swachchhata abhiyanna pratham yoddha - shri krushn in Gujarati Motivational Stories by Ashish Trivedi books and stories PDF | સ્વચ્છતા અભિયાનના પ્રથમ યોદ્ધા: શ્રી કૃષ્ણ

Featured Books
Categories
Share

સ્વચ્છતા અભિયાનના પ્રથમ યોદ્ધા: શ્રી કૃષ્ણ

સ્વચ્છતા અભિયાન

                                   સત્યમ,શિવમ,સુંદરમ ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે એક ઉકરડો બતાવવામાં આવે છે. આ ઉકરડાને દૂર કરવા કોઈ એક પથ્થરને સિંદુર લગાવી અને ત્યાં ઉકરડા પાસે સ્થાપિત કરે છે, કોઈ આવી તેને માળા ચઢાવે છે, નાની મંદિરની દેરી બને છે અને ફિલ્મ શરૂ થતાની સાથે ત્યાં ભવ્ય મંદિર હોય છે. શું આ રીતે ભીતિથી સ્વચ્છતા લાવી શકાય? લાવી શકાય પણ તે ક્ષણભંગુર હોય છે. તે લોકો ત્યાં કચરો નાખવાનું બંધ કરી અને બીજે કચરો ફેલાવવાનું શરૂ કરે. સ્વચ્છતા કઈ રીતે લાવવી તે બાબત જોતા પહેલા સ્વચ્છતા એટલે શું? તેના વિષે જાણી લઈએ.

સ્વચ્છતા એટલે મનની અને આત્માની સ્વચ્છતા.

સ્વચ્છતા એટલે ચારિત્ર્યની સ્વચ્છતા.

સ્વચ્છતા એટલે ભ્રષ્ટાચારની સ્વચ્છતા.

સ્વચ્છતા એટલે ષડરિપુઓથી સ્વચ્છતા.

સ્વચ્છતા એટલે બાહ્ય જ નહીં પરંતુ સાથે આંતરિક સ્વચ્છતા.

જયારે આપણે અભ્યાસ કરતા ત્યારે શાળામાં સ.ઉ.ઉ.કા. નો તાસ આવતો જેમાં ક્યારેક રૂમ સફાઈ, મેદાન સફાઈ તો વળી ક્યારેક શૌચાલયની સફાઈ પણ કરવાની થતી. હાલ, શાળાઓમાં સમાજ ઉપયોગી કોઈ કાર્ય કરવાનો તાસ આવતો નથી. એન.એસ.એસ., એન.સી.સી. અને સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓમાં રહેવા માટે જુના સમયમાં વિદ્યાર્થીઓ તલ પાપડ થતા. હાલ, આ તમામ પ્રવૃત્તિઓમાં આટલો બધો રસ કોઈને રહ્યો નથી. એન.એસ.એસ. અંતર્ગત શેરી સફાઈ, ગામ સફાઈ, શેરી નાટકો દ્વારા સ્વચ્છતાની સમજ વગેરે જેવી અનેકવિધ પ્રવૃતિઓ થતી જેના આપણે સૌ સાક્ષી છીએ પણ આજની પેઢીને આવી પ્રવૃતિઓમાં રસ ઓછો પડે છે. જો શાળા માંથી જ સ્વચ્છતાને લગતી પ્રવૃતિઓનું અનુભવલક્ષી શિક્ષણ મળતું થશે તો બાળપણથી જ સ્વચ્છતા તેઓના વ્યવહારમાં વણાઈ જશે જે આગળ જતાં દેશ માટે ખૂબ હકારાત્મક પરિણામ લાવી બતાવશે.

ભારત પણ “ સોને કી ચિડિયા” કહેવાતો. ભારતમાં સોનું તો હતું પણ સાથે નિર્મળતા અને સ્વચ્છતા પણ એટલી જ હતી.

શ્રી વસાવડા સાહેબના શબ્દોમાં કહીએ તો મનથી જયારે માણસ સ્વચ્છ બની અને તેને જીવનમાં ઉતારશે ત્યારે સરકારને સ્વચ્છ ભારતના કેમ્પેઇન નહીં ચલાવવા પડે. આપણને કશ્મીરની વાદીઓમાં રહેવા મોકલે કે જેને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે તો ત્યાં પણ નર્ક ઊભું કરતાં આપણને વાર નહીં લાગે, ફક્ત 24 કલાકમાં ત્યાં પણ ગંદકી ફેલાવી શકીએ છીએ. કદાચ જો ત્યાં ગંદકી ફેલાવવા પર સજાનું ફરમાન કરવામાં આવે તો આપણને ત્યાં સ્વર્ગમાં પણ અકળામણ થશે. ફક્ત એક દ્રષ્ટાંત જોઈએ –

એક બગલાની પસંદગી કરવામાં આવી અને તેને માનસરોવરમાં હંસોની સાથે રહેવાનો અને સાચા મોતીનો ચારો ચરવાનો મોકો મળ્યો. બગલો પંદર દિવસ ગયા ત્યાં અકળાય ગયો, સાવ સુકાય ગયો, કેડ પર પેન્ટ ડખળા પડવા લાગ્યા, ખભા પરનો શર્ટ ઘઘો થવા લાગ્યો. બગલાને કીધું કે તું કેમ દુબળો થઈ ગયો, તને ભલા માણસ સાચા મોતીનો ચારો આપવામાં આવે છે, તારી સાત પેઢીમાં કોઈએ આવો ચારો નહીં કર્યો હોય. બગલો બોલ્યો, “મને જો જીવતો રાખવો હોય તો પાછો મારા તળાવમાં મને લઈ જાવ.” બગલાને તળાવમાં લઈ ગયા, જેવો બગલાને તળાવમાં છુટો મુક્યો કે ફટ દઈને ચાંચ મારી અને એક માછલી પકડીને બહાર કાઢી અને સતાધિકારીઓને કીધું, “ત્યાં સાચા મોતી હતાં પણ મને આવા પિસ્તા સિવાય ન ફાવે, સાહેબ.....”

આપણું પણ આ બગલા જેવુ છે, સાચા મોતીના ચારાની આપણને ટેવ નથી, આપણને અકળામણ થવા લાગે. But the thing is that we must change our attitude. આપણે આપણો દ્રષ્ટિકોણ, વલણ, રીતભાત થોડી બદલવાની જરૂર છે અને આ બદલાવ આપણે આપણા મનથી નક્કી કરીને જ લાવી શકીએ, કોઈના કહેવાથી કે ભીતિથી કે દબાણથી આ શકય નથી.

આપણી સ્વચ્છતા કેવી તો કે સાવરણા પકડવા, ફોટો પડાવવો, whatsapp કે facebook પર ફોટો upload કરવો. અહી ફોટો પાડવાની ક્રિયા પુરી થાય તેની સાથે-સાથે આપણી સ્વચ્છતા પણ પુરી થાય.

સ્વચ્છતા એ S.S.C. કે H.S.C. ની પરીક્ષા જેવું નથી કે ગોખી લીધું અને ત્રણ કલાકમાં ઓકી લીધું. માર્કસ મળી ગયા, બસ વાત પુરી. સ્વચ્છતા એ તો પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ચાલતી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ જેવું છે. સ્વચ્છતાએ સતત ચાલતી પ્રક્રિયા છે.

(સ્વચ્છતા) તેનો ઉકેલ રેલી કાઢે નહીં આવે તેના માટે સ્વચ્છતાની હેલી ચઢવી જોઈએ.

તેનો ઉકેલ કેમ્પેઈન કર્યે નહીં આવે તેના માટે સ્વચ્છતામાં ચેમ્પિયન થવાની જરૂર છે.

તેનો ઉકેલ સુત્રો લખે નહીં આવે તેના માટે એક સુત્રે બંધાવાની જરૂર છે.

તેનો ઉકેલ સંકલ્પ કે પ્રતિજ્ઞા લીધે નહીં પરંતુ તેના માટે ભીષ્મ પ્રતિજ્ઞાની જરૂર છે.

આ વાતનો અર્થ એવો ન કરતાં કે રેલી કે સુત્રો લખવાની જરૂર નથી પરંતુ તે બધું કર્યા પછી તેને જીવનમાં ઉતરવાનો પ્રયત્ન કરીશું તો જ હેલી અને ભીષ્મ પ્રતિજ્ઞાની વાત ચરિતાર્થ થશે.

આવો આપણે સૌ ભેગા મળી ભીષ્મ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આપણા મનથી, આત્માથી, આપણી શાળામાં, આપણા ગામમાં, તાલુકામાં, જીલ્લામાં, રાજયમાં, દેશમાં સ્વચ્છતા તરફ એક ડગલું ભરીએ અને સ્વચ્છ ભારતથી સ્વચ્છ વિશ્વ તરફ આ માનવજાતને લઈ જઈએ.

 

“સારું થયું ઓછો થશે કચરો ધરતી પરથી આ બહાને

સાંભળ્યુ છે કે ધનપતિઓ હવે ચાંદ પર રહેવા જવાના છે.”

                                                                                                                         - જલન માતારી

      

                    લેખક:-  આશિષ ત્રિવેદી 'સ્વ.'