આજના દિવસે મારે તેના સાચા અર્થમાં મારા પ્રેમના જવાબનો ઈંતજાર હતો. સવારે આજે વહેલી બસ પકડી હું કોલેજ આવી ગયો હતો. તેને મેં મારી સાથે આવવા માટે બસમાં આવવા માટે જણાવ્યું નહોતું. હું વહેલો પહોંચી મારા જવાબની રાહ જોતો એક છાની જગ્યાએ ઉભો રહી ગયો. હવે અન્ય સહપાઠીઓ આવવા લાગ્યા હતા. પણ હજુ તે આવી નહોતી. મારી ઈંતજારીનો અંત આવતો નહોતો. હવે શું કરવું તે ખબર નહોતી પડતી. હું તેને SMS કરીને પુછવા પણ માંગતો નહોતો કે કેમ નથી આવી. વર્ગમાં પ્રાર્થના પણ ચાલુ થઈ ગઈ હતી. બધા સહપાઠીઓ આંખો બંધ કરી પ્રાર્થના ગાવા લાગ્યા પરંતુ મારૂં મન ભગવાનને એક જ પ્રાર્થના કરતું હતું બસ એ આવી જાય અને મને મારો જવાબ મળી જાય. હું પણ કમને વર્ગમાં ગવાતી પ્રાર્થના ગાવા લાગ્યો. પરંતુ મનમાં વિચારોનો દરીયો ઘુઘવાટ કરતો હતો. હજુંય તે આવી નહોતી.
આજે પ્રથમ તાસ રશ્મી મેડમનો હતો. તે ચાલુ વર્ગમાં મને કોઈ પ્રશ્ન પુછ્યો પણ હું તેની રાહમાં એવો ખોવાયેલો હતો કે મને તો એ પણ નહોતી ખબર કે એમનો પ્રશ્ન શું હતો. છેવટે કચવાતા મને હું એમના પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ નીચે બેસી ગયો. એ પણ મને પુછવા લાગ્યા,”કેમ ભાઈ આજે ભણવામાં ચિત્તા નથી ચોંટતું?” પણ એમને હું શું જવાબ આપું.
આમને આમ આવા જ વ્યગ્ર હૃદય સાથે ત્રણ તાસ પસાર થઈ ગયા. હવે કોલેજમાં મધ્યાંતરની થોડી ક્ષણોની રજા પડી. અમે મિત્રો કોલેજની કેન્ટીનમાં ચા પીવા ગયા. હવે તો હદ થઈ ગઈ હતી મારી. મારાથી હવે તેની રાહ જોવાની ક્ષમતા પુરી થઈ ગઈ હતી. એવામાં મારે એક મિત્ર સાથે ઝઘડો થઈ ગયો. એવામાં મારી નજર કોલેજના દરવાજે પડી અને ત્યાં જ ચોંટી ગઈ. તે આવી. બસ એ જ રીતે. એ જ કોલેજના પહેલા દિવસે જે કપડાં પહેર્યા હતા તે જ કપડાં હતાં. એ જ રીતે ઢિલા વાળ ખુબસુરત ગુંથેલા હતા. એ જ એની ધીમી ચાલ. મારી આજુબાજું શું થઈ રહ્યું છે તે હું જાણે ભુલીજ ગયો હતો. હવામાં જાણે કોઈ આહલાદક સુગંધ પ્રસરી ગઈ હતી. મારા વાળ પણ જાણે તે જ હવામાં ઉડવા લાગ્યા હતા. વૃક્ષો પણ જાણે પોતાની ડાળીઓ હલાવીને મને જાણે કહેતાં હતાં કે આવી ગઈ તારી પ્રેયસી. હું જાણે હવામાં ઉડવા લાગ્યો હતો. એ ક્ષણે મારી સાથે હકીકતમાં શું થઈ રહ્યું હતું મને તેની જાણ જ નહોતી. બસ એ કોલેજના દરવાજેથી વર્ગખંડના દરવાજામાં દાખલ થઈ ત્યાં સુધી મેં બસ તેને જ જોયા કરી. હજુય હું વારેવારે કોલેજના દરવાજાથી વર્ગખંડના દરવાજા સુધી નજર ફેરવ્યા કરતો હતો. અને એ જ ક્ષણોને વાગોળ્યા કરતો હતો. તેવામાં મધ્યાંતર પુરો થવાની ઘંટડી વાગી.
હું મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો. મધ્યાંતર પછી વર્ગમાં પણ અનેરી રોનક આવી ગઈ હોય તેવું લાગ્યું. ફરી રશ્મી મેડમનો જ તાસ હતો. તેમના આ તાસમાં બધા જ સવાલોના તરત જ સાચા જવાબો આપવા લાગ્યો. તે પણ મારા બદલાયેલા વર્તનથી અવાચક થઈ ગયા હતા. સાચું કહું ને તો વર્ગખંડની મર્યાદા વચ્ચે આવતી હતી નહીતર હું વર્ગખંડમાં જ નાચવા કુદવા લાગત. મેં તેની સામે જોવાનો પ્રયત્ન કર્યો તો તે એક્તાની બાજુમાં જ બેઠી હતી. તે મારી સામે શરમમાં નહોતી જોતી પરંતુ હું તેની સામે જોઉં તો એક્તા મારી સામે જોઈ ને હસવા લાગી. તે પણ ખુશ લાગી રહી હતી. કદાચ તેણે એક્તાને બધી જ વાત કહી હોય. જે હોય તે પણ આજે મારો આનંદ ક્યાંય સમાતો નહોતો.
(આવનારા પડકારો માટે નવા ભાગની રાહ જુઓ)