પ્રતિશોધ પ્રથમ અંક
ભાગ:8
26 જાન્યુઆરી 2001,અમદાવાદ,ગુજરાત
૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં દિવસે ગુજરાતમાં આવેલાં ભયાનક ભૂકંપે વીસ હજાર લોકોનો ભોગ લીધો અને લાખો લોકોને બેઘર કરી મૂક્યાં. કચ્છ બાદ આ ભૂકંપની સૌથી વધુ અસર અમદાવાદ ખાતે નોંધાઈ હતી અને અમદાવાદમાં પણ હજારો લોકો માટે આ ભૂકંપ કાળ સાબિત થયો હતો.
શંકરનાથ પંડિત માટે પણ આ ભૂકંપ એક એવાં સમાચાર લઈને આવ્યો હતો જે સાંભળી એમનું હૈયું હચમચી ઉઠ્યું. હજારો વખત શક્તિશાળી આત્માઓને પોતાનાં વશમાં લેનારાં પંડિતમાં એ દુઃખદ સમાચારનો સામનો કરવાની હિંમત નહોતી.
આ કાળમુખા દિવસે નિરંજન રહેતો હતો એ ફ્લેટ ધરાશાયી થઈ ગયો; જેમાં ફ્લેટનાં કાટમાળ નીચે દબાઈ જવાથી નિરંજન અને સોનાલીનું મૃત્યુ થયું. સૂર્યા ભૂકંપ આવ્યો એ સમયે પોતાનાં સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં હતો એટલે એનો જીવ બચી જવા પામ્યો હતો.
આ ખબર મળતાં જ શંકરનાથ પંડિત ગ્રીસથી તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યાં. એમને ઘણી શોધખોળ કરી ત્યારે એમને સૂર્યાની ભાળ મળી. એક સરકારી છાવણીમાં સૂર્યા જ્યારે પંડિતને મળ્યો ત્યારે એની હાલત જોઈને પંડિતની આંખો ભરાઈ આવી. સૂર્યા માટે થઈને જીવનનાં આ પડાવ પર આવી પડેલી આ વિપદાનો સામનો કરવાનો મક્કમ ઈરાદો શંકરનાથે બનાવી લીધો હતો.
ભૂકંપના સાત દિવસ બાદ જ્યારે કાટમાળ હેઠળથી મળેલો પોતાનાં પુત્ર અને પુત્રવધુનો મૃતદેહ શંકરનાથને જ્યારે સોંપવામાં આવ્યો ત્યારે એ વૃદ્ધ માણસ નાના બાળકની માફક રડી પડ્યો. આમ છતાં સૂર્યાને સહીસલામત જોઈ શંકરનાથને જીવવાની આશા બંધાઈ અને એ નિરંજન તથા સોનાલીનો અંતિમ સંસ્કાર કરી અમદાવાદથી મયાંગ આવી ગયાં.
આ આઘાતમાંથી બહાર આવતાં શંકરનાથને બે મહિના જેટલો સમય લાગી ગયો. સૂર્યા ના હોત તો શક્યવત શંકરનાથ જીવવાની ઉમ્મીદ ખોઈ બેઠાં હોત પણ પોતાનાં પૌત્ર સૂર્યા માટે એમને હવે જીવવાનું મન બનાવી લીધું હતું.
એક દિવસ જ્યારે શંકરનાથ પોતાનાં રૂમમાં બેઠાં-બેઠાં કંઈક લખી રહ્યાં હતાં ત્યારે સૂર્યા એમની જોડે આવ્યો અને ઉત્સુકતા સાથે બોલ્યો.
"દાદાજી, તમે શું લખો છો? અને તમે આ આકૃતિ બનાવી એ શેની છે?"
સૂર્યાને ત્યાં આવેલો જોઈ શંકરનાથે ડાયરી બંધ કરી અને સૂર્યાના સવાલનો જવાબ આપતાં કહ્યું.
"સૂર્યા, હું છે ને શૈતાન વિશે પુસ્તક લખી રહ્યો છું."
"દાદાજી, શૈતાન કોને કહેવાય.?"
"જેને સામાન્ય લોકો જોઈ ના શકે પણ જેની અંદર રહેલી ખરાબ શક્તિઓનો મનુષ્ય અનુભવ કરી શકે એવી અદ્રશ્ય આસુરી શક્તિઓને મુસ્લિમ લોકો શૈતાન કહે છે."
"મતલબ કે ભૂત-પ્રેત?"
"હા આપણે જેને ભૂતપ્રેત કહીએ એને ઈસ્લામમાં શૈતાન કે જીન્ન અને ક્રિશ્ચિયાનીટીમાં ડિમન કહીને સંબોધાય છે."
"તો શું સાચેમાં શૈતાન હોય છે.?"
"હા દીકરા, શૈતાન હોય છે અને આ અંગેનો ઉલ્લેખ તો કુરાન-એ-શરીફમાં પણ મોજુદ છે." શંકરનાથે કહ્યું. "જેમ આપણાં માટે ભગવતગીતા, ખ્રિસ્તી લોકો માટે બાઈબલ પવિત્ર છે એમજ, મુસ્લિમ લોકો માટે કુરાન પવિત્ર છે."
"દાદા, મને જણાવશો આ શૈતાન વિશે?" સૂર્યાએ ઉત્કંઠા સાથે કહ્યું. "મારે જાણવું છે કે કુરાનમાં આખરે શૈતાન વિશે શું લખેલું છે."
સૂર્યાને પોતાનાં જોડે પલંગ પર બેસાડી શંકરનાથ પંડિતે એને કુરાનમાં વર્ણવેલા શૈતાનનાં પ્રસંગ અંગે જણાવવાનું શરૂ કર્યું.
"મનુષ્યની જ્યારે ઉત્તપત્તિ નહોતી થઈ ત્યારે ઈશ્વરે પોતાનાં પ્રતિબિંબ મુજબ આદમ અને આદમની જરૂરિયાત મુજબ હવા નું સર્જન કર્યું. એ બંને ખુદાનાં બગીચા ઈડનમાં જ રહેતાં; ઈશ્વરે એમને ત્યાંની દરેક વસ્તુ વાપરવાની છૂટ આપી હતી. આદમ અને હવા નિઃવસ્ત્ર જ એકબીજાની સાથે રાજીખુશીથી રહેતાં પણ એમની અંદર કોઈ વિકાર કે વાસનાનો ભાવ નહોતો. ખુદા એ એમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે આ બાગમાં રહેલ જ્ઞાનનાં વૃક્ષ પરથી સફરજન તોડીને ખાવાનું નથી."
"આદમ અને હવા કોઈ ફરિશ્તાની માફક ઈડનમાં જીવી રહ્યાં હતાં ત્યાં એક શૈતાન સર્પ નું રૂપ ધારણ કરીને આવ્યો અને હવા ને સફરજન તોડીને ખાવા માટે ભ્રમિત કરી. હવાની વાત માની આદમે પણ વૃક્ષ પરથી સફરજન તોડ્યું અને ખાઈ લીધું. આ સફરજન ખાધા પછી આદમ અને હવા એકબીજા સામે નગ્ન અવસ્થામાં ના આવી શક્યાં કેમકે એમની અંદર હવે શૈતાની વસ્તુઓ ઘર કરી ગઈ હતી. એ બંને એ પોતાની જાતને અંજીરના પત્તાંથી ઢાંકી લીધી"
"આ વાતની જ્યારે ખુદાને જાણ થઈ ત્યારે પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની સજારૂપે ખુદા એ આદમ અને હવાને ઈડન છોડીને પૃથ્વી લોક પર આવવાનો આદેશ આપી દીધો. મુસ્લિમ ધર્મનાં લોકો માટે એ બધાં આદમ અને હવાની સંતાનો છે. આપણી અંદર પણ નાના મોટાં પ્રમાણમાં લાલચ, લોભ, માયા, મોહ, વાસના,નફરત રૂપે શૈતાન મોજુદ જ છે પણ આપણી અંદર રહેલી સારપ એને ઉપર આવતાં અટકાવતી હોય છે."
"આમ આ ઘટનાનાં અનુસંધાનમાં કહું તો શૈતાન એ તમારાં મન અને અતૃપ્ત ઈચ્છાઓને હથિયાર બનાવી તમારી અંદરની સારપનો અંત કરનારો એક દૈત્ય છે."
સૂર્યા શાંતિથી પોતાનાં દાદાનાં મુખે શૈતાન અંગેની વાત સાંભળતો રહ્યો. ખબર નહીં કેમ, સૂર્યાને આ બધી વાતો વિશે જાણવું અને સાંભળવું ખૂબ જ પસંદ આવી રહ્યું હતું. એક સોળ વર્ષની યુવતીનાં શરીરમાં પ્રવેશેલા શૈતાનને નીકળવાની વિધિ કરવા પોતે જ્યારે ઈરાક અને ઈરાન બોર્ડર નજીક આવેલાં બસરાહ શહેરમાં ગયાં હતાં; એ ઘટના અંગે પણ શંકરનાથ પંડિતે સૂર્યાને જણાવ્યું.
શંકરનાથ પંડિતની શૈતાન સાથે થયેલી સામસામાં મુકાબલાની રોચક કહાની સાંભળીને સૂર્યાએ શંકરનાથ તરફ પ્રશ્નસૂચક નજરે જોતાં કહ્યું.
"દાદાજી, એક વાત કહું!"
"એમાં પૂછવાનું થોડે હોય!" સૂર્યાના માથે હાથ ફેરવી વૃદ્ધ પંડિતે કહ્યું. "બોલ શું કહેવું છે.?"
"દાદાજી, હું નરી આંખે આત્માઓને જોઈ શકું છું. મને નાનપણથી જ એવી વસ્તુઓ નજરે ચડે છે જે બીજાને નથી દેખાતી. આ અંગે મેં જ્યારે મમ્મી-પપ્પાને અને મારાં મિત્રોને કહ્યું તો એ લોકો મારી હાંસી ઉડાવવા લાગ્યાં. એમને કહ્યું કે ભૂત-પ્રેત કે આત્મા જેવું કંઈ નથી હોતું, એ બધી મનઘડંત કહાનીઓ છે."
સૂર્યાના મુખેથી આ વાત સાંભળતા જ શંકરનાથ પંડિતને આંચકો લાગ્યો; જો કે આ આંચકો શંકરનાથ માટે સુખદ હતો. પોતાનો પૌત્ર પોતાનાં કૌટુંબિક વારસાને આગળ ધપાવશે એ વિચારી શંકરનાથ પંડિતએ સસ્મિત સૂર્યાને ઉદ્દેશીને કહ્યું.
"સૂર્યા, તને મળેલી આ શક્તિનો તું જગતનાં લોકોનાં ઉદ્ધાર માટે ઉપયોગ કરીશ. કાલથી જ હું તારી તાલીમ શરૂ કરી દઈશ."
અગોચર શક્તિઓને જોવાની સૂર્યાની આ જન્મજાત ક્ષમતા વિશે સાંભળ્યાં બાદ વૃદ્ધ શંકરનાથ પંડિતનની જીજીવિષા પુનઃ જાગૃત થઈ ઉઠી.!
★★★★★★★
ઓક્ટોબર 2001,દુબઈ
એડવોકેટ સિદ્દીકીએ આધ્યાને જણાવ્યું હતું કે એ ચાર-પાંચ દિવસની અંદર ડાયવોર્સ માટેનાં જરૂરી કાગળિયાં તૈયાર કરી દેશે. આધ્યા જ્યારે સિદ્દીકીને મળીને ઘરે આવી ત્યારે એને જમવાની થોડી પણ ઈચ્છા નહોતી; આધ્યાએ પોતાનાં માટે કોફી બનાવી અને કોફીનો કપ ભરી હોલમાં બેઠી-બેઠી પોતાની જીંદગીમાં થઈ રહેલી એક પછી એક ઘટનાઓ વિશે વિચારવા લાગી.
સમીરને ડાયવોર્સ આપીને પોતે ખોટું તો નહોતી કરી રહીને! આ પ્રશ્ન વારંવાર આધ્યાને પરેશાન કરી રહ્યો હતો. છેલ્લાં ત્રણ-ચાર મહિનાની છોડી દેવામાં આવે તો ત્રણ વર્ષ લાંબું પોતાનું લગ્નજીવન આમ તો ખૂબજ સારી રીતે પસાર થયું હતું; એટલે સમીર સાથે પસાર કરેલ એ સુખદ સમયને યાદ કરી આધ્યાનું મન અને હૃદય અત્યારે દ્વંદે ચડ્યું હતું.
એકવાર તો અધ્યાને થયું કે એડવોકેટ સિદ્દીકીને ડાયવોર્સ પેપર તૈયાર કરવાની મનાઈ ફરમાવી દે પણ બીજી જ ક્ષણે ચાર મહિનાથી પોતાની દોજખ બનેલી જીંદગીનો ખ્યાલ આવતાં જ એને આ વિચાર પડતો મુક્યો. સાહિર લુધિયાનવી સાહેબનાં પોતાની પસંદગીનાં ગીતની પંક્તિઓ આધ્યાનાં નિર્ણયને આ ક્ષણે પ્રોત્સાહન આપી રહી હોય એવું લાગી રહ્યું હતું.
"વો અફસાના જીસે અંજામ તક લાના ના હો મુમકીન,
ઉસ અફસાને કો કોઈ ખુબસુરત મોડ દેકર છોડના અચ્છા."
લગ્નજીવનની આ હાલકડોલક થતી નૈયામાંથી સમયસર ઉતરી જવામાં જ ભલાઈ છે એમ વિચારી આધ્યાએ આખરે સમીર સાથે ડાયવોર્સ લેવાનો મક્કમ નિર્ધાર કરી જ લીધો હતો. આ માટે પોતાને જે કંઈપણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એમાંથી પસાર થશે એવો દૃઢ નીર્ધાર કરી આધ્યાએ રેહાનાને કોલ કરી ત્રણ-ચાર દિવસમાં પોતાનાં રહેવા માટે કોઈ સારી અને સસ્તી જગ્યા શોધવા વિનંતી કરી.
જે વ્યક્તિ સાથે સાત જન્મ સુધી સાથે રહેવાના સપના જોયાં હતાં, એ જ વ્યક્તિથી અલગ થઈ જવાનો તકલીફદાયક નિર્ણય લઈ લીધાં બાદ આધ્યા જ્યારે સુવા માટે પોતાનાં બેડરૂમમાં પ્રવેશી ત્યાં એનાં ફોનમાં વ્હોટ્સઅપ નોટિફિકેશન આવી.
આધ્યાએ ફોનનું ફિંગર લોક ખોલીને જોયું તો સમીરનો મેસેજ હતો. જેમાં એને લખ્યું હતું કે, પોતે ઓફિસનાં એક અગત્યનાં કામે ઈન્ડિયા જઈ રહ્યો છે. કાલે સવારે નવ વાગે એની ઓફિસમાંથી એક વ્યક્તિ કપડાં અને સફર માટે અન્ય જરૂરી સામાન લેવા આવશે તો એને બધું વ્યવસ્થિત એક બેગમાં પેક કરીને આપી દેવાનું પણ મેસેજમાં લખ્યું હતું.
"આ વ્યક્તિ જોડે રહેવું નિરર્થક છે; ફોન ઉપર કહેવાની વાત મેસેજ કરીને જણાવે છે.!" ગુસ્સાથી મનોમન બબડતી આધ્યા સમીરનો સામાન પેક કરવામાં લાગી ગઈ.
આધ્યા જ્યારે સમીરનો સામાન પેક કરી રહી હતી ત્યારે બેડરૂમની કાચની બારીની બીજી તરફ બેસેલો એક કાગડો પોતાનાં અંગારા જેવી આંખોથી આધ્યાની તરફ જોઈ રહ્યો હતો.!
*********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)