સુરેખા હરણ (6)
બલભદ્રના મહેલની અગાશીમાં ઉતરીને ગટોરગચ્છે સુરેખાનું રૂપ ધારણ કર્યું અને પોતાની માયા સંકેલી લીધી.
એ સાથે જ છાબ લઈને આવેલી વેવાણો અદ્રશ્ય થઈ ગઈ. મંડપમાં માત્ર પ્રભુની રાણીઓ અને બલભદ્રની રાણી જ રહ્યાં. એકાએક આવું કૌતુક જોઈ સૌ ભય પામ્યાં.
અવન્તિકાજી દોડીને મહેલમાં સુરેખાને શોધવા દોડ્યાં. કોઈ માયાવીએ માયા રચી હોવાના સમાચાર બલભદ્રને અને પ્રભુને પહોંચાડવામાં આવ્યા.
અવન્તિકાજી ચોથે માળે પહોંચ્યાં ત્યારે સુરેખા એમને રડતી રડતી સામી મળી.
દીકરીને સલામત જોઈ અવન્તિકાજીના જીવમાં જીવ આવ્યો.
"અરે...માતા મને તો ખૂબ ડર લાગે છે...મારી સાસુ તો કોણ જાણે હવામાં જ ઓગળી ગયાં. મને છેક અગાશીમાં લઈ ગયા અને પછી ઓગળી ગયા... હું તો જીવ બચાવીને નાસી આવી." કહી ગટોરગચ્છ અવન્તિકાજીને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.
એને સાંત્વન આપીને માતા નીચે લઈ આવ્યાં ત્યારે બલભદ્ર અને ભગવાન આવી પહોંચ્યા હતા.
''હું તો કહેતો જ હતો...કે આ રહેવા દો...દુર્યોધનના ઘેર પરણાવીને દીકરી દુઃખી થઈ જશે. જોયુંને ત્રણ ત્રણ દિવસથી ભવાઈ ચાલે છે. આજ એકાએક આ બધી વેવાણો હવામાં ઓગળી ગઈ...હજી કહું છું...આ જાનને પાછી વાળો...કંઈક અમંગળ થવાના ભણકારા મને સંભળાઈ રહ્યા છે." ભગવાને કહ્યું.
"લે રાખ રાખ હવે...તું હોય ત્યાં અમંગળ શાનું થાય. મને તો આ બધા તારા જ કારસ્તાન લાગે છે. એક મોટો રાજા મારો સગો થાય એ તને ખટકી રહ્યું છે. પહેલેથી જ તું આડો ચાલે છે...આવું કેમ થયું એ જાણવાને બદલે તું ઊંધી સલાહ આપે છે..."
બલભદ્ર ખિજાયા.
"તો પરણાવી લેજો દીકરી...હું તો આ ચાલ્યો...મારે તો ઘણાય કામ છે...બિચારા પાંડવો વનમાં ભટકે છે...ઘણા સમયથી મળવા જવાયું નથી...એટલે હું જાઉં છું. તમતમારે મોટા સગાં કરી લ્યો...મારે તો મારા ગરીબડા સગા જ સારા છે." કહી પ્રભુ ચાલતા થયા.
એ વખતે સુરેખા અને અવન્તિકાજી નીચે આવ્યાં.
સુરેખા કાકાને જતા જોઈ જોર જોરથી રડવા લાગી.
''કાકાને બોલાવો...કાકાને બોલાવો...મારે એમના ખોળામાં સૂવું છે...કાકાને બોલાવો..." બાળા રડવા લાગી.
એ જોઈ બલભદ્રે કૃષ્ણને કહ્યું. "દીકરી બોલાવે છે. ઘડીક એના માથે હાથ તો મુકતો જા."
"ના...રે ના...મારે તો ઘણાય કામ છે...દીકરી કાંઈ નાની નથી...અને તમને તો આ બધી ભવાઈ પાછળ મારો હાથ લાગે છે. તો હું શું કામ દીકરીને માથે હાથ મૂકું...વળી કંઇક નવીન થાશે તો મારો વાંક આવશે.''
કહી ભગવાન ઉભા રહ્યા.
ભગવાનની વાત સાંભળીને બલભદ્ર ગુસ્સાથી બોલ્યા,
"તારા ભાંડરડા મારા ખોળામાં રમીને મોટા થયા છે એ ભૂલી ગયો... કેટલીયવાર અમારા વસ્ત્રો બગાડ્યા છે...તોય અમે કોઈ દિવસ મોઢું નથી બગાડ્યું...અને આજ દીકરીને ડર લાગી ગયો છે ત્યારે જરાવાર ખોળે લેતા બળ પડે છે તને...? "
"સારું...દાઉ...મારો વાંક કાઢતા નહીં... " કહી કૃષ્ણ પાછા વળ્યા અને ગટોરગચ્છ પાસે આવીને બેઠા. સુરેખાના રૂપમાં રહેલો ગટોરગચ્છ ખડખડ હસ્યો.
"કાકા...કન્યા ઠેકાણે પહોંચી ગઈ છે...હવે તમે કહો તેમ કરું."
સુરેખાને હસતી જોઈ બલભદ્ર રાજી થઈને ત્યાંથી જતા રહ્યાં.
ભગવાને સુરેખાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને ક્હ્યું, "તને જેમ સુઝે તેમ કરજે પણ યાદવને કે અમારા ઘરના સભ્યોમાંથી કોઈને હેરાન કરતો નહીં.''
" ભલે કાકા...કાકા કહું કે મામા...?"
"તારે જે કહેવું હોય તે કહે...'' કહી ભગવાન હસ્યા.
*
સવારના અગિયાર વાગ્યા એટલે દુર્યોધને ભાનુમતીને બોલાવીને છાબ લઈ જવા કહ્યું. ભાનુમતીએ છાબ તૈયાર કરી. નવ્વાણું દેરાણીઓ અને છ કારભારીઓની રાણીઓ સાથે શણગાર સજીને ગીત ગાતા ગાતા બલભદ્રના મહેલ તરફ પ્રયાણ કર્યું.
દ્વારકાવાસીઓ પણ વેવાણને ફરી વખત છાબ લઈ જતા જોઈ નવાઈ પામ્યાં. ભગવાને બનેલી બીના અંગે સૌને ચૂપ રહેવા સમજાવી દીધા હતા એટલે જાણે પહેલીવાર જ છાબ લઈને વેવાણ આવ્યા હોય એમ આદર સત્કાર કર્યો.
ભાનુમતીએ મંડપમાં બિરાજીને અવન્તિકાજી સામે હસીને જોયું અને કહ્યું,
"લ્યો, વેવાણ અમારી વહુને બોલાવો અને છાબ સ્વીકારી લો."
અવન્તિકાએ સુરેખાને સાદ પાડીને બોલાવી. સોળે શણગાર સજીને રૂપાળી સુરેખા મલપતી મલપતી આવી. એ જોઈ ભાનુમતી તો રાજી રાજી થઈ ગઈ. બાજુમાં બેઠેલી શકુનિની રાણીને કહ્યું, "જોયું મામી, કેવી સુંદર કન્યા છે...આપણો લક્ષમણો તો બહુ જ ભાગ્યશાળી નીકળ્યો હો..."
"હા...હા...દીકરો કોનો છે...? હસ્તિનાપુર રાજ્ય કંઈ નાનું થોડું છે...? આવી તો એક કરતાં એકસો કન્યાઓ મળી રહે..."
સુરેખા આવીને છાબ લઈ ગઈ. પછી આવીને ભાનુમતીને ઉછંગે હળવેથી બેઠી.
ફૂલ જેવી રાજકુમારીને જોઈ ભાનુમતી તો ફૂલી સમાતી નહોતી.
"બેટા, સુરેખા...તારા સાસુને ભેટવું જોઈએ..." અવન્તિકાજીએ કહ્યું.
એટલે ગટોરગચ્છે ભાનુમતી ફરતો હાથનો ભરડો લીધો અને છાતીના પીંજરામાં કડાકો બોલાવી દીધો.
"ઓય...મા...રે...મરી ગઈ...આટલી બધી બળુકી વહુ છે. મામી...હું તો મરી જઈશ..." ભાનુમતીનો ચિત્કાર સાંભળી શકુનિની પત્નીએ એના પડખામાં ચૂંટી ખણતાં ખિજાઈને કહ્યું, " હવે નાની બાળ છે. જરા ભીંસ દીધી એમાં શું રાડો પાડવા બેઠી છો...વેવાણ શું વિચારશે...કહેશે કે આટલી'ય શક્તિ નહીં હોય ? સાવ રાંકી લાગે છે."
ભાનુમતીના ખોળામાં સુરેખા વહુ ખડખડ હસી રહી હતી. એનું વજન ઘડીકવારમાં તો એટલું વધી ગયું હતું કે ભાનુમતીથી ફરીવાર રાડ પડાઈ ગઈ.
સુરેખાને ખોળામાંથી ઉતારવા ધક્કો માર્યો પણ એક તસુભાર પણ કન્યા હટી નહીં. એનો ભાર સાસુમાથી ખમાતો નહોતો. એ જોઈને ભગવાનની પટરાણીઓ હસી પડી.
મામીએ ફરી ટોણો માર્યો...અને હળવેથી કાનમાં કહ્યું,
"અલી એય...મુંગી મરને બાપા. તું હસ્તિનાપુરની મહારાણી થઈને શું રડવા બેઠી."
એ સાંભળીને ભાનુમતી ગુસ્સે થઈ. એકબાજુ ગટોરગચ્છ કાકીને વહાલ કરી રહ્યો હતો...! અને બીજીબાજુ મામી મેણાં ટોણાં મારતી હતી.
"વહુ બેટા.... જરાક હવે તમારી મામીના ખોળામાં જઈને બેસો." ભાનુમતીએ ભાર હળવો કરવાનો રસ્તો શોધ્યો. મામી મારી પીડા સમજ્યા વગર ચૂંટી ખણે છે અને મેણાં મારે છે. તો ભલે એ પણ જાણી લે કે બલભદ્રની આ કન્યા કેટલી બળુકી છે...!
ભાનુમતીએ કહ્યું એટલે તરત જ એના ખોળામાંથી ઉઠીને સુરેખા બનેલો ગટોરગચ્છ મામીના ખોળે બેઠો. બે હાથ પહોળા કરીને મામી ફરતે ભરડો લઈને વહાલ કર્યું.
"ઓ...મા...મરી ગઈ રે....અરે ઓ વહુ દીકરા...જરાક હળવેથી... તું તો ભારે બળુકી છો બાઈ..."
ગટોરગચ્છ મામીના ખોળામાં વજન દેવા માંડ્યો એટલે બિચારી મામી પણ ત્રાસ પામીને રડી પડી.
"કાં...? કરોને વહાલ... આટલી અમથી છોકરીનું વજન ખમી નથી શકતા...? મૂંગા મરો...વેવાણો હસી રહી છે...!" કહી ભાનુમતીએ બદલો વાળ્યો.
મામીએ ગટોરગચ્છને ધક્કો મારીને ખોળામાંથી દૂર કરવા પ્રયત્ન કરી જોયો..પણ એ તો હલતો પણ નથી અને ખડખડ હસે છે...!
આખરે અવન્તિકાજીએ સુરેખાને ઉભી કરી ત્યારે મામીનો છુટકારો થયો. ભાનુમતી અને મામીની છાતીના પાટિયા ભીંસાઈ ગયા હતા અને પગ તો હવે જાણે જમીન પર મંડાતા નહોતા.
બંને લંગડાતી ચાલે ઉભી થઈને પરાણે હસતું મોં રાખી રહી હતી.
"મા, મારે હજી સાસુજીના ખોળામાં બેસવું છે...હું બેસું..." ગટોરગચ્છે ઝીણા અવાજે કહ્યું.
"બસ, દીકરી બસ...તું સાસરે આવ પછી રોજ બેસજે. હું તને મારી દીકરીની જેમ જ સાચવીશ હો ને..?"
કહી ભાનુમતી બધી સ્ત્રીઓને લઈને ચાલી.
અવન્તિકાજીએ બપોરનું ભોજન લેવાનો આગ્રહ કર્યો પણ બે હાથ જોડીને ના પાડી. જેમ બને તેમ અહીંથી જલદી જઈને દુર્યોધનને કહેવું હતું કે આ વહુ મારે એકી લાખેય પોસાય નહીં. મારા કુમળા લક્ષમણાને આ છોકરી મારી જ નાખશે...!
વળતી વખતે રસ્તામાં મામી તો સાવ મૂંગા મંતર થઈ ગયા હતાં. માંડ માંડ શ્વાસ લેવાતો હતો. બંને પગના ગોઠણમાં કડેડાટી બોલી ગઈ હતી...!
"મામી..કેમ તમે કાંઈ બોલતા નથી. સાપ સુંઘી ગયો કે શું...? હું જઈને તમારા ભાણેજ અને મામાને વાત કરવાની છું. આ છોકરી મારે ન જોઈએ...મારો લક્ષમણો બિચારો મરી જ જાય ને."
"તારી વાત સાચી છે વહુ...છે તો બહુ જબરી...પુરુષ કરતાંય વધુ બળુકી મુઈ છે...કોણ જાણે બલભદ્રે શું ખવડાવીને ઉછેરી છે. હવે તો એને પરણીને લઈ જ જવી પડે કારણ કે જો આપણે હવે ના પાડીએ તો આપણું આવી જ બને. દ્વારકાવાળા આવો ફજેતો ચલાવી લે નહીં. એક તો ત્રણ દિવસથી નાટક ચાલુ જ છે. હવે છોકરો પરણાવવાની ના પાડીએ તો બલભદ્ર જીવતા જવા ન દે...એટલે તું શાંતિ રાખ. મારી બાઈ આપણે હસ્તિનાપુર લઈ જઈ એનું બળ બારું કઢાવી નાંખીશું...દાસીપણા કરાવીશું. આખા મહેલનો ઢસરડો માથે નાખીશું. બહુ બળુકી છે ને...જોઈ લઈશું એનું બળ, અને લક્ષમણાને તો જોઈએ તેવી કન્યા આપણે પરણાવીશું..."
મામીની સલાહથી ભાનુમતી શાંત થઈ. એના પગ પણ દુઃખી રહ્યા હતાં. ચહેરા પર ઉદાસીનું કાળું વાદળું છવાઈ ગયું હતું.
દીકરો પરણાવવાના કોડમાં દીવાસળી ચંપાઈ હતી.
સૌ મહિલાવૃંદ ઉતારે આવ્યું ત્યારે ભાનુમતીનું ઉતરેલી કઢી જેવું મુખારવિંદ જોઈ ભૂપતિ દુર્યોધન વિસ્મય પામ્યો. એણે કક્ષમાં આવીને પૂછ્યું, "કેમ મહારાણી મુંઝાયા છે ? શું કન્યા ન ગમી ? મહેમાનગતિ ઓછી પડી ? હું હસ્તિનાપુર હારી ગયો હોઉં એવું મુખડું કેમ ધારણ કર્યું છે ?"
પતિના આવા વચન સુણી ભાનુમતી રડવા લાગી. એ જોઈ દુર્યોધન ગંભીર થઈ ગયો.
"બલભદ્રની કન્યા બહુ જબરી છે. આપણે આ લગ્ન નથી કરવું. મારા લક્ષમણા માટે એક કહેતા એક હજાર કન્યાઓ મળી જશે. મારા અને મામીના હાડકા ભાંગી નાખ્યાં."
દુર્યોધન એ સાંભળી હસી પડયો.
"કંઈ ભાનબાન છે કે નહીં. નામ તો ભાનુમતી છે પણ ભાન તો ભેંસ જેટલી પણ નથી. અત્યારે હવે લગ્ન કરવાની ના પાડીએ તો બલભદ્ર જીવતા જવા ન દે...એટલે બહુ ડાહી થયા વગર છાનીમાની જાન ઉપાડવાની તૈયાર કરો..." કહી દુર્યોધન જાનને તૈયાર કરવા ચાલ્યો.
*
સુરેખા બનેલો ગટોરગચ્છ માતા અવન્તિકાજી પાસે જઈ બેઠો.
"મા મને ભૂખ લાગી છે. જાન માટે જે મીઠાઈ બનાવી છે એ ઓરડાની ચાવી આપોને...હું જઈને મને ભાવતી મીઠાઈ ખાઈશ."
દીકરીની વાત સાંભળી માતાએ તરત જ ચાવીઓ આપી.
ગટોરગચ્છ જઈને કોઠારમાં પેઠો.
માથું ધુણાવીને એક હજાર દૈત્ય પેદા કર્યા. એમાંથી પાંચસોના ટોપલા બનાવી એમાં બધી જ મીઠાઈ ભરીને પાંચસો દૈત્ય પાસે ઉપડાવ્યા. બધી જ મીઠાઈ હિડંબાવન મોકલીને કોઠાર ખાલી કરીને તાળું માર્યું.
હિડંબાવનમાં સુભદ્રા અને હીડંબાએ મીઠાઈના ટોપલા જોઈને દૈત્યોને સર્વ સમાચાર પૂછ્યા.
દૈત્યોએ ગટોરગચ્છે કરેલી માયા વિશે વિસ્તારથી જણાવ્યું. એ સાંભળી બંને ખૂબ રાજી થઈ.
*
આખરે વાજતે ગાજતે જાન ચાલી. દ્વારકાવાસીઓએ વરરાજાને જોઈ મોં મચકોડયા.
"આવો વરરાજા શું જોઈને બલભદ્રજીએ શોધ્યો...સુરેખાકુંવરી સાથે શોભે એવો તો અભિમન્યુ જ હતો..." આવી વાતો જનસમૂહમાં થવા લાગી.
માંડવે જાન આવી પહોંચી. વરરાજાના ઓખણાં પોખણાં થઈ ગયા. દુર્યોધનસુત માંડવામાં પરણવા બેઠા.
મંડપની પૂર્વ દિશામાં જાનૈયા કૌરવો અને માંડવિયા યાદવો બેઠા.દુર્યોધન સાથે હળધર બેઠા. ભગવાન પણ મંદ મંદ સ્મિત રેલાવતા બેઠા.
પશ્ચિમ દિશામાં જાનડીઓ સાથે યાદવકુળની નારીઓ ગીત ગાતી બેઠી.
ગર્ગાચાર્ય અને કૃપાચાર્ય વરકન્યાને પરણાવવા મંડપમાં બેઠા. લક્ષમણા સાથે શકુનિમામો મંડપમાં બેઠો.
"કન્યા પધરાવો સાવધાન" ની બૂમ ગર્ગાચાર્યે પાડી એટલે પ્રભુનો જ્યેષ્ટ પુત્ર પ્રદ્યુમન સુરેખાને તેડીને મંડપમાં લઈ આવ્યો. બાજઠ પર લક્ષમણા સામે બેસાડીને પોતે બાજુમાં બેઠો.
એ જોઈ જદૂનાથે વિચાર્યું કે જો પ્રદ્યુમન ત્યાં બેસશે તો ગટોરગચ્છને ફાવશે નહીં એટલે તરત જ એમણે સાદ પાડીને એને સભામંડપમાં બોલાવી લીધો.
હવે ગટોરગચ્છને પોતાની માયા રચવામાં કોઈ મુશ્કેલી પડે એમ નહોતું...!