Pentagon - 14 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૧૪

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પેન્ટાગોન - ૧૪





કબીર કૂવાનું પાણી છેક ઉપર સુધી આવી જતા એની મેળે જ ઉપર આવી જાય છે. એ બહાર આવીને પ્રોફેસર નાગ સામે ઊભો રહે છે ત્યારે એના મગજમાં એક જ નામ ફરતું હોય છે, તારામતી!

“તું ઠીક છે ને કબીર" પ્રોફેસરે પૂછ્યું.

કબીરે માથું હલાવી હા કહી અને એનો હાથ આગળ ધરી કહ્યું, “તારામતી."

પ્રોફેસરે કબીરના હાથમાંથી એ ચાંદીનું ઘરેણું લીધું. ગોળ બંગડી જેવું, અડધા ભાગમાં ઘુઘરીઓ લટકેલું એ ઘરેણું ઘણું મેલું થયેલું હતું. સનાએ આગળ આવીને પ્રોફેસરના હાથમાંથી એ ઘરેણું લીધું અને એને ધ્યાનથી જોતા કહ્યું,

“આ નાકમાં પહેરવાની નથણી છે. પહેલાના જમાનામાં અને આજે પણ કેટલીક જગ્યાએ સ્ત્રીઓ આવી મોટી નથણી નાકમાં પહેરતી હોય છે."

“તારામતી કોણ છે? તને એ વિશે કોઈ જાણકારી ખરી?" પ્રોફેસરે સના સામે જોઈ પૂછ્યું.

થોડું વિચારતી હોય એવું મોઢું બનાવી સનાએ નન્નો ભણ્યો. એ કોઈ તારામતી નામની સ્ત્રીને ઓળખતી ન હતી.
“સર એ વિશે આપણને આ મહેલના વારસદારો કે એમના બીજા કુટુંબીજનો જણાવી શકે. હું રાજા સાહેબ સિવાય બીજા કોઈ વિશે વધારે જાણતી નથી."

સના આ કહી રહી હતી ત્યારે જ બધાને અહીં ભેગા થયેલા જોઈને અને ખાસ તો કોઈ કૌતુક જોવા મળશે એમ માની આવી ગયેલ રસોયણ બાઈએ સનાના હાથમાંથી એ નથણી લીધી. એને આગળ પાછળ ફેરવી સરખી રીતે જોઈ અને પછી કહ્યું,

“આવી નથણી ઓલી બાઇસાએ પહેરી છે!"

“કોણ બાઇસા?" સના એ પૂછ્યું.

“એનો ફોટો છે મહેલમાં."

હવે જ પ્રોફેસરને યાદ આવ્યું કે આવી જ નથણી પહેરેલી અને વલોણું વલોવી રહેલી બાઈનું ચિત્ર પોતે મહેલની દીવાલે જોયું હતું. એ ચિત્ર પોતાને કંઇ કહી રહ્યું હોય એવું એમને એ વખતે લાગેલું. પ્રોફેસર ઝડપથી ચાલતા મહેલમાં પાછા ફર્યા. એમની પાછળ બધા મહેલમાં આવ્યા. પ્રોફેસર એ ચિત્ર આગળ જઈ ઊભા રહ્યા જેમાં આવી જ નથણી પહેરેલી બાઈનો ફોટો હતો.

“તો આ છે તારામતી!" પ્રોફેસરે કહ્યું અને કબીર સામે જોઈ પૂછ્યું, “તારી સાથે શું થયેલું કબીર? કંઈ પણ ભૂલ્યા વગર તું એક એક વાત મને જણાવ."

કબીરે કૂવામાં ડૂબકી લગાવ્યા બાદ જે જોયેલું એ બધું જણાવ્યું. એની પાસે ફક્ત એક નામ હતું અને આ નાકમાં પહેરવાનું ઘરેણું.

“કોણ છે આ બેન? આપણે એનો પત્તો કેવી રીતે લગાવી શકવાના? શક્ય છે કે એ આ મહેલમાં ના પણ રહેતી હોય જે તે ચિત્રકારે ફક્ત એનું ચિત્ર બનાવ્યું હોય અને એને અહીં વેચ્યું હોય." રવિએ કહ્યું.

“જે આપણને આટલે સુધી લઈ આવ્યું છે, આ નથણી સુધી પહોંચાડયા છે એ જ તત્વ આગળ પણ દોરશે અને તારામતી સુધી લઈ જશે." ક્યારનાય ચૂપ રહેલા હેરીએ કહ્યું.

એ પછી છેક સાંજ સુધી કોઈ બીજી નોંધપાત્ર ઘટના ન હતી ઘટી. સાંજે બધા બગીચામાં બેઠા ચર્ચા કરી રહ્યા હતા, આ મહેલ અને એના ઇતિહાસ વિશે વાતો કરી રહ્યા હતા ત્યારે સનાએ એની આગળની ટીપોય પર પડેલી નથણી ઉઠાવી એના નાકે પહેરવાનો પ્રયત્ન કરેલો...

“શહેરની મોર્ડન છોકરીઓ પર આ જુનવાણી, મોટી નોઝરિંગ સરસ લાગે સના!" સાગરે હસીને કહેલું.

“નામની પાછળ બાઈ સાહેબ કોણ તારો બાપ લગાવશે?"
કર્કશ અવાજે કહી રહેલી સનાનું આખું રૂપ જ બદલાઈ ગયું હતું. એની આંખો પથ્થર જેવી કોરી પડી ગયેલી અને ચહેરા પર અજીબ સખતપણું હતું અને નાકમાં પેલી નથણી ઝૂલી રહી હતી.

“કોણ છે તું? " પ્રોફેસર નાગે પૂછ્યું.

“એજ જેને તું તાકી તાકીને જોઈ રહ્યો હતો, અંદર પેલા ફોટામાં! સાલા બધા આદમીઓ હરામખોર હોય છે, કૂતરાં જેવા જ્યાં રૂપાળું બૈરું જોયું નથી કે તરત લાળ ટપકાવતા આવ્યા નથી!" સના દાંત કચકચાવી ગુસ્સાથી કહી રહી હતી.

“તારામતી?" કબીરે કહ્યું.

“હા મારા રોયા હું તારામતી! તે દિવસે મારી મદદ કરી હોત તો હું આમ અહીંયા ભટકતી ના હોત!"

“તારામતી તું શું કહી રહી છે? અમને સમજાય એમ વાત કર હું તારી મદદ ચોક્કસ કરીશ." પ્રોફેસરે પરિસ્થિતિ સંભાળતા કહ્યું.

“કોઈ મારી મદદ નહિ કરી શકે જ્યાં સુધી પેલો નીચ માણસ આવીને મારી માફી નહિ માંગે મારી આત્માને શાંતિ નહિ મળે." સનાના અવાજમાં કર્કશતાં ઘટી અને વેદના ઉમેરાઈ હતી.

“કોણ માણસ તું એનું નામ જણાવ અમે કંઇક કરીશું."

“આજ ગામના છેવાડે એની હવેલી છે પણ એ હરામખોર હવે શહેરમાં રહેવા જતો રહ્યો છે, શેઠ રતનચંદ! શહેરમાં એની કપડાં બનાવવાની મિલ છે. બીજાની સ્ત્રીઓના કપડા ઉતારનાર કપડાં બનાવવાનો ધંધો કરે છે," સના અટ્ટહાસ્ય કરવા લાગી.

સાંજ ઢળવા આવી હતી. ભયાનક રીતે હસી રહેલી સના બિહામણું દ્રશ્ય ઊભું કરતી હતી અને એને જોઈને પ્રોફેસર સિવાયના બધા ડરી ગયેલા. અચાનક સનાના નાકમાંથી એ નથણી નીકળી ગઈ અને એ પાછી નોર્મલ બની ગઈ.

પ્રોફેસરે એક ફોન જોડ્યો અને કહ્યું, “રતનચંદ નામના કપડાંની મિલ ધરાવતા અને સોનાપૂર જેનું વતન હોય એવા માણસને અહીં લાવવાનો છે. બાજુના શહેરમાં જ એ રહે છે!”

રાતના લગભગ દસ વાગવા આવ્યા હશે. બધા લોકો હજી હાલ જ જમવાનું પતાવી ઊભા થયેલા અને એક જીપ આવીને પાર્કિગમાં ઊભી રહેલી. એક હટ્ટાકટ્ટા માણસે એમાંથી બહાર આવીને બીજી બાજુનો દરવાજો ખોલીને એક વૃધ્ધ માણસને ઘસડીને બહાર કાઢેલો, એ આ પહેલવાન જેવા માણસને ગાળો બોલી રહ્યો હતો અને એ પહેલવાન જેવો માણસ કંઈ સાંભળતો જ ના હોય એમ એ માણસને ખભે નાખીને અંદર મહેલમાં પ્રવેશ્યો હતો.

“હે જેક તું ઝડપથી આવીશ મને હતું જ..." હેરીએ નવા આવેલા માણસ તરફ જોઈને કહ્યું.

“વેલકમ જેક આ કોણ છે?"

“તમે જેને લાવવાનું કહેલું એ. મારી વાત સાંભળી સાથે આવવા તૈયાર ન થયો એટલે પછી ઉઠાવવો પડ્યો!"

હવે બધાની નજર એ નવા મહેમાન તરફ ગઈ જેને ખભે ઉઠાવીને મહેલમાં લવાયો હતો. થોડો ડરેલો, ગુસ્સામાં દેખાતો એ માણસ ડઘાયેલો હતો. એ હતો શેઠ રતનચંદ!
ક્રમશ...