દીલની કટાર
પ્રેમ લક્ષણાભક્તિ
પ્રેમલક્ષ્ણા ભક્તિ એ એક પ્રેમનો પ્રકાર, ઇશ્વર સમીપ પહોંચવાનું તપ, એક મીઠું સમર્પિત અને પળપળ પરોવાયેલી એક પ્રક્રિયા જેમાં આસ્થા સાથે ધીરજ બંધાયેલી છે.
પ્રેમમાં સમપર્ણનો ભાવ હોય તોજ પ્રેમ સાચો કહેવાય છે. ભક્તિમાં પણ સમર્પિત થયા વિનાં ભગવાન મળતો નથી. આમ પ્રેમ કે ઇશ્વર મેળવવા માટે સમર્પણ જરૂરી છે.
પ્રેમને વાસના સાથે સદાય જોડી ના શકાય. પ્રેમલક્ષણ ભક્તિમાં વાસનાને ક્યાંય સ્થાન નથી. એક બીજા સાથે પ્રણય થયા બાદ એમાં લય આવે છે આ લય જીવ-શરીર અને ઓરામાં પરોવાય છે.
સમર્પિત પ્રેમમાં કોઇને બતાવવાની કે જતાવવાની જરૂર પડતી નથી એ સ્વયંભૂ હોય છે એમાં વિશ્વાસ એટલો કે આસ્થા સાથે વફાદારી મહત્વની છે. મન, કાયા, વચનથી એકમેક સાથે પૂરી વફાદારીથી બંધાયેલાં હોવું જરૂરી છે એમાં ક્યાંય છલાવાને સ્થાન નથી.
છલાવો કરવો... એ છળ એ પ્રણય પથનો મોટો અવરોધ છે અને એ ક્યારેય પ્રેમનાં લક્ષ્ય સુધી પહોંચડતો નથી એ પ્રેમ નથી કામચલાઉ આકર્ષણ કે મોહ હોય છે.
પ્રેમ કરવો એજ પ્રેમલક્ષણા ભક્તિ છે કારણ કે પ્રેમ એજ ઇશ્વર છે.
પ્રેમ અને ઇશ્વરમાં સંપૂર્ણ સામ્યતા છે પ્રેમ થવો એક એવી સ્વયંભૂ પ્રક્રિયા હોય છે જેમાં કોઇ આગવું કે અગાઉ કરેલું આયોજન નથી હોતું. આયોજીત પ્રયોજન એ પ્રેમ નહીં પસંદગી છે.
પ્રેમ એ આત્માનો અવાજ છે આત્મા એજ પરમાત્મા એ પરમાત્માનો જ અંશ છે. પ્રેમની પ્રક્રિયા થયા પછી એમાંથી આંદોલીત થયેલો લય વધુ આકર્ષિત કરે છે એ લયમાં પ્રવાહીત થઇને સ્પર્શમાં આનંદ લેવાય છે. સ્પર્શ એ આંખથી શરૂ થતાં અનુભવ છે. આંખો પોતે સ્પર્શી નથી શક્તી થતાં આંખોથી થતો સ્પર્શ ખૂબ મીઠો અને અનોખો હોય છે. આંખો મળે... પ્રેમનો લય અંતરમાં ઉતરી જાય છે. આંખોનાં સંવાદ પછી એમાં વાસના નહીં પણ સ્પર્શીને થવાનો પ્રેમ ઉમડે છે. અંતરમનની પ્રેમની સંવેદના પ્રકટ કરવા માટે સ્પર્શનો સહારો લેવાય છે. જે અંતરમનની વાચા બને છે.
ઇશ્વરે આપેલું તન એ લયમાં પરોવાય છે અને તનથી તનનો પ્રેમ આલ્હાદક લયમાં પરિણમીને આંદોલિત થયાં પછી અંગથી અંગ પરોવાઇને પણ પ્રેમ જતાવાય છે એમાં વાસના નહીં પ્રણ ઉમડી આવતાં પ્રેમની તૃપ્તિ છે.
સાચાં પ્રેમમાં તન જે ભાગ ભજવે છે એમાં પ્રેમની પરિતૃપ્તિનો એહસાસ છે પાપ નથી. ઇશ્વરે આપેલાં અંગો એનુ કામ કરે છે.
માત્ર વાસનાથી તૃપ્તિ માટે બંધાયેલો સંબંધ પ્રેમ નથી એ સોદો છે એમાં ચૂકવણીમાં કોઇને કોઇ માધ્યમ હોય છે.
પ્રેમલક્ષ્ણા ભક્તિમાં કોઇ બીજો આર્થિક કે કોઇપણ પ્રકારનો વ્યવહાર નથી હોતો પણ પ્રેમનો તહેવાર હોય છે.
ઇશ્વરે પણ પૃથ્વી પર જન્મ લઇને સાચો પ્રેમ કેવી રીતે કરવો સમજાવ્યો છે અને એવાં ઘણાંય ઉદાહરણ છે કે પ્રેમલક્ષણા ભક્તિમાં સર્વસ્વનો ત્યાગ કરીને સંપૂર્ણ સમર્પણનો ભાવ હોય અને માત્ર ઇશ્વરને પામવા માટેની ભક્તિ પ્રેમ દર્શાવે છે. જેવાંકે મીરા, નરસિંહ, કબીર, વગેરે.
પ્રેમલક્ષ્ણાં ભક્તિ એ "પ્રેમ" જ છે અને પ્રેમ પામવા માટે યોગ્યતા પાત્રતા જોઇએ. વ્યવહાર કે બીજા કોઇ કારણનાં ઓઠા હેઠળ તમે છલાવા ના કરી શકો.
અંતરમનમાં પ્રેમ કરો છો એનાં સિવાયનો કોઇ વિચાર પણ તમારી પાત્રતા નંદવાઇ જાય છે. જેને પ્રેમ કરો છો માત્ર એની જ મૂર્તિ હોય એનું જ સ્વરૂપ હોય બાકી એ પ્રેમલક્ષ્ણા ભક્તિને સમાન નથી હોતું માત્ર વિચાર હોય છે જે હકીકત નથી બની જતું.
પ્રેમમાં પડવું અને પછી એને પૂરી પાત્રતા સાથે નિભાવવું. એજ સાચી પ્રેમલક્ષ્ણા ભક્તિ છે અને એજ પાત્રતા હોય તો ઇશ્વર પણ સદાય સાથ આપે છે.
અસ્તુ...
દક્ષેશ ઇનામદાર "દીલ"