ચાઈના સાથે વૉર 1962
**********
એ વખતે હું 5 વર્ષનો હતો. મારે ઘેર ભાવનગરમાં જયહિંદ અને સૌરાષ્ટ્ર સમાચાર આવતાં. તેમાં ફ્રન્ટના ફોટા ક્યાંથી હોય? હાથે દોરેલી ઇમેજ, કાંટાળી જાળી વાળો ટોપો પહેરી આડા સુઈ ફાયરિંગ કરતા જવાનનું ચિત્ર બતાવતા.
નહેરુના ફોટા લોન્ગ કોટમાં ગુલાબ ખોસી કોઈને કોઈ સાથે હાથ મિલાવતા રોજ આવતા અને સાથે સળગતી સીમા ના ખબરો.
એ વખતે બ્લેક આઉટ નહોતું થયું જે મેં 1965 પાક. યુદ્ધ વખતે જોયેલું- ઘરનાં બારી બારણાં સજ્જડ બંધ, રોડ લાઈટો પણ બંધ. તડમાંથી પણ પ્રકાશ ન જવો જોઈએ.
વાંચ્યું કે લડાખ મોરચે અપણા જવાનો રોજ ઢગલાબંધ 'શહીદ થતા' એટલે બસ મૃત્યુ પામતા. જયહિંદ જેવાં છાપાં લખતાં જે હું વાંચી શકતો ન હોઈ વડીલો પાસે સાંભળેલું, પછી હરીશ નાયક અને યશવંત મહેતાની લખેલી નાની પુસ્તકોમાં વાંચેલું કે આપણી પાસે પોલીસ પાસે હોય તેવી ખખડધજ બંદૂકો ને ધીમે રગડતી ટેંકો સિવાય ખાસ લશ્કરી સામગ્રી ન હતી.
પંચશીલના સિદ્ધાંતોનો પ્રચાર કરતા નહેરુ માનતા હતા કે ભારત કોઈ પર આક્રમણ નથી કરતું એટલે ભારત પર કોઈ નહીં કરે. લશ્કર કદાચ યુદ્ધ માટે તૈયાર જ ન હતું.
એટલી તો સૈન્યમાં ખુવારી થતી હતી કે મેં સાંભળેલું કે એ વખતે સોવિયેત ભણી લળી રહેલી સરકારે ઘર દીઠ એક યુવાનને લશ્કરમાં લેવાની વાતો અખબારમાં અને કાનોકાન વહેતી સાંભળેલી. એ વખતે હજી 1972 વાળો 'બે બાળકો બસ' સૂત્ર નો કુટુંબ નિયોજન પ્રોગ્રામ આવ્યો ન હતો એટલે ઘણા ખરાને ત્રણ ચાર દીકરાઓ હતા જેમાંથી 'શોધી ચડાવો..' બંદૂકે માટે ઓછું ભણેલો, ન માનતો, કે હજુ ન પરણેલો યુવાન સોફ્ટ ટાર્ગેટ હતો- મરવા મોકલવા માટે. સાધનો વગર અને ક્યાંય ઝનૂની, શક્તિશાળી ચીની સેના સામે રક્ષણ કરતાં મરવાની શક્યતાઓ વધુ હતી.
છાપાંમાં કાંટાળી પૂંછડી વાળો ડ્રેગન કોઈ ખાદી ટોપી વાળા નેતા પર પ્રહાર કરતો ને જીભ લંબાવતો હોય તેવું કાર્ટૂન યાદ છે.
લડાઈ પછી બીજાં કારણો પણ હશે, અન્ન ની ખૂબ તંગી થયેલી અને રેશન સિવાય ઘઉં કે ચોખા મળતા નહીં. ખાંડ પણ વ્યક્તિદીઠ કદાચ મહિને 500 ગ્રામ. નવું બાળક જન્મે તો મામલતદાર ઓફિસમાં તેનું નામ લખાવી તેના દૂધ માટે એડલ્ટ ના ક્વોટાથી અડધી મળતી. એ પણ માંડ થતું.
લગ્નના જમણવારમાં પણ 50 ઉપર વ્યક્તિઓ પર પ્રતિબંધ હતો. કેટલાક, જો 70 લોકો હોય તો 20 ને બીજા કોઈના ઘરમાં બેસાડી જમાડી દેતા. કદાચ મેં જીંદગીમાં પ્રથમ જોયેલાં 1963માં મારાં ફઈનાં લગ્ન વખતે આ 50 ની લિમિટ ચાલુ હતી.
તિબેટના રાજા રાણી શરણાર્થી તરીકે આવ્યાં તેના ફોટા યાદ છે.
સિક્કિમ બીજો દેશ હતો (જ્વેલ થિફ દેવાનંદ માં તેના રાજનો મુગટ ચોરાય છે એવું બતાવેલું). સિક્કિમ આપણી સાથે રહે માટે એ ટચુકડા બોર્ડર દેશ ને કાલાવાલા કર્યાનું વાંચેલ કે સાંભળેલ.
તે પછી દેશની આર્થિક સ્થિતિ એવી તો પાયમાલ થઈ ગઈ હશે કે સરકાર લોકોને પોતાનું સોનું દેશ માટે આપવા રસ્તાઓ પર ટ્રકો ફેરવતી. એક બાળ ફિલ્મ 'દિપક' ની શરૂમાં ટ્રેલરમાં લોકોને એ ટ્રકમાં પોતાના સોનાનાં ઘરેણાં વગેરે આપતા દેખાડેલા.
પૈસા અને અનાજ આર્મી ને માટે ઉઘરાવતી ટ્રકો જોઈ છે. એ વખતે પહેલી વાર મોટી ઉંમરના યુવાનોને ખાખી ચડ્ડી પહેરી કંઈક ઉઘરાવતા જોયેલા ત્યારે મને કહેવાયેલું કે એ લોકો જનસંઘ (RSS) ના છે અને દેશ સેવા કરે છે. એક એવી ટ્રકમાં ચોખા ભરેલી થેલી આપીને ટ્રકમાં થોડું ફર્યા નો લ્હાવો લીધાનું યાદ છે.
યુદ્ધ પછી ઘર દીઠ એક યુવાન વાળી વાત બંધ થઈ હશે પણ લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ. યુવાનો રવિવારે લાઠી ને અમુક હથિયારો વાપરતાં શીખવા લાગેલા. આફત વખતે રક્ષણ માટે આર્મી ને બદલે નાગરિકો કરી શકે એ માટે હોમગાર્ડની સઘન તાલીમ શરૂ થઈ. ઇન્ડિયન એરલાઇન્સ માં સ્ટેશન મેનેજર મારા મામા હોમગાર્ડમાં જતા.
શાખાઓને લોકો અને લોકોને શાખાઓ સિરિયસલી લેવા માંડેલા. એ આર એસ એસની શાખાઓએ તાલીમ કદાચ ત્યારે શરૂ કરેલી.
યુદ્ધ પછી દિવસો, વર્ષો સુધી લાંબી લાઈનો કઈં ને કઈં લેવા જોઈ છે ને તેમાં ઉભવા જેવડો પણ ત્યારે થઈ ગયેલો.
'લડાખના લડવૈયા' પુસ્તક બહાર પડેલું તેમાં અતિ દુષ્કર જગ્યાએ યુદ્ધની વાતો હતી.
રોતા અવાજે 'વતન કે વાસ્તે .. નૌ જવાં શહી..દ હો, પુકારતી હે યે જમી, આસમાં શહિદ હો. ' અને બીજાં માત્ર શહીદીના જ ગુણગાન ગાતાં ગીતો રેડિયો પર આવતાં. જીત માટે પાનો ચડાવતું એકેય એ વખતનું ગીત યાદ નથી.
જબ ઘાયલ હુઆ હિમાલય, ખતરેમેં પડી આઝાદી'એ વખતનું ગીત છે. માત્ર અંતિમ લાઈન જ નને ગમતી, 'જય હિન્દ, જય હિન્દ કી સેના..'
ચીન સાથે સંઘર્ષની વાતો ટીવી પર જોઈ 57 વર્ષ પહેલાંની વાતો તાદશ્ય થઈ. યુદ્ધની કથા રમ્ય હશે પણ પરિણામ કમકમાટી ઉપજાવે તેવું હોય છે. ઇચ્છીએ યુદ્ધ ન થાય. એટલે જ નવી પેઢીની જાણ માટે મારી યાદમાં છે તે મુક્યું.
સુનીલ અંજારીયા