તે દિવસે મારો જન્મદિવસ હતો. રાતના ૧૧ વાગ્યા હતા. દરરોજની જેમ હું મારા ફોનમાં છેલ્લી બધી અપડેટ અને મારા જન્મદિવસની શુભેચ્છાઓ કરનારાઓને ધન્યવાદ કહી અને ફોનની સ્ક્રીન ઓફ કરતો હતો કે એક મેસેજ આવ્યાની નોટિફિકેશન આવી. ઉપરથી જ નોટિફિકેશનનો મેસેજ વાંચતાં મોકલનારનું નામ મે વાંચ્યુ અને નામ વાંચતાંની સાથે જ મારી અંદર એક જુની યાદોની તસવીરો મારા આંખોની સામેથી સડસડાટ પસાર થવા લાગી. હું થોડો ખુશ થઈ અને મૌન હાસ્ય સાથે પથારીમાંથી બેઠો થઈ એ મેસેજનો રિપ્લાય આપવા મેસેજ વાંચ્યો, એણે લખ્યું હતું 'જન્મદિવસની હાર્દિક શુભકામના પિયુષ, ઓળખે છે કે મને?' અને મે એમના રિપ્લાયમાં ધન્યવાદ સાથે કહ્યું: 'ઓળખવાના તો એમને હોય જેને ભૂલી ગયા હોય'.
એ મેસેજમાં થતી વાતો કરતા મારી આંખ સામે તો જુની યાદો જ વધારે નજરે પડતી હતી. આજે અધુરા રહી ગયેલા એ શબ્દો એને કહી દેવા હતા પણ એવી કોઈ વાત પણ ન હતી નીકળતી. એમને મને કહ્યું: 'કોઈ આવ્યું તારા જીવનમાં કે નહી?' અને જેની હું રાહ જોઈ રહ્યો હતો એ પ્રશ્ન એમણે પુછ્યો અને તરત જ મેસેજને એકબાજુ એ રાખી સિધ્ધો જ ફોન લગાવતા મેં એમને સંભળાવતા કહ્યું:
તું જ મારૂં જીવન ને એ જીવનની તું જ મોસમ છે.
મારૂં જે મન છે, તારા વિના ખાલીખમ્મ છે,
તું જ મારૂં જીવન ને એ જીવનની તું જ સરગમ છે.
શાળાનો એ સમય હજું પણ મને યાદ છે.
બારીથી થઈ'તી તારી મારી મુલાકાત જે
પહેલા દિવસે જ્યારે આવી તું અંદર,
સજા આપી શિક્ષકે કર્યો'તો મને બંદર.
આવી રીતે જોઈ તું તો હસતી'તી મારા પર
દિલ ખોય બેઠો હું તો તારી મીઠી હસી પર
ભાન ભુલી બેઠો તારા આ રૂપને જોઈને
ઉપરવાળાએ બનાવેલા આ ચંદ્ર સ્વરૂપને
સાયકલ પર હું તો તારી પાછળ પાછળ આવતો
તને ખબર પડે તો જરા આગળ આગળ આવતો
આમ તો કાંઈ લખવાનો શોખ નો'તો મને ત્યારે પણ
તારા માટે લખીને.... રજૂઆત કરી આવતો, હું રજૂઆત કરી આવતો
પ્રેમની મહેફીલમાં જઈને હું રજૂઆત કરી આવતો કે....
મારૂં જે મન છે, તારા વિના ખાલીખમ્મ છે,
તું જ મારૂં જીવન ને એ જીવનની તું જ મોસમ છે.
મારૂં જે મન છે, તારા વિના ખાલીખમ્મ છે,
તું જ મારૂં જીવન ને એ જીવનની તું જ સરગમ છે.
હિંમત કરીને હું તો તારી સામે આવ્યો
પ્રેમનો પહેલો પ્રસ્તાવ સામે લાવ્યો
માફ કરશો આનાથી દુર જ રહેવું છે
અભ્યાસમાં મારે તો ધ્યાન લગાવવું છે.
એવું કહી તું જ્યારે ચાલી ગઈ'તી
તારા વિચારો મને કહી ગઈ'તી
પણ મારે તો તારું જ બનીને રહેવું'તું
મારે તને હજું ઘણું બધું પણ કહેવું'તું
જાતા જોય તને મને એવું કાંઈક થાતુ'તું
હવે નહી બોલાવે તો મને! એવું થાતુ'તું
છેલ્લા થોડા શબ્દો મારે હજું તને કહેવા'તા
ખાસ તારા માટે જે મે લખેલા'તા
સાંભળીને તને કદાચ જો એ ગમી જાય
ખાલીખમ્મ મારૂં મન તારા પ્રેમથી ભરી જાય
જે શબ્દો જ્યારે મારે તને ત્યારે કહેવા'તા
એને આજે તને સંભળાવતા કહું છું કે...
મારૂં જે મન છે, તારા વિના ખાલીખમ્મ છે,
તું જ મારૂં જીવન ને એ જીવનની તું જ મોસમ છે.
મારૂં જે મન છે, તારા વિના ખાલીખમ્મ છે,
તું જ મારૂં જીવન ને એ જીવનની તું જ સરગમ છે....