રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2
અધ્યાય-૩૧
ઈશાન કેદમથી ભાગી ગયો છે એમાં સમાચાર મળતાં જ અકીલા ક્રોધથી રાતોચોળ થઈ ગયો. એને તાત્કાલિક ભોજનકક્ષમાં મોજુદ શતાયુ શોધ ચલાવી, પણ કમનસીબે શતાયુ પણ ત્યાં હાજર નહોતો. આટઆટલી સુરક્ષા વચ્ચે ઈશાન અને શતાયુ કઈ રીતે ત્યાંથી છટકવામાં સફળ રહ્યાં એ અકીલાને સમજાઈ નહોતું રહ્યું. ઈશાન અને શતાયુના ત્યાંથી ભાગી જવાનો અર્થ સાફ હતો કે વીરા સાચેમાં પાતાળલોકનો રાજકુમાર રુદ્ર જ હતો. અકીલાએ ઈશાન અને શતાયુને પકડવા સૈનિકોને ચોતરફ દોડાવ્યા પણ એમનો ક્યાંય પત્તો ના લાગ્યો.
અચાનક અકીલાના ધ્યાને આવ્યું કે રુદ્ર પણ એ સમયે મહેલમાં નહોતો. રુદ્ર વિશે તપાસ કરતા અકીલાએ જાણ્યું કે એ તો બે દિવસથી મહેલમાં હાજર જ નથી. આ સાંભળી અકીલા અવાચક બની ગયો. પોતાનાં બંને મિત્રો પહેલા આ રીતે રુદ્રનું ત્યાંથી પલાયન થઈ જવું અકીલાને વિચિત્ર લાગ્યું. હવે પોતે વધુ કંઈ કરી શકે એમ તો હતો નહીં પણ અગ્નિરાજ આવે ત્યાં સુધી મેઘના પોતાનાં કક્ષમાં જ હાજર રહેશે એવું ફરમાન અકીલાએ સંભળાવી દીધું. વાત વણસે નહીં એ હેતુથી મેઘનાએ ચૂપચાપ આ ફરમાનનો સ્વીકાર કરી લીધો.
સાંજે જ્યારે સાત્યકી આવ્યો ત્યારે એ સીધો જઈને અકીલાને મળ્યો. વીરા જ રુદ્ર હોવા અંગેનો વાર્તાલાપ કર્યાં બાદ એ બંને એ નિર્ણય પર આવ્યાં કે જો જરૂર પડે તો નિમલોકો વિરુદ્ધ યુદ્ધ પણ કરવું પડશે. અગ્નિરાજ પોતે જ મેઘનાને રુદ્રની અસલિયત વિશે પ્રશ્ન કરશે એ વિચારી સાત્યકી મેઘનાને મળવા ના ગયો.
***********
રુદ્ર, દુર્વા અને જરા ત્વરાથી રત્નનગરી તરફ આગળ વધી રહ્યાં હતાં ત્યાં એમને સામેથી ઈશાન અને શતાયુને ઘોડે બેસીને આવતાં જોયાં. ઈશાન અને શતાયુનાં અશ્વોની નજીક પોતાનાં અશ્વ પહોંચતા જ જરા, દુર્વા અને રુદ્રએ પોતપોતાનાં અશ્વ થોભવ્યા.
"ઈશાન, આ તારાં ચહેરાને શું થયું? અને તમે બંને આ તરફ ક્યાંથી?" ઈશાનના ચહેરા પર થયેલી ઈજાઓ પર ધ્યાન પડતાં જ રુદ્રએ પૂછ્યું.
"એ બધી વાતો પછી, પહેલાં તું એ જણાવ કે તને સંધિ મળી કે નહીં?" ઈશાને રુદ્રના પ્રશ્નનો જવાબ આપવાનાં બદલે સામો સવાલ કરતાં કહ્યું.
"આ રહી એ સંધિ જેનાં લીધે આપણાં લોકો વર્ષોથી સૂર્યપ્રકાશ માટે વલખાં મારે છે અને પવિત્ર કુંભમેળામાં પ્રવેશી નથી શકતાં!" પોતાનાં કમરબંધમાં રાખેલી સંધિ તરફ આંગળી કરતાં રુદ્ર બોલ્યો.
"ઉત્તમ, અતિ ઉત્તમ." ઈશાન અને શતાયુનાં મુખેથી એકસાથે નીકળી ગયું.
"હું આ ખુશખબર વિશે તમને બે ને અને મેઘનાને જણાવવા રાજમહેલ જ આવતો હતો. ત્યારબાદ આપણે જોડે પાતાળલોક પ્રસ્થાન કરીએ એવી મારી ઈચ્છા હતી."
"રુદ્ર, રત્નનગરી જવું હવે તારાં માટે સામે ચાલીને મોતને નિમંત્રણ આપવા બરાબર છે.." ઈશાન ખચકાટ સાથે બોલ્યો.
"શું થયું એ જણાવીશ?" કંઈક અઘટિત થયું હોવાનો ભાસ આવતાં જ રુદ્રએ ઈશાનને ખભેથી હલાવીને કહ્યું.
જવાબમાં ઈશાને રુદ્રના ગયાં પછી રાજમહેલમાં જે કંઈપણ બન્યું હતું એ વિષયમાં સઘળી માહિતી રુદ્રને આપી. સાથે એ પણ જણાવ્યું કે સત્ય જાણવા અકીલાએ એને બંદી બનાવી શારીરિક યાતનાઓ પણ આપી હતી.
અકીલા પહેલેથી જ પોતાની ઉપર દ્વેષભાવ રાખી રહ્યો હતો એ વાત રુદ્ર જાણતો હતો આથી જ એને અકીલાના મનમાંથી એ દ્વેષભાવ નીકળી જાય એ હેતુથી પોતાને મળેલું વહીવટકર્તાનું પદ ત્યજીને અકીલાને આપ્યું. છતાં અકીલાએ પોતાનો જીવ લેવાની કોશિશ કરી અને હવે પોતાનાં મિત્ર પર શારીરિક અત્યાચાર ગુજાર્યો આ વાતનાં લીધે રુદ્ર અકીલા ઉપર બરાબરનો ચિડાયો હતો. અત્યારે જો અકીલા પોતાની સામે આવી જાય તો એની ગરદન ધડથી અલગ કરી દેવાની રુદ્રને ઈચ્છા હતી.
"તારું કહેવું છે કે સાત્યકી મહેલમાં પાછો આવ્યો અને અગ્નિરાજ પણ આજે પધારી ચૂક્યાં હશે?" શતાયુની તરફ જોતા રુદ્રએ કહ્યું.
'હા, હું જ્યારે રાજમહેલમાંથી નીકળી અહીં આવી રહ્યો હતો ત્યારે સાત્યકીનાં આવવાની તૈયારી હતી અને મહેલમાં અગ્નિરાજના આગમનની તૈયારીઓ પણ થઈ રહી હતી."
"એનો અર્થ એ નીકળે કે અકીલાએ મારાં વિશે અગ્નિરાજને જણાવી દીધું હશે અને જો એવું થયું હશે તો અગ્નિરાજ ક્યારેય મારો અને મેઘનાનો સંબંધ નહીં જ સ્વીકારે." મેઘનાનો વિચાર આવતાં જ રુદ્રના મુખેથી આ શબ્દો નીકળી ગયાં.
"તો શું કરીશ?" ઈશાને રુદ્રના ચહેરાનાં બદલાયેલાં ભાવ વાંચતા કહ્યું.
"હું જાઉં છું મેઘનાને લેવા, મારાં સામર્થ્ય પર વિશ્વાસ હોય તો મહેરબાની કરીને મને રોકવાની કોશિશ ના કરતાં." રુદ્રએ રત્નનગરી જવાનું મન બનાવી લીધું હતું એ એની વાતો પરથી સ્પષ્ટ હતું.
"તો અમે પણ આવીશું તારી સાથે!" રુદ્રના ચારેય મિત્રો એક સુરમાં બોલ્યાં.
"તો પછી ચલો નીકળીએ." આટલું કહી રુદ્ર પોતાનાં અશ્વ તરફ આગળ વધ્યો. રુદ્ર અશ્વ પર બેસે એ પહેલાં દુર્વા રુદ્રને ઉદ્દેશીને બોલ્યો.
"રુદ્ર, તારાં જોડે જે કપડાંનો ઝોળી છે એમાંથી પ્રકાશ આવી રહ્યો છે."
દુર્વાના આમ બોલતાં જ રુદ્ર સમેત દરેકનું ધ્યાન એની ઝોળીમાંથી આવતાં દિવ્ય પ્રકાશ તરફ ગયું. રુદ્રએ ઝોળીની અંદર ડોકિયું કરીને નજર કરી તો આ પ્રકાશ ગુરુ ગેબીનાથે જરા જોડે મોકલાવેલા શંખમાંથી આવી રહ્યો હતો. રુદ્રએ શંખ હાથમાં લીધો અને ઝોળીમાંથી બહાર નિકાળ્યો.
"રુદ્ર, ગુરુ ગેબીનાથે મને જ્યારે આ શંખ આપ્યો ત્યારે મને કહ્યું હતું કે જ્યારે એમનો સંપર્ક સાધવો હોય ત્યારે આ શંખ તારે ઉપયોગ કરવો." દુર્વાએ કહ્યું.
"આનો અર્થ તો એ થાય કે અત્યારે કોઈ કારણોસર ગુરુ ગેબીનાથ તારું સ્મરણ કરી રહ્યાં હશે!" શતાયુ બોલ્યો.
રુદ્રએ મનોમન કંઈક વિચાર્યું અને જોરથી શંખ વગાડ્યો. ત્યારબાદ આંખો બંધ કરી એને ગેબીનાથ જોડે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. થોડી જ ક્ષણોમાં રુદ્રના કાને ગેબીનાથનો અવાજ પડ્યો.
"ૐ નમઃ શિવાય!"
"પ્રણામ ગુરુવર. આપે મારું સ્મરણ કર્યું હતું?"
"હા વત્સ."
"એનું ખાસ પ્રયોજન?"
"તું તત્કાળ અહીં આવી જા."
"ગુરુજી હું ત્યાં આવવાનો જ હતો, કેમકે મને એ સંધિ મળી ચૂકી છે જેનાં લીધે નિમલોકો અત્યાર સુધી શોષાતા હતાં. પણ એ પહેલાં હું એક કાર્ય કરવા રત્નનગરી જાઉં છું."
"રત્નનગરી જવાની કોઈ જરૂર નથી..તું અત્યારે જ્યાં હોય ત્યાંથી પાતાળલોક તરફ પ્રસ્થાન કર." ગેબીનાથના સ્વરમાં સખતાઇ હતી.
"ગુરુજી, મને લાગે છે ત્યાં કંઈક ના બનવાનું બન્યું છે.. કૃપયા આપ મને એ વિષયમાં જણાવો."
"રુદ્ર, અત્યારે એ જણાવવાનો સમય નથી. બસ તું એટલું સમજ કે તારું વહેલી તકે અહીં આવવું જરૂરી છે."
"સારું, તો હું અત્યારે પાતાળલોક આવવાં નીકળું છું."
"તારી યાત્રા શુભ રહે.!"
આટલું કહી ગેબીનાથે રુદ્ર સાથે સંપર્ક વિચ્છેદ કરી દીધો. ગેબીનાથ સાથે થયેલ વાર્તાલાપ બાદ રુદ્રના મુખ પર ચિંતાનાં વાદળ ઘેરાઈ આવ્યાં.
"શું કહ્યું ગુરુજીએ?" ઈશાને રુદ્રને પૂછ્યું.
"એમને તત્કાળ પાતાળલોક જવાનું કહ્યું છે!"
"આ કહેવા પાછળનું કોઈ ખાસ કારણ?"
"એ તો ખબર નથી, પણ ગુરુજીનાં સ્વર પરથી લાગતું હતું કે કંઈક ના બનવાનું બન્યું છે."
"તો હવે શું કરીશું?"
"જો ગુરુજીએ આદેશ આપ્યો છે તો એનું પાલન કરવું જરૂરી છે. ચાલો અત્યારે પાતાળલોક જઈએ પછી યોગ્ય સમય આવે રત્નનગરી જઈશું." આટલું કહી રુદ્ર પોતાનાં અશ્વ પર સવાર થઈ ગયો.
રુદ્રએ લગામ ખેંચી અશ્વનું મુખ પાતાળલોક તરફ કર્યું અને અશ્વને પાતાળલોક તરફ ભગાવી મૂક્યો.
***********
વધુ આવતાં ભાગમાં
સાત્યકીએ સોંપેલું કાર્ય કરવામાં ભોજરંગને સફળતા મળશે? જો ભોજરંગ દેવદત્તની હત્યા કરવામાં સફળ થશે તો એનું શું પરિણામ આવશે? સાત્યકી પોતાની ચાલમાં સફળ રહેશે? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)