Lagniyonu Shityuddh - 8 in Gujarati Fiction Stories by Aadit Shah books and stories PDF | લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 8

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 8

પ્રકરણ - 8

ક્યારેક તમારા અંગત લોકો જ તમારી લાગણીઓને એ હદ સુધી ઘાયલ કરી દે છે કે એ પળે તમને તમારું અસ્તિત્વ જીવતી લાશ સમાન લાગે છે.

"અમુક વાર તમે પોતે તમારું વર્તન કે શિષ્ટાચાર પસંદ નથી કરતા, તમારી આજુબાજુ રહેલી વ્યક્તિઓ અને તેમની હરકતો તમને એવા નિર્ણયો લેવા મજબૂર કરે છે..!!!", તેણીએ જવાબ આપ્યો.

"પરંતુ મે ક્યારેય તને ગુસ્સે થતા કે મિજાજ ગુમાવતા જોઈ નથી." અનંતે વાત ચાલુ રાખી.

"મારે શા માટે એવું કરવું જોઈએ ?"

"કિસ્મત સાથે લડવાનું તો મેં ક્યારનું છોડી દીધું છે. છોડી દીધું છે મેં મારી રાહમાં આવનારા હરેક અવરોધો પર રુદન કરવાનું. મેં મારીએ દરેક નબળાઈઓને મારી અંદર છુપાવી લીધી છે, જે મને ક્યાંકને ક્યાંક ગંભીરપણે અસર કરી રહી હતી."

"છોડી દીધું એટલે? શું કહેવા માંગે છે તું ?", અનંત વાત કરતા કરતા અચાનક જ રોકાઈ ગયો અને કઈંક વિચારીને થોડી વાર પછી એનો અર્ધપ્રશ્ન પૂર્ણ કર્યો.

"હા, હું જે દેખાઊ છું તે હું છું જ નહીં.", નૂપુરે વાત ચાલુ રાખી.

"હું એ વ્યક્તિ છું જેને તમે હસતા તો જોઈ તો રહ્યાં છો, પણ એ પોતાની અંદર ઘણી બધી પીડા, એકલતા અને વ્યથાઓ સંઘરીને બેઠી છે.", નુપૂરે કહ્યું.

"કેવી વ્યથાઓ ? અને શા માટે તુ એને છુપાવીને બેઠી છે? આઝાદ કરી દે ને એ તમામ લાગણીઓને જે તને અંદરથી કોરી ખાય છે. "અનંતે સૂચન કર્યું. અનંતના એકેક શબ્દની સાથે નુપૂર એના ચહેરા અને એના મનને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. એક આછા સ્મિતની રેખા એના માસૂમ પહેરા પર દેખા તો આપી રહી હતી પરંતુ અનંત એને જોયા પછી પણ સમજી રહ્યો ન હતો.

"અને શા માટે તે ક્યારેય કોઈની સાથે તારી પરિસ્થિતિ કે લાગણીઓ શેર કરવાનું ન વિચાર્યું ?", અનંતે ફરી પ્રશ્ન કર્યો

"નગ્ન હકીકત છે કે લોકો જ્યારે તમે તેમને તમારા પોતાના અંગત વ્યક્તિ જેવા લાગો છો ત્યારે તમારી સામે તો સહાનુભૂતિ દર્શાવે છે, પરંતુ પાછળથી તેઓ જ જાહેરમાં તમારી અને તમારી પરિસ્થિતિઓની મજાક ઉડાવશે", તેણીએ જવાબ આપ્યો.

"શુ હું એ વ્યથા જાણી શકું? હા, તું એટલો વિશ્વાસ તો કરી જ શકે છે કે હું એવી વ્યકિત નથી કે જે જાહેરમાં કે પર્સનલમાં તારી મજાક ઊડાવે.", અનંતે પોતાનો તર્ક મૂક્યો. નુપૂર માટે એ સમજવું કઠિન થઈ રહ્યું હતું કે અનંત ફક્ત એના ભૂતકાળ વિશે જાણવા ઉત્સુક છે કે એને હકીકતમાં નુપૂરના દર્દથી, તકલીફોથી કોઈ ફરક પડી રહ્યો હતો. એક તરફ એને પહેલી વાર કોઈ એવી વ્યક્તિ મળી રહી હતી જેને એની લાગણીઓથી કોઈ ફરક પડવાનો હતો અને બીજી તરફ એ ડર પણ હતો કે એના સચ્ચાઈ એની કોર્પોરેટ અને પ્રોફેશનલ લાઈફમાં કોઈ આડખીલી રૂપ ન બને.

"હા હા હા હા .....", નુપૂર અનંતનો તર્ક સાંભળી ખડખડાટ હસી પડી. એક રીતે તેણે અનંતની વાતને પરોક્ષ રીતે નકારી કાઢી હતી તો બીજૂ બાજુ અનંતે પણ સતત નુપૂરને તેની વાતો પોતાની સાથે શેર કરવા માટે મરણિયો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણી કંઈ પણ વ્યક્ત કરવા તૈયાર ન હતી. અનંતને પણ પોતાના આ વર્તન માટે આશ્ચર્ય થતું હતું કે જે વ્યક્તિને કોઈની જિંદગીથી કઈં જ ફરક પડતો ન હતો એને અચાનક જ કેમ એની સેક્રેટરીની જિંદગીથી આટલો ફરક પડી રહ્યો હતો. છેલ્લે જ્યારે અનંતે તેને એક મિત્ર તરીકે વાત શેર કરવા માટે કહ્યું, ત્યારે નુપૂરે સંમતિ આપી.

નુપૂર કદાચ રિધમ રિક્રૂટમેન્ટસ પ્રા. લિ. શરૂ થયા પછીની પહેલી એવી વ્યક્તિ હતી. (અનંતની પોતાની કન્સલ્ટન્સી), કે જે પ્રોફેશનલ પર્સન હોવા છતાં અનંતે એને એક મિત્ર તરીકે સંબોધિત કરી હતી કારણ કે તે ક્યારેય પણ પોતાના સ્ટાફ સાથે પર્સનલ રિલેશન બનાવવામાં માનતો ન હતો.

"તે સંબંધ હંમેશા અપૂર્ણ રહે છે, જેને માત્ર એક જ બાજુથી જાળવી રાખવામાં આવી રહ્યો હોય છે"

નુપૂર અને અનંત ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહ્યા હતા. હવે આ નિકટતા કિસ્મતનો લેખ હતી કે એકબીજા પ્રત્યેની પોતાની લાગણીઓ અને સહાનુભૂતિ દર્શાવવા માટેનું માધ્યમ – એ નક્કી કરવું મુશ્કેલ હતું.

નુપૂરે શરૂઆત કરી.

"હું પણ મિત્રો સાથે હરતી ફરતી, ઊછળકૂદ કરતી અને જીવનની હરેક પળ, હરેક મોસમની મજા માણતી એક સામાન્ય છોકરી હતી પરંતુ ત્રણ વર્ષ પહેલા આવી જ એક વરસાદી સાંજે મારો દુનિયાના તમામ પુરુષો પરનો વિશ્વાસ તોડી નાખ્યો. એ સાંજે મારા અસ્તિત્વનો સર્વનાશ કરી દીધો, મારી બધી જ ખુશીઓ અને ખુશ રહેવાના કારણોનો અંત આણી દીધો.", આટલું ઉચ્ચારતા ઉચ્ચારતા તો થોડી પળો પહેલાં મંદ મંદ સ્મિત સાથે મુસ્કુરાઈ રહેલી નુપૂરના ચહેરા પર બે ચમકતા આંસુ સરી પડ્યાં.

"કેમ ? શું થયું હતું એ વરસાદી સાંજે ? " અનંતે પૂછ્યું.

ગ્રેજ્યુએશનની સાથે સાથે ઊંમરમાં પણ ઓગણીસમાં વર્ષનું ક્વાર્ટર પૂરું કર્યા પછી, ઘણા બધા સંબંધીઓ મારા લગ્ન માટે સંપર્કો અને મૂરતિયાંઓના બાયો-ડેટા લાવી રહ્યાં હતા. અન્ય છોકરીઓની જેમ હું પણ હું પણ આટલા જલ્દી લગ્ન માટે ઇનકાર કરતી હતી, કારણ કે હું મારી કોલેજ લાઈફનો આનંદ માણવા માંગતી હતી. હું મારા મિત્રો, કલિગ્સ અને પરિવાર સાથે આઝાદીની જિંદગી હજી પણ થોડાં વર્ષો સુધી જીવી લેવા માંગતી હતી. એ સિવાય એ પણ સ્વીકારવું રહ્યું કે એ સમયે હું પોતાને એક સ્ત્રી તરીકેની જવાબદારી ઊઠાવવા સમકક્ષ નહોતી માનતી. હું મારા પરિવારમાં પિતાની સૌથી નજીક હતી, જે હાલ અમારી વચ્ચે નથી. આઠ મહિના પહેલા તેમનું નિધન થયું હતું. તેઓ કેન્સરથી પીડાઈ રહ્યાં હતા.

નુપૂર મૂક રૂદન રડી રહી હતી. તેણીના ડૂસકાં અનંતને વધુ તણાવમાં લાવી રહ્યાં હતા. નુપૂર જાણે એના ભૂતકાળના વર્ષોમાં ડૂબી ગઈ હોય એવું અનંતને લાગ્યું.

"પછી?", અનંતે ફરી પૂછ્યું. તેણે નુપૂરના હાથને પોતાના હાથમાં લીધો અને માથું હલાવીને વાત ચાલુ રાખવા સંકેત કર્યો.

"અંતે મારા પિતાની અંતિમ ઇચ્છાને ધ્યાનમાં રાખીને મેં દિવ્યાંશ નામનો છોકરો પસંદ કર્યો હતો, તે મારા જ સમાજનો પરંતુ અલગ ગોળનો છોકરો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે ખૂબ જ પ્રતિભાશાળી અને દરેક વ્યક્તિની પરવા કરનાર હતો, જો કે એકાદ બે જગ્યાએથી એવા પણ પ્રતિભાવ મળેલા કે હાથીના ખાવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા. પરંતુ એક વાર વ્યક્તિનું મન કોઈ વસ્તુ કે વ્યક્તિમાં લાગી જાય એ પછી એના મનને એ વ્યક્તિ કે વસ્તુથી દૂર કરવું એ ભીષ્મપ્રતિજ્ઞા લેવા જેવું કઠિન કાર્ય છે. સાચી વાત છે કે જેની સાથે સંપૂર્ણ જીવન વિતાવવાનું હોય એ માણસને ફક્ત એક બાયોડેટા, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ કે એકાદ બે મુલાકાતોથી ન પારખી શકાય. અમુક નિર્ણયો લેવા માટે અમુક વાર પૂરતા સમયની જરૂર હોય છે જ, જે આપણા સમાજ કે પરિવાર દ્વારા ક્યારેય આપવામાં આવતો નથી. દીકરીઓના કેસમાં આ એક કડવી વાસ્તવિક્તા છે. કદાચ નસીબજોગે કોઈ એકાદ પરિવારમાં દીકરીને એનો નિર્ણય લેવા કે એને સંગત વિચાર કરવા મંજૂરી આપી દેવાય છે પરંતુ અમુક પરિવારોમાં વડીલો કે માતાપિતાનો નિર્ણય જ આખરી નિર્ણય હોય છે, જે લાંબા કે ટૂંકા ગાળે, પ્રત્યક્ષ કે આડકતરી રીતે એમની જ દીકરીની જિંદગીના પતનનું કારણ બને છે.

મેં ઘણા બાયોડેટા અને ફોટોગ્રાફ્સ જોયા હતા પરંતુ મારી આંખો ત્યારે જ સ્થિર થઈ ગઈ હતી જ્યારે મેં પ્રથમ વખત દિવ્યાંશનો ફોટોગ્રાફ જોયો હતો. મને પણ ખબર નથી કે મેં તેને એક જ ક્ષણમાં કઈ રીતે હા કહી દીધી, મારા ફેમિલીને પણ આશ્ચર્ય થયું કારણ કે તેમને મારા ઘણા નખરાંઓનો સામનો કરવો પડ્યો હતો. લગ્ન માટે, છેવટે કેટલીક બેઠકો અને સામાજિક ઔપચારિકતાઓ પછી, બંને પરિવારોએ અમારી સગાઈ નક્કી કરી. નુપૂરનો અવાજ વરસાદના લીધે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકને લીધે ધ્રૂજી રહ્યો હતો.

તે દિવસે પણ આવી ગયો, જેના માટે બંને હૃદય આતુર હતા અમારી સગાઈની વિધિ પૂરી થઈ.ત્યારબાદ અમે પહેલી વાર અમે બંને સાથે ફરવા માટે ગયા. અમને બંનેને એકબીજા સાથે ફરવું કઈંક અજૂગતું લાગતું હતું. જે સ્થળે અમે ફરવા ગયા હતા ત્યા ઘણા બધા પ્રેમી યુગલો એકબીજાની કમરમાં હાથ નાખીને એકબીજાનો પ્રેમ માણી રહ્યા હતા. એ મુલાકાત પછી અમે ઘણી બધી વાર પરિવારની સંમતિથી બહાર ફરવા જતા હતાં તો અમુક વાર દિવ્યાંશ નોકરીએથી સીધેસીધા જ મને મળવા આવતા હતા.

એકવાર હું આવી જ વરસાદી સાંજે એમની સાથે બાઈક રાઈડ પર જવાની ઇચ્છા મહેસૂસ કરી રહી હતી, પરંતુ મને ખબર ન હતી કે મારી એ ઇચ્છાને લીધે મારા બાકી રહેલા જીવનની બધી ઇચ્છાઓ નાશ પામવાની હતી. દિવ્યાંશે મને એક જગ્યા પરથી પિક કરી લીધી. અમારી બાઇક હાઇવે પર પૂરપાટ જઈ રહી હતી. વરસતો વરસાદ, ભીની માટીની મહેક અને ઠંડા પવનના સપાટા વાતાવરણની સાથે સાથે અમારા બંનેના તન અને મનને માદકતાનો અનુભવ કરાવી રહ્યાં હતા. અચાનક તેણે હાઇવેની બાજુમાં આવેલી હોટલ તરફ વળાંક લીધો. અમે બંને વરસાદમાં સખત ભીંજાયેલા હતા. મને ઠંડી લાગી રહી હતી અને ઠંડા પવનને કારણે મારું શરીર સખત રીતે ધ્રૂજી રહ્યું હતું, દિવ્યાંશે મને કહ્યું કે આપણે થોડાક કલાકો માટે રૂમ બુક કરી લઈએ અને થોડો આરામ કરીને પછી આગળ વધીએ. એક રીતે તો મને એનો આ પ્રસ્તાવ અયોગ્ય લાગ્યો પણ ઘણી બધી મુલાકાતોને લીધે હું તેની સાથે રહેવા માટે તૈયાર થઈ ગઈ, પરંતુ એના બદ્ઈરાદાઓ વિશે મને જરા પણ અંદાજ ન હતો.મે ક્યારેય એના આવા વર્તન અને મારા પ્રત્યેના વલણની અપેક્ષા રાખી ન હતી. સમાજમાં એક આગવી છાપ અને વિલક્ષણ પ્રતિભા ધરાવતા વ્યક્તિની આવી પણ છબી હોઈ શકે છે એવું મારા માનવામાં જ આવતું ન હતું.

તેણે એક રૂમ બુક કરાવ્યો, રિસેપ્શન પરથી ચાવીઓ લીધી અને અમે બંને અમારા રૂમ તરફ જવા માટે ઉપરની સીડી તરફ ગયા.અમે અંદર પ્રવેશ્યા અને તેણે દરવાજો બંધ કર્યો. વરસાદે અમને બન્નેને ખૂબ જ ખરાબ રીતે ભીના કરી દીધા હતા, થોડી વાર માટે અમે અમારા કપડા નીતરી જાય એ માટે એક બાજુ ઊભા રહી ગયા. દિવ્યાંશે રૂમ સર્વિસ માટે કોલ કરીને ટોવેલ મંગાવી લીધા હતા. ત્યાર બાદ તેણે અમારા બંને માટે ચાનો ઓર્ડર આપ્યો. થોડા સમય પછી, રૂમ સર્વિસબોય આવીને ચાનો કપ આપીને ચાલવા લાગ્યો. દિવ્યાંશે એને એક ખંધા સ્મિત સાથે ટીપ પેઠે સોની નોટ પકડાવી. દિવ્યાંશે મને ચાનો કપ આપ્યો. ઠંડીના લીધે હજી મારા હાથ કાંપી રહ્યાં હતા. મેં થોડી ચુસ્કીઓ લીધી અને મને તેનો થોડો વિચિત્ર સ્વાદ લાગ્યો અને એ માટે મેં તેને કહ્યું પણ ખરા કે ચાનો સ્વાદ કઈંક અલગ છે પણ એણે આવીને મને એના બાહુપાશમાં જકડી લાધી અને કહ્યું કે હાઈવેની હોટલમાં કઈં ઘર જેવી ચા ન મળે. અચાનક એના આવા વર્તનને લીધે હું હેબતાઈ ગઈ. મેં તેને ધક્કો મારીને મારાથી દૂર કરી દીધો. કદાચ તેને પણ મારા અણગમાની ખબર પડી ગઈ અને તેણે સોરી કહીને વાતને ટૂંકમાં પતાવી અને મારી સોય ફરીથી ચાના સ્વાદ પર આવીને અટકી ગઈ.. પરંતુ કોને ખબર હતી છે કે હું જે વ્યક્તિને પૂછી રહી હતી એ જ હરામખોર વ્યક્તિએ મારી ચામાં આલ્કોહોલ મિલાવ્યો હતો, જેના અમુક ઘૂંટ ઠંડીના લીધે સડસડાટ મારા ગળા નીચે ઉતરી ગયા હતા. અમુક અંશે એની અસર વર્તાવાનું પણ શરૂ થઈ ચૂક્યું હતું.

ચા પીધા પછી, મારી આંખો ધીમે ધીમે મીંચાવા લાગી હતી. હું એક અજૂગતો નશો અનુભવી રહી હતી. અચાનક હું બેડ પર ફસડાઈ પડી. મેં પોતાની જાતને સંભાળવા દિવ્યાંશ તરફ હાથ લંબાવ્યો પરંતુ મે અધખુલ્લી આંખેથી એનો હસતો ચહેરો જોયો. થોડીક ક્ષણો પછી મેં દિવ્યાંગને મારી તદ્દન નજીક મહેસૂસ કર્યો. ધીમે ધીમે મારી આંખો બંધ થઈ ગઈ અને પછી મારા જીવનની એ ઘટના ઘટી જેણે મને જીવતેજીવ મારી નાખી. એ ઘટનાએ મારી પાસે એવું એક પણ કારણ બાકી નહતું રાખ્યું કે જેના લીધે મને જીવવાની ઈચ્છા થાય. તેણે મારા શરીરનો દુરુપયોગ કર્યો, નશાનો ઉપયોગ કરીને દવાથી તેણે મારી સાથે શારીરિક સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મારા શરીરનો ઉપયોગ કર્યો. એ હરામીએ મારું અસ્તિત્વ, મારી જીવન જીવવાની ઈચ્છા અને મારા ચરિત્ર – એ ત્રણેયની હત્યા કરી દીધી હતી. તેણે એક પળ માટે પણ મારા વિશે ન વિચાર્યુ. આટલું બોલતાં બોલતાં નુપૂર ફરી ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. નુપૂરના અવાજમાં ગુસ્સા, ધિક્કાર, અફસોસ અને ખિન્નતાની મિશ્ર લાગણીઓ સ્પષ્ટપણે પૂરજોશમાં ઊભરી રહ્યાં હતા. એની આંસુથી ભરેલી આંખમાં પણ ભારોભાર અગ્નિ વર્તાઈ રહ્યો હતો. આજે પણ એ જ ગોઝારા દિવસની જેમ એનું શરીર વરસાદ અને કારના એ.સી.ની ઠંડકને લીધે ધ્રૂજી રહ્યું હતું. અનંતે વારાફરતી એની બંને આંખો પર આંગળી ફેરવીને એના આંસુ અટકાવવાનો પ્રયાસ કર્યો.

નુપૂરે વાત ચાલુ રાખી.- એ પછી જ્યારે મને હોશ આવ્યો ત્યારે મે રૂમનું કઈં અલગ જ વાતાવરણ જોયું. મને ઊભા થવામાં અને ચાલવામાં તકલીફ થઈ રહી હતી. સામે દિવ્યાંગ એક ફૂલોનો બુકે અને કેક ટેબલ પર સજાવીને બેઠો હતો. અણબનાવનો અંદાજો આવી ગયો હોવા છતાં તેના અચાનક આવા વર્તનને લીધે મારો વહેમ સચ્ચાઈમાં પરિવર્તિત થવામાં ગફલત ખાઈ ગયો. મેં એને સીધેસીધું અને આડકતરી – બંને રીતે પૂછવાનો પ્રયાસ કર્યો પણ મારી મારા જ ચરિત્ર વિશે જાણવાની હર તરકીબ નિષ્ફળ ગઈ. સમગ્ર બાબત હું એના મોઢેથી સાંભળવા માંગતી હતી પણ મારો હર પ્રયાસ એને મારાથી દૂર કરી રહ્યો હતો. ધીમે ધીમે એની મુલાકાતો પણ ઘટી ગઈ. દર બે દિવસે થનારી મુલાકાતો હવે સપ્તાહમાં બદલાવા લાગી હતી.

હું પણ જાણું છું કે કોઈ પણ નવા કપલમાં એકબીજાની નજીક આવવાની ઉત્સુકતા હોય, એકબીજાને સમજવાની તાલાવેલી હોય અને ક્યારેક એ માટે મનની સાથે સાથે બે શરીરને પણ એકબીજાનો સંપર્ક કરાવવો જરૂરી બની જાય છે. જો એણે એક વાર મારી સામે માંગ મૂકી હોત તો હું પણ કદાચ એની સામે મારી લાગણીઓનો એકરાર કરી શકી હોત, પણ એણે તો મારું સ્વમાન જ છીનવી લીધું. શુ હક હતો એને મારા ચારિત્ર્ય પર ઘાત પહોંચાડવાનો ???

"હરામખોર, સાલો ! ધિક્કાર છે એ ભડવાને..!" અનંતના અવાજમાં પણ ગુસ્સાની ઝલક હતી. તે નુપૂર સાથે જે કઈં બન્યું એના માટે ખૂબ જ દુ:ખ અનુભવી રહ્યો હતો. એ પછી તેણે ગુસ્સામાં એવા પણ કેટલાક શબ્દો ઉચ્ચાર્યા કે જેનું અહીં આલેખન શક્ય નથી પરંતુ જે વ્યક્તિ નુપૂરનો દર્દ અને મજબૂરી સમજી શકે છે તે એ વિશે તરત જાણી જશે."

"એથી પણ મોટો આઘાત તો મને આ ઘટના બન્યા પછીના દોઢેક મહિના બાદ મળ્યો, જ્યારે હું પ્રેગનેન્ટ થઈ. મને તાવ આવવા લાગ્યો, એક દિવસમાં બે વાર ઉલટી થવા લાગી. ચક્કર આવવા લાગતા, કઈં જ ખાવાની ઈચ્છા ન થાય અને એ પછી મારા મેનસ્ટ્રુઅલ સાઈકલમાં પણ ચેન્જ આવ્યો. ત્યારબાદ જ્યારે મેં મારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કર્યો તો, ત્યારે તેમણે મને પહેલાં વાઈરલ ઇન્ફેક્શનની દવા આપી. છતાં પળ હાલતમાં કોઈ સુધારો ન આવતા તેમણે મને ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવા સૂચન કર્યું પરંતુ સ્ત્રીસહજ સ્વભાવને લીધે અને એક રીતે કહું તો આળસમાં એમની વાત પર મેં બીજા દોઠેક મહિના સુધી ધ્યાન ન આપ્યું. ધીમે ધીમે જ્યારે શારીરિક ફેરફારો વધવા લાગ્યા ત્યારે મને ચિંતા થઈ અને મેં મારા મમ્મીને સાથે લઈને ગાયનેકોલોજિસ્ટને મળવાનું નક્કી કર્યું."

"કોન્ગ્રેચ્યુલેશન્સ !!! યુ આર પ્રેગનેન્ટ..." જ્યારે અમારા ફેમિલી ગાયનેક ડૉ. શીતલ પટેલ પાસેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શીતલ પટેલ મારી મમ્મીની ક્લાસમેટ અને સારી ફ્રેન્ડ હતી. આ શબ્દો સાંભળીને હું માનસિક રીતે ત્યાં જ તૂટી ગઈ હતી. મારી સાથે ખાસ સંપર્ક ન હોવાને લીધે એમને મારી સગાઈની કોઈ જાણ ન હતી. તે સમયે, મારી માએ વાત સંભાળવાનો નિશ્ચય કર્યો. મારા કરતાં પણ એને વધુ આઘાત લાગ્યો હતો પણ જો એ કોઈ એકતા કપૂરની સિરિયલવાળી માની જેમ રડવા લાગત તો કદાચ હું ફરી બેઠી ન થઈ શકી હોત. હું હજી આઘાતમાં હતી. મારી આંખો ખુલ્લી તો હતી પણ છતાં મારી આંખ આગળ અંધારા આવી ગયા હતા. હું દિશાશૂન્ય થઈ ચૂકી હતી. મારી આજુબાજુની તમામ વસ્તુઓ જાણે ચકરાવે ચઢી હોય એમ હું અનુભવી રહી હતી. હું રડતી તો હતી પરંતુ મારી આંખોમાં આંસુ ન હતા. મારી માએ ખૂબ જ શાંતિ અને નમ્રતાથી બાબત સાચવી હતી અને પછી મને બધી જ આપવીતિ કહેવા જણાવ્યું અને મેં કહ્યું પણ ખરા...તે શાંત હતી કારણ કે એને પોતાની પરવરિશ પર એટલો તો ભરોસો હતો જ કે એની દીકરી ક્યારેય પોતનું કેરેક્ટર હાથે કરીને તો જોખમમાં નહિ જ મૂકે.

જ્યારે તેણે તમામ બાબતો જાણી ત્યારે એને ઉપરાઉપરી બીજા ઘણા પ્રત્યાઘાતો મળ્યા પણ તે હજી પણ સ્વસ્થ હતી. કારણ કે એ મા હતી. અમે આ બાબતને મારા પિતા સાથે વ્યક્ત ન કરવાનો નિર્ણય કર્યો, પણ દિવ્યાંશના પરિવાર સાથે આ વિશે વાત કરવી જરૂરી હતી કારણ કે હવે આ એક નહિ પરંતુ બે જિંદગીનો સવાલ હતો. જ્યારે અમે એના પરિવાર સાથે વાત કરી ત્યારે, તેના પરિવારે આ બાબતને નફ્ફટાઈથી નકારી કાઢી. તેઓ તેમના શબ્દો પર ચોંટી ગયા હતા. ઉપરથી એ લોકોએ મારી પાસે મારું ચરિત્ર શુદ્ધ હોવાનું સર્ટિફિકેટ માંગ્યું. દિવ્યાંશ મૂક પ્રેક્ષકની માફક આ બધો તમાશો જોઈ રહ્યો હતો. તેના પરિવારના હરેક સભ્યે મને અને મારી માતાને ન બોલવાના શબ્દો બોલ્યા, ગાળો ભાંડી, એના બાપે તો મારી માને પણ શક્ય તેટલી વધુ વાર ચરિત્રહીન કહીને સંબોધિત કરવામાં કોઈ શરમ રાખી ન હતી, પરંતુ તે મીંઢાની જેમ એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચૂપ નીચી નજર રાખીને ઊભો હતો. હાર સ્વીકારીને હું ને મારી મા - અમે બંને ઈશ્વર કોઈ ન્યાય કરશે એ અપેક્ષાએ ત્યાંથી નીકળી ગયા. પાછા ખરતી વેળાએ મારી મમ્મીએ મારા પેટમાં જીવનનો આકાર પામી રહેલા બાળક વિશે પૂછ્યું. હું તદ્દન ભાંગી પડી હતી. માતૃત્વ ધારણ કરવું એ દુનિયાની તમામ સ્ત્રીઓ માટે સ્વર્ગ સમાન હોય છે પણ મારે અનિચ્છાએ અને સમાજની અસ્વીકૃતિના ડરથી એ સ્વર્ગને ખંડિત કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. મેં એબોર્શન કરાવવાનું નક્કી કર્યું.

બીજો આઘાત ત્યારે મળ્યો જ્યારે અમે તે અપશુકનિયાળ દિવસે ઘરે પરત ફરયાં.

"શું થયું હતું એ પછી ?", અનંતે ગંભીર અને તૂટક અવાજે પ્રશ્ન કર્યો.

ફાઈનલ સ્ટેજનું કેન્સર અને એમાં પણ સિવિયર હાર્ટ એટેકના કારણે મારા પિતા જમીન પર ફસડાઈ ગયા હતા. હું દોડીને તેમની નજીક ગઈ અને મમ્મીની મદદથી તેમને પાસે પડેલી ખુરશીમાં ઊંચકીને બેસાડ્યાં. પાડોશીઓ પણ અમારી મા દીકરીનું આક્રંદ સાંભળીને ભેગા થઈ ગયા અને તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. મેં તેમની નજીક પડેલા એમના મોબાઇલમાં જોયું તો એમાં કોઈ મૂવી ચાલતું હોય એવું લાગી રહ્યું હતું. જ્યારે મેં તેને મારી હાથમાં ઉચક્યો, ત્યારે મારાથી ચીસ પડાઈ ગઈ. તે મારી સાથે કરવામાં આવેલા બળાત્કારનો એમએમએસ હતો. દિવ્યાંશે એ બધી પળોને કેમેરામાં કેદ કરી હતી જે એણે મારી સાથે નશાની હાલતમાં વીતાવી હતી. તેણે આ મૂવીને અજાણ્યા નંબરથી મારા પપ્પાને મોકલીને એ સિમ તોડીને ફેંકી દીધુ હતું. અમે મારા પપ્પાને હોસ્પિટલમાં લઈ ગયા અને તેમની સારવાર શરૂ કરાવી. તે ખૂબ જ ગંભીર હાલતમાં હતા. મારો એક મિત્ર, જે મારી સાથે અભ્યાસ કરતો હતો તે બધી જ દોડાદોડ કરતો અને એનો પરિવાર પણ પણ મને શક્ય તેટલી મદદ કરતો કારણ કે અમુક વર્ષો પહેલા એ પરિવારે પણ દિવ્યાંશ જેવા કોઈ પાપીના હોથમાં પોતાની દીકરીનો હોથ સોંપી દીધો હતો, જે ક્યારેય પોતાના મૈયર તરફ પરત જ ન ફર્યો.

એ દરમ્યાન, કોઈને પણ ખબર ન પડે એ રીતે, મારે મારા ગર્ભાશયમાં ઊછરી રહેલા એ બાળક વિશે વિચારવું પડતું હતું. મારું જીવન કોઈ ચક્રવ્યૂહથી કમ ન હતું એ વખતે. જિંદગી કંટાળાજનક લાગતી હતી જીવવાની બધી જ આશાઓ મરી પરવારી હતી. હું જીવતી તો હતી પણ લાશ બનીને. પળેપળ મારો જીવ ઘોંટાઈ રહ્યો હતો. હું જીવનનો આનંદ માણવાનું ભૂલી ચૂકી હતી. ન તો કોલેજમાં જવું અને ન તો મારા મિત્રોમાંથી કોઇને મળવું. હર તરફથી નિરાશા, નિષ્ફળતા અને નારાજગીનો ચિતાર હતો. પપ્પાની તબિયત હવે થોડી સુધાર પર હતી. મેં એબોર્શન પણ કરાવી લીધુ હતું. જીવનમાં એક કીડી ન મારનાર છોકરીને એક જીવતા બાળકની હત્યાનું પાપ કરવું પડ્યું હતું. ડો. શીતલ પટેલે તો એ બાબત માટે સાફ ના પાડી દીધી હતી કારણ કે એમના મત મુજબ મરવું કે મારવું એ કોઈ સમાધાન ન હતું પણ મારી જે રીતની હાલત હતી એ પ્રમાણે મને કોઈ જ માર્ગદર્શન ગળે ઊતરતા ન હતા. ઘણી વખત, મેં આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું, પરંતુ મારા પરિવારની આજીવિકા અને મારી જવાબદારીઓએ મને એ કાયરતાભર્યુ પગલું ભરતા અટકાવી દીધી. એક છોકરી તરીકે સ્વભાવવશ હું નમ્ર હતી પરંતુ ડરપોક જરા પણ નહીં કે હું આત્મહત્યા કરી લઉ. છેવટે મે જિંદગી સામે જંગ જીતવાનું નક્કી કર્યું. મેં આગળ વધીને મારું એમબીએ પૂર્ણ કરવાનું નક્કી કર્યું. દરમિયાનમાં તમારી કંપનીમાં નોકરી મળી અને આજે આપણે અહીં છીએ ". નુપૂરે એક લાંબા ઉચ્છવાસ સાથે પોતાની વાત પૂરી કરી. હજી પણ અનંતે તેનો હાથ પકડી રાખ્યો હતો અને એને સતત પોતાની તરફ ખેંચી રહ્યો હતો, છેવટે નુપૂરએ પોતાનો હાથ પાછો ખેંચ્યો અને અનંત એના વિચારોની ગર્તામાંથી બહાર આવ્યો. એની આંખોમાં આછકલાં આંસુની સાથે સાથે થોડી શરમની લાલી પણ હતી.

# # #