Self Made: Inspired by the life of Madam C J Walker
Netflix પરની આ વેબ સિરીઝ "મેડમ સી જે વૉકર" ના નામ થી જાણીતા અમેરિકામાં વસતા નિગ્રોસ જાતિની એક સ્ત્રીની સત્ય ઘટના પર આધારિત વાર્તા છે.
સૌથી પહેલા મેડમ સી જે વૉકર નો ટૂંકો પરિચય આપી દઉં જેથી વેબ સિરીઝ માં રહેલ પાત્રને બરાબર સમજી શકાય. એમનો જ્ન્મ ૨૩ ડિસેમ્બર,૧૮૬૭ માં થયો હતો. એમના માતા પિતા Louisiana (એક અમેરિકન રાજ્ય) માં ખેતમજૂર તરીકે ગુલામી કરતા હતા. એમનું બર્થ નામ "સારાહ બ્રાન્ડલવ" હતું. ૬ વર્ષની ઉંમરમાં અનાથ થયા, ૧૪ વર્ષની ઉંમર માં લગ્ન થયા અને ૨૦ વર્ષની ઉંમરે વિધવા થયા. પહેલાં પતિ થી એમને એક દીકરી હતી, લુલિયા....પછી એ પોતાની દીકરી ને લઈને St. Louis (અમેરિકાના મિસ્સોઉરી રાજ્યનું એક શહેર) જતી રહે છે અને ત્યાં વૉકર નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કરી લે છે.
એપિસોડ ૧
વેબ સિરીઝની શરૂઆત કંઈક આમ થાય છે કે સારાહ એના વાળને ખૂબ જ મહત્વ આપતી હોય છે. એનું માનવું એવું છે કે વાળ એ સ્ત્રીની સુંદરતાની નિશાની છે, એક વારસો છે, આત્મા વિશ્વાસ છે, એક પાવર છે...એક દિવસ માર્કેટમાં વાળનો ગ્રોથ વધારવા માટેની એક ક્રિમ વેચવા ઉભી હોય છે અને ત્યાંજ એક નિગ્રો સ્ત્રી આવીને પૂછે છે કે આ ક્રિમ સાચેમાં વાળ વધારવાનું કામ કરશે? ત્યાં જ સારાહ એનો વ્યક્તિગત અનુભવ શેર કરે છે.
એ એક લોન્ડ્રેસ તરીકે કામ કરતી હોય છે અને જેમ તેમ કરીને ગુજરાન ચલાવતી હોય છે. સતત ટેન્શનમાં રહેવાથી એને Scalp Disorder નામનો રોગ થાય છે જેથી એના વાળ ખરવા લાગે છે. આ કદરૂપા દેખાવ થી એના પતિ પણ એને નફરત કરવા લાગે છે. અંદરોઅંદર એ દુઃખી થતી હોય છે અને એના આ કદરૂપા પણા ને લીધે ભગવાન ને કોષતી રહેતી હોય છે ...
એક દિવસ Addie નામ ની સ્ત્રી વાળનો ગ્રોથ વધારવા માટેની એક ક્રિમનું માર્કેટીંગ કરવા સારાહ ના ઘરે આવી ચડે છે અને સારાહ ને વાળ ના ટ્રીટમેન્ટ માટે વાત કરે છે....સારાહ Addie ના સલૂનમાં વાળ ની ટ્રીટમેન્ટ લે છે. વાળ વધતાંની સાથે સાથે એમનો આત્મા વિશ્વાસ પણ વધતો જાય છે...ટ્રીટમેન્ટ લેતા લેતા સારાહ અને Addie ના સંબંધો પણ સારા એવા મજબૂત થતા જાય છે અને એક દિવસ સારાહ એ Addie સામે એની આ ક્રિમ વેચવાનો પ્રસ્તાવ મુક્યો... સારાહ એક નિગ્રો સ્ત્રી હતી એટલે Addie એના પ્રસ્તાવ નો અસ્વીકાર કરે છે...સારાહ એના સલૂન માંથી થોડી ક્રિમ એને પૂછ્યા વગર લઈને માર્કેટમાં વેચવા જાય છે..
આટલી વાત સાંભળી નિગ્રોસ સ્ત્રીઓ એની પાસેથી Addie ની ક્રિમ ખરીદવા લાગે છે..સારાહ કમાણી ના પૈસા લઈને Addie ના સલૂન જાય છે અને કહે છે કે એને સાબિત કરી બતાવ્યું કે એ પણ ક્રિમ વેચી શકે છે..આ વાત સાંભળી Addie ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને એને અપશબ્દો કહી એનું અપમાન કરે છે....દુઃખી થયેલી સારાહ ઘરે આવીને, આંખમાં આંસુ પણ મજબૂત ઈરાદા સાથે પોતાની એક અલગ વાળ વધારવાની ક્રિમ બનાવા લાગે છે અને એમાં સફળ થાય છે..એણે બનાવેલી ક્રિમ બધાને પસંદ આવે છે અને ધીરે ધીરે એના ગ્રાહકો વધતા જાય છે...
એક દિવસ સારાહ ના પતિ સી. જે. ની બહેન નો પત્ર આવે છે જેમાં એને ૨૦ હજાર ક્રિમ નો ઓર્ડર આપ્યો હોય છે અને એના સાથે પૈસા પણ મોકલ્યા હોય છે.. પત્રમાં એને લખ્યું હોય છે કે ઘણા બધા નિગ્રોસ Indianapolis (અમેરિકાના ઇન્ડિયાના રાજ્યનું એક શહેર) માં રહેવા જઇ રહ્યા છે કારણકે મંદીના લીધે ત્યાં પ્રોપર્ટીમાં ના ભાવ નીચે જઈ રહ્યા છે....સારાહ એના પતિને સમજાવી Indianapolis શીફ્ટ થવાનું નક્કી કરે છે..
સારાહ એના પતિ, દીકરી અને જમાઈ સાથે Indianapolis માં એના સસરા ના ઘરે રહેવા જાય છે અને ત્યાં વાળ વધારવાની ક્રિમ માટે માર્કેટિંગ કરવા લાગી જાય છે...ત્યાં પોતાના ઘરમાં જ "Walker Hair Saloon" નામનું સલૂન ખોલવાનું વિચારે છે.... પોતાની સાથે સાથે નીગ્રો સ્ત્રીઓને પણ સ્વાવલંબી બનવવાનું સપનું એ જોવે છે... ગ્રાન્ડ ઓપેનિંગ ના દિવસે એક પણ વ્યક્તિ ત્યાં આવતું નથી પણ સારાહ એની હિમ્મત હારતી નથી...એનું માનવું હોય છે કે આજે વાવેલા બીજ આવતીકાલથી ફળો આપવા ના લાગે.. બધું સેટ થતા સમય તો લાગે..એના જુસ્સાને ડબલ કરીને પુરજોશ માં માર્કેટિંગ કરવા લાગે છે અને ધીમે ધીમે ગ્રાહકો એના સલૂન માં આવવા લાગે છે અને એનો ધંધો વધવા લાગે છે...આ જોઈને સારાહ ખૂબ ખુશ હોય છે...
ત્યાં અચાનક જ એક દિવસ એને માર્કેટ માં Addie મળે છે અને એ પણ Indianapolis માં એનું સલૂન ખોલવાની વાત કરે છે...Addie ને ત્યાં જોઈને સારાહ ને થોડી ચિંતા તો થાય છે પણ હિમ્મત હારતી નથી...એક દિવસ ચર્ચમાં સારાહ અને Addie પોતપોતાના સલૂનનું માર્કેટિંગ કરવા લાગે છે અને બન્ને હરીફાઈ માં ઉતારી આવે છે..મજાની વાત તો એ છે કે સિરીઝમાં વચ્ચે વચ્ચે સારાહ અને Addie ની WWF ની ફાઇટ બતાવે છે એ ઘણું રસપ્રદ લાગે છે...
આ બધાની વચ્ચે અચાનક એક દિવસ સારાહ ના સલૂન માં આગ લાગી જાય છે અને બધું સળગી જાય છે..આવા કઠિન સમય માં પણ Addie ત્યાં આવીને એના ગ્રાહકો ખેંચવાનું કામ કરે છે.. વાગ્યા પર જાણે વધુ ઘા આપતી હોય એમ Addie શબ્દોના પ્રહાર કરે છે... મુશ્કેલી ના સમયે પણ પોતાના સપનાઓ પર અડગ રહેતી સારાહ આજ જગ્યા પર ફેક્ટરી ખોલવાનું ઓપન ચેલેન્જ Addie ને આપે છે અને કહે છે કે આજ થી મને “મેડમ સી જે વોકર” કહેવાનું શરૂ કરી દે.... અને ત્યાં એપિસોડ ૧ નો અંત આવે છે....
એપિસોડ - ૨
બીજો એપિસોડ કંઈક આ રીતે શરૂ થાય છે કે સારાહ, એના પતિ સી. જે. વોકર અને એમનો એક કર્મચારી રેન્સમ ફેક્ટરી ખોલવાની જગ્યા પર કેટલાક રોકાણકાર સાથે વાતચીત કરતા હોય છે અને એમને બિઝનેસનો ફ્યુચર પ્લાનિંગ સમજાવતા હોય છે પરંતુ કોઈ પણ આ ધંધામાં રોકાણ કરવામાં રસ બતાવતું નથી અને ત્યાંથી બધા જવા લાગે છે... એ લોકો ને મનાવવા સારાહ એમની પાછળ પાછળ બહાર આવે છે ત્યાં જ અચાનક એની નજર દીવાલ પર લગાવેલા પોસ્ટર પર જાય છે..આ પોસ્ટર બૂકર ટી. વોશિંગ્ટન નામના વ્યક્તિના બિઝનેસ કોન્ફરન્સ નું હોય છે જે Indianapolis માં થવાનો હોય છે...બૂકર આફ્રિકન અમેરિકન કોમ્યુનિટીનો નેતા અને એક ખ્યાતનામ વ્યક્તિ હોય છે...સારાહ એના પતિને ગમે તે રીતે બૂકર ના કોન્ફરન્સની ટિકિટ ખરીદી લાવવા કહે છે..એ બૂકર ને મળીને તેના બિઝનેસ વિશે વાત કરવા માંગતી હતી અને એનું સહમતી પત્રક લેવા માંગતી હતી જેથી લોકો એના ધંધામાં રોકાણ કરે...
એક દિવસ સારાહ રેન્સમના ઘરે જાય છે ત્યાં રેન્સમની પત્ની નેટ્ટીને મળે છે જે સારાહને બૂકરના પત્ની માર્ગરેટ દ્વારા ચલાવવામાં આવતા કલબમાં મેમ્બરશીપ મળી ગયા ની વાત કરે છે... સારાહ એનો આભાર વ્યક્ત કરતી જ હોય છે ને એટલે માં જ રેન્સમ ત્યાં આવે છે અને સારાહ ને કહે છે કે ફેક્ટરી ખોલવા ૧૦૦૦૦ ડોલર ની સગવડ કરવી થોડી મુશ્કેલ છે..બંને જણા ફેક્ટરી ખોલવા પૈસા ક્યાંથી લાવવા એ માટેના અનેક રસ્તાઓ વિશે વિચારે છે.. તે સારાહ ને કહે છે કે થિઓડોર નામના એક અમીર અમેરિકન વ્યક્તિ કદાચ તેના ધંધામાં રોકાણ કરવામાં મદદ કરે..તરત જ સારાહ થિઓડોરના ઘરે વાત કરવા પોહચી જાય છે.... પરંતુ થિઓડોરની નિયત સારાહ ને જોઈને બગડે છે અને તે ત્યાંથી ભાગી છૂટે છે..વિખરાયેલા વાળ અને અસ્તવ્યસ્ત કપડાં એ વાતના સાક્ષી હતા કે ત્યાં કંઈક અજુગતી ઘટના ઘટી હશે....સારાહ થોડીક તૂટી પણ જાય છે આ ઘટનાથી....એવામાં એનો પતિ બૂકરના બિઝનેસ કોન્ફરન્સ ની ટિકિટ લઈને આવે છે..સારાહ ને એક આશા જાગે છે કે બૂકર તેની મદદ કરશે...
પોતાની વાત રાખવાનો મોકો મળશે એ આશા સાથે સારાહ પતિ સાથે કોન્ફરન્સ માં જાય છે ત્યાં એ માર્ગારેટ અને બીજી નિગ્રો સ્ત્રીઓ ને મળે છે અને પોતાના પ્રોડક્ટ વિશે વાત કરે છે..કોન્ફરન્સમાં એની આખી બાજી ઊંધી પડે છે...એની હરીફ Addie ત્યાં સ્ટેજ પર આવીને પોતાના બિઝનેસનું માર્કેટિંગ કરી જાય છે અને સારાહને બોલવાનો મોકો મળતો નથી..સારાહ ડિપ્રેસનમાં આવી જાય છે અને પોતાને એક રૂમમાં બંધ કરી દે છે...આ એના સપનાઓ પૂરા કરવાની એક મોટી તક હતી....એ રાત્રે રેન્સમ પોતાના સેવિંગ માંથી ૫૦૦ ડોલર સારાહ ને આપે છે અને પોતે એની કંપનીનો પહેલો રોકાણકાર છે એમ કહી એને હોંસલો વધારે છે....સારાહ હજી પણ હાર માનતી નથી....
કોન્ફરન્સના બીજા દિવસે માર્ગારેટ અને બીજી નિગ્રો સ્ત્રીઓ ને હેર સ્ટાઇલ કરી આપવાના બહાને સારાહ એ જગ્યા પર જલ્દી પોહચે છે ત્યાં નિગ્રો સ્ત્રીઓના આત્મનિર્ભર બનવા માટે અને પોતાના પતિઓની ગુલામી માંથી બહાર આવવા કહે છે..એમને સન્માનભેર જીવવા માટે પ્રેરણા આપે છે...ત્યાં રહેલી સ્ત્રીઓ ના આત્મા ને જાણે કોઈએ જગાડ્યો ના હોય એવું વાતાવરણ ઉભું થાય છે...આટલું કહ્યા પછી સારાહ બિઝનેસ કોન્ફેરેન્સ જ્યાં ચાલતો હોય એ રૂમમાં જાય છે અને કોઈ ને કાંઈ કીધા વગર જ સ્ટેજ પર ચઢી જાય છે...ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બધા સામે પોતાના બિઝનેસની વાત રાખે છે અને નિગ્રો સ્ત્રીઓના ઉન્નતિની, એમના આત્મનિર્ભરતા ની વાત કરે છે..આખો કોન્ફેરેન્સ રૂમ તાળીઓના ગળગળાટ સાથે ગુંજી ઊઠે છે....પછી બૂકર એને બેક સ્ટેજ પર લઈ જઈને સીધેસીધું કહી દે છે કે એને એના બિઝનેસ માં કોઈ જ રસ નથી એ ફકત અત્યારે નિગ્રો પુરુષોને સશક્ત બનાવવા માટે કામ કરે છે....સારાહની આશા પર એકાએક પાણી ફેરવાઈ જાય છે....હતાશ ચેહરે એ ઘરે પાછી આવે છે..હવે શું કરવું એ સમજાતું નથી..એટલામાં જ ડોરબેલ વાગે છે.. દરવાજો ખોલતા સામે માર્ગરેટ અને બીજી નિગ્રોસ સ્ત્રીઓ ઉભી હોય છે.. બધા પોતપોતાના બચતમાંથી થોડા પૈસા લઈને આવી હોય છે અને સારાહની ફેક્ટરી માં રોકાણ કરવા માંગે છે, આત્મનિર્ભર બનવા માંગે છે....આ જોઈ સારાહ ની ખુશીનો પાર નથી રહેતો અને બધા ભેગા મળીને પાર્ટી કરીને મજા કરે છે એ રાત્રે.... આ સાથે એપિસોડ ૨ નો અંત આવે છે...
એપિસોડ - ૩
સારાહનો બિઝનેસ ધમધોકાર ચાલવા લાગે છે અને હવે એ “મેડમ સી જે વોકર” તરીકે ઓળખવા લાગે છે....સારાહ ફેક્ટરી ખોલવાના પોતાના સપનાને સાચે જીવી રહી હોય છે...દિવસ રાત મેહનત કરે છે અને નિગ્રો સ્ત્રીઓની ટીમ તૈયાર કરે છે...સારાહની પ્રસિધ્ધિ દૂરદૂર સુંધી ફેલાય છે સાથે સાથે મેડમ સી જે વોકરના સપનાઓ પણ વધતા જાય છે..આ બાજુ સારાહ ની હરીફ Addie નો સલૂન બિઝનેસ ચોપટ થતો જાય છે..સારાહનો બિઝનેસ તો દિવસે ને દિવસે વધતો જાય છે પણ એના પતિ સાથેનો સંબંધ ઘટતો જાય છે....મિ. વોકરને એવું લાગે છે કે સારાહ પૈસા પાછળ ભાગી રહી છે....સારાહ ના સમયના અભાવે એ એકલતાનો અનુભવ કરે છે અને ફેક્ટરીના સેલ્સ ટીમની છોકરી ડોરા સાથે અફેર કરી બેસે છે...સારાહ આ વાતથી અજાણ હોય છે.....આ બાજુ સારાહ ની દીકરી લુલિયાનો પતિ જ્હોન પણ સારાહ ના વર્તનથી ખુશ નથી હોતો એટલે Addie ને ધંધાની બધી ખાનગી વાતો કહી આવે છે અને બદલામાં પૈસા કમાઈ છે....
સારાહ એની દીકરી ને પણ એના જેટલી કાબીલ બનાવા માંગે છે એટલે એક દિવસ બિઝનેસ ડીલ માટે એને પોતાની સાથે ન્યૂ યોર્ક લઈ જાય છે અને ત્યાં એની પ્રોડક્ટ ડીલ સફળ થાય છે.... ન્યૂ યોર્કથી પાછા ફરતા જ સારાહ ને સમાચાર મળે છે કે એની સેલ્સ ગર્લ્સને Addie ના સલૂનમાં કામ કરવા લાગી ગઈ હોય છે.... તરત જ સારાહ એમાની એક સેલ્સ ગર્લ ડોરાના ઘરે વાતચીત કરવા માટે જાય છે અને ડોરાના રૂમમાંથી પોતાના પતિને કઢંગી હાલત માં જુએ છે અને સારાહ ત્યાં જ સ્તબ્ધ થઇ જાય છે....આ બાજુ લુલિયાને ખબર પડે છે કે એનો પતિ જ્હોન Addie સાથે મળેલો છે એટલે એ તલાક લઈ લે છે ... લુલિયાને ન્યૂ યોર્કમાં આ બિઝનેસ સેટ અપ કરવો હોય છે એટલે સારાહ ને કહીને એ ન્યૂ યોર્ક જતી રહે છે....ત્યાં પણ એ સફળ થાય છે...આમ એપિસોડ ૩ નો અંત આવે છે.
એપિસોડ -૪
ન્યૂ યોર્ક ટાઇમ્સ ના પેહલા પેજ પર મેડમ સી જે વોકર ની સફળતાની ચર્ચા થવા લાગે છે..એક નિગ્રો સ્ત્રી મિલેનીઓર તરીકે ઓળખાવા લાગે છે અને એની કંપની, પ્રોડક્ટ અને સલૂન ની ચર્ચા દૂરદૂર સુંધી થવા લાગે છે....સારાહ પણ હવે પોતાની દીકરી સાથે ન્યૂ યોર્કમાં રહેવા જતી રહે છે..ત્યાં અચાનક એક દિવસ પાર્ટીમાં એને ચક્કર આવે છે અને પડી જાય છે...હોસ્પિટલ માં હોશ આવતા ડૉક્ટર એને કહે છે કે એની બંને કીડનીઓ ખરાબ થઈ ગઈ છે અને હવે એની પાસે જીવવા માટે વધુ સમય નથી....આ વાત પોતાના ફેમિલી થી એ છુપાવે છે....એને ચિંતા થવા લાગે છે કે એને ઉભી કરેલી આ ઓળખ નું હવે શું? એની દીકરી લુલિયાને લગ્ન કરી સેટલ થવા માટે કહે છે...એની એવી ઈચ્છા હોય છે કે એના ગયા બાદ મેડમ સી. જે. વોકર કંપની એમ જ ચાલતી રહે જેમ પેહલા ચાલતી હતી...નિગ્રો સ્ત્રીઓ આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવી શકે એવું જોવા માંગતી હોય છે.....સારાહ પોતાના કર્મચારીઓ માટે એક ભવ્ય પાર્ટી નું આયોજન કરવાનું વિચારે છે..લગભગ ૧૦૦૦૦ કર્મચારીઓ ને ભેગા કરવાનું નક્કી કરે છે...
હવે સારાહ નો પતિ વૉકર એને મનાવવા ન્યૂ યોર્ક આવે છે અને ઘણા પ્રયત્નો કરે છે પરંતુ સારાહ માનતી નથી અને છેવટે એને તલાક આપી દે છે.... એક દિવસ લુલિયા એક ગરીબ નીગ્રો છોકરી ફેરી ને લઈને ઘરે આવે છે જેના વાળ બહુ જ સુંદર હોય છે ... સારાહ એને પોતાની પ્રોડક્ટ ની એડમાં કામ આપે છે... એના કામ અને વ્યક્તિત્વથી ખુશ થઇ સારાહ એને દત્તક લઇ લે છે કારણકે એ જાણતી હોય છે કે લુલિયા એકલી બધું નહિ સાંભળી શકે..... સારાહ પોતાના બિઝનેસ માં હવે દીકરી લુલિયા ને વધારે ઇનવોલ્વ કરવા લાગે છે....સારાહ એક બિઝનેસ ડીલ કરે છે જેમાં એની હેર પ્રોડક્ટ કેમિસ્ટ પણ વેચી શકે છે..આ ડીલ એના બિઝનેસને નવી ઊંચાઈ સુંધી પોહચાડવામાં મદદ કરી શકે તેમ હોય છે પરંતુ પાર્ટીમાં આવેલા કર્મચારીઓ અને સેલ્સ ટીમ એ ડીલનો વિરોધ કરે છે ... ઘણા વિચારો કર્યા બાદ સારાહ એ ડીલ કેન્સલ કરવાનું પાર્ટીમાંજ એલાન કરી દે છે અને બધા આ ભવ્ય પાર્ટી ને સારી રીતે માણે છે...બિઝનેસની પ્રગતિ સાથે સાથે કર્મચારીઓની પ્રગતિ પણ એના માટે એટલી જ જરૂરી હતી...કર્મચારીઓ એની સાચી મિલકત છે એવું એનું માનવું હતું... સારાહ ને એના મોતના ભણકારા વાગવા લાગે છે.. પરંતુ એ ખુશ હોય છે એને જે નામ અને ઈજ્જત કમાઈ હોય છે એનાથી....
સારાંશ
એક નીગ્રો ખેતમજુર ની દીકરી જે ગરીબ ઘરમાં જન્મેલી અને વધુ ભણેલી પણ નોહતી છતાં એને પોતાના સપનાઓને સાકાર કરી લીધા. આ વાર્તા એક સ્ત્રીના સપનાઓની, એની હિમ્મતની, એના અડગ આત્મા વિશ્વાસની જે પોતાની સાથે બીજી સ્ત્રીઓને પણ આત્માનિર્ભર બનાવા માંગે છે, એમની ઉન્નતિ ઈચ્છે છે. આ વાર્તા "સારાહ બ્રાન્ડલવ" થી "મેડમ સી જે વૉકર" બનવાની એક નીગ્રો સ્ત્રીની યાત્રાની છે.