ek preet aavi pan in Gujarati Love Stories by Hetalba .A. Vaghela books and stories PDF | એક પ્રીત આવી પણ

Featured Books
Categories
Share

એક પ્રીત આવી પણ

" એ જગા... ઉઠ ને વીરા... જો રાતેય જાયમી છ ને ટાયઢ પણ... એ હવે નહિ આવે... "

" એ આવશે... લાખા... એ જરૂર આવશે... એણે મન વેણ દીધું છ... તું તારે જા.. ટાયઢ નો.. હું બેઠો સુ... "

" આ વગડા માં એકલો મેલીને શીદ જાઉં..??... તુંજ કે.. "

" લે... હું એકલો થોડો છું.. આ શરદપુનમ નો ચાંદલિયો શે તે... તું તાર જા.. "

" હું ક્યાંય જવાનો નથ... આ બેઠો તારી પાંહે... જે થશે એ જોવાશે.. પણ.. એ જગલા... એક વાત પૂછું..??.."

" હારું ... તાણે બેસ.. પૂછ પૂછ.. "

" આ જીવી માં તું એવું તો શું ભાળી ગયો ભા... કે એના વિના બીજી ની હામુય ડોળો નથ કરતો.. "

" લાખા... આ આયખું તો મેં જીવીના નામે કર્યું... એ નહિ તો કોઈ નહિ.. "

" એવું તો હું સે લ્યા આ જીવલી માં... ?? "

" લે તે નથ જોઈ... ??... અરે.. હુંયે ભાન ભુલ્યો.. તે ક્યાંથી જોઇ હોય... એતો મારા મોસાળના ગામ ની સે... એની અણિયારી આંખ્યું.. એના ગાલે પડતાં ખંજન.. એની ઊડતી લટો... ને એના હોઠ જાણે ગુલાબ ની પાંદડીઓ.. ને એ જ્યારે બોલે... હું તો બસ હામભળ્યા જ કરું... એનો રવ તો મારો જીવ લઈ જાય લાખા... "

" લ્યા તું તો ઘેલો થ્યો છ.. પણ માંડી ને વાત કરવા કિધેલું... એનું ઘેલું વર્ણન કરવા નઈ.. "

" હા લાખા હું ઘેલો જ થયો સુ.. જીવી સે જ એવી... હું મોસાળમાં મારા મામાઈ ભઈ ન લગન માણવા ગયેલો.. ઈને પહેલી વાર ઇનો બે હાથ નો ચોટલો ફેરવતા જોઈ ત્યારે જ ઈને જોઈ રહેલો... " ( ને લાખો પોતાના ભૂતકાળ માં સરી પડે છે... )

" એ કાના પેલી છોડી કુણ સે.. ??.. "

" એ ગામની છોડી સે.. મન માં વસી ગઈ કે સુ... ?? "

" ના.. ના.. આતો અમસ્તું પૂછ્યું.. "

" તારું મન હું ના કળું એટલો નાસમજ ના ગણીશ.. પણ જો એ જીવીને મન તું વસે તો તને મારો ભા માનું... "

" લે ... કરી ને વાત.. હવે તો તાણ એ જ તારી ભોજાઈ બને નહિતર તારો આ ભા વાંઢો રેશે... "

"હાં... હાં ભા એવી ટેક ના લઈશ મોટા ઘર નું છોરું સે.. હઠ મુક... ભા..."

" પ્રેમ ને શું મોટપ .. ??.."

" કરો ત્યારે કંકુના.. "

( ને આપણે તો એને જોવા એની હાયરે વાત કરવા લાગ ગોતતો તો ને જમણવાર માં મળ્યો.. નજર મળી ને એની નજર જુકી ગઈ પછી તો એય જાણે મને શોધી રહી.. બે દહાડા રોકવા ગયેલા આપણે તો મામા ને ત્યાં લગન પત્યા પસીએ જીવલી હારું પડ્યા રયા.. ધીરે ધીરે મળવાનું વધ્યું..વાતો વધી... ને એકવાર મેળા માં ગયેલા... )

" જીવી.. એક વાત કહું... "

" એક નહિ ચાર કે.. તારી વાતો મને બહુ ગમે હો.. "

" જીવી... હવે તું મન નથ ગમતી... "

" આ શું બોલ્યો જગા... તાણ તારી એ મીઠી મીઠી વાતો...??.."

" એ ઘેલી વાત તો સાંભળ... હવે તું મને નથી ગમતી હવે તું મારો જીવ થઈ ગઈ સે... ને હવે હું તારા વિના નઇ જીવું.. "

" આ સુ બોલ્યો.. "

" હા .. હું સાચું કહું છું.. હું તન બઉ પ્રેમ કરું છ..ને તું નહિ તો કોઈ નહિ.. "

" જગા.. હૂયે તને મન થી વરી ગઈ છું.. પણ મારા બાપા નો મોભો મારે જાળવવાનો છે.. મારી માં ના દીધેલા સંસ્કારો ની આમન્યા મારે હાચવવાની છ.. હું એમને મનાવવાનો પૂરતો યત્ન કરીશ ને જો એ માની જશે તો આવનારી શરદપુનમ ના દિવસે તને લાખપર ની ટેકરીએ મળીશ... "

" કેમ ત્યાં... "

" તન નથ ખબર પણ પહેલી વખત મેં તન ત્યાં જુએલો... જોગણી માં ની ડેરી પાંહે.. "

" એટલે .. હું એમ હમજું કે હું તન પેલા પ્રેમ કરતો થ્યો ને તું તો મારા કરતાંય પેલા.. ઓહો... મારી જીવલી... તું તો મન ઘાયલ કરી ગઈ... "

" હા .. હવે ઘેલા જા ઘેર ભેગો થા ક્યાં હુંધી રેવાનું છ અમારા ગામ માં.. ??.."

" મારે તો તન લીધા વિના જાવું જ નથ.. "

" હા હવે બહુ ડાયો ના થઈશ.. "

( ને હું બીજા દિવસે જીવી બધા ને મનાવી લેશે એમ માનીને આવતો રહ્યો.. ને આજે શરદપુનમ ... એટલે એ જરૂર આવશે.. આવશેજ.. એને આવવું જ પડશે.. જગો બોલી રહ્યો ને લાખો એને બસ જોઈ રહ્યો.. )

" ભાઈ.. સવાર પડવા આવ્યું.. હવે તો ઉભો થા.. "

" ના લાખા.. એ આવશે ભલે દિવાકર ઉગે ને આથમે હવે તો એ આવે ત્યારે જ ઉઠું અહીંથી.. "

" એવી હઠ ના લઈશ ભાઈ.. સાંજે પાછા આવશું.. અત્યારે ઘેર જા.. "

" લાખા આ તો પ્રેમહઠ છે.. ને તું મારી ચંત્યા ના કર એ જરૂર આવશે.. "

( લાખા ને લાગ્યું કે જગો નહિ સમજે એટલે એણે જીવી ને શોધવા જવાનું નક્કી કરી લીધું.. બીજા મિત્ર મોહન ને જગા ને સાચવી લેવાનું કહી જગા માટે છાયો થાય એવું છાપરું કરી એ જીવી ને ગોતવા નીકળી પડ્યો.. જગાના મામા ના ગામે પહોંચી એણે જાળવી ને જાણવા પ્રયત્ન કર્યો કે જીવી ક્યાં છે ને શું કરે છે.. એ જીવી ની સખી માધુ ને મળ્યો.. )

" જો બેન મારો ભાઈબંધ હઠે ભરાયો છે કે જીવી વિના એ ટેકરી નહિ છોડે.. તું તો હંધુય જાણે છે.. એ ક્યાં છે એ કેમ ના આવી શરદપુનમ ની રાતે.. ??.."

" જીવી એ જગા વિના ક્યાં રહી શકે એમ હતી.. "

" એટલે... ??.."

" એણેય બહુ માથા પછાડ્યા... એની બા એય બહુ પ્રયત્ન કર્યા એના બાપા ને મનાવવાના પણએ ના માન્યા.. એણે શરદપુનમે જગા ને મળવા જવાની રજા માંગી એટલે એના બાપા એ શરદપુનમ ને દિવસે જ એને પરણાવી દીધી... "

" હે.. એને પરણાવી દીધી..?."

" હા.. "

" ને એ પરણીયે ગઈ.. ??.. એણે જગાનો વિચાર ના કર્યો.. ??.."

" હું પળ પળ એની હાયરે હતી એના મુખે થી જગા સિવાય કંઈ નીકળતું જ નહોતું... એટલે સુધી કે વિદાય વેળાએ એ એની માં ને બાથ ભરી ને જગા નું નામ લઈ પોક મૂકીને રડેલી... "

" ઓહ... શું પ્રેમ.. હું એને એકવાર મળીશ તો જરૂર.. "

( ને લાખો માધુ નો આભાર માની લાખાપર આવ્યો.. ને જ્યાં જીવીને પરણાવેલી એ ડેલીએ જઈ સાદ પડ્યો.. ત્યાં ગામનો જુવાન બહાર આવ્યો... )

" ભાઈ હું બાજુના ગામમાંથી આવું છું.. થાક્યો છું એટલે વિસામાં હારુ સાદ દીધો.. "

" ભાઈ .. તમ મારી હાયરે આવો મારી ડેલીએ પોરો ખાવ.. "

" પણ.. અહીં મારા બાપા નું દૂર નું હગપણ સે.. ને ઘણા વખત પેલા એમણે મારા બાપા નો સમય સાચવેલો એટલે ઇમનો આભારેય માનવો સે.. "

" તમે મારી હાયરે આવો હું તમને બધી વાત કરું છું.. "

( ને એ ભાઈ સાથે લાખો એની ડેલીએ જઈ ચા પાણી પીધા પછી મૂળ પ્રશ્ન પર આવે છે કે એને ત્યાં ઘર માં કેમ ના જવા દીધો.. ??.. )

" ભાઈ ભારે થઈ ગઈ.. "

" કેમ... ??.. એવુ તો શું થયું છે.. "

" વીનું બે દહાડા પેલા શરદપુનમે ઘડિયા લગ્ને જીવી નામની કન્યા ને પરણી ને આવ્યો.. વિન્યા ને ઘણી ઉતાવળ લગન ની.. ને એમાંય જીવી ને જોઈ ઘેલો થયેલો.. ઘડિયા લગ્ન માટેય માની ગયો.. ને પરણી પણ ગયો.. "

" એ તો સારા સમાચાર સે.. ઈમાં હું ભારે થઈ.. ??..."

" ઇ જીવી.. ને જોઈ ગામ આખુંય વિનિયા ના નસીબ ને વાખાણતું 'તું પણ ઇના મન માં તો બીજું કોઈ જ રામ થઈ વસેલું આ ભાઈ એ પતિ પણુ દેખાડવા બળજબરી કરી ને એ બાપડી જીભ કચરી ને મરી ગઈ.. જો વિનિયા એ ધીરજ થી કામ લીધું હોત તો બાપડી બચી ગઈ હોત ને એય આ દેશ ની દીકરી જ હતીને ક્યારેક તો વીનું ને સ્વીકારી જ લેત... પણ હવે.. શુ થાય... "

" જીવી... જીવી એ જીવ દઈ દિધો.... ???... "

( ને અજાણતા જ લાખા ની આંખ માંથીયે આંસુ નીકળી ગયા... ને એ ચિંતા માં પડ્યો કે જગા ને એ કઈ રીતે સમજાવશે ને શુ કહેશે.. પણ હવે અહીં રોકાવાનો પણ કોઈ અર્થ નહોતો.. એણે ટેકરી તરફ જવા પગ ઉપાડ્યા.. પણ જ્યારે એ ટેકરીએ પહોંચ્યો તો ત્યાં જગો નહોતો.. ગામ માં પહોંચતા જ મોહન એને સામો મળ્યો.. )

" એ મોહન જગો ક્યાં.. "

" એ તો એના ઘેર છે .. કેમ.. ?.."

" ઘેર છે..?? .... એ તો ટેકરીએ થી જીવીને મળ્યા વિના ઉઠવાનો નહોતો ને.. ??.."

" કાલે રાત્રે હું જમવા ને ઇના હારુ ભાણું લઈ જવા ઘેર આયવો ને પાછો પહોંચ્યો ત્યારે એ નાચતો નાચતો મને બાથ ભરી ખૂબ રાજી થયો ને એ જોગણીની ડેરીએ બેસી પેટ ભરીને જમ્યો ને જીવી ની વાતો કરી કરીને ઘેલો થઈ ગયેલો... પછી મને કે લે હાલ ઘેર જઈએ.. ને એય મારી હાયરે જ ઘેર આવેલો.."

" જીવી એને મળવા આવેલી..??.."

" હા એ એવું કેતો'તો.. કે એ આવેલી... "

( મોહન ની વાત સાંભળી લાખો જાણે અવાચક બની ગયો.. ને દોડ્યો જગા ને મળવા.. મન માં કેટલાય વિચારોએ એને ઘેરી લીધો.. )

" એ જગા.. ક્યાં ગયો મારો ભેરુ.. "

" આ રહ્યો.. તારો ભેરુ આવ લાખા આવ.. "

" તું ટેકરીએ થી કેમ આવી ગયો.. ??.."

" લે મેં તને કહેલું તો ખરું.. કે જીવી મને મળવા આવશે એટલે હું ઘેર આવતો રહીશ.. પણ તું ક્યાં ગયેલો..?.."

" હું એક કામ થી બહાર ગયેલો.. પણ તે કહ્યું કે જીવી તને મળવા આવેલી..??.."

" હા.. એ આવેલી ને.. તને ખબર છે એ હતી ને એથીયે વધુ રૂપાળી લાગતી હતી.. ને મને જોઈને તો રડી જ પડી... ગાંડી.. બહુ પ્રેમ કરે ને મને.. એટલે.. ને પછીતો હું બોલતો રહ્યો ને એ સાંભળતી રહી... પણ હજુ એના બાપા અમારા લગન હારુ માન્યા નથ.. એટલે બાપડી બહુ દુઃખી હતી.. પણ મેય કહી દીધું.. કે પ્રેમ ને લગન નું બંધન થોડું જરૂરી છ.. હું આજીવન એને આમ વર્ષ માં એકવખત જોઉં તોય જીવી લઈશ.. ને એણેય મને વચન આપ્યું કે એનેય લગન ના બંધન માં નથ પડવું ને એણેય મને દર શરદપુનમે મળવાનું વચન આપ્યું છ.. "

" ઘેલા.. એ ક્યાંથી આવવાની.. ભૂલી જા એને.. "

" કેમ... ??.."

" અરે.. આ તો એમ કે જેને પામી ના શકીએ એવા પ્રેમ નો શો અર્થ.."

" રે.. ઘેલા... પ્રેમ એટલે સમર્પણ.. એ તો તન થાય તોતું જાણે... પ્રેમ એટલે પામવાનું ના હોય.. એને તો બસ જીવવાનો હોય.. "

( લાખા ને જગા ને કઈ કહેવાનું યોગ્ય ન લાગ્યું પણ એની વાત પર ભરોસો કરવો પણ એના માટે દુર્લભ હતું... બીજી શરદપુનમ ની રાતે એ ગયો જગા ની પાછળ.. ને સંતાઈ ને જગા ને થોડીવાર હસતો ,રડતો, તાળી દેતો.. જોઈ રહ્યો.. પણ સામે તો ક્યાં કોઈ હતું.. ???? )

હેતલબા વાઘેલા 'આકાંક્ષા'