Hu Jesang Desai - 8 in Gujarati Fiction Stories by Jesung Desai books and stories PDF | હું જેસંગ દેસાઈ.. ભાગ ૮

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હું જેસંગ દેસાઈ.. ભાગ ૮

ભાગ-8

દરેક મા- બાપ યુવાનીને ઉંબરે પગ મુકીને ઉભેલા પોતાના સંતાનો પગભર થઇ બે પૈસા કમાતા હોય તેવું ઇચ્છતા હોય છે. કારણ કે સંતાનો પોતાના બાવડા કે બુધ્ધિના જોરે ચાર પાંદડે થયા હોય પછી વહેવાર- તહેવારમાં પણ કંઇ જોવાપણું ના હોય. ભણેલા-ગણેલા નોકરીયાત કે ધંધાદારી સંતાનોનું સગપણ અને લગ્ન પણ ફટાફટ થાય એટલે મા- બાપના હૈયે પોતાના દિકરા-દિકરીઓ સૌ સૌના ઠેકાણે પડ્યા હોય એની સંતોષીનો પણ ભાવ હોય ! પોતાનું સંતાન ઉંમરલાયક થાય એટલે મા-બાપને પોતાના પુત્ર-પુત્રીને પરણાવવાની સૌથી મોટી ચિંતા શરૂ થાય ! સંતાનની જેમ ઉંમર વધતી જાય એમ એના માટે પાત્ર શોધવા માટે મા-બાપ બેબાકળા થતા હોય છે. જો કે અમારી બાબતે અમારા માતા-પિતાના મનમાં આવો કોઇ ઉચાટ થાય એના માટે કોઇ કારણ હતું નહી. કારણ કે અમે તો ઘોડીયામાં હિંચતા હતા ત્યારે જ અમારા દાદાએ અમારૂ સગુ કરી નાંખેલુ. આજની તારીખે પણ ઉત્તર ગુજરાતના કેટલાક સમાજોમાં સંતાન નાની ઉંમરનું હોય ત્યારે એની સગાઇ કરી સગીર વયે જ લગ્ન કરી દેવાના કુરિવાજો હજુય અસ્તિત્વમાં છે.
આજથી પચાસ વરસ પહેલા વઢીયાર પંથકમાં અમારા દાદા પીરા બાવા અમારા સમાજના મોટા પંચાતિયા અને આબરૂદાર માણસ ! પૈસે ટકે સુખી માલધારી માણસ પીરા બાવા પાસે અપાર જાહોજલાલી હતી અને અમલ(અફીણ)ના મોટા બંધાણી હતા. ઘરે બે તાજણ જાતની કાળી ઘોડીઓ રાખતા અને વીસેક દુઝાણી ભેસો એમના ખીલે કાયમ માટે ઝુલતી રહેતી. પીરા બાવા અને તેમના નાના ભાઇ ખેતા બાવા વચ્ચે આઠ સાંતીની જમીન હતી પણ એશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી રાખવાનું એમને બંધાણ થઇ ગયુ હતુ. જો કે ભાઇએ ભાગ પડતા પોતાના છ દિકરાઓ વચ્ચે ચાર સાંતીની જમીન ભાગે આવેલ અને ત્યાંથી પૈસે ટકે પણ ડુબ્યા હતા પણ તોય લાંબુ ગામતરૂ કર્યુ ત્યાં સુધી આબરૂ અકબંધ ધરાવતા પીરા બાવાનો સમાજમાં પડતો બોલ ઝીલાતો.
પીરા બાવાના પૌત્ર હોવાના નાતે અમારી સગાઇ નાનપણમાં જ થઇ ગયેલી. પીરા બાવા સમાજની એક પંચાત કરવા બહારગામ ગયા હશે ત્યારે સારૂ ખોરડુ જોઇ અમારી સગાઇનો રૂપિયો ત્યાં જ દઇ આવેલા ! જો કે અમારી સગાઇની વાત એ જમાનામાં નવ ચોપડી ભણેલા અમારા પિતાજીની જાણ બહાર હતી પણ આદર્શ પુત્રની જેમ પિતાની આજ્ઞાને શિરોમાન્ય ગણનાર અમારા પિતાજીએ દાદાએ પોતાના પૌત્રના સગપણ માટેનો રૂપિયો આબરૂદાર માણસના ઘરે જ આપ્યો હશે એમ માની અમારા સગપણનો મોડે મોડેથી પણ ગોળ ખાઇ લીધેલો ! એ જમાનો બાળ લગ્નોનો જમાનો હતો.પરીવારની પુખ્ત દિકરીઓના લગ્ન લેવાય એ વખતે તેમની સાથે ઘરની બીજી સગીર દીકરીઓને પણ પરણાવી દેવામાં આવતી. હા, સાસરીમાં તો પુખ્ત થયા પછી જ મોકલાતી પણ એક જ ખર્ચામાં બધુ પતાવી દેવાય એટલે ગામડાના મા-બાપ પોતાની મોટી ઉંમરની દિકરીનો લગ્નનો માંડવો રોપે એની સાથે નાની દિકરીઓના પણ હાથ મહેંદીથી લાલ કરી દેતા. અમે જ્યારે 1997ની સાલમાં બીજી ચોપડી ભણવા બેઠા એ વખતના વૈશાખી વાયરામાં અમારા આંગણે પણ રઢીયાળા ઢોલ ઢબકેલા. એ ઢબુકતા ઢોલના વૈશાખી તડકામાં ચારેકોર ગવાતા ગાણાના કોલાહલમાં જ અમને સફારી પહેરાવી પરણાવી નાંખેલા. દેશી ઢોલની ડાંડીએ અમારા શરીરે પીઠી ચોળાઇ અને સાત દિવસના અમારા લગન લખાયેલા.મોસાળપક્ષે અમારા ચારેય મામા વતીથી પોતાના ભાણેજનું એ દાયકાની સારી કહી શકાય એટલી માતબર રકમનું મોસાળુ પણ ભરાયેલુ. બેન્ડવાજા અને ડીજેના આ જમાનામાં તો મોંઘીદાટ ગાડીઓ અને લક્ઝુરીયસ કારોમાં જાન જાય પણ એ વખતે ગામડામાં ભાગ્યે જ કોઇની પાસે ચાર પૈડાવાળું વાહન જોવા મળતુ એટલે અમારી જાન પણ ટ્રેક્ટરમાં ગયેલી ! જાન બે દિવસ ત્યાં રોકાઇ અને બીજા દિવસની સાંજે ફક્ત વરરાજાને લઇને નીકળેલી જાનના વળામણા થયેલા ! માણસો હજુય વાતો કરે છે કે અમે ચૉરીમાં પણ બીજા આંટે સુઇ ગયેલા તે છેક સવારે ચા પીવા ઉઠેલા. પણ પિતાજીએ નાનપણમાં જ ધામધુમથી અમારા લગ્ન કરાવી જાણે નવખંડની બાદશાહી સાંપડી હોય એમ રાહતનો શ્વાસ લીધેલો.
જો કે અમારો પ્રસંગ તો નાનપણમાં જ ઉકલી ગયો હોઇ અમારા બેકારીના દિવસોમાં આવી બધી ચિંતા કરવાનું કારણ ન હતુ છતા યુવાનવયે બે પૈસા રળી ઘરની કથળતી આર્થિક પરિસ્થિતિને ટેકો કરવાના ઇરાદાથી અમે નોકરી મેળવવા માટે અહીંથી તહીના ધરમધક્કા ખાતા હતા. એ જ દરમિયાન વોડાફોન કોલસેન્ટરના ઇન્ટરવ્યુમાં પાસ થતા જ ડુબતા માણસને જેમ તરણું મળે એમ મને પણ આશાનું એક નવું કિરણ દેખાયુ. પણ સાથે થોડી નિરાશા એ વાતે હતી કે એકવાર ફરીથી અમદાવાદ જઇ નોકરી કરવાની હતી. અગાઉ જ્યારે હું, અન્ના અને હિતેશ અમદાવાદને બાય બાય કહી ગીતામંદિરથી ગામડે જવા માટે નીકળ્યા ત્યારે "કાળી મજુરી કરી લઇશું પણ હવે અમદાવાદ તો પાછા નહી જ આવીએ" એવી પ્રતિજ્ઞા કરીને છુટા પડ્યા હતા. જેમ જોગીદાસ ખુમાણે પોતાનું કુંડલા પાછું મેળવવા ભાવનગરના ઠાકોર જેસાજી સામે બહારવટે ચડતા પહેલા કુંડલા સર ના કરે ત્યા સુધી નાવલી નદીનું પાણી હરામ કર્યુ હતુ એમ અમે પણ અમદાવાદ ના જવા માટેનું પાણી લઇ લીધુ હતુ. અમારો અમદાવાદ સાથેનો પ્રથમ અનુભવ સારો નહોતો છતા પણ ગામડે બેકાર બેસી બધાના મેણા ટોણા સાંભળવા એના કરતા ફરીથી એકવાર અમદાવાદ જઇ નસીબ અજમાવી એની આડેથી પાંદડુ હટાવવા તથા પાંચિયુ રળી પોતાના પગ પર ઉભા થવાની ગણતરીએ મે પ્રતિજ્ઞા તોડી અમદાવાદની એકવાર ફરીથી શરણાગતિ સ્વીકારી લીધી.એ સાંજે જ મે અન્ના(અરવિંદ)ને ફોન કરી વોડાફોનના ઇન્ટરવ્યુમાં હું પાસ થયો છુ અને આવતીકાલે અમદાવાદ જવાનું છે એની વાત કરી. હું એકલો અમદાવાદ જાઉ એના કરતા અન્ના(અરવિંદ) પણ સાથે આવે એ માટે મે એને આગ્રહ કર્યો પણ અન્નાએ ફરીથી અમદાવાદ આવવા માટેની ઘસીને ના પાડી દીધી. મે એને ખુબ સમજાવ્યો પણ એ ફરીથી અમદાવાદ આવવા માટે રાજી ન થયો.એ મારી સાથે અમદાવાદ આવવા તૈયાર થાય એના માટે મે ઘણા બધા પ્રલોભનો પણ આપ્યા કે વોડાફોન કંપનીવાળા પગાર સારો આપે છે, રહેવા જમવાની સગવડ કરી આપે છે પણ દુધનો દાઝેલો જેમ છાશ ફુંકી ફુંકીને પીવે એમ અગાઉ અમદાવાદમાં પડેલી તકલીફોની વાતો આગળ ધરી વોડાફોન વાળા ગમે એટલો પગાર આપે તોય અમદાવાદ તો નહી જ આવું એ વાતનું રટણ એણે ચાલુ રાખ્યુ. અન્ના એકનો બે ન થયો અને અમદાવાદ ના આવવાની જીદ પર અડગ રહ્યો. આખરે મને એકલાને કોલસાની દલાલી કરી હાથ કાળા કર્યા વગર છુટકો ન હતો. જ્યાં ખોવરાયુ છે ત્યાં ફરીથી જઇને ગોતવાનું છે એવી ગણતરી માંડી ઢચુ પચુ મન સાથે હું ગામડેથી અમદાવાદ જવા રવાના થયો. .
આજની તારીખમાં અમદાવાદ મેટ્રોસીટીની હરોળમાં આવે છે. પણ આ અમદાવાદ એક શહેરમાં બે શહેર સમાવીને બેઠુ છે.મેટ્રોસિટી અમદાવાદ એક શહેર છે અને એ જ નામમાં ગંદકીથી ખદબદતુ બીજુ પણ એક શહેર છે.એક રિવરફ્રન્ટ છે તો એની પાછળના ભાગમાં તેનાથી અલગ જ એક વિપરિત દુનિયા પણ છે. ઇતિહાસની સાથે બાથ ભીડનારુ અમદાવાદ શહેર ક્યારેક બ્રિટિશ સત્તાના હાથ હેઠળ તો ક્યારેક મરાઠા સામ્રાજ્યના તાબા હેઠળ પણ હતુ. આ જ અમદાવાદ શહેર સ્વરાજની લડાઈમાં શહીદ થનાર વિનોદ કિનારીવાલા સહિત કેટલાય શહીદોની જન્મભુમિ છે તો મહાગુજરાત આંદોલનમાં સામેલ થનાર ઇન્દુચાચા જેવા કેટલાય ગરવા ગુજરાતીઓની કર્મભુમિની સાક્ષી પૂરતું અનેક પુરાવાઓ સાથે આ ભવ્ય શહેર આજદિન સુધી અડીખમ ઊભું રહ્યું છે. કર્ણદેવ સોલંકીના ઈતિહાસથી માંડીને અનામતના આંદોલન સુધીના કેટલાયે બનાવો આ શહેરના ગર્ભમાં વસ્યા છે, તો સાથે સાથે તેને સતત મળતી વિકાસની ભેટો પણ તેને સંભાળીને સાચવી રાખેલી છે.અમદાવાદની સ્થાપના વખતની એક દંતકથા એવી પણ છે કે, અહમદશાહ બાદશાહ પોતાના કુતરાઓ લઇને શિકાર પર જતા હશે ત્યારે સસલુ કુતરાઓની સામે થઇ ગયુ. બાદશાહને આ જગ્યામાં દમ હોય એવુ લાગ્યુ અને તેણે અહીં પોતાના નામ પરથી જ અમદાવાદ શહેર વસાવ્યુ. એના આધારે એક કહેવત પણ છે કે "જબ કુત્તે પે સસ્સા આયા, તભી બાદશાહને શહેર બસાયા".અત્યારના સસલા જેવા અમદાવાદીઓ ક્યારેક ક્યારેક પોલીસની સામા પણ થઇ જાય છે.
બીજા દિવસની સવાર થઇ. 2011 ના વર્ષના મે મહિનાની 21 મી તારીખના દિવસે મારા બાળપણનો મિત્ર જીવરાજ સવારે આઠેક વાગ્યે બાઇકથી મને રાધનપુર બસ સ્ટેન્ડથી અમદાવાદ જતી સરકારી બસમાં બેસાડી ગયો.ઇન્ટરવ્યુ સમયે મને વોડાફોન કોલસેન્ટરની ઓફિસે 2 વાગ્યા પહેલા પહોંચી જવાની સુચના આપી હતી.રાધનપુરથી અમદાવાદનો અંદાજિત 160-70 કિમી નો રસ્તો એટલે ચાર કલાકમાં તમે આસાનીથી પહોંચી શકો પણ અમદાવાદ જવા નીકળેલી સરકારી બસે ટ્રાફિકની સમસ્યાને લીધે અડાલજથી પાલડી પહોંચતા જ લગભગ દોઢ કલાકનો સમય લઇ લીધેલો. આમ તો મગનલાલ વખતચંદે તેમના પુસ્તક "અમદાવાદના ઇતિહાસ"માં જુના અમદાવાદના રસ્તાઓ પહોળા અને મોકળાશવાળા, ભીડ-ભાડ વગરના ઉલ્લેખ્યા છે પણ અત્યારના અમદાવાદના રસ્તાઓ દિવસે દિવસે સાંકડા બનતા જાય છે. હું પાલડી બસ સ્ટેન્ડ ઉતરૂ એ પહેલા જ ભાસ્કર પ્રેસ જતી AMTS ની લાલ કલરની સીટી બસ ઉપડી ગયેલી. બીજી બસની રાહ જોઉ તો લગભગ બીજો એક કલાક નીકળી જાય. પણ વિનોદ ભટ્ટે કહ્યુ છે ને કે અમદાવાદીઓ બસ અને સ્ત્રીની બાબતમાં બહું ચિંતિત નથી હોતા કેમ કે એક જાય તો બીજી વહેલી મોડી આવતી જ હોય છે. ધીરજનો ગુણ એનામાં કેળવાયેલો હોય છે.પણ અત્યારે હું ધીરજ ધરી બસની રાહ જોઇ શકું એવી સ્થિતિમાં ન હતો એટલે શટલ ભાડે કરી આનંદનગર ગાર્ડન પહોચ્યો અને ત્યાંથી રસ્તો પુછી ચાલતા ચાલતા જ વોડાફોન હાઉસ સુધીનું અંતર કાપી લીધુ. મને બે વાગ્યા પહેલા જ ત્યાં પહોચવાનું હતુ પણ હું બે કલાક જેટલો મોડો પડ્યો હતો.છ મહિનાની રખડપટ્ટીના અંતે માંડ નોકરી મળી હતી એમાં પણ હું મોડો પડ્યો એટલે મનમાં ને મનમાં અનેક તર્ક વિતર્કો સાથેનું વિચારોનું ઘમાસાણ ચાલતું હતુ,
વોડાફોન હાઉસના ગેટ પર પહોંચી ત્યાં ઉભેલા સિક્યુરીટી ગાર્ડ્સને વોડાફોનની અધિકૃત એજન્સી તરફથી મળેલ ઓફર લેટર બતાવ્યો. તેણે મારી પાસે રહેલો થેલો અને સામાન દરવાજા પર જ મુકાવી ફાઇલ લઇને મુખ્ય ઓફિસ તરફ જવા ઇશારો કર્યો. ઓફિસ પર મેનેજર સંગીતા લીંબાચિયાએ થોડી ઔપચારિક વાતચીત કરી મારા બધા દસ્તાવેજોની ખરાઇ કરી આવતી કાલથી બપોરના સમયે શરૂ થનારી નવી ટ્રેનિંગ બેંચમાં જોડાવા તેમજ એ લોકો મારા રહેવા માટે મકાનની સગવડ કરે ત્યાં સુધી ઓફિસ બહાર બેસવા સુચન કર્યુ.હું ઓફિસની પરસાળમાં જ બેઠો હતો એ જ વખતે ઇન્ટરવ્યુ આપવા આવેલા વિપુલ દેસાઇ સાથે મારી ઓળખાણ થઇ. વિપુલ કડી પાસે આવેલા રાજપુરનો વતની હતો અને અમદાવાદમાં વેજલપુરની સરકારી વસાહત ઔડાના મકાનમાં એના કાકા સાથે રહેતો હતો. થોડી વાતચીતના અંતે વિપુલે મને માહિતી આપી કે એના કાકા પાસે ઔડામાં એક મકાન છે જેમાં ભાડેથી રહેવા ઇચ્છતા છોકરાઓને તેઓ માસિક 500 રૂ. ના ભાડે રહેવા તથા એ મકાનમાં જે રહે એ છોકરાઓને 25 રૂ. ના દરે તેમના જ ઘરેથી ટીફીનની પણ સગવડ આપતા. મે પણ ત્યાં રહેવાનું નક્કી કર્યુ અને મારા બિસ્તરા પોટલા ઉપાડી તેના કાકાના મકાનમાં ગોઠવી દીધા.(ક્રમશ:)