એડમિશન લેટર તેમાં ન હતો. આટલું જોખમ ઊઠાવ્યા પછી સૌથી મોટો પુરાવો ગાયબ હતો. ધ્યેયે ફરી એકવાર ચેક કર્યું. પણ કોઇ કાગળ તેમાંથી મળ્યો નહીં એટલે છેવટે હારીને એ જ્વેલરી બોકસ ફરી વોર્ડરોબમાં મૂકી આવ્યો. જે ચુપકીદીથી એ ઘરમાં આવ્યો હતો એટલી જ ચુપકીદીથી એ બહાર નીકળી ગયો.

‘શીટ...આટલું જોખમ ઊઠાવ્યાં પછી પુરાવો તો હાથ લાગ્યો જ નહીં.‘ ધ્યેયએ ગાડીમાં બેસીને સ્ટિયરિંગ પર હાથ પછાડ્યો. હવે બીજું કશું વિચારવું પડશે બાકી જો આ એડમિશન લેટર મળી ગયો હોત તો ઓપન એન્ડ શટ કેસ બની જતે. પેલાં માણસ એનો વિશ્વાસુ માણસ હતો છતાં એણે એના નિયત સ્થળે ઊતારતા પહેલાં સૂચના આપી દીધી કે આજે જે બન્નેએ પરાક્રમ કર્યું છે તે વિશે એક અક્ષર પણ બોલવો નહીં. નહીં તો જેલભેગા થવાનો વારો આવશે. પેલો માણસ એટલું તો સમજતો હતો કે પોતે દરવાજાનું તાળું ખોલ્યું હતું એટલે સૌથી પહેલો વાંક એનો જ આવે. એણે ઉતરતા સમયે ધ્યેયને બાંહધરી આપી કે એ કોઈને કશું કહેશે નહી. પેલા માણસને ઉતારીને ધ્યેયએ પછી કશિશને ફોન કર્યો અને જે બન્યું તે જણાવ્યું,

‘વાઉ..મને ખબર ન હતી કે વકીલ શેરલોક હોમ્સ જેવા કામ પણ કરે છે.‘ કશિશે મજાક કરી.

‘યાર, જવા દે ને...આટલું રિસ્ક લીધાં પછી તંબુરો જ હાથ આવ્યો. મને લાગે છે કે મહેન્દ્ર અંકલે ઉદયને કહી દીધું હશે કે એડમિશન લેટર ક્યાં છે. એટલે એણે ડિસ્ટ્રોય કરી દીધો હશે. કશો વાંધો નહી...આપણે આ જ વાત કોર્ટમાં અલગ રીતે રજુ કરીશું એટલે આપણને ફાયદો થાય.‘ નાનકડી નિષ્ફળતાથી હારીને બેસી જવાનું ધ્યેય શીખ્યો જ નથી.

‘એની વે હું રાતે મળું‘. ધ્યેયએ પોતાના માટે કેટલું મોટું જોખમ ઊઠાવ્યું. પકડાય ગયો હોત તો ઉદયભાઇ એના પર કેસ ઠોકી દેવાનો મોક્કો ચૂકે તેમ ન હતા. વળી વકીલ તરીકેની એની પ્રેકટિશ પર અસર થતે.

‘થેન્કસ ધી! તે મારા માટે બહુ જોખમ ઊઠાવ્યું.‘ કશિશને ગીલ્ટ થતી હતી.

‘ઓયે તારા માટે જોખમ નથી લીધું, કેસ જીતવા માટે લીધું છે સમજી! ધ્યેય સુચક કદી હારવાનું શીખ્યો નથી.‘ ધ્યેયના અવાજમાં ખુમારી છલકાતી હતી.

‘સાંભળ એક ટી.વી. ચેનલ મારું ઇન્ટરવ્યુ કરવા માંગે છે...હું આપું?‘ કશિશના સવાલથી ધ્યેયના ચહેરા પર સ્માઇલ આવ્યું, પેલા નયુઝપેપરના એડિટરે ચક્રો ગતિમાન કરી દીધા લાગે છે.

‘હા..હા...કર તમતમારે...જેટલાં આવે તેટલાં બધાંને ઇન્ટરવ્યુ આપ, પણ ધ્યાન રાખજે મેં પહેલાં કહ્યું હતું તેમ તારે તારી વાત કહેવાની પણ કેસ વિશે કે કોર્ટ વિશે કોઈ ટીકા ટિપ્પણ નહિં કરવાનું.‘

‘ઓ.કે. બોસ.‘ કશિશનો જવાબ સાંભળીને ધ્યેય બોલ્યો,

‘મિસ્ટર ઉદય શાહ...અબ દેખો આગે આગે હોતા હેં ક્યા!‘

દસેક દિવસમાં ગુજરાતની બધી લોકલ ચેનલ પર કશિશના આ નવતર કેસ વિશે સમાચાર આવી ગયા. કોઇ ચેનલવાળાએ કશિશનો નાનકડો ઇન્ટરવ્યુ પણ પ્રસારિત કર્યો અને આખા રાજ્યમાં આ કોર્ટ કેસની ચર્ચા ચાલુ થઇ ગઇ. ‘ઓહ માય ગોડ‘ ફિલ્મમાં જેમ પરેશ રાવલે ધરતીકંપ આવતાં ભગવાન સામે કેસ કર્યો હતો તે પછી આ એક નવતર કેસ સમાજ સામે આવ્યો. જેની વિગત સાંભળીને જ સામાન્ય માણસનું આશ્ચર્યથી મોઢું ખૂલું રહી જતું. ભાઇ અને બાપ પર એટલે કેસ કરી શકાય કે એણે તમને જાણીજોઇને એમની દીકરીને ડોકટર બનતી અટકાવી?

ઘણી ચેનલમાં પેનલ ડિસ્ક્શન થયું. ઘણા નામાકિંત વકીલોએ ટીકા પણ કરી કે અદાલતમાં લાખોની સંખ્યામાં કેસ પેન્ડિંગ હોય છે ત્યારે જે કેસ બનતો જ નથી તેવા કેસના કારણે અદાલતનો સમય બરબાદ કરવામાં આવી રહ્યોં છે. ઘણાં વકીલે આ કેસને બિરાદાવ્યો પણ હતો. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે જે અન્યાય થાય છે તેમાં આવા કેસ સમાજને નવી રાહ ચીંધનારા બની રહેશે.

કેસની વિગત જેમ જેમ પબ્લિકમાં આવવા લાગી લોકોની લાગણીઓનું ધોડાપુર કશિશની તરફેણમાં વહેવા લાગ્યું. ખાસ કરીને મિડલએઇજ મહિલાઓ જેમને કરિયર બનાવવાનો ચાન્સ જ આપવામાં ન હતો આવ્યો, હજુ તો તેઓએ કોલેજનું શિક્ષણ પૂરું પણ કર્યું ન હોય ત્યારે તેમના લગ્ન કરી નાંખવામાં આવ્યા હતા, આવી મહિલાઓ દિલના અરમાન પુરા કરી શકી ન હતી તેઓની સહાનુભૂતિએ કશિશને ફેમસ કરવવામાં મોટોભાગ ભજવ્યો.

બીજી બાજુ કોલેજમાં ભણતી અનેક છોકરીઓને આ કેસ દ્વારા જાણકારી મળી કે તેઓ તેમના સપના પૂરા કરવા માટે કોર્ટનો સહારો લઇ શકે છે. અનેક દીકરીઓએ માતા–પિતા સામે બગાવત કરી કે અમને પણ દીકરાંની જેમ કરિયર બનાવવાનો ચાન્સ આપવામાં આવે. કોલેજે–સ્કૂલમાં આ વિષય પર ડિબેટ ગોઠવાય. અને તેથી આગની જેમ લોકલાગણી કશિશની તરફેણમાં પ્રસરી ગઇ. કશિશ આ બધી માહિતી ટી.વી. ચેનલ પર જોઇ સાંભળીને સંતોષ થતો. પોતે સમાજ માટે ઉપયોગી થઇ શકી. ભલે ડોકટર થઇને સમાજની સેવા ન કરી શકી પણ આટલાં લોકોને પોતાના કેસ પરથી પ્રેરણા મળી તે ઘણી મોટી વાત છે.

આ બધું જોઇને મહેન્દ્રભાઇ હરખાઇ રહ્યાં હતા કે એમની દીકરીએ સેલિબ્રિટિ બની ગઇ. બીજી બાજુ એમના હ્રદયમાં શુળની જેમ એક ભૂલ ભોંકાયા કરતી હતી. બસ એ ભૂલ સુધારવી કે નહીં તેનું મનોમંથન સતત એના મનમાં ચાલતું હતો. એક બે ટી.વી. ચેનલવાળાએ એમનો સંપર્ક કરીને એમનો મત જાણવા પ્રયત્ન કર્યા પણ ઉદયે એમને ભગાડી મૂકયા હતા. સૌથી વધુ નાલેશી ઉદયની થઇ રહી હતી. એક તેજસ્વી છોકરીનું ભવિષ્ય માત્ર એ છોકરી હોવાના કારણે એણે રોળી નાંખ્યું તે માટે કોઇ એને માફ કરવા તૈયાર ન હતું. આ બધુ જોઇને સૌથી વધુ કફોડી હાલત નિતિન લાકડાવાલાની થઇ હતી. એમણે અનેક કાયદાના ચોપડાં ઊથલાવી નાંખ્યા હતા પણ આ કેસને કેમ જીતી શકાય તેના કોઇ ઉકેલ મળતાં ન હતા. વળી એમને પણ ટી.વી. પર વિલન તરીકે ચીતરવામાં આવ્યાં હતા કારણ કે એમણે કશિશના ચરિત્ર પર પાયાવિહોણા આક્ષેપ કર્યા હતા.

આ બાજુ કશિશના સાસરાપક્ષમાં પણ આ વિશે ચર્ચા થતી હતી. કૌશલ અને અતુલ નાણાવટીએ એક વાત ખાસ નોંધી હતી કે કશિશે જેટલાં ઇન્ટરવ્યૂ આપ્યાં તેમાં એકપણ ઘસાતો શબ્દ પોતાના સાસરિયા વિશે બોલી ન હતી. અતુલ નાણાવટીને અફસોસ થતો હતો કે આવી હીરા જેવી વહુને ઘર છોડાવવા માટે પોતે કૌશલને મજબૂર કર્યો. કૌશલનો પસ્તાવો જોઇને અતુલભાઇને બહુ જ દુ:ખ થતું હતું. દીકરાનો હર્યોભર્યો સંસાર ઊજાડવામાં પોતે નિમિત્ત બન્યા એ અફસોસ એમને જિંદંગીભર સતાવશે. જો કે એમને ઊંડે ઊંડે આશા હતી કે કશિશ કેસ પતે પછી ચોક્કસ ઘરે પાછી આવશે. એમણે એક બે વાર એ વિશે કૌશલ સાથે પણ વાત કરી હતી પણ કૌશલે એમને સંભળાવ્યું હતું,

‘ડેડ, ક્યાં મોઢેં હું એને ઘરે પાછા આવવાનું કહું? શું એમ કહું કે તું કેસ કરીને સેલિબ્રિટી બની ગઇ એટલે પાછી ઘરે આવી જા તારો હું સ્વીકાર કરું છું ? તો મારા જેવો સ્વાર્થી માણસ બીજો કોઇના કહેવાય..કશિશને સૌથી વધુ મારા સપોર્ટની જરુર હતી ત્યારે જ મેં એને ઘર છોડવા મજબૂર કરી. એટલે હવે કશિશને હું મનાવીને પાછી લઇ આવીશ તે વાત ભૂલી જાવ. એ આવશે તો પોતાની મરજીથી બાકી હવે એને હું ઘરે આવી જા એવું કહી શકવાની હેસિયત ખોઇ બેઠો છું.‘ કોશલનો જવાબ સાંળભીને અતુલભાઈ પછી કશું બોલી શક્યા નહી. અવિચારી અને આવેશમાં પગલું ભરવાથી પસ્તાવોનો વારો આવે તે વાત હવે અતુલભાઇને સમજાય.

(ક્રમશ:)

કામિની સંઘવી