Gamdani Prem Kahaani - 4 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | ગામડાની પ્રેમ કહાની - 4

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ગામડાની પ્રેમ કહાની - 4

ગામડાની પ્રેમકહાની




સૌ પ્રથમ આ કહાનીનો ચોથો ભાગ મોડો પ્રકાશિત કરવા બદલ માફી ચાહું છું.

આ કહાની નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ નવલકથા ચાલું હતી. ત્યારે તેની અધવચ્ચે જ ચાલુ કરી દીધી હતી. જેનાં લીધે પહેલી નવલકથા પૂરી કરીને પછી જ આ કહાની આગળ વધારીશ એવો વિચાર આવતાં મેં આ કહાની અધવચ્ચે જ અધૂરી છોડી દીધી હતી.

હવે જ્યારે મારી પહેલી નવલકથા 'નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ' એ પૂરી થઈ ગઈ છે. તો હવે ફરીથી આ નવલકથા ચાલું કરું છું. જેમ મને મારી પહેલી નવલકથામાં તમે બધાંએ પ્રેમ અને સહકાર પૂરો પાડ્યો. એમ આ નવલકથામાં પણ એટલો જ પ્રેમ અને સહકાર આપશો, એવી આશા સાથે આજે 'ગામડાની પ્રેમકહાની' નો ચોથો ભાગ આપ સમક્ષ રજૂ કરી રહી છું.



ભાગ-૪

સુમનને જોવાં માટે છોકરો આવ્યો હતો. આ વાતથી સુશિલાબેન સિવાય બધાં જ અજાણ હતાં. મનન સુમનને કાંઈ પૂછે એ પહેલાં જ સુશિલાબેન ઉપર સુમનના રૂમમાં પહોંચી ગયાં.

"ચાલ સુમન તૈયાર થઈ ગઈ??"

"હાં, મમ્મી!!"

સુમનની હાં મળતાં જ સુશિલાબેન મનન સામે છણકો કરીને સુમનને લઈને નીચે જતાં રહ્યાં. મનન અંદરથી સાવ તૂટી ગયો હતો. જાણે કોઈએ હથોડીના ઘા ઝીંકીને તેનાં બધાં સપનાઓ તોડી નાખ્યાં હોય, એમ તે પડી ભાંગ્યો હતો.

સુમન માટે પણ આ પરિસ્થિતિ એટલી જ વિકટ હતી. તેને કોઈ રસ્તો નજર આવી રહ્યો નહોતો. સુમન એક પૂતળાની માફક સુશિલાબેનના ઓર્ડર અનુસરી રહી હતી. એક માતા ક્યારેય કઠોર નથી હોતી. પણ અમુક વખતે તે પોતાનાં સંતાનોની વધારે પડતી જ ચિંતા કરે છે. પરિણામે તેમનો પ્રેમ અને ચિંતા સંતાનોને ઓફિસમાંથી મળતાં ઓર્ડર જેવી લાગવા માંડે છે. એવું જ કંઈક આજે સુમન સાથે થઈ રહ્યું હતું.

સુશિલાબેને સુમનને ચાંદનીબેન પાસે બેસાડી દીધી. ચાંદનીબેન તો સુમનને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયાં. તેમણે પોતાનાં લાડકા દીકરા તનિષ માટે જેવી વહુંની શોધ હતી. સુમન બિલકુલ એવી જ હતી. સુશિલાબેન પાસેથી ચાંદનીબેને સુમન અંગે પહેલેથી જ બધું જાણી લીધું હતું. સુશિલાબેને ચાંદનીબેનના મોંઢે સુમનના પોટલાં ભરીને વખાણ કર્યા હતાં. પણ સુમન તો ચાંદનીબેનને એ વખાણ કરતાં પણ વિશેષ લાગી.

તનિષ પણ એકીટશે સુમન સામે જ જોતો હતો. બરાબર એ સમયે જ મનન ત્યાં આવ્યો. તનિષને સુમન સામે જોતાં જોઈને મનનથી એ વાત ના સહન થતાં તે તરત જ ઘરની બહાર જતો રહ્યો.

ચાંદનીબેને સુમન સાથે થોડી ઘણી વાતચીત કરી. પછી તરત જ તે સુશિલાબેન પાસે ગયાં. તેમની સાથે ઈશારામાં પોતાની 'હા' છે, એવું સમજાવીને પોતાનાં હિરા જડિત પર્સમાંથી એક બોક્સ કાઢ્યું. ચાંદનીબેન પહેલેથી જ રૂપિયાવાળા હતાં. આખાં અમદાવાદમાં તેમનું મોટાં ઉધોગપતિઓમાં નામ બોલાતું હતું. બસ આ લાલચે જ સુશિલાબેનને પોતાની દીકરીનો સંબંધ તનિષ સાથે કરવા અધીરા બનાવ્યાં હતાં.

ચાંદનીબેન એ બોક્સ લઈને તનિષ પાસે ગયાં. તેમણે જેવું એ બોક્સ તનિષને આપ્યું. એવો જ તનિષ એક જ ઝટકામાં લાકડાની કોતરણીવાળા સોફા પરથી ઊભો થઈ ગયો. ચાંદનીબેન જાણે તેનાં મનની વાત કળી ગયાં હોય. એમ તે તનિષને લઈને બહાર બગીચામાં જતાં રહ્યાં.

સુશિલાબેન, ધનજીભાઈ અને સુમન ત્રણેય ચાંદનીબેન અને તનિષના એવાં વર્તનથી અચંબિત થઈ ગયાં. કંઈક તો એવું હતું. જે આ બધાંથી છુપાવવામાં આવ્યું હતું. એ વાત બધાં સમજી ગયાં હતાં. પણ એવું તે વળી ચાંદનીબેને શું છુપાવ્યું હતું? એ કોઈને સમજ નાં પડી.

"મમ્મી, મેં માત્ર છોકરી જોવાની હાં પાડી હતી. આજે જ તેની સાથે સગાઈ કરી લઈશ, એવું નહોતું કહ્યું."

"હાં, તો વાંધો શું છે?? સુમન સારી છોકરી છે. એ મારાં ઘરની વહું બનવા બધી રીતે યોગ્ય છે. તો-"

"બસ કર મમ્મી!! એ તારાં ઘરની વહું બનવા યોગ્ય છે. એ તો તે જાણી લીધું. પણ હું તેને મારી પત્ની બનાવવાં માગું છું કે નહીં?? એ જાણવું તે જરૂરી નાં સમજ્યું!!"

"એમાં જાણવાનું શું છે?"

"આન્ટી, તમે જેની સગાઈ કરવાં માંગો છો. એ જ જો તૈયાર નાં હોય. તો એ શાં માટે તૈયાર નથી?? એ જાણવું તમારે જરૂરી છે." પાછળ દરવાજા પાસે ઉભાં રહીને તનિષ અને ચાંદનીબેનની વાત સાંભળીને ધીરજ ગુમાવી બેસેલી સુમન આખરે બોલી ઉઠી. હવે સવાલ એક નહીં. બબ્બે જીંદગીઓનો હતો. તનિષ પણ કદાચ આ સંબંધ માટે તૈયાર નહોતો. જેનાં લીધે સુમનને બોલવું જરૂરી લાગતાં એ વધું સમય ખુદને રોકી નાં શકી.

"તું ચૂપ રે, સુમન!! એમની વચ્ચે તારે બોલવાની જરૂર નથી." ગુસ્સામાં તમતમી રહેલાં સુશિલાબેન સુમન સામે આંખો કાઢવાં લાગ્યાં.

"તમે તેને ચૂપ રાખી શકશો. પણ હું ચૂપ નહીં રહી શકું. તમે લોકો ધારો તો આજે જ અમારાં બંનેનાં લગ્ન કરાવી દો. પણ કાંઈ લગ્ન એમ નથી થતાં." તનિષ એકદમ ભાવુક બની ગયો હતો. "સુમન તારામાં કોઈ ખરાબી નથી. પણ સાચું કહું તો હું મમ્મીની જીદ્દને લીધે આજ અહીં આવ્યો હતો. પણ હકીકત તો એ છે કે, હું મારી જ કંપનીમાં નોકરી કરતી નિશાને પ્રેમ કરું છું. આ વાત હું મમ્મી-પપ્પાને જણાવવા માંગતો હતો. પણ નિશાની ઘરે એ જણાવે. પછી જ હું કાંઈ કરી શકું એમ હતો. તો મેં વિચાર્યું કે, હું તને બધી વાત કરીશ. કદાચ તું મને સમજીશ. પણ હું તારી સાથે વાત કરી શકું. એ પહેલાં જ આ લોકો તો આપણી સગાઈના સપનાં સજાવવા લાગ્યાં હતાં."

"બસ થઈ ગયું હવે તો!! ચાંદની તારો છોકરો ગયો હવે તારાં હાથમાંથી!! આ પ્રેમનાં ચક્કરમાં પડે એ ક્યારેય તે શોધેલી છોકરી સાથે લગ્ન નાં કરે." સુશિલાબેને પોતાનાં શબ્દોના હથિયારોનો ચાંદનીબેન પર વાર કરવાનું ચાલું કરી દીધું.

"અરે સુશિલા, એમાં વાંધો શું છે?? મને તો આ બાબતની ખબર નહોતી. બાકી હું જ નિશાની ઘરે જઈને મારાં છોકરાં માટે તેનો હાથ માંગેત!! તારી છોકરીમાં કોઈ ખામી નથી. એ તો હું પણ માનું છું. પણ નિશામા પણ કાંઈ ઘટતું નથી."

ચાંદનીબેનના એવાં શબ્દો સાંભળી સુશિલાબેન અવાચક થઈ ગયાં. તેમની બાજી અવળી પડવાં લાગી હતી. હવે ચાંદનીબેન તનિષના લગ્ન સુમન સાથે કરાવે એવું તેમને નહોતું લાગતું.

"હાં, તે બિલકુલ સાચું કહ્યું. લગ્ન તો સંતાનો કહે ત્યાં જ કરાય. આખરે સંસાર તો તેમને જ ચલાવવો છે. આમ પણ હવે પહેલાં જેવું કયાં રહ્યું છે!! જ્યાં પ્રેમને ન્યાય ન મળે!! હવે તો બધાનાં પ્રેમ પ્રત્યે વિચારો બદલી ગયાં છે. પ્રેમથી જ તો સંસાર ચાલે છે." થોડીવાર પહેલાં જે સુશિલાબેન કડવાં વેણ બોલતાં હતાં. એ જ હવે જાણે મધ જેવાં મીઠાં શબ્દો બોલી રહ્યાં હતાં. એ સાંભળીને બધાંને નવાઈ લાગી. પણ સુશિલાબેન હોશિયાર હતાં. તનિષ સાથે સુમનના લગ્ન નહીં થાય. એ વાત તે જાણી ગયાં હતાં. તો હવે એમાં કાંઈ થઈ શકે એમ નહોતું. તો એ વાતને લીધે વર્ષો જૂની મિત્ર સાથે દુશ્મની કરવી સારી બાબત નહોતી. એ જાણતાં સુશિલાબેન મન મારીને આટલું મીઠડું બોલી રહ્યાં હતાં. જ્યારે તેમનાં હૈયે તો આગ લાગી હતી.

"સુમન, મને માફ કરી દેજે. તારી લાગણીઓ સાથે રમત રમવાનો મને કોઈ અધિકાર નહોતો. પણ પરિસ્થિતિ જ એવી હતી, કે મારે અહીં આવવું જ પડ્યું."

"હાં, બેટા અમને પણ માફ કરી દેજે. વાંક એકલાં તનિષનો જ નથી. મારે પણ તેની મરજી પૂછવી જોઈતી હતી. પણ હું મારાં ઘરમાં માત્ર વહું લાવવાંની ઈચ્છામાં ગાંડી થઈ ગઈ હતી. મેં ક્યારેય એ નાં વિચાર્યું, કે વહું ની સાથે એ તનિષની પત્ની પણ બનશે. તો મારે મારા પહેલાં તનિષની ઈચ્છા જાણવી જોઈએ."

"નાં આન્ટી, તમે આમ માફી નાં માંગો. ભૂલ કોઈ એકની નહીં. આપણાં બધાંની હતી."

સુમને બધાંની ભૂલ હતી. એમ કહીને સુશિલાબેનને વધું ગુસ્સો અપાવ્યો હતો. તનિષ અને તેનાં મમ્મી-પપ્પાએ સુમનના ઘરેથી વિદાય લીધી. સગાઈ નાં થવાની ખુશી સુમન અને ધનજીભાઈના ચહેરા પર સાફ નજર આવતી હતી. પણ સુશિલાબેન તો જાણે જ્વાળામુખીની જેમ ધગધગતો લાવા બની ગયાં હતાં. જે કેવું સ્વરૂપ ધારણ કરશે?? એ કહેવું મુશ્કેલ હતું.

"મળી ગઈ તમને લોકોને શાંતિ!! તમારી તો ઈચ્છા જ એ હતી, કે આ સગાઈ નાં થાય. એમાં તમારાં લોકોની વાણી ફરી!!" સુશિલાબેન પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય, ને તનિષ સુમન સાથે લગ્ન કરવાવાળો છેલ્લો છોકરો હોય. એમ મનફાવે એવું બોલીને ખોટાં આંસુ સારી રહ્યાં હતાં.

"તું હોસ્પિટલે ચાલી જા. તારી માઁ ને હું શાંત કરી લઈશ."

સુમન પોતાનાં રૂમમાં જઈને સાડી કાઢી રોજની માફક ડ્રેસ પહેરીને હોસ્પિટલે જવાં નીકળી ગઈ. સુશિલાબેનના નાટકો હજું પણ ચાલું જ હતાં. પણ ધનજીભાઈ અને સુમન ઉપર તેની કોઈ અસર નથી થતી. એ જાણતાં જ તેઓ પોતાનાં રૂમમાં જવા ઉભા થઈને ચાલવા લાગ્યાં.

"હવે સુમનના લગ્ન બાબતે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં એકવાર મને જરૂર પૂછી લેજો. આજે જેવા કારનામાં કર્યાં. એવાં કારનામાં ફરી કરવાનો વિચાર પણ નાં કરતાં." સુશિલાબેન પોતાનાં રૂમમાં જાય. એ પહેલાં જ ધનજીભાઈએ તેમને ચેતવણી આપી દીધી.

સુશિલાબેનની બધી મહેનત ઉપર પહેલેથી જ પાણી ફરી વળ્યુ હતું. એવામાં ધનજીભાઈની ચેતવણી પછી હવે પોતે સુમનના લગ્ન કેવી રીતે કરાવશે?? એ અંગે તેમને બીજી જ યોજના ઘડવી પડશે. એ વિચારનાં લીધે તે થોડાં વધું ચિંતિત થઈ ગયાં હતાં.

ધનજીભાઈ સુશિલાબેન દ્વારા રચાયેલ ખેલથી ખૂબ જ દુઃખી થયાં હતાં. તેમને પોતે જ્યારે સુશિલાબેનને જોવાં જતાં હતાં. એ દિવસ યાદ આવી ગયો.

"બેટા, હું તો કહું છું કે, તું સુશિલા સાથે લગ્ન નાં કરે તો જ સારું રહેશે. હું તેને નાનપણથી જોવ છું. તેનાં જીદ્દી સ્વભાવને આજ સુધી કોઈ પહોંચી વળ્યુ નથી. એ તારાં ઘરમાં આવશે, તો ઘરમાં કંકાસ વધશે." ધનજીભાઈના મિત્ર વ્રજલાલભાઈ દ્વારા બોલાયેલા આ શબ્દોને ધનજીભાઈએ સુશિલાબેનના બહારી દેખાવને ધ્યાનમાં રાખીને અવગણ્યા હતાં. જેનું પરિણામ તે આજ સુધી ભોગવી રહ્યાં હતાં.

વ્રજલાલભાઈ સુશિલાબેનના ઘરની પાસે જ રહેતાં. સુશિલાબેનની નાની મોટી દરેક વાતો અને જીદ્દથી તેઓ સારી રીતે પરિચિત હતાં. પણ ધનજીભાઈ તેમની એક વાત માન્યાં નહોતાં. આખરે માને પણ કેમ?? સુશિલાબેન નામ પ્રમાણે સુશિલ ભલે નહોતાં. પણ તેમની પાસે રૂપ એટલું હતું, કે કોઈ પણ છોકરો તેને નાં પાડી જ ન શકે. બસ, એ રૂપમાં જ ધનજીભાઈ પણ ફસાઈ ગયાં હતાં.

લગ્ન પછી જ્યારે જ્યારે સુશિલાબેન પોતાની જીદ્દ પૂરી કરવા કોઈને કોઈ નાટક કરતાં. ત્યારે ત્યારે ધનજીભાઈને વ્રજલાલભાઈના કહેલાં એ શબ્દો યાદ આવતાં. પણ આજ જે થયું એ પછી ધનજીભાઈએ એક મક્કમ નિર્ધાર કરી લીધો હતો. પોતે સુશિલાબેનની દરેક જીદ્દ આગળ ઝૂક્યા હતાં. પણ હવે સુમનને તે પોતાની જીદ્દનો શિકાર નહીં બનવા દે.

ભૂતકાળમાં એક ડોકિયું કરીને ધનજીભાઇ કડવી જૂની યાદો ખંખેરીને મનજીભાઈને મળવાં નીકળી પડ્યાં.





(ક્રમશઃ)