Sarthi Happy Age Home - 2 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | સારથિ Happy Age Home - 2

Featured Books
Categories
Share

સારથિ Happy Age Home - 2


માનવ અને દેવલ બંને સાંજે પાંચ વાગે “સારથી Old Age Home"માં પહોંચી ગયેલા. ત્યાંના મેનેજર જીવણલાલે પહેલા તો આ બે છોકરાઓને જોઈને વધારે ઉમળકો નહતો બતાવ્યો પણ એ લોકો આજે અહીં એમનો જનમ દિવસ ઉજવવા આવ્યા છે એ જાણીને એ થોડા ખુશ થયા હોય એવું લાગ્યું.

“હા તો તમારા બંનેમાંથી કોણે મને ફોન કરેલો?"
“જી મેં." માનવે કહ્યું.
“ઓહ્ તો આજે તમારો જન્મ દિવસ છે! હેપી બર્થડે!" જીવણલાલ પોતાનો હાથ આગળ કરતા બોલ્યા.
“થેંક યુ." માનવે એનો હાથ આગળ વધાર્યો અને જીવણલાલ સાથે હસ્તધનુન કર્યું. “આ મારો મિત્ર છે, દેવલ."

જીવણલાલ સાથે માનવ અને દેવલ અંદર ગયા. સારથીનું મકાન બે માળનું હતું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર અંદર દાખલ થતાં જ મેનેજરની કેબિન આવતી હતી. જેમાં જીવણલાલ એમના ટેબલ પાછળ બેસી હસતા જોવા મળતા. એમના વાળની સફેદી કહેતી હતી કે આ માણસે ક્યારનાય નિવૃત્ત થઈ જવું જોઈએ અને એમના ચહેરા પરની ચમક અને રેલાઈ રહેલું હાસ્ય કહેતું, નિવૃત્ત થયા બાદ તો અહીંયા આવ્યો છું, નોકરીથી અને જીવનથી પણ!

કેબિન વટાવતાં જ એક મોટો હૉલ આવતો હતો. એ હોલનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવતો. રોજ સવાર સાંજ એ ભોજનખંડ તો હતો જ ઉપરાંત ક્યારેક કોઈ મિટિંગ હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે સારથીના બધા સભ્યો અહીંયા હાજર થતાં. હૉલને અડીને જ રસોડું અને ઉપર જવાની સીડી આવેલા હતા. રસોડામાં એક મહારાજ સિવાય કોઈ ન હતું.
માનવ અને દેવલ હાલ જીવણલાલ સાથે હૉલમાં જ ઉભા હતા. જીવણલાલ મહારાજ ને કહી રહ્યા હતા,
“આજે આ માનવભાઈનો હેપ્પી બર્થ ડે છે અને એ આજની સાંજ આપણા બધા સાથે વિતાવવા માંગે છે. એમની મદદમાં રહેજે અને ઉપર જાણ કરી દે કે માનવ આવી ગયો છે. મેં સવારે બધાને વાત કરેલી જ છે."
“હેપી બરથડે માનવ ભાઈ!" ઉપરના શરીર પર એક હાથરૂમાલ જેવું કપડું ખભે નાંખેલા અને નીચે થોડી મેલી સફેદ ધોતી પહેરેલા મહારાજે એમનું વિશાળ પેટ વચ્ચે ના નડે એમ માનવ સામે હાથ લંબાવી, હાથ મેળવ્યો અને તરત જ કહ્યું, “એકલી કેક જ લાવ્યા છો કે સાથે કંઇ નાસ્તો, સમોસા, ચિપ્સ એવું પણ છે!"
માનવ સહેજ હસ્યો, એને હતું જ કે આ સવાલ પૂછવાનો અને એનો જવાબ રેડી હતો, “હાલ કેક જ લાવ્યો છું. પ્લીઝ અત્યારે એને ફ્રીઝમાં મૂકી દેજો. બીજા નાસ્તામાં સમોસા અને ચિપ્સ નથી લાવ્યો પણ પિઝા ઑર્ડર કરવાનું વિચાર્યું છે. બધા આવી જાય એટલે જેને જે ગમતો હોય એવો પિઝા એને માટે મંગાવી લઈશું. તમે કહેતા હો તો સમોસા પણ મંગાવી લઉં?"

“હા..." મહારાજ કંઇક બોલવા જ જતા હતા અને જીવણલાલ સામે જોઈ એમણે મોઢું સહેજ કટાણું કરીને કહ્યું, “પિઝા જ બરાબર છે. બારના સમોસા ખાઈને આમેય બધાને એસિડિટી થઈ જાય છે. હું થોડા બટેટા પૌંઆ અને ચા બનાવી લઉં છું એટલે આજે રાતના ભોજનની જરૂર જ નહિ પડે."
“માનવ બધું થઈ રહેશે તું ચિંતા ના કર. આ અમારો મહારાજ આમ થોડો આળસુ ખરો પણ એક વખત કામ હાથમાં લે એટલે પછી એને કોઈ ના પહોંચે. તારા જેવા યુવાનો અહીંયા આવે અને આ લોકો સાથે સમય પસાર કરે એટલું જ પૂરતું છે. અમારી પાસે ફંડ ઘણો છે ખાવા પીવાની કોઈ કમી નથી. એમાંય જ્યારથી મહેંક બહેનના હાથમાં વ્યવહાર આવ્યો છે ત્યારથી તો દર મહિને અહીંયા એકાદ પાર્ટી થઈ જાય છે!" જીવણલાલ આગળ બોલી રહ્યા હતા અને માનવનું મન મહેંક બહેન સાંભળતા જ ફરીથી પેલા સુંદર ચહેરાની કલ્પના કરવા લાગી ગયેલું.

“મહેંક બહેન એટલે અમારી કોલેજના પ્રોફેસર?" હવે દેવલને વાતમાં રસ પડ્યો અને એણે મોઢું ખોલ્યું, “જબ્બર છે એ લેડી! અમારી કોલેજના ભલભલા ગુંડા જેવા છોકરાઓ પણ એમની આગળ એક શબ્દય બોલવાની હિંમત ના કરે."
“એ અહીં આવશે ને સાંજે?" માનવે ખૂબ ધીમેથી, જાણે બબડતો હોય એમ પૂછેલું.
“અરે એમને તો કહેવાનું જ ભુલાઈ ગયું! વાંધો નહીં હું ફોન ઉપર વાત કરી લઈશ. બહેન બીજા કોઈ કામમાં વ્યસ્ત નહિ હોય તો ચોક્કસ આવી જશે."

“ના...ના...રહેવા દો ને! એમનું શું કામ છે અહીંયા જુવાનિયાઓની પાર્ટીમાં? એમની હાજરીમાં મારી તો બોલતી જ બંધ થઈ જાય છે." દેવલ આંખ મારીને હસતા હસતા બોલેલો.
“મહેંક બેન આમ સ્ટ્રિક ખરા પણ આમ પાછા બહુ માયાળુ!" જીવણલાલે સહેજ ગંભીર થઈને કહ્યું.
“હવે તમારું આ આમ આવા પણ આમ પાછા આવા મને નહિ સમજાય. જેની પાર્ટી છે એને પૂછો બોલાવવા કે નહીં!"
માનવ શું જવાબ આપે? એનું મનતો કેટલાય દિવસોથી આજની આ સાંજ માટે પ્લાનિંગ કરી રહ્યું હતું. મહેંક બેનની નજરમાં સહેજ ઉપર ઉઠવા મળે એ જ એક હેતુને પાર પાડવા તો કેટલાય મહિનાથી રૂપિયા બચાવ્યા હતા અને આ પાર્ટી ગોઠવી હતી!
ક્રમશ....